કોઈ હસી ગયો અને કોઈ રડી ગયો
કોઈ પડી ગયો અને કોઈ ચડી ગયો
થૈ આંખ બન્ધ ઓઢ્યું કફન એટલે થયું
નાટક હતું મઝાનું ને પડદો પડી ગયો
શેખાદમ આબુવાલા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for મનોજ ખંડેરિયા

મનોજ ખંડેરિયા શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




કોને – મનોજ ખંડેરિયા

લખવું છે નામ રેત પર કોને,
છે વફાદાર જળ-લહેર કોને.

કોણ કોને છળે, ખબર કોને,
રહગુજર કોને, રાહબર કોને.

કોઇ સામે નથી, કશું જ નથી,
તો ય તાકે છે નિત નજર કોને.

મ્હેકતી આંખ, મ્હેકતાં દૃશ્યો,
કોણ કરવાનું તરબતર કોને.

હું જ છું એક જે ગમું એને,
બાકી ભેટે છે પાનખર કોને.

મોતી નીકળ્યા કરે છે આંખોથી,
સ્વપ્નમાં આવ્યું માનસર કોને.

જાણું છું શ્વાસની દગાબાઝી,
છે ભરોસો હવા ઉપર કોને.

સર્વને આવકારે સમ-ભાવે,
ના કહે છે કદી કબર કોને.

બે ઘડી આ ગઝલ ગમી તો બસ,
દોસ્ત અહીં થાવું છે અમર કોને.

Comments (10)

આંગળીમાંથી – મનોજ ખંડેરિયા

સકળ જીવનની પીડા અવતરે છે આંગળીમાંથી
ન થતી જાણ ને વીંટી સરે છે આંગળીમાંથી

કરું જો બંધ મુઠ્ઠી- હસ્તરેખા થઈ જતી ભીની,
ઝીણું ઝાકળ સમું કૈં ઝરમરે છે આંગળીમાંથી

ન સ્પર્શાતું – ન તરવરતું – ન રોકાતું – ન સમજાતું
પવનથી પાતળું આ શું સરે છે આંગળીમાંથી

જીવનની શુષ્ક બરછટતાનું આશ્વાસન છે એક જ આ
સુંવાળું રોજ રેશમ ફરફરે છે આંગળીમાંથી

વીત્યાં છે વર્ષ પ્હેલા સ્પર્શની પૂનમને ઝીલ્યાને –
છતાં ભરતી હજી ક્યાં ઓસરે છે આંગળીમાંથી

પીળાછમ બોર જેવો પોષનો તડકો ઝીલ્યો એની –
હજી પણ વાસ કૈં આવ્યા કરે છે આંગળીમાંથી

ચમત્કારો નથી તો આ લખાતા શબ્દો બીજું શું?
સતત કાગળ ઉપર કંકુ ખરે છે આંગળીમાંથી

– મનોજ ખંડેરિયા

સૌજન્ય – ટહુકો.કોમ

આ ગઝલ ‘ટહુકો’ પર વાંચી અને એકદમ સોંસરવી અંદર ઉતરી ગઈ…..

Comments (9)

– કર્યું હતું – મનોજ ખંડેરિયા

એથી જ રંગરંગથી સઘળું ભર્યું હતું
આંખો મહીં પતંગિયાએ ઘર કર્યું હતું

નભમાં તરંગો આમ અમસ્તા ઊઠે નહીં
કોનું ખરીને પીછું હવામાં તર્યું હતું

ફળિયામાં ઠેર ઠેર પીળાં પાંદડાં પડ્યાં
એના જ ફરફરાટે ગગન ફરફર્યું હતું

આવીને પાછું બેઠું’તું પંખી યુગો પછી
ક્યાં અમથું શુષ્ક વૃક્ષ ભલા પાંગર્યું હતું

પોલાણ ખોલી બુદબુદાનું જોયું જ્યાં જરી
એમાંય એક આખું સરોવર ભર્યું હતું

આ શબ્દ મારા મૌનને એવા ડસી ગયા
ભમરાએ જાણે કાષ્ઠનું પડ કોતર્યું હતું

– મનોજ ખંડેરિયા

Comments (6)

ગઝલ – મનોજ ખંડેરીયા

રહસ્યોની ગુફામાં જઈ નિસરવું યાદ આવ્યું નહિ
સમયસર ‘ખુલ જા સિમ સિમ’ ઉચરવું યાદ આવ્યું નહિ

બરફ થૈ ને થીજી જાશુ સરળ સમજણ હતી કિંતુ
ભીના રહેવાના આનંદે નિતરવું યાદ આવ્યું નહિ

અમે જે બાળપણમાં ભીંત પર દોર્યું સરળતાથી
ઘણા યત્નો છતાં પાછું ચિતરવું યાદ આવ્યું નહિ

હતું એ હાથમાં ને રહી ગયું એ હાથમાં એમજ
ખરે ટાણે હુકમપાનું ઉતરવું યાદ આવ્યું નહિ

કલમથી શાહી બદલે દર્દ છંટકોર્યું છે કાગળ પર
બીજી કોઈ રીતે મન હળવું કરવું યાદ આવ્યું નહિ

– મનોજ ખંડેરીયા

સાદ્યંત સુંદર ગઝલ… અરેબિઅન નાઇટ્સની વાર્તા આ પહેલાં ગુજરાતી ગઝલમાં આટલી અદભુત રીતે ભાગ્યે જ કોઈ આલેખી શક્યું હશે… છંટકોર્યું જેવો શબ્દ પણ કેવી સહજતાથી ગઝલમાં ઊતરી આવ્યો છે !

આ ગઝલનો વિડિયો આપ અહીં માણી શક્શો.

પ્રસ્તુત ગઝલમાં બીજા નંબરનો શેર ચૂકી જવાયો હતો, જે જૂનાગઢથી કવિમિત્ર ઉર્વીશ વસાવડાએ મોકલાવી આપ્યો  છે. એ અહીં ઉમેરી દઉં છું… આભાર માનવો પડશે કે, ઉર્વીશભાઈ?

 

Comments (14)

જીર્ણ તરણી – મનોજ ખંડેરિયા

નયન માંજીને વિસ્મય આંજવાની આ તો કરણી છે
કલમ છે હાથમાં, શું રંગ-ઝરતી ફૂલ-ખરણી છે.

ચડું છું જે પગથિયાં એક ક્ષણમાં ગૂમ થઈ જાતાં
અને પૂરી ન થાતી કેમે એવી આ નિસરણી છે.

અહીંથી ત્યાં લગી છે પહોંચવાનું કેટલું દુષ્કર
વિરહ છે વસમી વૈતરણી, જીવન પણ જીર્ણ તરણી છે.

મળે છે સ્વચ્છ તડકો-ચાંદની-ઝાકળ ને વર્ષાજળ
ગગન આખુંય જાણે એક ગળણી નીલ-વરણી છે.

જીવનથી મોક્ષ માગે તું, જીવનને મોક્ષ માનું હું,
કે મારી જીવવાની સાવ અલગ વિચારસરણી છે.

હટે ક્યાં આંખથી આકાશ શૈશવની અગાસીનું
હજી પણ લોહીમાં એ ધ્રુવ, સપ્તર્ષિ ને હરણી છે.

કહો આથી વધુ શું જિંદગીમાં જોઈએ બીજું ?
ગઝલ છે, ગીર છે, ગિરનાર છે, સોરઠની ધરણી છે.

– મનોજ ખંડેરિયા

કેટલીક ગઝલો વાંચીએ એટલે ગઝલ, ગઝલકાર અને ગઝલના કથાવસ્તુ- ત્રણેયના પ્રેમમાં પડી જવાય છે. મ.ખ.ની આ ગઝલ કંઈક એવી જ જાદુઈ અસર મારા પર કરી ગઈ. હું તો ફૂલ-ખરણી શબ્દ પર જ ઓળઘોળ થઈ ગયો. દિવાળીની દિવસો ગયા એટલે ફૂલઝડી તો યાદ હોય જ પણ કલમને ફૂલ-ખરણી સાથે સરખાવીને કવિએ કમાલ કરી દીધી છે. ક્ષણ જેવી વીતી જાય છે કે ગાયબ થઈ જાય છે અને આવનારી ક્ષણો પણ અનંત છે. જીવનની નિસરણી જીવનપર્યંત કદી પૂરી થતી નથી… બધા જે શેર આસ્વાદ્ય પણ મારા જેવા વિજ્ઞાનના વિદ્યાર્થીને તો બધું ગાળીને સાફ સ્વરૂપે આપણને આપતી આકાશની ભૂરા રંગની ગળણી વધુ ગમી ગઈ.

Comments (8)

આજ હવે – મનોજ ખંડેરિયા

આભના જેવો જ કંઈ લાગે છે આજ હવે
મારા હોવાનો મને ભાર.

કેડીની જેમ હું તો રઝળું ચોમેર
મારા ભ્રમણનો આવતો ન અંત
આંબાની ડાળ જેવું આભ ભરી ઊગું ને
હાથ છેટી રહી જાય વસંત
ઓગળતો જાય હવે મીણની જેમ કાળ મારો
જેનો લઇ ઊભી આધાર.

