બાલમુકુન્દ દવે શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
March 15, 2010 at 7:25 pm by ધવલ · Filed under ગીત, બાલમુકુન્દ દવે
આપણે તે દેશ કેવા ?
આપણે વિદેશ કેવા ?
આપણે પ્રવાસી પારાવારના હે…જી.
સંતરી સૂતેલા ત્યારે
આપણે અખંડ જાગ્યા;
કોટડાં કૂદીને ભાગ્યા :
આપણે કેદી ના કારાગારના હે…જી;
આપણે પ્રવાસી પારાવારનાં હે…જી.
આપણે પંખેરું પ્યાસી
ઊડિયાં અંધાર વીંઝી
પાંખ જો પ્રકાશભીંજી :
આપણે પીનારાં તેજલધારના હે…જી;
આપણે પ્રવાસી પારાવારના હે…જી.
આપણે ભજનિક ભારે :
આપણે તે એકતારે
રણકે છે રામ જ્યારે
આપણા આનંદ અપરંપારના હે…જી;
આપણે પ્રવાસી પારાવારનાં હે…જી.
- બાલમુકુન્દ દવે
આઝાદીની ઝંખના, જ્ઞાન-પ્રકાશની ખેવના અને ભક્તિના આનંદને ‘એક-તારે’ વણી લેતું ‘કાનથી વાંચવાનું’ ગીત. ઘણા ઘણા વખતથી મનમાં તો હતું પણ આજે આ ગીત હાથમાં આવ્યું તો ‘આનંદ અપરંપાર’ થઈ ગયો !
Permalink
February 25, 2010 at 8:50 am by ઊર્મિ · Filed under ગીત, બાલમુકુન્દ દવે
ફાગણ ફટાયો આયો, કેસરિયા પાઘ સજાયો
જોબનતા જામ લાયો, રંગ છાયો રંગ છાયો રે
પાંદરડે ઢોલ પિટાયો, વગડો મીઠું મલકાયો
શમણાની શાલ વીંટાયો, કીકીમાં કેફ ધૂંટાયો
ગોરી ધૂંઘટ ખોલાયો, નેણમાં નેણ મિલાયો
વરણાગી મન લુભાયો, રંગ છાયો રંગ છાયો રે.
કો રંગ ઊડે પિચકારીએ, કેસૂડે કામણ ઘોળ્યા
કો પાસેવાળા પડી રહ્યા, આઘાને રંગે રોળ્યા
કોઈનો ભીંજે કંચવો, કોઈના સાડી-શેલા
કોઈ ના કોરૂ રહી જશે, જી કોઈ મોડા કોઈ વ્હેલા!
-બાલમુકુંદ દવે
એમ તો હોળીને હજી થોડા દિવસોની વાર છે પણ ફાગણ તો આવી જ ગયો છે ને… તો બાલમુકુન્દ દવેના આ ખૂબ જ મજાનાં ફાગણિયા ગીતને માણવા માટે હોળીનાં દિવસ સુધી શા માટે રાહ જોવી ?
Permalink
December 10, 2009 at 12:09 am by ઊર્મિ · Filed under ઓડિયો, ગીત, બાલમુકુન્દ દવે, યાદગાર ગીત
કેવા રે મળેલા મનના મેળ ?
હો રુદિયાના રાજા ! કેવા રે મળેલા મનના મેળ ?
હો રુદિયાની રાણી ! કેવા રે મળેલા મનના મેળ ?
ચોકમાં ગૂંથાયે જેવી ચાંદરણાની જાળી
જેવી માંડવે વીંટાયે નાગરવેલ :
હો રુદિયાની રાણી ! એવા રે મળેલા મનના મેળ !
તુંબુ ને જંતરની વાણી,
હે જી કાંઠા ને સરિતાનાં પાણી;
ગોધણની ઘંટડીએ સોહે સંધ્યાવેળ :
હો રુદિયાના રાજા ! એવા રે મળેલા મનના મેળ !
ધરતી ભીંજાય જેવી મેહુલાની ધારે,
જેવાં બીજ રે ફણગાય ખાતરખેડ :
હો રુદિયાની રાણી ! એવા રે મળેલા મનના મેળ !
