કોઈએ જોયો નથી ઈશ્વર અહીંયા
તોય એના નામથી વાંધા પડે છે.
શીતલ જોશી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for ભરત વિંઝુડા

ભરત વિંઝુડા શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

...ચાલ્યા જશે -ભરત વિંઝુડા
...સમેટી લઉં - ભરત વિંઝુડા
...સાધના જ રહી - ભરત વિંઝુડા
(જુદો છે) - ભરત વિંઝુડા
(થૂકદાની નથી) - ભરત વિંઝુડા
અંગો કવિતાનાં - ભરત વિંઝુડા
આપો - ભરત વિંઝુડા
એની સોબતમાં - ભરત વિંઝુડા
એમ પણ નથી - ભરત વિઝુંડા
ઓછું પડે - ભરત વિંઝુડા
ગઝલ - ભરત વિંઝુડા
ગઝલ - ભરત વિંઝુડા
ગઝલ - ભરત વિંઝુડા
ગઝલ - ભરત વિંઝુડા
ગઝલ - ભરત વિંઝુડા
ગઝલ -ભરત વિંઝુડા
છે, હતાં ને રહેવાનાં - ભરત વિંઝુડા
તે ગૌણ બાબત છે -ભરત વિંઝુડા
થયો જ નહીં - ભરત વિંઝુડા
પંખીઓ જેવી તરજ - ભરત વિંઝુડા
મર્યાં - ભરત વિંઝુડા
મળ્યાં - ભરત વિંઝુડા
યાદગાર મુક્તકો : ૧૧ : રાજેન્દ્ર શુક્લ, કૈલાસ પંડિત, ભરત વિંઝુડા
લઈ લઉં છું - ભરત વિંઝુડા
વધારે છે - ભરત વિંઝુડાઓછું પડે – ભરત વિંઝુડા

તું નજીક આવે અને જ્યારે અડે
જીવવા માટે જીવન ઓછું પડે

તું જ છે આઠે પ્રહરની આરઝુ
ને મને થોડી ઘડી તું સાંપડે

કેટલી તકલીફ પડતી હોય છે
સાવ સાચું બોલવાનું આવડે

કેમ વાવાઝોડું આવી જાય છે ?
એક બારી જે ઘડીએ ઊઘડે

હું જ મારી સામે આવી જાઉં છું
કોણ બીજું સામે આવીને લડે

તારી મૂર્તિઓ મને દેખાય છે
મન વગર હાથે ઘણાં શિલ્પો ઘડે

– ભરત વિંઝુડા

ભરત વિંઝુડાના તરોતાજા અને પાંચમા સંગ્રહ “આવવું અથવા જવું”માંથી આ ગઝલ આપ સહુ માટે… નખશિખ રોમેન્ટિઝમ જીવતા ગઝલકારની આ ગઝલ પણ પ્રણય અને આધ્યાત્મની નાનાવિધ છાયાઓ સાથે ઉપસી આવે છે…

Comments (7)

આપો – ભરત વિંઝુડા

લાગણીઓનું પ્રગટવું આપો,
માત્ર દિલનું જ ધડકવું આપો.

ભીંત માફક જે ઊભા છે એને
દ્વારની જેમ ઊધડવું આપો.

હસ્તરેખાની નદી વહી આવે
હાથનું એમ અડકવું આપો

દ્રષ્ય આપ્યું જો ગમે નહીં તેવું,
તો કણાનુંય ખટકવું આપો.

આંસુનો અર્થ અહીં પાણી છે,
આંખને લોહી નીકળવું આપો.

– ભરત વિંઝુડા

એક હાથાના અડકવાથી હસ્તરેખાઓ બદલાઈ જાય અને ભીંતોમાં દ્વાર થઈ જાય. આપણે બધાએ એ અનુભવેલુ છે… કવિને એની જ શોધ છે.

Comments (8)

ગઝલ – ભરત વિંઝુડા

એકબીજામાં વાદળ ભળે એ રીતે
કોઈ નજદીક આવે, મળે એ રીતે !

એ અહીંથી જઈને અહીં આવશે
એક રસ્તો જ પાછો વળે એ રીતે !

હોય નહીં સાવ પાસે છતાં હોય તે
સાદ પાડો અને સાંભળે એ રીતે !

જાણે હમણાં જ કાંઠાઓ તૂટી જશે
જળ સમંદર મહીં ઊછળે એ રીતે !

હું બળું છું અને તેય અંદર ફકત
એક કમરામાં દીવો બળે એ રીતે !

– ભરત વિંઝુડા

પાંચેપાંચ શેર આસ્વાદ્ય… સરવાળે ‘ખરી’ ગઝલ !

 

Comments (8)

ગઝલ – ભરત વિંઝુડા

તેં દીધેલું ગુલાબ લઈ લઉં છું
હું ખૂલી આંખે ખ્વાબ લઈ લઉં છું

તું મને લે ગણી ગણી ત્યારે
હું તને બેહિસાબ લઈ લઉં છું

સ્પર્શથી થઈ જવાનું સુંદર એ
જે મળે તે ખરાબ લઈ લઉં છું

વાંચવા લે છે તું છપાયેલી
ને હું કોરી કિતાબ લઈ લઉં છું

કામ તો કોઈ મેં કર્યું જ નથી
આ હું શેનો ખિતાબ લઈ લઉં છું !