છતટાંગ્યાં ઝુમ્મરની હું તો રે જ્યોત
મારી કાચમાંથી કાયા ઢોળાય
પછડાતી જાઉં આમ આખાયે ઓરડે ને
આમ નથી ઓરડે હું ક્યાંય

તારા ન આવવામાં ચંદનના ધૂપ શી હું-
બળતી ને મ્હેકે અંધાર.

-મનોજ ખંડેરિયા

કૃષ્ણ-વિરહમાં ઝૂરતી ગોપીનું ગીત છે…… સ્વ ની સંપૂર્ણ વિસ્મૃતિ…..

Comments (5)

ગઝલ – મનોજ ખંડેરિયા

સ્મરણ વાંસળી જેમ વાગે અવિરત
સૂણે જે તે જન્મારો જાગે અવિરત

ન સમજે સકળ તીર્થ છે પગના તળિયે
અને તીર્થ જાવાને ભાગે અવિરત

અહીં સાવ ખાલી થનારાને અંતે
સભર થઈ ગયા એવું લાગે અવિરત

સતત ઊંઘના રોજ ફુરચા ઊડે છે
ભીતર કોઈ જામગરી દાગે અવિરત

અમે સમજી વ્હોરીને કરતાલ ઝાલી
ખબર છે હજી કોઈ તાગે અવિરત

રહે નિર્વસન શબ્દ એનો ઝળકતો
પહેરેલું જે નામ ત્યાગે અવિરત

– મનોજ ખંડેરિયા

મરણ ન આવે ત્યાં સુધી સ્મરણ આવતાં જ રહે છે. જે સ્મરણમાં ડૂબે છે તેની જન્મારા આખાની ઊંઘ ઊડી જાય છે.

Comments (7)

છોડવા પડશે-મનોજ ખંડેરિયા

મથામણ અને તારણના સીમાડા છોડવા પડશે ;
સમજવા મનને સમજણના સીમાડા છોડવા પડશે.

અલગ દુનિયા નીરખવા ફ્રેમના નિર્જીવ ચોરસ બહાર,
પ્રતિબિંબોને દર્પણના સીમાડા છોડવા પડશે.

રમતમાં માત્ર પગલું મૂક્યું’તું આંકેલી રેખા બહાર,
ખબર નો’તી કે બચપણના સીમાડા છોડવા પડશે.

સમય લાગે છે એવું ક્યાં, સમયની પાર છે એ તો,
કે મળવા એને હર ક્ષણના સીમાડા છોડવા પડશે.

જીવનના કોચલાની બ્હાર નીકળવું છે – તો પ્હેલાં,
ત્વચાના તીવ્ર વળગણના સીમાડા છોડવા પડશે.

બગલમાં સત્યની લઈ પોટલી પાગલ ફર્યા કરતો,
સમજવા એને કારણના સીમાડા છોડવા પડશે.

નડે છે વાતની વાડો- બને છે અક્ષરો આડશ,
હવે કાગળ ને લેખણના સીમાડા છોડવા પડશે.

-મનોજ ખંડેરિયા

Comments (7)

બે ભાગમાં – મનોજ ખંડેરિયા

શૂન્યતા વ્હેંચાઈ ગઈ બે ભાગમાં.
એક મારામાં અને એક આભમાં

દોસ્ત, ત્યાં પીંછાને બદલે હું જ છું
જે જગા ખાલી પડી છે પાંખમાં

કયાં ગયું છે વ્હાણ એ વિશ્વાસનું
જે મૂકયું’તું તરતું તારી આંખમાં

હસ્ત-રેખા એટલે રેતી કહો
વન ઊગ્યાં છે થોરનાં આ હાથમાં

આટલો અજવાસ કાં ભીતર ઊઠ્યો
શું લીધું તડકા સમું આ શ્વાસમાં

-મનોજ ખંડેરિયા

Comments (8)

વચમાં જ્યાં થાય – મનોજ ખંડેરિયા

વચમાં જ્યાં થાય જરા તારો ઉલ્લેખ….
અને સળવળતી થાય પછી પીંછાની જેમ,
પછી ઈચ્છાની જેમ
મારા હાથની હથેળિયુંમાં વરસોથી સૂતેલી
તારા લગ પહોંચવાની રેખ….

ચાક્ળાના આભલામાં કાંઈ નહીં,
સામેની ખાલીખમ ખાલીખમ ભીંત
કેવડાની જેમ નથી ઓરડાઓ કોળતા ને
મૂંગું છે તોરણનું ગીત
સાવે રે સોનાના મારા દિવસો પર લાગી ગઈ
વરસો પર લાગી ગઈ
તારા અભાવની રે મેખ….

સૂકેલી ડાળી પર પાન ફૂટે એમ ફૂટું
સાંભળીને ક્યાંક તારું નામ
તારા હોવાનું ક્યાંય મોતી ન મળતું ને
ખાલી આ છીપ જેવું ગામ
મારા આ શ્વાસ હવે કાળની કંઈ સુકાતી શેરીમાં
લૂની જેમ ફૂંકતી શેરીમાં
ઘૂમે લઇ ઊગવાનો ભેખ….

– મનોજ ખંડેરિયા

એક એક પંક્તિ ખૂબ માવજતથી સર્જાઈ છે…. સંવેદનનું અત્યંત નાજુક આલેખન……

Comments (9)

આપણી જુદાઈ – મનોજ ખંડેરિયા

આપણી જુદાઈનું આ ભમ્મરિયું વ્હેણ
મને કોણ જાણે ક્યાંય જશે તાણી

ચંપાની ડાળ જેવું અહીંયાં નિત લીલુંછમ
ઝૂલવા છતાં ન ફૂલ ઊગ્યું
ઝંખ્યાનો કેવડો તો કોળ્યો ના કોઈ દિ’
ના એકેય વ્રત મારું પૂગ્યું
સુસવાતા દિવસોએ કાગળના જેવી આ
જાતને ક્યાં આજ મૂકી આણી

જળથી ભીનાશ બધી અળગી થઈ જાય
અહીં ચૈતરના તાપ પડ્યા એવા
અહલ્યાની જેમ મારી ઇચ્છા તો પત્થર
આ જીવતરના શાપ કોને કે’વા
એકલી કદંબ હેઠ બેઠેલી સૂનમૂન
ધેનુની આંખનું હું પાણી

– મનોજ ખંડેરિયા

અત્યંત મનમોહક રૂપકો……
ભગવાન બુદ્ધે કહ્યું છે – ‘ desire is the root cause of all misery.’ કોઈક ટીખળખોરે કહ્યું છે- ‘ desire-less life is miserable….. ‘

 

Comments (6)

ખૂબ અઘરું છે – મનોજ ખંડેરિયા

ઉઘાડાં દ્વારા હો તો પણ નીકળવું ખૂબ અઘરું છે,
ફરું છું લઈ મને, પણ ખુદને મળવું ખૂબ અઘરું છે.

પડી ગઈ સાંજ; હું સૂરજ નથી એ સત્ય છે કડવું,
ફરી ઊગવાના રંગો લઈને ઢળવું ખૂબ અઘરું છે.

નથી ટહુકો કે એ તૂટે; નથી પડઘો કે એ ડૂબે,
ગળે અટકેલ ડૂમાનું પીગળવું ખૂબ અઘરું છે.

નગર છે એવું કે માથે સતત લટકી રહી કરવત
નજર ચૂકાવીને ભાગી નીકળવું ખૂબ અઘરું છે.

અમે રચતાં ગયાં ને ધ્યાન- બારાં રહી ગયા અંદર
હવે લાક્ષા-ગૃહેથી પાછું વળવું ખૂબ અઘરું છે.

જરા પાછું વળી જોયું કે ખોવાનું છે પામેલું !
અહીં શબ્દોના શાપિત પંથે પળવું ખૂબ અઘરું છે.

– મનોજ ખંડેરિયા

મ.ખ.ની ગઝલો ગુજરાતી ગઝલના સરમુકુટનો કોહિનૂર છે. આખી ગઝલ મનનીય છે પણ મને લાક્ષાગૃહ ગમી ગયું… આખી જિંદગી આપણે આપણી ઇચ્છાઓ અને સ્વપ્નોના મહેલ ચણવામાં કાઢી નાંખીએ છીએ અને અંતે સત્ય સમજાય છે કે આપણે આપણી જાતને પણ ભીતર જ કેદ કરી દીધી છે… આ મહેલ વળી લાખના-તકલાદી છે અને અહીંથી બહાર નીકળવું પણ ખૂબ અઘરું છે…

Comments (15)

આપણે યે સરવાનું – મનોજ ખંડેરિયા

કાંચળી ઉતારીને સાપ સરી જાય એમ
આપણે યે સરવાનું ઘાસમાં.

એકાદી ક્ષણ કોઈ સરકે છે ખેસવીને
વરસોના રાફડાની ધૂળ
ઝંખનાની પાંદડીની વચ્ચેથી ઊઘડે છે
વીતકના મોગરાનું ફૂલ
હોવાના રંગ ઝરી જાય બધા નિશ્વાસે
આપણે સુવાસ લીએ શ્વાસમાં.

