યાદગાર ગીતો :૨૦: એવું કાંઈ નહીં ! – ભગવતીકુમાર શર્મા
હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ
એવું કાંઈ નહીં !
હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મઘમઘતો સાદ,
એવું કાંઈ નહીં !
સાવ કોરુંકટાક આભ, કોરોકટાક મોભ, કોરાંકટાક બધાં નળિયાં,
સાવ કોરી અગાસી અને તે ય બારમાસી, હવે જળમાં ગણો
તો ઝળઝળિયાં !
ઝીણી ઝરમરનું ઝાડ, પછી ઊજળો ઉઘાડ પછી ફરફરતી યાદ,
એવું કાંઈ નહીં !
હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ
એવું કાંઈ નહીં !
કાળું ભમ્મર આકાશ મને ઘેઘૂર બોલાશ સંભળાવે નહીં;
મોર આઘે મોભારે ક્યાંક ટહુકે તે મારે ઘેર આવે નહીં.
આછા ઘેરા ઝબકારા, દૂર સીમે હલકારા લઇને આવે ઉન્માદ,
એવું કાંઈ નહીં !
હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ
એવું કાંઈ નહીં !
કોઈ ઝૂકી ઝરુખે સાવ કજળેલા મુખે વાટ જોતું નથી;
કોઈ ભીની હવાથી શ્વાસ ઘૂંટીને સાનભાન ખોતું નથી.
કોઈના પાલવની ઝૂલ, ભીની ભીની થાય ભૂલ, રોમે રોમે સંવાદ
એવું કાંઈ નહીં !
હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ
એવું કાંઈ નહીં !
-ભગવતીકુમાર શર્મા
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
સંગીત અને સ્વર: સોલી કાપડિયા
ભગવતીકુમાર શર્મા (જન્મ: ૩૧-૫-૧૯૩૪, સુરત) એ સુરતનું ગૌરવ છે. કવિ, વાર્તાકાર, નવલકથાકાર, નિબંધકાર, પત્રકાર અને વ્યંગલેખક એવી બહુવિધ પ્રતિભા ધરાવતા ભગવતીકુમારે સુરતના ‘ગુજરાતમિત્ર’ના તંત્રી વિભાગમાં અડધા દાયકા સુધી રહ્યા. સુરતની સઘળી સાંસ્કૃતિક પ્રવૃતિઓને વેગ આપવામાં એમનો મોટો હાથ. સાહિત્યકાર સામાન્ય રીતે રાજકીય ઘટનાઓથી દૂર રહે એવું જોવા મળે. પણ ભગવતીકુમારમાંનો પત્રકાર અને સાહિત્યકાર હંમેશ એકબીજાના પૂરક બની રહ્યા એ એમની વિશિષ્ઠ સિદ્ધિ. (કાવ્યસંગ્રહો: સંભવ, છંદો છે પાંદડાં જેનાં, ઉજાગરો)
આ ગીતનો આસ્વાદ વિવેકે એટલી એટલી સરસ રીતે કરાવેલો કે એ જ અહીં ટાંકું છું : વરસાદની ઋતુ આમ તો કેટલી વહાલી લાગતી હોય છે ! પહેલા વરસાદનો રોમાંચ જ કંઈ ઓર હોય છે. ભીની માટીની ગંધ અને એવો જ ભીનો ભીનો મઘમઘતો સંબંધ, આભ, મોભ કે અગાસી – ચારેકોર બધું જ તરબોળ, વરસાદ પછીનો ઊજળો ઊઘાડ, કાળાં ઘનઘોર આકાશનો બોલાશ, મોરના ટહુકારા, વીજળીના ઝબકારા, ખેડૂઓના હલકારે છલકાઈ જતી સીમ અને ઝૂકેલા ઝરુખે ઝૂકીને પ્રતીક્ષા કરતું પ્રિયજન – વરસાદ આપણા અને સૃષ્ટિના રોમેરોમે કેવો સમ-વાદ સર્જે છે ! પણ આજ વર્ષાની ઋતુમાં પ્રિયજનનો સાથ ન હોય તો? ચોમાસાનું આકાશ મિલનના મેહને બદલે વેદનાર્દ્ર વ્રેહ વરસાવે તો? ભગવતીકુમાર શર્માના આ ગીતમાં પ્રિયજનની અનુપસ્થિતિમાં વરસાદ એના બધા જ સંદર્ભો કઈ રીતે ખોઈ બેસે છે એ આંખે ભીનાશ આણે એ રીતે વરસી આવ્યું છે. વરસાદ તો ચોમાસું છે એટલે પડે જ છે પણ હવે એનો અર્થ રહ્યો નથી. શહેર ભલે ભીનું થતું હોય, કવિને મન તો આભેય કોરું અને મોભેય કોરો. નળિયાં પણ કોરાં અને અગાસી પણ કોરી. પણ મને જે સુક્કાશ અહીં પીડી ગઈ એ અગાસી સાથે બારમાસીના પ્રાસની છે. ઈચ્છો કે ન ઈચ્છો ચોમાસું તો આઠ મહિના પછી પાછું આવવાનું જ. પણ પ્રેયસીના પાછાં ફરવાની કોઈ જ આશા ન હોય ત્યારે જ કોઈ વિરહાસિક્ત હૈયું આવી અને આટલી કોરાશ અનુભવી શકે છે. સાવ કોરી અગાસી અને તે ય બારમાસી – જાણે હવે બારેમાસ અહીં કોઈ ચોમાસું આવનાર જ નથી….પાણીના નામે જે કંઈ ગણો એ બીજું કંઈ નહીં, માત્ર આંસુ…