– ભરત વિંઝુડા

વેપારમાં પ્રેમ ભળે ત્યારે એ વહેવાર થઈ જાય છે અને એ પણ કેવો? સામો પક્ષ ગણતરી કરી કરીને એવું માનતો હોય કે હું પામું છું પણ હકીકતે તો આપનાર જ પામતો હોય છે અને એ પણ બેહિસાબ !

Comments (6)

ગઝલ – ભરત વિંઝુડા

પંખીઓના ટોળામાં ભળીએ હવે
કેમ ઓળખશે પછી પિંકી દવે !

એક પડછાયો પડ્યો ધરતી ઉપર
ને ચડી શકતો નથી તે ઝાડવે !

ને નદી આવીને ખળખળતી મળે
તોય દરિયો એની સામે ઘૂઘવે !

એક જણનું મૌન આખા ગામને
કોઈ અઘરા કાવ્ય માફક મૂંઝવે !

એક પલ્લામાં મૂક્યાં છે શ્રી ગણેશ
તારી વીંટી મૂકી સામા ત્રાજવે !

– ભરત વિંઝુડા

પડકારરૂપ કાફિયાના પોતે વણાયેલી એક મદમસ્ત હમરદીફ-હમકાફિયા ગઝલ ! ત્રાજવાંમાં તોલવાનું પ્રતીક આપણે ત્યાં જાણીતું છે. શિબિ રાજા એક હોલાને બાજથી બચાવવા માટે પોતાનું માંસ કાપી-કાપીને ત્રાજવે મૂકે છે… કૃષ્ણને તુલસીપત્રથી તોલવાની વાત પણ જાણીતી છે… ભરત વિંઝુડા પણ પ્રેમને ઈશ્વરથી ઊંચો સ્થાપિત કરે છે…

Comments (19)

મળ્યાં – ભરત વિંઝુડા

જુદી જુદી કંઈક બાબતમાં મળ્યાં
લોક એની એ જ હાલતમાં મળ્યાં

માણસોનાં ટોળાં ને ટોળાં અહીં
એક માણસની જરૂરતમાં મળ્યાં

જેમ તમને એમ અગણિત અન્યને
મિત્ર મળવાની જ આદતમાં મળ્યાં

એ જ ખુદ આવીને મળવાના કદી
એવી આશા આપતા ખતમાં મળ્યાં

મારા પહેલાં જે થયા જન્નતનશીન
એ મને આજે ન જન્નતમાં મળ્યાં

– ભરત વિંઝુડા

નદી પર્વત ફાડીને નીકળે ત્યારનું અને સાગરને ભેટે છે ત્યારનાં એનાં રૂપ કેવાં નોખાં હોય છે…! કવિતાનું પણ કંઈક આવું જ હોય છે. ક્યારેક એક કૃતિ જન્મે છે ત્યારે એનું સ્વરૂપ કંઈ ઓર હોય છે અને સમયના ખડકોની વચ્ચે વહેતાં વહેતાં કે કાવ્યસંગ્રહ સુધી પહોંચતાં પહોંચતાં એનો સમૂળગો કાયાકલ્પ થઈ ગયો હોય એવુંય બને. ભરત વિંઝુડાની આ ગઝલ એવી જ એક રચના છે. લયસ્તરો પર થોડા દિવસો પૂર્વે ધવલે એમની પ્રસ્તુત ગઝલનું જૂનું -મૂળભૂત વર્ઝન મૂક્યું હતું. કવિના ધ્યાનમાં એ આવી ગયું એટલે એમણે મત્લાના શેર તરફ મારું ધ્યાન દોર્યું. એ ગઝલ ધવલે અમૃત ઘાયલ સંપાદિત ‘છીપનો ચહેરો ગઝલ’માંથી લીધી હતી જેમાં મત્લામાં ‘અળગી અળગી’ જેવો શબ્દ વપરાયો હતો. એ જમાનામાં અમૃત ઘાયલ જેવા દિગ્ગજ કવિએ ભરત વિંઝુડાએ પ્રયોજેલા ‘જુદા જુદા’ની જગ્યાએ શબ્દની ફેરબદલ કરી હતી અને કવિએ મૌન સેવ્યું હતું. કવિએ મને અળગી અળગીના સ્થાને જુદી જુદી કરવાનું કહ્યું ત્યાં તો મારું ધ્યાન ‘પ્રેમપત્રોની વાત પૂરી થઈ’  સંગ્રહના 49મા પાને બિરાજમાન આખી ગઝલ પર પડ્યું. અહો ! અહીં તો મત્લા ઉપરાંતના એક શેરને બાદ કરતાં આખી ગઝલ જ અલગ છે… કવિએ કહ્યું, “વાત સાચી છે. ગઝલ આખી જ બદલાઈ ગઈ પણ આજે મને લાગે છે કે જૂની ગઝલના શેર વધુ સશક્ત હતા… એને કેમ કરીને મેં પડતાં મૂક્યા એ મનેય સમજાતું નથી પણ ગઝલસંગ્રહની બીજી આવૃત્તિમાં આ જૂના શેર જરૂરથી સમાવી લઈશ…”

આ ગઝલની લગોલગ જૂની ગઝલ માણવાનું ન ચૂકાય..