આપણે ન આંગણાનો તુલસીનો ક્યારો કે
આપણે ન ભીંત ઊભી અંધ
પાંદડાની લીલપને હોઈ શકે એટલો જ
આપણો આ ઘરથી સંબંધ
ખેરવેલાં પીંછાની ઊંડી લઈ વેદના
પંખી તો ઊડતું આકાશમાં.
કાંચળી ઉતારીને સાપ સરી જાય એમ
આપણે યે સરવાનું ઘાસમાં.

– મનોજ ખંડેરિયા

 

રમણીય રૂપકોમાં ખૂબીથી મઢાયેલી વસ્ત્રની જેમ બદલાતા રહેતા શરીરની અને શાશ્વત એવા આત્માની વાત છે.

Comments (8)

પરમ સખા મૃત્યુ :૦૯: ગુજરાતી ગઝલમાં ‘મૃત્યુ’ :કડી ૦૨

કવિતા કોઈ પણ ભાષાની કેમ ન હોય, મૃત્યુ હંમેશા આકર્ષણનો વિષય બની રહ્યો છે. ગઈ કડીમાં આપણે બેફામના મૃત્યુવિષયક શેરોનું સંકલન માણ્યું. આજે સિદ્ધહસ્ત કવિ મનોજ ખંડેરિયાની કલમે મૃત્યુના નાનાવિધ રંગોનું આચમન કરીએ.. એક જ કલમ એક જ વસ્તુના કેટકેટલા  આયામ જોઈ શકે છે એ વાત વિસ્મિત કરે છે…

 

મરણની હથેળીઓ થઈ જાય ભીની
તને એક પળ પણ વિસારી શકું તો

નીંદરની સાથ જીવ તો ઊડી ગયા પછી
સ્વપ્નોનાં શબ પડી રહ્યાં બિસ્તરની આસપાસ

લંગરો છૂટી ગયાં અને
શ્વાસનાં વ્હાણો સરી ગયાં

મારો અભાવ મોરની માફક ટહુકશે
ઘેરાશે વાદળો અને હું સાંભરી જઈશ

મનોજ નામની એક નદીના કિનારે
તજે કોઈ પીપળા નીચે બેસી શ્વાસો

હાથમાં આયુ-રેખા તૂટેલા
હું ફરું છું મરણ ઉપાડીને

શ્વાસના ધારદાર ચપ્પુથી
આ હવા મારું હોવું છોલે છે

નજૂમી, ઓળખે છે જેને તું આયુષ્ય-રેખા કહી
અમારે મન રૂપાળો મૃત્યુનો રસ્તો હથેળીમાં

નથી; સ્પષ્ટ આયુષ્ય-રેખા નથી,
હું મુઠ્ઠીમાં મારું મરણ સાચવું

સર્વને આવકારે સમ-ભાવે
ના કહે છે કદી કબર કોને

અંતમાં તેં વિખેરી નાંખીને –
વિશ્વભરમાં કર્યો અનંત મને.

તું અંતિમ ક્ષણે મોક્ષને માગ મા,
મહામોંઘા અવસરનો સોદો ન કર.

શ્વાસ સાથે જ ઉચ્છવાસ દીધા,
મોતની હારોહાર રાખ્યો તેં.

ખબર જો હોત કે આવું રૂપાળું છે તો ના ભાગત,
સતત નાહકનું તેં વાંસે મરણ દઈ અમને દોડાવ્યા.

લાખ રસ્તા ખુલી ગયા જ્યારે
થઈ ગયા બંધ શ્વાસના રસ્તા.

‘મૃત્યુ’ જેવો માત્ર ટૂંકા એક શબ્દે તેં કર્યો,
જિંદગીના કાવ્યનો આસ્વાદ પણ શું ચીજ છે.

જાણું છું મારી માલમતા માંહ્ય છે છતાં,
ખુલ્લો કબાટ છોડીને ચાલ્યો જવાનો ભાવ.

જાણી લો પાછી કોક દિવસ આપવાની છે,
આ જિંદગી તો એની ઉધારી છે પાનબાઈ.

રચી ‘મૃત્યુ’ જેવો શબ્દ સાવ ટૂંકો,
પ્રભુએ જીવનની સમીક્ષા કરી છે.

– મનોજ ખંડેરિયા

Comments (7)

અર્થ શો ? – મનોજ ખંડેરિયા

આ બધી તારી સ્મૃતિનો અર્થ શો ?
રિક્તતાની આ ગલીનો અર્થ શો ?

તું જ રસ્તો આમ લંબાવ્યા કરે,
તેં દીધાં ચરણો, ગતિનો અર્થ શો ?

રગરગે અંધાર વ્હેતો દેહમાં,
સ્પર્શની આ ચાંદનીનો અર્થ શો ?

છિદ્ર મારા પાત્રમાં છે કાયમી,
ત્યાં ઝૂકેલી વાદળીનો અર્થ શો ?

આ ઉદાસી આંખમાં અંજાઈ ગઈ,
દોસ્ત, સુરમાની સળીનો અર્થ શો ?

 

રામના બાણની જેમ સોંસરવી ઉતરી ગઈ આ ગઝલ…..

Comments (8)

…….અમને દોડાવ્યા – મનોજ ખંડેરિયા

ક્ષિતિજે ઘાસ જેવી લીલી ક્ષણ દઈ અમને દોડાવ્યા;
અમારામાં જ ઈચ્છાનાં હરણ દઈ અમને દોડાવ્યા.

અમે ક્યાં જઈ રહ્યા,ક્યાં પ્હોંચશું,એની ખબર ક્યાં છે,
અમારી ફરતું કાયમ આવરણ દઈ અમને દોડાવ્યા.

દીધું છે એક તો બેકાબૂ મન, ના હાથ રહેનારું,
વળી એમાં સલૂણી સાંભરણ દઈ અમને દોડાવ્યા.

અહીં આ રામગિરિની ટોચ પરથી છેક અલકા લગ,
અષાઢી સાંજનું વાતાવરણ દઈ અમને દોડાવ્યા.

બધાને દોડવા માટે દીધાં સપનાં ને આશાઓ,
અમે કમભાગી કે ના કંઈપણ દઈ અમને દોડાવ્યા.

ખબર જો હોત કે આવું રૂપાળું છે તો ના ભાગત,
સતત નાહકનું તેં વાંસે મરણ દઈ અમને દોડાવ્યા.

ઘસાતા બંને પગ ગોઠણ સુધીના થઈ ગયા પણ તેં –
થયું સારું કવિતાના ચરણ દઈ અમને દોડાવ્યા.

Comments (8)

અંજનીકાવ્ય – મનોજ ખંડેરિયા

આ ઘરની ભીંતો ને ઝાંપો
એને એવો ધક્કો આપો
આઘે દૂર ક્ષિતિજે સ્થાપો
.                      ત્યાર પછી જુઓ !

ઘરની આ સંકડાશ ન રહેશે
ઓછો કૈં અજવાશ ન રહેશે
ગૂંગળામણના શ્વાસ ન રહેશે
.                      ત્યાર પછી જીવો !

-મનોજ ખંડેરિયા

*

ગુજરાતી ભાષામાં અંજનીગીતો બહુ ઓછા લખાય છે, પણ મનોજ ખંડેરિયાએ તો ‘અંજની’ નામે આખેઆખો સંગ્રહ આપણને આપ્યો છે. આધુનિક ગીતકાવ્યસ્વરૂપમાં રસ હોય એ મિત્રોને આ કાવ્યસ્વરૂપ ચોક્કસ પસંદ આવશે. પ્રચલિત ગીતની સરખામણીમાં અંજનીગીત અત્યંત લાઘવ ધરાવતું કાવ્યસ્વરૂપ હોવાથી ગાગરમાં સાગર ભરવાનું કવિકૌશલ્ય અનિવાર્ય બની રહે છે. શબ્દોની કરકસર વડે ઉત્કટ ભાવોર્મિનું બારીક નક્શીકામ અંજનીગીતની પૂર્વશરત બની રહે છે. પ્રસ્તુત અંજનીગીત દરેક મોરચે પાર ઉતરે છે. કવિ ઘરના ભીંટ-ઝાંપાને ધક્કો દઈને દૂર ક્ષિતિજે લઈ જઈ સ્થાપવાની વાત કરે છે. મતલબ સાફ છે. આ કંઈ માત્ર ઈંટ-સિમેન્ટના બનેલા આપણા ઘરની સંકડામણ દૂર કરવાની વાત નથી. આ વાત તો છે આપણા મનની, આપણા જીવનની, આપણા સંબંધોની અને આપણા હોવાપણાની ક્ષિતિજો વિસ્તારવાની. ઉમાશંકરનો ‘વ્યક્તિ મટી બનું વિશ્વમાનવી’નો શંખનાદ પણ અહીં સંભળાય છે. સંકુચિતતાનો ત્યાગ કરીએ, ત્યારે જીવનમાં ન તો અજવાસની ઓછપ રહેશે, ન તો શ્વાસ લેવામાં કોઈ ગૂંગળામણ અનુભવાશે. રાજેન્દ્ર શાહનું લઘુકાવ્ય પણ આ તબક્કે યાદ આવ્યા વિના નહીં રહે: ‘ઘરને ત્યજી જનારને મળતી વિશ્વ તણી વિશાળતા.’*