સંગનો ઉમંગ માણી,
હે જી જિંદગીંને જીવી જાણી;
એક રે ક્યારામાં જેવાં ઝૂક્યાં ચંપો-કેળ :
હો રુદિયાના રાજા ! એવા રે મળેલા મનના મેળ !
જળમાં ઝિલાય જેવાં આભનાં ઊંડાણ,
જેવા ક્ષિતિજે ઢોળાય દિશના ઘેર :
હો રુદિયાની રાણી ! એવા રે મળેલા મનના મેળ !
-બાલમુકુન્દ દવે
(જન્મ: ૭-૩-૧૯૧૬, મૃત્યુ: ૨૮-૨-૧૯૯૩)
સ્વરાંકન : ક્ષેમુ દિવેટીયા
સ્વર : હર્ષદા-જનાર્દન રાવલ
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
સ્વર : સોલી-નિશા કાપડિયા
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
બાલમુકુન્દ મણિશંકર દવે. વડોદરા જિલ્લાના મસ્તુપુરામાં જન્મ. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અનુક્રમે મસ્તુપુરા-કુકરવાડાની ગુજરાતી સરકારી શાળામાં અને વડોદરાની શ્રીસયાજી હાઈસ્કૂલમાં. મેટ્રિક થઈ ૧૯૩૮માં અમદાવાદ આવી શરૂઆતમાં સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલયમાં કામ કર્યા બાદ થોડો વખત પત્રકારત્વ ક્ષેત્રે કામગીરી બજાવી ‘નવજીવન’માં જોડાયા. ત્યાંથી ત્રણેક દાયકે નિવૃત્ત થઈ નવજીવન પ્રકાશિત ‘લોકજીવન’નું સંપાદન કરેલું. ૧૯૪૯માં એમને કુમારચન્દ્રક પણ મળેલો. બાળપણમાં માણેલું પ્રકૃતિસૌંદર્ય, દાદીમાના પ્રભાતિયાં તેમ જ લગ્નગીતોનું શ્રવણ તથા ચિંતનાત્મક ને પ્રેરક સાહિત્યનું વાચન, બુધસભા અને કવિ વેણીભાઈ પુરોહિતની મૈત્રીએ તેમના કવિવ્યક્તિત્વને ઘડવામાં મહત્ત્વનો ફાળો આપ્યો છે. પ્રકૃતિ, પ્રણય અને ભક્તિ મુખ્ય કવનવિષયો છે. શિષ્ટ પ્રાસાદિક વાણી અને સાચકલી ભાવાનુભૂતિ એમની કવિતાને મનોહારિતા આપે છે. (ગુ.સા.પરિષદ પરથી સાભાર)
બાલમુકુંદ દવેનાં નામની સાથે જ યાદ આવે- આ શ્રાવણ નીતર્યો સરવડે કોઈ ઝીલો જી, જૂનું ઘર ખાલી કરતાં જેવા બીજા ઘણા કાવ્યો… પરંતુ યાદગાર ગીતની વાત આવે ત્યારે મને તો સૌપ્રથમ આ જ ગીત યાદ આવે. કેટલીયે વાર સાંભળવા છતાં કદી જૂનું જ નથી લાગતું. પ્રસન્ન દામ્પત્યજીવનની અદભૂત ઝાંખી કરાવતું પ્રણય-સભર સુંદર ગીત. વિવાહિતજીવનમાં સૌથી અઘરી (અને સૌથી સરળ પણ) એક જ વાત હોય છે, પતિ-પત્નીનાં મનનું મળવું. ગીતમાં કવિએ પ્રકૃતિનાં શાશ્વત તત્ત્વોનું તાદાત્મ્ય વર્ણવીને ખૂબ જ સુંદર રીતે સમજાવ્યું છે કે દામ્પત્યજીવન કેવું હોવું જોઈએ. એકમાંથી બે થવું જેટલું લાગે એટલું સહેલું નથી કારણ કે આખરે તો બે નહીં પણ એક જ બનીને રહેવાનું હોય છે… ઉભયનાં અલગ અલગ અસ્તિત્વનો સહજ સ્વીકાર કરીને. એકીકરણમાં બે મહત્વની આવશ્યકતા એટલે કે પારદર્શકતા અને અહંકારની આહુતિ. સંગનો ઉમંગ જો સહજીવનની પ્રત્યેક પળે માણી શકાય તો જ સાહચર્યપણું સાર્થક ગણી શકાય, અને જીન્દગીને સાચી રીતે માણેલી-જીવેલી કહી શકાય.