Comments (8)

…ચાલ્યા જશે -ભરત વિંઝુડા

આજ આવ્યા અને કાલ ચાલ્યા જશે
એ કરીને જરા વ્હાલ ચાલ્યા જશે

એ જ પ્રશ્નો હશે કંઈ જુદા રૂપમાં
એમ ને એમ સો સાલ ચાલ્યાં જશે

તે છતાં પણ લખું તે કવિતા હશે
તું જશે એમ લય તાલ ચાલ્યા જશે

ફૂટશે તો પછી ત્યાં નવાં અંકુરો
સીમમાંથી ફરી ફાલ ચાલ્યા જશે

ઊંઘમાં સાવ ઝડપાઈ જાશું અમે
કોઈ ચાલી અને ચાલ ચાલ્યા જશે

-ભરત વિંઝુડા

ખબર નહીં કેમ પણ મને આ ગઝલ વાંચીને તરત બે ખૂબ જ પ્રખ્યાત રચનાઓ યાદ આવી ગઈ.  એક તો “જોબનીયું આજે આવ્યું ને કાલે જાશે” અને બીજી, બેફામસાહેબની એક પ્રખ્યાત રચના “એકલાં જ આવ્યા મનવા, એકલાં જવાના સાથી વિના, સંગી વિના, એકલાં જવાના”…

Comments (16)

એની સોબતમાં – ભરત વિંઝુડા

લોક અળગી અળગી બાબતમાં મળ્યાં,
તો ય એની એ જ હાલતમાં મળ્યાં.

ઓળખી શકતો નથી હું કોઈને,
શી ખબર, સૌ કઈ મહોબતમાં મળ્યાં.

રંગબેરંગી છે એથી સાચવ્યા,
જે અનુભવ એની સોબતમાં મળ્યાં.

માણસોના ટોળાં ને ટોળાં અહીં,
એક માણસની જરૂરતમાં મળ્યાં.

અન્ય લોકોની ય પણ છે હાજરી,
આમ સૌ છેવટની દાવતમાં મળ્યાં.

– ભરત વિંઝુડા

આપણે બધા ટોળાં ને ટોળાં ભેગા કર્યે રાખીએ છીએ, ને ખરેખર જરૂરત હોય છે માત્ર એક જ માણસની.

Comments (19)

…સમેટી લઉં – ભરત વિંઝુડા

થાય છે કે બધું સમેટી લઉં
કઈ રીતે આયખું સમેટી લઉં ?

ખૂબ અંતર છે આપણી વચ્ચે
તું કહે એટલું સમેટી લઉં !

તું સમેટાઈ જાય મારામાં
તો જીવનમાં ઘણું સમેટી લઉં

વિસ્તરી જાઉં આખી દુનિયામાં
કે સ્વયમ્.માં બધું સમેટી લઉં ?

હું જ છું, આસપાસ કાંઈ નથી
કેમ ખાલીપણું સમેટી લઉં ?

– ભરત વિંઝુડા

સમેટી લઉં જેવી વિચાર માંગી લેતી રદીફ ઉપર વિચાર કરવા મજબૂર કરી દે એવા પાંચ સશક્ત શેર…

Comments (22)

એમ પણ નથી – ભરત વિઝુંડા

હું શબ્દમાં સમાઈ શકું એમ પણ નથી
સંજ્ઞાથી ઓળખાઈ શકું એમ પણ નથી.

તે વાતચીતમાં જ મને વ્યસ્ત રાખશે
એકાદ ગીત ગાઈ શકું એમ પણ નથી.

એક મંચ છે ને એમાં નથી મારી હાજરી
શ્રોતામાં ગોઠવાઈ શકું એમ પણ નથી.

આઠે પહોર યાદ ન આવી શકું ભલે
કોઈ દિવસ ભુલાઈ શકું એમ પણ નથી.

છોડી દઈને જાત નિરાકાર થઈ ગયો
શોધો ને હું છુપાઈ શકું એમ પણ નથી.

– ભરત વિઝુંડા

દેખીતી વાત અશક્તિની છે. અંદરની વાત આસક્તિની છે. નિરાકાર થવા છતા કવિને છુપાવામાં ફાંફા પડે છે ! અવ્યક્તનો અહેસાસ જ પોતાને વ્યાખ્યાયિત કરે છે એ કબુલ કરતા કવિ, આડકતરી રીતે પોતાને જ વ્યક્ત કરે છે એ વિરોધાભાસ પર વિચાર કરી જુઓ તો ગઝલ વધારે ખુલે છે.

Comments (18)

Page 2 of 3123