અંજની કાવ્ય વિશે શ્રી રામનારાયણ વિ. પાઠક ‘બૃહત્ પિંગળ’માં આપેલી જાણકારીના હિસાબે એમ કહી શકાય કે જેમ સૉનેટ, હાઈકુ, ગઝલ એમ અંજની ગીત પણ આપણે ત્યાં અન્ય સાહિત્ય (મરાઠી)માંથી આયાત થયેલો કાવ્યપ્રકાર છે. ગુજરાતી ભાષામાં સૌથી પહેલું અંજની ગીત કાન્તે લખ્યું જણાય છે… (જો કે એ પહેલાં કાન્તના મિત્ર રાજારામ રામશંકરના ગુજરાતી ભાષાંતરમાં પણ અંજની કાવ્ય કહી શકાય એવી એક રચના જડી આવે છે)

અંજની ગીતમાં પહેલી ત્રણ પંક્તિઓ સોળ સોળ માત્રાની અને એક જ પ્રાસ ધરાવે છે. એમાં ચાર ચતુષ્કલ (ગાગા) સંધિઓ આવે છે. ચોથી પંક્તિ ટૂંકી છે, દસ માત્રાની છે, ઉપરના પ્રાસથી વિખૂટી છે. આની ખાસ ખૂબી એ છે કે ત્રીજી પંક્તિ પ્રાસથી આગલી બે પંક્તિ સાથે સંધાયેલી હોય છે, છતાં પઠનમાં એ ચોથી સાથે વધારે ગાઢ રીતે સંધાયેલી હોવાથી એક સુંદર ભંગીનો અનુભવ થાય છે. છંદના જાણકાર માટે અંજની ગીતની ઉત્થાપનિકા આ પ્રમાણે થાય:

દાદા દાદા દાદા ગાગા
દાદા દાદા દાદા ગાગા
દાદા દાદા દાદા ગાગા
દાદા દાદા દા –  —

Comments (18)

(ત્રિપદી હાઈકુ ગઝલ) – મનોજ ખંડેરિયા

ટપકે નેવાં
આજે તો અવકાશે
છલકે નેવાં

રાત પડે ને
સામે ઘેર જવાને
સરકે નેવાં

કોણ આવતું
આજ આંખની જેવાં
ફરકે નેવાં

અષાઢ-રાતે
કણું બનીને આંખે
ખટકે નેવાં

પાંખ-પાંખમાં
મૌન ધ્રૂજતું ભીનું
ધબકે નેવાં

– મનોજ ખંડેરિયા

અનન્ય કહી શકાય એવી આ રચનાને આપણે શું કહીશું?
હાઈકુ શ્રેણી? ગઝલ? કે પછી ત્રિપદી ?

અહીં ગઝલનો છંદ યથાર્થ પ્રયોજાયો છે, નેવાં રદીફ અને ટપકે-છલકે-સરકે-ફરકે-ખટકે-ધબકે જેવા કાફિયા પણ સફળતાપૂર્વક પ્રયોજાયા છે. શેરિયત જળવાય રહે છે પણ ઉલા મિસરા અને સાની મિસરા એમ ગઝલમાં બે પંક્તિઓ મળીને એક શેર બને એ રચના અહીં નજરે ચડતી નથી. અહીં ત્રિપદીની માફક ત્રણ પંક્તિઓની સંરચના નજરે ચડે છે પણ કવિતાનો ઘાટ વળી હાઈકુનો થયો છે.

આને ત્રિપદી હાઈકુ ગઝલ કહીશું? કે પછી રંગ-રૂપની પળોજણ છોડીને કવિતાને જ મનભર માણીશું?

Comments (8)

અમે ચુપ થઈ ગયાં છીએ – મનોજ ખંડેરિયા

જીવનના જળને ડ્હોળીને અમે ચુપ થઈ ગયાં છીએ
ચરણ મૃગજળમાં બોળીને અમે ચુપ થઈ ગયાં છીએ

બરાબર પગલું દાબી પાનખર પાછળ ઊભી રહી’તી
કૂંપળની જેમ કોળીને અમે ચુપ થઈ ગયાં છીએ

નમી જાશે જ દુનિયાદારીનું પલ્લું, ખબર નો’તી
અમારો શબ્દ તોળીને અમે ચુપ થઈ ગયાં છીએ

હવે ક્યાં લાભ ને શુભ કે હવે ક્યાં કંકુના થાપા
દીવાલો ઘરની ધોળીને અમે ચુપ થઈ ગયાં છીએ

ફફડશે મૌન વડવાગોળ જેવું કોરા કાગળનું
હવે ખડિયાને ઢોળીને અમે ચુપ થઈ ગયાં છીએ

-મનોજ ખંડેરિયા

કવિનું તો મૌન પણ બોલે… સાંભળનાર પાસે કાન હોવા ઘટે !

Comments (9)

દરવાજો ખોલ – મનોજ ખંડેરિયા

કૈં ઝળહળ ઝળહળ જેવું છે, દરવાજો ખોલ
આ મરવું ઝાકળ જેવું છે દરવાજો ખોલ

બ્હાર પવન સૂસવાતો એમાં ઊડી જશે
આ જીવતર કાગળ જેવું છે, દરવાજો ખોલ

આ ખુલ્લા આકાશ તળે બે શ્વાસ ભરી લે
ઘર સમજણનું છળ જેવું છે, દરવાજો ખોલ

તેજ હશે કે ઝરમર? સૌરભ? કોણ હશે આ?
કૈં નમણી અટકળ જેવું છે, દરવાજો ખોલ

શબ્દો સાંકળ ખખડાવે છે કૈં વર્ષોથી
લે કામ જરા પળ જેવું છે, દરવાજો ખોલ

– મનોજ ખંડેરિયા

રવિવારે બારણું બંધ કરવાની વાત કરતું ગીત આવ્યું એટલેદરવાજો ખોલવાનું કહેતી આ ગઝલ યાદ આવી ગઈ. (હવે ખરેખર બારણું ખોલવું કે પછી બંધ રાખવું એ પાછા મને ન પૂછતા ! 🙂

અંતરમનના દરવાજાને ખોલવાનું આવાહન કરતી ગઝલ બહુ ઊંડી વાત લઈને આવે છે.  મરણના ઝાકળસમ પાતળા પોતને ઓળંગીને ઝળઝળ તેજ તરફ બોલાવતો પહેલો શેર આપણા શ્રેષ્ઠ શેરમાંથી એક છે. પહેલા જ શેરથી જે વાતાવરણ બંધાય છે એને કવિ છેલ્લે સુધી જાળવીને બતાવે છે. જીવનની ભંગૂરતા, સમજણનું છીછરાપણું, અગમ્યના કૌતુહલનો રોમાંચ – બધુ એક પછી એક આવે છે. છેલ્લો શબ્દમહિમાનો શેર ગઝલને ચરમસિમા પર લઈ જાય છે.

Comments (11)

અંગત અંગત : ૦૯ : વાચકોની કલમે – ૦૫

ક્યારેક કોઈ કવિતા  મનુષ્યની અંદરના કવિને જાગૃત કરે છે તો ક્યારેક કોઈ વેબસાઇટ પણ.. લયસ્તરો અને ફેસબુકના કારણે કવિતાની કેડી પર પગલાં પાડવાની શરૂઆત કરનાર નરેશ ડૉડીયા શું કહે છે એ આજે જોઈએ:

*

લાલાશ આખા ઘરની હવામાં ભરી જઇશ
ગુલમ્હોર મારી લાગણીનો પાથરી જઇશ.

ઊડતાં ફૂલોની કલ્પનાને સાચી પાડવા
આપી મહક પતંગિયાંને હું ખરી જઇશ.

આખું ય વન મહેકતું રહેશે પછી સદા
વૃક્ષોના થડમાં નામ લીલું કોતરી જઇશ.

હું તો છું પીછું કાળના પંખીની પાંખનું
સ્પર્શું છું આજ આભને, કાલે ખરી જઇશ.

મારો અભાવ મોરની માફક ટહુકશે
ઘેરાશે વાદળો અને હું સાંભરી જઇશ.

– મનોજ ખંડેરિયા

લગભગ દોઢ વર્ષ થયાં હું ફેસબૂકમાં જોડાયો. ત્યાર બાદ ગઝલોની અવનવી વેબસાઇટ સાથે મિલાપ થતો રહ્યો.. ફેસબુકમાં ગુજરાતનાં નામી કવિઓ સાથે જોડાતો ગયો.  આમ તો સાહિત્ય સાથે અમારે બાપેમાર્યા વેર કહેવાય કારણ કે અમારો લોંખડનો વેપાર અને અભ્યાસ પણ બહુ ન કહી શકાય… ફેસબુકમાં બધાને લખતાં જોઈ માંહ્યનો સાહિત્યરસિક જીવ સળવળી ઉઠયો અને પછી વિવેકભાઈના કારણે લયસ્તરોનો મેળાપ થયો… પછી તો ‘મોસાળે જમણવાર અને મા પીરસે’ જેવો ઘાટ થયો…. લયસ્તરોમાં નામી કવિઓની રચના વાંચી વાંચીને ધીરે ધીરે લખતા શીખ્યો. જિંદગીમાં કદી રદીફ, કાફિયા, છંદ, આછાંદસ, મક્તા, મત્લા- એવાશબ્દો સાંભળ્યા ન્હોતા. ખરેખર મારી લેખિનીને લયમાં લાવવા માટે લયસ્તરોનો જેટલો આભાર માનું એટલો ઓછો છે.