Permalink
March 4, 2007 at 1:36 am by વિવેક · Filed under ગીત, બાલમુકુન્દ દવે
સીમને સીમાડે તને જોયો મારા બંદા !
પ્રીતચિનગારી પહેલી જોઇ જી જોઇ જી.
એકલ બપોરે તને જોઇ મારી રાણી !
અક્કલપડીકી મેં તો ખોઇ જી ખોઇ જી.
આંબલાની હેઠ ગોઠ કીધી મારા બંદા !
હરખની મારી હું તો રોઇ જી રોઇ જી.
હોઠની ધ્રુજારી તારી પીધી મારી રાણી !
હેતભીની આંખ મેં તો લોઇ જી લોઇ જી.
કંઠમાં ગૂંચાણી મૂંગી વાણી મારા બંદા !
નજરુંમાં નજર મેં પ્રોઇ જી પ્રોઇ જી.
વણબોલ્યા કોલ લીધા-દીધા મારી રાણી !
તાંતણે બંધાયાં ઉર દોઇ જી દોઇ જી.
આંબલાની મેર ઝૂક્યો તુંય મારા બંદા !
ફેર ફેર મોહી તને જોઇ જી જોઇ જી.
ઉરધબકાર એકતાર મારી રાણી !
ઊઠતા ઝંકાર એક સોઇ જી સોઇ જી.
……. સોઇ જી સોઇ જી.
-બાલમુકુન્દ દવે
પ્રેમના રાજ્યના રાજા અને રાણીનો વારાફરતી એક-એક કડીમાં થતો વાર્તાલાપ આ ગીતને વાંચતાવેંત જ કૈં એવો ઓપ આપે છે કે ફરીથી પ્રેમમાં પડવાની ઈચ્છા થઈ આવે. બંદા અને રાણીના સંબોધનો સાથે પુનરાવર્તિત થતા ધ્રુવખંડ- જોઈ, રોઈ, લોઈ, દોઈ વિ. અને પાછળ ‘જી’કારનો થડકો પ્રેમની અનુભૂતિના આવર્તનોને પ્રલંબ બનાવતા હોય એમ આપણી સંવેદનાને પ્ર-દીર્ઘ સ્પર્શ કરે છે. પ્રેમ આંધળો હોય છે… પહેલા મિલનમાં જ ભરબપ્પોરના સીમના એકાંતમાં અક્કલપડીકી ખોઈ પ્રીતની ચિનગારી ભડભડવા માંડે છે. અને શું ચુંબનની પરિભાષા – હોઠની ધ્રુજારી તારી પીધી! મૌનનો વાર્તાલાપ અને જજરુંની ગુફ્તગુ… નામ પાડ્યા વિના અપાતા વચનો અને એક થતા હૈયાના તાર… આંબાતળે જાણે કે સ્વર્ગ રચાઈ ગયું !
Permalink
December 7, 2006 at 12:40 am by વિવેક · Filed under બાલમુકુન્દ દવે, શબ્દોત્સવ, સોનેટ
ફંફોસ્યું સૌ ફરીફરી અને હાથ લાગ્યુંય ખાસ્સું :
જૂનું ઝાડુ, ટૂથ-બ્રશ, વળી લક્સ સાબુની ગોટી,
બોખી શીશી, ટિનનું ડબલું, બાલદી કૂખકાણી,
તૂટ્યાં ચશ્માં, ક્લિપ, બટન ને ટાંકણી સોય-દોરો !
લીધું દ્વારે નિત લટકતું નામનું પાટિયું,જે
મૂકી ઊંધુ, સુપરત કરી, લારી કીધી વિદાય.