લયસ્તરોને છ વર્ષ પુરા થયા એનાં માટે હાર્દિક શૂભેચ્છાઓ, દિલ સે…!! અમારી આવનારી સાત પેઢી પણ લયસ્તરો સાથે સકળાયેલી રહેશે એવી આશા સાથે જય જય ગુર્જરી….. જય જય ગુજરાતી…

આ સાથે મારી મનગમતી અને મારા મનગમતા કવિ શ્રી મનોજભાઇની ખંડેરિયાની રચના મોક્લુ છું, જેં વાંચીને મનોજભાઇને શબ્દદેહે મારી આસપાસ ભાળુ છું.

– નરેશ કે. ડૉડીયા

Comments (9)

જંગલ વિષે – મનોજ ખંડેરિયા

જંગલને યાદ નથી કરવું વાલમજી !

ડાળિયુંમાં અટવાતું અંધારું લઈ
મારે વ્હોરવો ન આંખનો અંધાપો
કેડીની એકલતા સહેવા કરતા તો ભલે
બંધ રહે ઝંખનાનો ઝાંપો
ઝળહળતા શમણાંની પોઠ ભરી આવતા એ
સૂરજનું ઝંખું હું મુખ.

પાંદડાથી લીલપને વેગળી મેં રાખીને
જીવતરની માંડી છે વાત
આપણી સભાનતા તો જંગલની ઝાડી ને
ઝાડીમાં ખોવી ના જાત
પાંગરતો પડછાયો મારો સંતોષ નહીં
ખુલ્લું આકાશ મારું સુખ.

– મનોજ ખંડેરિયા

પહેલી નજરે સરળ લાગતા આ કાવ્યમાં અત્યંત ખૂબીપૂર્વક નાયિકાના મનોભાવને વાચા અપાઈ છે. જંગલ એ અતીતનું પ્રતિક છે. સૂરજ,ખુલ્લું આકાશ તે આવનારી કાલ છે. વળી જંગલ અને તેને આનુષાન્ગિક રૂપકોને અજ્ઞાનના રૂપક ગણી શકાય અને સૂર્યને જ્ઞાનનું. જોકે અતીતના સંદર્ભમાં અર્થ વધુ બંધબેસે છે.

Comments (7)

બતાવી દો એને ગઝલ આપણી – મનોજ ખંડેરિયા

ખબર ના પડે કોણ કરતું ડખા;
ગઝલ-મહેલના હચમચે માળખાં.

સમય તો શ્વસુર-અંધ-સરંગટ વહુ થઈ,
કથા સુણવા જાતા અમે ઓ અખા !

ગયા જન્મમાં ભોગવી’તી સજા,
હજી પીઠ પર ચમચમે ચાબખા.

ગરમ શાહીમાં હાથ બોળાવી તેં,
અમારાં બરાબર કર્યા પારખાં !

અષાઢી પડ્યાં ફોરાં ચાંદીના ઝીલી,
તને શું ખબર થઈ ગયાં છે બખા !

તને સારથિ સમજી આવી જતાં,
મને રથથી નીચે ઉતાર્યો સખા !

બતાવી દો એને ગઝલ આપણી,
કહે છે જે गुजराती में क्या रखा ?

– મનોજ ખંડેરિયા

છેલ્લા શેર તો મઝાનો છે જ. અખાના પ્રખ્યાત છપ્પાને યાદ કરતો બીજો શેર પણ બહુ આસ્વાદ્ય છે.

Comments (13)

(ટેરવાં સૂરજ બની ગયાં) -મનોજ ખંડેરિયા

ટેરવાં સૂરજ બની ગયાં,
હાથને રસ્તા મળી ગયાં.

આયનો ફૂટ્યાથી શું વળ્યું !
પથ્થરો ભોંઠા પડી ગયાં.

કાળની રહી છે બરડ ત્વચા,
સ્પર્શના પડઘા શમી ગયાં.

દોસ્ત, રંગો પ્હાડના લીલા,
કાળજામાંથી નથી ગયાં.

શું ખબર એ શ્હેર ક્યાં હતું !
મીણના નકશા ગળી ગયાં.

લંગરો છૂટી ગયાં અને,
શ્વાસનાં વ્હાણો સરી ગયાં.

-મનોજ ખંડેરિયા

Comments (10)

આયનાની જેમ – મનોજ ખંડેરિયા

આયનાની જેમ હું તો ઊભી’તી ચૂપ
ગયું મારામાં કોઈ જરા જોઈને

ભાનનો તડાક દઈ તૂટી જાય કાચ
એના જોયાની વેળ એવી વાગે
છૂંદણાના મોર સાથે માંડું હું વાત
મને એટલું તે એકલું રે લાગે

આજ તો અભાવ જેવા અંધારે ઊભી છું
પડછાયો મારો હું ખોઈને
આયનાની જેમ હું તો ઊભી’તી ચૂપ
ગયું મારામાં કોઈ જરા જોઈને.

એવું તે કેવું આ સિંચાતું નીર
મારા નામમાં સુકાય પાન લીલાં
લેતી આ શ્વાસ હવે એમ લાગે-
જાણે છાતીમાં ધરબાતા ખીલા

પરપોટો ફૂટે તો જળને શું થાય
નથી જાણ થતી કોઈ દિવસ કોઈને
આયનાની જેમ હું તો ઊભી’તી ચૂપ
ગયું મારામાં કોઈ જરા જોઈને

– મનોજ ખંડેરિયા

આખી વાત એક રમ્ય ખલેલની છે. અસ્તિત્વના શાંત જળમાં એક વિક્ષેપ થાય છે અને ભાનનો લોપ થાય છે અને મદહોશીમાં સરી જવાય છે. જે એકલતા કદી પીડાદાયી નહોતી લાગતી-જે સ્થાયીભાવસમ હતી,તે પીડવા માંડે છે. ‘પરપોટો ફૂટે….’ – પંક્તિ કાવ્યને ચરમસીમાએ લઇ જાય છે.

Comments (12)

વિદાયનું ગીત – મનોજ ખંડેરિયા

બીજો શું અર્થ હવે હોય તારી લીલીછમ પાનસમી
તૂટતી વિદાયનો

અડક્યાની સુંવાળી કેડીનો ખાલીપો
ખટકે છે આજ મને શૂળ થઈ
ઊઘડી રે જાય એવી પાંપણની છાંય તળે
સેવ્યાં’તા સમણાં એ ભૂલ થઈ

પરપોટે પુરાયો તૂટ્યો રે મ્હેલ સાત જન્મોના રંગોની ઝાંયનો
બીજો શું અર્થ હવે હોય,તારી લીલીછમ પાનસમી તૂટતી
વિદાયનો

દિવસ ને રાત તપી એકલતા એટલું કે
ઓગળ્યો સંબંધ બધો મીણનો
દરિયો આખો તો સખી,સહી લઈએ આજ
નથી જીરવાતો ભાર કેમે ફીણનો

ઓળખી ન શકતો રે હું જ મને કોઈ રીતે હાથમાં જ્યાં
લઉં જરા આયનો
બીજો શું અર્થ હવે હોય,તારી લીલીછમ પાનસમી
તૂટતી વિદાયનો

– મનોજ ખંડેરિયા

વાત વિદાયની છે-વિરહની નથી. અત્યંત ખૂબીથી ઉત્તમ ઉપમાનાં શણગારથી આ ગીત સજાવાયું છે. વિદાયની ક્ષણે સંબંધની સમીક્ષા સહજભાવે થઈ જાય છે. કહેવાય છે કે મળેલા જીવને વિદાય કનડતી નથી. એકલતા મીણના સંબંધને ઓગાળી દે છે – પરંતુ મીણ જેને સંવર્ધે છે તેવી બે જ્યોત જયારે એક થઈ જાય છે તેને કોઈ જુદું નથી કરી શકતું. દરિયો સહેવાય છે પણ ક્ષણિક ઉપરછલ્લાપણું નથી જીરવાતું. ક્યાંક કોઈક કચાશ,કોઈક ખોડ હતી કે શું સંબંધમાં ? આત્મનિરિક્ષણ કરતાં જાત ઓળખાતી નથી-સંવાદિતા નથી. કદાચ વિદાયને આ રૂપમાં બહુ જવલ્લે જ જોવાઈ હશે.

Comments (17)

ઘણી તકલીફ પ્હોંચી છે – મનોજ ખંડેરિયા

બીબાના ઢાળે ઢળવામાં ઘણી તકલીફ પ્હોંચી છે,
બરફ માફક પીગળવામાં ઘણી તકલીફ પ્હોંચી છે.

ચરણ પીગળી રહ્યાં છે, મેળવું ક્યાંથી કદમ મારાં,
સમયની સાથ ભળવામાં ઘણી તકલીફ પ્હોંચી છે.

અગર ભૂલો પડ્યો હું હોત ને દુઃખ થાત એ કરતાં,
ચરણને પાછા વળવામાં ઘણી તકલીફ પ્હોંચી છે.

બુકાની બાંધી ફરનારાનું આ તો નગર, મિત્રો !
મને ખુદને જ મળવામાં ઘણી તકલીફ પ્હોંચી છે.

હવા જેવા સરળ, આવી ગયા છે બ્હાર આજે પણ,
આ શબ્દોને નીકળવામાં ઘણી તકલીફ પ્હોંચી છે.

– મનોજ ખંડેરિયા

અડચણોને ગાઈ લેવી … તકલીફોને સજાવી લેવી… પણ ગઝલનો (ને જીગરનો) મિજાજ તો બરકરાર જ રાખવો !

Comments (23)

પીછું – મનોજ ખંડેરિયા

ગગન સાથ લઇ ઊતરે એ ફરકતું
વિહગ-પાંખથી જે ખરી જાય પીછું

ફરકતું પડે ત્યારે ભૂરી હવામાં
ઝીણાં શિલ્પ કૈં કોતરી જાય પીછું

હજી એમાં કલશોર ગૂંજે વિહગનો
સૂનું આંગણું આ ભરી જાય પીછું

હ્રદયમાં વસ્યાં પંખીઓ બ્હાર આવે
કદી આંખમાં જો તરી જાય પીછું

ગગનના અકળ શૂન્યમાં જઇ ડૂબે, જે
વિહગને ખર્યું સાંભરી જાય પીછું

– મનોજ ખંડેરિયા

આધુનિક ગઝલના એક યાદગાર મુકામ જેવી આ ગઝલ હજુ લયસ્તરો મૂકવાની રહી જ ગયેલી.  પીંછું – એ કોમળ પ્રતિક વાપરીને કવિ એક પછી નકશીદાર શેર ઉતારે છે.  બીજો શેર મારો સૌથી પ્રિય છે – હવામાં ગોળગોળ ફરતું પીંછું (યાદના, ગમતા ચહેરાના કે પછી ભાવિના ઈગિંત) ઝીણાં શીલ્પ કોતરતું કોતરતું ઉતરતું જાય એ કલ્પના જ નકરી મધમીઠી છે.

Comments (13)

(પળ વચ્ચે જીવ્યો) – મનોજ ખંડેરિયા

ખેંચતી ઘૂમરાતી પળ વચ્ચે જીવ્યો
હું જ પોતાનાં વમળ વચ્ચે જીવ્યો

જે મને ડસતી રહી સર્પો બની
એવી કૈં પહેરણની સળ વચ્ચે જીવ્યો

લોહનાં પૂતળાં ઘણાં ભાંગી ગયાં
હું સમયના બાહુબળ વચ્ચે જીવ્યો

એક આંસુનું અજબ ઊંડાણ આ
હું અતળ ઈચ્છાના જળ વચ્ચે જીવ્યો

છંદ શબ્દો લય અવાજો ને ધ્વનિ
તેં દીધાં રૂપાળાં છળ વચ્ચે જીવ્યો

મનોજ ખંડેરિયા

પોતાના જ બનાવેલા વમળોની મધ્યે ખેંચતી ઘૂમરાતી પળોની વચ્ચે ક્યારેક જીવન તો પસાર થઈ જાય છે, પરંતુ એ પળોની વચ્ચે ખરેખર કેટલું જીવી શકાય છે?  અહીં કવિ બેધડક સ્વીકારે છે કે આવી પળ, પોતાના બનાવેલા વમળ ને બીજાએ દીધેલા છળની વચ્ચે પણ ‘જીવ્યા’.  આપણને કોઈ પણ પરિસ્થિતિમાં જો હળવા રહેતા/થતા આવડી જાય તો માત્ર પસાર કરવાની જગ્યાએ જીવનને ખરા અર્થમાં ‘જીવી’ શકાય…

Comments (9)

આપણી યાદગાર ગઝલો : ૧૭ : વરસોનાં વરસ લાગે – મનોજ ખંડેરિયા

ક્ષણોને તોડવા બેસું તો વરસોનાં વરસ લાગે,
બુકાની છોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.

કહો તો આ બધાં પ્રતિબિંબ હું હમણાં જ ભૂંસી દઉં,
અરીસો ફોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.

કમળ-તંતુ સમા આ મૌનને તું તોડ મા નાહક
ફરીથી જોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.

આ સપનું તો બરફનો સ્તંભ છે, હમણાં જ ઓગળશે
હું એને ખોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.

મને સદભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા,
ચરણ લઈ દોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.

– મનોજ ખંડેરિયા (જન્મ: ૬ જુલાઇ ૧૯૪૩ – મૃત્યુ: ૨૭ ઓક્ટોબર ૨૦૦૩)

સંગીત-સ્વર: પુરુષોત્તમ ઉપાધ્યાય

[audio:http://tahuko.com/gaagar/layastaro/Manoj Khanderia-Kshano_Ne_Todva_Besu.mp3]

મનોજ ખંડેરિયાની શ્રેષ્ઠ ગઝલ શોધવી હોય તો નિમિષમાત્રમાં આ ગઝલ દોડતી આવે. ‘બેસું તો વરસોનાં વરસ લાગે’ જેવી લાંબી રદીફ, લગાગાગાના સુગેય આવર્તન ધરાવતી બહેર અને ક્ષણ અને વરસોના વિરોધાભાસથી અર્થનાવિન્યની ચમત્કૃતિ સર્જતી આ ગઝલ નિઃશંક મ.ખ.ની ગઝલોનું એવરેસ્ટ છે.

એક તરફ ક્ષણની વાત અને બીજી બાજુ વરસોની વાત… કવિ શું કહી રહ્યા છે? જીવન ક્ષણોનો સરવાળો છે પણ બધી ક્ષણ કંઈ જીવન નથી હોતી. જીવનમાં કેટલીક ક્ષણો એવી આવે છે જે મનુષ્યની જિંદગી આખી પલટી નાંખે છે. વાલિયો લૂંટારો એક ક્ષણમાં વાલ્મિકી બનવા તરફ પ્રેરાય છે તો બોધિવૃક્ષની નીચેની એક ક્ષણ સિદ્ધાર્થને બુદ્ધ બનાવે છે. રેલ્વેના ડબ્બામાંથી ફેંકાઈ જવાની એક ઘટના એક માણસને મહાત્મા ગાંધી બનાવે છે તો આવી જ કોઈ એક ક્ષણ પર કાબૂ ગુમાવવાના કારણે કોઈક આત્મહત્યા કરી પોતાનો જાન ગુમાવી શકે છે કે બીજાનો જાન પણ લઈ શકે છે. આવી કિંમતી ક્ષણોને તોડીને એનું વિચ્છેદન કરવું હોય, આત્મનિરીક્ષણ કરવું હોય તો શું વરસોના વરસ નહીં લાગે ? આવી ક્ષણોના સરવાળા સમી જિંદગીને આપણે જેવી છે એવી ક્યાં જીવીએ જ છીએ ? એક ચહેરો અને એની ઉપર હજાર મહોરાં… બુકાની છોડવાનું કામ તો ક્ષણભરનું પણ છીએ તેવા દેખાવું હોય તો ? આપણી સાચી ઓળખાણ ઉપરના આડંબરો ઉતારી દેવા હોય તો ? વાત ક્ષણની હોય કે બુકાનીની, વરસોના વરસ પણ કદાચ ઓછાં પડે…

…પણ બધા જ શેર વિશે વાત માંડવા બેસું તો વરસોના વરસ લાગે એટલે…

Comments (4)

હસ્તપ્રત – મનોજ ખંડેરિયા

કહે તે સ્વીકારું શરત માત્ર એક જ,
મને મારી ક્ષણ દે પરત માત્ર એક જ.

ચલો, મારી ભીતર ભર્યાં લાખ વિશ્વો,
તમે જોયું છે આ જગત માત્ર એક જ.

નથી દાવ ઊતરી શક્યો જિંદગીભર,
નહીંતર રમ્યા’તા રમત માત્ર એક જ.

ભરાયો’તો ક્યારેક મેળો અહીં પણ,
મને આ જગાની મમત માત્ર એક જ.

નથી યાદ ને હાથ પણ આજ ક્યાં છે ?
ગઝલની હતી હસ્તપ્રત માત્ર એક જ.

-મનોજ ખંડેરિયા

મનોજ ખંડેરિયાની ગઝલોની એક નોંધપાત્ર વિશેષતા સરળ અને સહજ ભાસતા શેરોમાં રહેલું અર્થગંભીર ઊંડાણ છે. ‘પોતાની’ એક ક્ષણ પરત મળે તો કવિ બદલામાં જે માંગવામાં આવે એ આપવા તૈયાર છે. અહીં ‘મારી’ શબ્દ ખાસ ધ્યાન માંગી લે છે. વિતેલી ક્ષણ પાછી મેળવવાનું કામ જ આમ તો દુષ્કર છે પણ અહીં કવિની એક માત્ર શરત એ છે કે એ ક્ષણ પણ જો પરત મળે તો એ એમની જ પોતાની હોય. અને પોતાની ભીતર આવવા માટેનું આહ્વાન પણ કેવી સ-રસ રીતે કવિ આપે છે!