ઊભાં છેલ્લી નજર ભરીને જોઈ લેવા જ ભૂમિ,
જ્યાં વિતાવ્યો પ્રથમ દસકો મુગ્ધ દામ્પત્ય કેરો;
જ્યાં દેવોના પરમ વર-શો પુત્ર પામ્યાં પનોતો
ને જ્યાંથી રે કઠણ હૃદયે અગ્નિને અંક સોંપ્યો !
કોલેથી જે નીકળી સહસા ઊઠતો બોલી જાણે:
‘બા-બાપુ ! ના કશુંય ભૂલિયાં, એક ભૂલ્યાં મને કે ?’
ખૂંચી તીણી સજલ દૃગમાં કાચ કેરી કણિકા ! દૃગ=આંખ
ઉપડેલાં ડગ ઉપર શા લોહ કેરા મણીકા !
- બાલમુકુન્દ દવે
બાલમુકુન્દ મણિશંકર દવે (જન્મ: 07-03-1916-મસ્તુપુરા, મૃત્યુ:28-02-1993,અમદાવાદ) એમના સ્વચ્છ અને સુરેખ અભિવ્યક્તિવાળાં છંદોબદ્ધ કાવ્યો તથા લયહિલ્લોલથી આકર્ષતાં, પ્રાચીન લોકગીતો અને ભજનોના ઢાળોવાળાં ગીતોથી આપણી ભાષાનો આગવો ટહુકો બની શક્યા છે. સરળતા, મધુરતા અને હૃદયસ્પર્શિતા એ એમની કવિતાની વિશેષતા.
ઘર બદલવાના સાવ સાદા ભાસતા પ્રસંગની અહીં વાત છે. કૂખેથી કાણી ડોલ, ઢાંકણ વગરની બોખી શીશી, તૂટેલાં ચશ્માં અને આવો ઘણો બધો સામાન મધ્યમવર્ગના માનવીનું એક ચિત્ર વાચકના મનોજગતમાં દોરી રહે ત્યાંથી કવિતા આગળ વધે છે. હળવી શૈલીમાં વર્ણવાયેલ આ અસબાબ છેતરામણો છે એની ત્વરિત પ્રતીતિ થાય છે પતિ-પત્ની સાથે મળીને છેલ્લી નજર નાંખે છે ત્યારે. અરે! આ તો એ જ ઘર, જ્યાં દામ્પત્યનો પહેલો મુગ્ધ દાયકો વિતાવ્યો હતો! અહીં જ તો ઈશ્વરકૃપા સમો પુત્ર મળ્યો! પણ એ સુખ ક્યાં કવિના નસીબમાં હતું જ? આ જ ઘરમાંથી એ પુત્રને ચિતા સુધી લઈ જવો પડ્યો હતો…. કાવ્યના પ્રારંભમાં સાવ તુચ્છમાં તુચ્છ ભાસતી તમામ તૂટેલી-ફૂટેલી વસ્તુને કમ-સે-કમ ગમે ત્યારે ગમે ત્યાં સાથે તો લઈ જવાતી હતી ને! મહામૂલા પુત્રરત્નને તો અહીં જ મૂકી જવાનો હતો ને! મૃત પુત્રનું બાળપણ જે આ ઘરના ખૂણે-ખૂણે કેદ છે એની યાદ લાગણીને સઘન બનાવી કાવ્યને વેધક ચોટ આપે છે. વાસ્તવચિત્રણ દ્વારા ઉત્કટ કરુણ તરફની ગતિ કાવ્યમાં ચમત્કારિક રીતે સિદ્ધ થઈ છે.
કાવ્યસંગ્રહ: ‘પરિક્રમા’., ‘કુંતલ’. બાળકાવ્યસંગ્રહ: ‘સોનચંપો’, ‘ઝરમરિયાં’, ‘અલ્લક દલ્લક’.
Permalink
October 29, 2005 at 1:10 pm by ધવલ · Filed under કાવ્યકણિકા, બાલમુકુન્દ દવે
સમજી જાજે સાનમાં, મન બાંધી લેજે તોલ,
હોય ઈશારા હેતના, એના ના કંઈ વગડે ઢોલ !
-બાલમુકુન્દ દવે
Permalink