Comments (10)

ઉપાડિયે – મનોજ ખંડેરિયા

કરીએ ન વેઠ હોંશે જીવનભર ઉપાડિયે
આપ્યો છે તેં જો બોજ, બરોબર ઉપાડિયે

અટકાવી રાખ્યું પાંપણે આંસુને એ રીતે
આંખોથી જાણે આખું સરોવર ઉપાડિયે

રેખા વળોટવાની તો હોઈ શકે ન વાત
આ તો અમસ્તો પગ જરા અધ્ધર ઉપાડિયે

તારા ઉપર ન ભાર ખુલાસાનો આવી જાય
આ મૌન માત્ર એટલા ખાતર ઉપાડિયે

ઢગલો ફૂલોનો નીકળે જે જે વખત અમે
સૂતું છે કોણ જાણવા ચાદર ઉપાડિયે

ક્યારેય પાપ જેવું કશું પણ કર્યું નથી
એથી જ થોડો આપણે પથ્થર ઉપાડિયે ?

ભારે છે પ્હાડ જેટલો એ જાણીએ છીએ
પણ હળવાફૂલ થઈ જવા અક્ષર ઉપાડિયે

-મનોજ ખંડેરિયા

બોલચાલની ભાષા અને એય સાવ સરળતા અને સાહજિક્તાથી ગઝલમાં શી રીતે વણી શકાય એ જોવું હોય તો આ ગઝલ એક નોંધપાત્ર ઉદાહરણ બની શકે એમ છે. સાત શેરની આ ગઝલમાં એકે શેર એવો નથી જે સમજવો દોહ્યલો બને અને છતાં લાગણીની જે ઋજુતા અહીં પ્રકટ થઈ છે એ પણ અનવદ્ય સૌંદયવાહિની બની રહે છે. પુરાકલ્પનોનો પ્રયોગ ગઝલમાં લગીરેક મુખર થયા વિના કેવી રીતે કરી શકાય એ પણ માણવા જેવું છે. રેખા વળોટવાની વાત સાથે જ રામાયણની લક્ષ્મણ રેખા અને સીતા તાદૃશ થઈ જાય છે. કવિ મર્યાદા ન ઓળંગવાની ખાતરી આપે છે પણ પગ બાંધી રાખવા સાથે પણ સંમત નથી. ફૂલોનો ઢગલાવાળો શેર વાંચીએ એટલે કબીર નજર સમક્ષ આવી ઊભે. કબીરના મૃત્યુ પછી એમના અનુયાયીઓમાં થયેલો બાળવા કે દાટવાનો વિવાદ યાદ આવે. મૃતદેહ પરથી ચાદર હટાવી ત્યારે ત્યાં કબીરના શરીરની જગ્યાએ માત્ર ફૂલોનો ઢગલો પડ્યો હતો એ ઘટના કવિએ અહીં બખૂબી વણી લીધી છે. અને પાપ અને પથ્થરવાળી વાત વાંચતા જ ઈશુ ખ્રિસ્ત અને પાપી અબળાનો પ્રસંગ જીવંત થતો લાગે છે. જેણે જીવનમાં કોઈ પાપ ન કર્યું હોય તે આ પાપણ પર પહેલો પથ્થર ફેંકેની વાત કરતાવેંત ટોળું શરમિંદગીસભર વિખેરાઈ ગયું હતું. પણ કવિનું કવિકર્મ તો એથી પણ આગળ જવામાં છે. આખી જિંદગીમાં એકે પાપ કર્યું ન હોય એ કારણે થોડો જ કંઈ પથ્થર ઉપાડવાનો પરવાનો મળી જાય છે? એ નિમિત્તે પણ પાપની શરૂઆત શા માટે કરવી ?

Comments (18)

અંધાર શબ્દનો – મનોજ ખંડેરિયા

ક્યાંથી હવાય પામી શકે પાર શબ્દનો
પ્હોળો છે આભ જેટલો વિસ્તાર શબ્દનો

વર્ષોથી હૈયું ઝંખતું અજવાળું મૌનનું
ઘેરી વળ્યો છે આંખને અંધાર શબ્દનો

વન વન નગર ને શેરીઓ ઘર કે દીવાલ સૌ
લઈને ઊભાં છે પાંગળો આધાર શબ્દનો

ભેગા મળીને સાત સૂરજ તપશે જે ઘડી
પીગળી બરફની જ્યમ જશે આકાર શબ્દનો

આંજો નયનમાં સાંજનું ભગવું ગગન હવે
શોભે ન આજ આપણે શણગાર શબ્દનો

-મનોજ ખંડેરિયા

शब्द ब्रह्मને પામવાની કવિની મથામણ ઘણા સુંદર કાવ્યોમાં જનમતી આવી છે. ગયા અઠવાડિયે રઈશ મનીઆરની એક શબ્દ-ગઝલ માણી. આજે એવી જ એક ગઝલ મનોજ ખંડેરિયાની કલમે. પહેલા જ શેરથી કવિ શબ્દનો મહિમા પ્રસ્થાપિત કરી દે છે. પણ કવિને જે વાત વધુ અભિપ્રેત છે એ છે મૌનની તાકાત. ઉમાશંકર જોશીએ કહ્યું હતું, “છેલ્લો શબ્દ મૌનને જ કહેવાનો હોય છે.” શબ્દોના અંધારા કોલાહલમાં અટવાઈ ગયેલું હૈયું અંતે તો મૌનનો અજવાસ જ ઝંખે છે. છેલ્લો શેર પણ સુંદર સંદેશો લઈને અવ્યો છે. સાંજનું સૌંદર્ય માણવું હોય તો દૃષ્ટિ પરના બધા પડળ ઓગાળીને ખુદ સાંજને જ આંખમાં આંજવી ઘટે. કૃત્રિમ સાજ-શણગાર ત્યજી દીધા બાદ જ સાચું સૌંદર્ય પ્રમાણી-માણી શકાય. અને સાંજના ગગનને ‘ભગવો’ રંગ આપીને કવિ આ શેરની અર્થચ્છાયાનો વ્યાપ અ-સીમ કરી દે છે…

(આવતી કાલે માણીએ આજ છંદ, આજ વિષય, આજ રદીફ, આજ આધારવાળા કાફિયા અને સંખ્યાની દૃષ્ટિએ પણ આટલા જ શેર ધરાવતી આદિલ મન્સૂરીની એક ગઝલ)

Comments (6)

અમથો અમથો ખુશ થાઉં છું – મનોજ ખંડેરિયા

મેદાનો  હરિયાળાં  નીરખી  અમથો  અમથો  ખુશ થાઉં છું
લીલાંછમ અજવાળાં નીરખી અમથો અમથો  ખુશ થાઉં છું

આંખોમાં   વૈશાખી   સૂકું    શ્હેર    લઈને    રખડું   ત્યારે
રસ્તા  પર  ગરમાળા નીરખી અમથો અમથો ખુશ થાઉં છું

અજમેરી   પીળા  બોર  સમા  આછું  મીઠું  મ્હેંક્યા  કરતા
આ દિવસો  તડકાળા નીરખી અમથો અમથો ખુશ થાઉં છું

રોજ જતા ને રોજ જશે પણ આજ અચાનક સાંજ ઢળી તો
ધણ જાતાં ઘરઢાળાં  નીરખી અમથો અમથો ખુશ થાઉં છું

એની તીણી ટોચ  અડી  જ્યાં  નભને તારક-ટશિયા ફૂટ્યા
અંધારાં  અણિયાળાં  નીરખી અમથો અમથો ખુશ થાઉં છું

પૂનમ  રાતે  સામે  સામી  ડાળ   ઉપરથી   મંડાતા  કંઈ-
ટહુકાના  સરવાળા  નીરખી  અમથો અમથો ખુશ થાઉં છું

શબ્દોનો  આ  કોષ  લઈને  ખાલી  બેઠો  છું  ઉંબર  પર
ભાષાની ભરમાળા નીરખી અમથો  અમથો  ખુશ થાઉં છું

-મનોજ ખંડેરિયા

અમથી-અમથી ખુશાલીના સાત શેરોની આ ગઝલ- જાણે કે સપ્તરંગી ઈંદ્રધનુષ. આજે માણસ સ-કારણ પણ માંડ હસી શકે છે એવામાં અ-કારણ તો કોણ ખુશ થઈ શકે કવિ સિવાય? ગુજરાતી ગઝલના દેહમાં નવો જ આત્મા રેડનાર શબ્દોના શિલ્પી મનોજ ખંડેરિયાની આ ગઝલ આપણને શીખવાડે છે કે પોતાના નહીં, પણ અન્યના વૈભવને અને એ પણ સાત્વિક વૈભવને નીરખીને પણ માંહ્યલાને હર્ષાવધિમાં તરબતર કરી શકાય છે અને કદાચ એ આનંદ જ સાચો નિજાનંદ છે.

મેદાનની ખુલ્લી અને શુષ્ક વિશાળતાને ભરી દેતું ઘાસ એ પ્રકૃતિએ લખેલી નજાકતભરી એવી કવિતા છે જે નજરને ખાલીપાથી ઘાયલ થવા દેતી નથી. મેદાનોની આ હરિયાળી કવિને ખુશ કરી દેવા માટે પૂરતી છે પણ મિસરામાં કવિતાનો પ્રાણ રેડે છે બીજી પંક્તિ. અહીં અજવાળાંની વાત છે પણ એ કેવું છે? પ્રકાશ ઘાસ પર પડે છે માટે એ પણ લીલોછમ… કેવું અદભુત કલ્પન !અનુભૂતિની અભિવ્યક્તિનું આ નાવીન્ય મત્લાને જાનદાર બનાવે છે.

મનોજભાઈની કવિતામાં બરછટતા કે કટુતા કદી જોવા નહીં મળે. જેવો ઋજુ એમનો સ્વભાવ એવી જ લવચીક એમની કવિતા. બીજા શેરના પહેલા મિસરામાં વૈશાખના તાપથી સૂક્કુંભઠ્ઠ થઈ ગયેલું ત્રાસેલું શહેર આખું આંખમાં લઈને નીકળવાની વાત કરે ત્યારે પળભર માટે આંચકો લાગે ? આ કવિની બાનીમાં કઠોરતા ? પણ બીજી જ કડીમાં કવિ આખી વાતને ઠંડક પહોંચાડે એવી મૃદુતા બક્ષી દે છે. સિમેન્ટ-કોંક્રિટના મકાનોના જંગલોથી ઊભરાતા અને ગરમીના કારણે ખાલી-ખાલી ભાસતા શહેરમાં ફરતા-ફરતા કોઈ એકાદ ખૂણે દોમદોમ સાહ્યબીથી છલકાતા એકાદ-બે ગરમાળાના ઝાડ કવિની આંખમાં ડોકિયું કરી જાય ત્યારે કેવી ખુશી એ આંખોમાં છલકાઈ આવતી હશે ! ડાળીઓના હજ્જારો હાથે પોતાનો વૈભવ લૂંટાવતો ગરમાળો જેણે જોયો હોય એ જ આ લાગણી સમજી શકે…

હવે એક જ શેરની ટૂંકાણમાં માંડણી કરીશ… રાત્રે પંખીઓ સામાન્યરીતે શાંત થઈ સૂઈ જાય છે. પણ અહીં વાત છે પૂનમની રાતની. પૂનમના અજવાળાંને દિવસનું અજવાળું ગણીને પક્ષીઓ સામ-સામા ટહુકાઓની લ્હાણી કરે ત્યારે કોણ અમથું અમથું ખુશ થયા વિના રહી શકે?

Comments (17)

ગઝલ – મનોજ ખંડેરિયા

ખૂબ અંદર ભીનો છું નહીં સળગું;
કાષ્ટ સૂકાં ને સૂકાં જ ગોઠવજો.

ના ગમે તો ઊઠીને ચાલ્યા જજો,
શરમે મારી ગઝલ ન સાંભળજો.

એનું માઠું મને નહીં લાગે,
મારું માઠું વરસ છે તે સમજજો.

– મનોજ ખંડેરિયા

ત્રણ જ શેરની આ ગઝલ વરસાદના નાના પણ જોરદાર ઝાપટા જેવી છે. ભીંજાયે જ છુટકો !

Comments (5)

શું કરું – મનોજ ખંડેરિયા

ડગમગે છે એવી ક્ષણને શું કરું:
ઓગળી  જાતાં  ચરણને શું કરું.
કાળમીંઢી  શક્યતા પલળે નહીં,
તો  ભીનાં વાતાવરણને શું કરું.

– મનોજ ખંડેરિયા

Comments (3)

મારો અભાવ – મનોજ ખંડેરિયા

લાલાશ આખા ઘરની હવામા ભરી જઈશ.
ગુલમ્હોર મારી લાગણીનો પાથરી જઈશ

ઊડતાં ફૂલોની કલ્પનાને સાચી પાડવા,
આપી મહેક પતંગિયાને હું ખરી જઈશ

આખુંય વન મહેક્તું રહેશે પછી સદા,
વૃક્ષોના થડમાં નામ લીલું કોતરી જઈશ

હુંતો પીંછુ કાળના પંખીની પાંખનુ,
સ્પર્શુઁ છું આજે આભને કાલે ખરી જઈશ.

મારો અભાવ મોરની માફક ટહુકશે,
ઘેરાશે વાદળો ને હું સાંભરી જઈશ

– મનોજ ખંડેરિયા

આજે ગુજરાતી પોએટ્રી કોર્નરમાં કીરણે આ ગઝલના છેલ્લા શેરના માત્ર આછાપાતળા શબ્દો મૂક્યા ને પૂછ્યું કે કોઈ પાસે આ ગઝલ છે કે કેમ. મયૂરે તરત જ શેર પૂરો કરી આપ્યો. અને હું ઘરે આવીને પૂરી ગઝલ શોધું એ પહેલા તો ભૈડુસાહેબે એને ગૃપ પર પોસ્ટ કરી પણ દીધી ! ઈંટરનેટ પર ગુજરાતી કવિતામાં વધતા જતા રસની આ નિશાની છે. આમ આંતરરાષ્ટ્રીય સહકારથી સાંભરેલી આ ગઝલ તમે પણ માણો.

આની સાથે જ આગળ રજૂ કરેલી મનોજ ખંડેરિયાની જ બે ગઝલ પણ જોશો – વિકલ્પ નથી અને એમ પણ બને .

Comments (1)

છું હું – મનોજ ખંડેરિયા

ભીડ ભરેલો ભરચક છું હું
કોલાહલની છાલક છું હું
ઘડિયાળોની ટકટક છું હું
આ નગરની વાચાળે.

એકાંતે અટવાતો ચાલું
મારાથી અકડાતો ચાલું
હું જ મને અથડાતો ચાલું
આ સફરની વાચાળે.

-મનોજ ખંડેરિયા

Comments

વિકલ્પ નથી – મનોજ ખંડેરિયા

બધાનો   હોઈ  શકે,  સત્યનો   વિકલ્પ   નથી
ગ્રહોની   વાત  નથી,   સૂર્યનો  વિકલ્પ  નથી

હજારો   મળશે    મયૂરાસનો    કે    સિંહાસન
નયનનાં  આંસુજડિત તખ્તનો  વિકલ્પ નથી

લડી   જ   લેવું   રહ્યું   મારી   સાથે  ખુદ મારે
હવે  તો  દોસ્ત,   આ   સંઘર્ષનો  વિકલ્પ નથી

કપાય   કે  ન બળે,  ના  ભીનો  યા થાય જૂનો
કવિનો   શબ્દ   છે,  એ  શબ્દનો વિકલ્પ નથી

પ્રવાહી  અન્ય  ન  ચાલે ગઝલની રગેરગમાં
જરૂરી   રક્ત  છે  ને   રક્તનો   વિકલ્પ   નથી

-મનોજ ખંડેરિયા

Comments (4)

એમ પણ બને -મનોજ ખંડેરિયા

પકડો કલમ ને કોઈ પળે એમ પણ બને
આ હાથ આખેઆખો બળે એમ પણ બને

જ્યાં પહોંચવાની ઝંખના વર્ષોથી હોય ત્યાં
મન પહોંચતાં જ પાછું વળે એમ પણ બને

એવું છે થોડું : છેતરે રસ્તા કે ભોમિયા ?
એક પગ બીજા ને છળે એમ પણ બને

જે શોધવામાં જિંદગી આખી પસાર થાય
ને એ જ હોય પગની તળે એમ પણ બને

તું ઢાળ ઢોળિયો : હું ગઝલનો દિવો કરું
અંધારું ઘરને ઘેરી વળે એમ પણ બને

-મનોજ ખંડેરિયા

Comments (8)

રસ્તા વસંતના

આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના
ફૂલો એ બીજું કૈં નથી, પગલાં વસંતના !

મલયાનીલોની પીંછી ને રંગ ફૂલોનાં લૈ
દોરી રહ્યું છે કોણ આ નકશા વસંતના !

આ એક તારા અંગે ને બીજો ચમન મહીં
જાણે કે બે પડી ગયાં ફાંટા વસંતના !

મ્હેકી રહી છે મંજરી એકેક આંસુમાં
મ્હોર્યા છે આજ આંખમાં આંબા વસંતના !

ઉડી રહ્યાં છે યાદનાં અબીલ ને ગુલાલ
હૈયે થયા છે આજ તો છાંટા વસંતના !

ફાંટું ભરીને સોનું સૂરજનું ભરો હવે
પાછા ફરી ન આવશે તડકા વસંતના !

-મનોજ ખંડેરિયા

Comments (2)

વરસોનાં વરસ લાગે – મનોજ ખંડેરિયા

ક્ષણોને તોડવા બેસું તો વરસોનાં વરસ લાગે,
બુકાની છોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.

કહો તો આ બધાં પ્રતિબિંબ હું હમણાં જ ભૂંસી દઉં,
અરીસો ફોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.

મને સદભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા,
ચરણ લઈ દોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.

-મનોજ ખંડેરિયા

Comments (4)