આટલે વર્ષે હવે ઈકરાર ના કરશો તમે,
જામ શું કે ઝેર શું, સઘળું સમય પર જોઈએ.
મનહરલાલ ચોક્સી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for મુક્તક

મુક્તક શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




મુક્તક – મધુકર રાંદેરિયા

જનમનું  એક  બંધન  જીવને   જીવનથી  બાંધે છે
જીવન જીવતાં જટિલ  જંજાળ જગની રોજ બાંધે છે
મરણ  તક  બંધનોના  બોજ  ઓછા  હોય  એ રીતે
અહીંના    લોક   મડદાને   ય   મુશ્કેટાટ   બાંધે છે

– મધુકર રાંદેરિયા

Comments (2)

મુક્તક – મરીઝ

બસ હવે મેં તમને મળવાની કડી સમજી લીધી,
કે આ દુનિયાને તમારાથી જુદી સમજી લીધી.
જીવવા જેવા હતા, એમાં ફક્ત બે ત્રણ પ્રસંગ,
મેં જ આખી જિંદગીને જિંદગી સમજી લીધી.

 – મરીઝ 

Comments (1)

કોણ પૂછે છે ? – કૈલાસ પંડિત

કોણ ભલાને પૂછે છે ? અહીં કોણ બૂરાને પૂછે છે ?
મતલબથી બધાને નિસ્બત છે, અહીં કોણ ખરાને પૂછે છે ?
અત્તરને નીચોવી કોણ પછી ફૂલોની દશાને પૂછે છે ?
સંજોગ ઝુકાવે છે નહીંતર અહીં કોણ ખુદાને પૂછે છે ?

– કૈલાસ પંડિત

Comments (6)

મઝધારમાં – અનંતરાય ઠક્કર ‘શાહબાઝ’

જીત હું નીરખ્યા કરું છું સર્વદા મુજ હારમાં,
મુક્તિ મારી આખરે છે એક કારાગારમાં;
ડૂબીને તરતો રહીશ હું સાગરોની ધારમાં,
હોડી મારી લઈ જઉં હું ડૂબવા મઝધારમાં !

– અનંતરાય ઠક્કર ‘શાહબાઝ’

Comments

જડી જાય – જવાહર બક્ષી

એક શબ્દ દડી જાય, દડી જાય અરે !
પડઘાઓ પડી જાય, પડી જાય અરે !
બ્રહ્માંડથી ગોતીને ફરી લાવું ત્યાં
એક કાવ્ય જડી જાય, જડી જાય અરે !

– જવાહર બક્ષી

Comments

જીવ્યા કરે – ભરત યાજ્ઞિક

ઓલવાતા શ્વાસ લઈ  માણસ  પછી જીવ્યા કરે,
ચાંગળું અજવાસ લઈ  માણસ પછી જીવ્યા કરે,
એક દરિયો કે નદી કે ઝાંઝવાનો પછી વસવસો
રેતનો  સહેવાસ  લઈ માણસ  પછી જીવ્યા કરે.

– ભરત યાજ્ઞિક

(ચાંગળું=હથેળીમાં સમાય એટલું)

Comments (1)

ન કર – ‘પંથી’ પાલનપુરી

ભૂલ  વારંવાર   નરબંકા  ન કર !
તું  અયોધ્યામાં  ફરી લંકા ન કર !
આગ સોંસરવી સીતા નીકળી જશે,
રામ  જેવો  રામ થઈ શંકા ન કર !

– ‘પંથી’ પાલનપુરી

Comments (1)

કહેતા નથી – મરીઝ

આ  મહોબ્બત છે  કે  છે એની  દયા  કહેતા નથી
એક   મુદ્દત થઈ  કે  તેઓ હા  કે  ના કહેતા નથી
બે જણા દિલથી મળે તો એક મજલીસ છે ‘મરીઝ’
દિલ  વિના  લાખો મળે  એને  સભા કહેતા નથી !

-‘મરીઝ’

Comments (4)

રતિલાલ ‘અનિલ’ને ‘આટાનો સૂરજ’ માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર

2006ના સાહિત્ય અકાદમી પુરસ્કાર માટે સુરતના રતિલાલ ‘અનિલ’ના નિબંધસંગ્રહ ‘આટાનો સૂરજ’ની પસંદગી થઈ છે. સુરતના માનીતા સાહિત્યકાર એવા શ્રી રતિલાલ ‘અનિલ’ને અભિનંદન ! એ એમના નિબંધો ઉપરાંત ચાંદરણા અને મરકલાથી જાણીતા છે. એમણે સરસ ગઝલો પણ લખી છે. એમનું જ એક મુક્તક આજે માણીએ.

સહજમાં રહ્યો ને બધે વિસ્તર્યો,
રહ્યો જળ ને પાછો હું જળમાં તર્યો !
કે ‘સ્થિતિ’માં મારી રહી છે ‘ગતિ’
નથી હું મર્યો કે નથી અવતર્યો !

એમની વધુ રચનાઓ, ખાસ તો ઢગલાબંધ ચાંદરણાઓ, એમની વેબસાઈટ પર આપ માણી શકો છો.

Comments (3)

શું કરું – મનોજ ખંડેરિયા

ડગમગે છે એવી ક્ષણને શું કરું:
ઓગળી  જાતાં  ચરણને શું કરું.
કાળમીંઢી  શક્યતા પલળે નહીં,
તો  ભીનાં વાતાવરણને શું કરું.

– મનોજ ખંડેરિયા

Comments (3)

શબ્દોત્સવ – ૭: મુક્તક – મરીઝ

પાણીમાં   હરીફોની   હરીફાઈ   ગઈ,
શક્તિ ન હતી, અલ્પતા દેખાઈ ગઈ;
દરિયાનું માપ કાઢવા, નાદાન નદી,
ગજ એનો લઈ નીકળી, ખોવાઈ ગઈ.

*

જીવે તો અહીં સૌ છે ન કર એના વિચાર,
જોવું  છે  એ કે  છે  જનમ  કે  અવતાર;
મયખાનામાં  યે  સાચા  શરાબી  છે જૂજ,
મસ્જિદમાં  યે  છે  સાચાં નમાઝી બે-ચાર.

*

શ્રદ્ધાથી   બધો    ધર્મ વખોડું  છું હું,
હાથે  કરી  તકદીરને   તોડું  છું  હું;
માંગું છું દુઆ એ તો ફક્ત છે દેખાવ,
તુજથી ઓ ખુદા હાથ આ જોડું છું હું.

-મરીઝ

Comments (4)

શબ્દોત્સવ – ૭: મુક્તક – અમૃત ઘાયલ

જર  જોઇએ,  મને  ન ઝવેરાત જોઇએ,
ના  જોઇએ મિરાત, ન મ્હોલાત જોઇએ;
તારા સિવાય જોઇએ ના અન્ય કંઇ મને,
મારે  તો દોસ્ત તારી મુલાકાત  જોઇએ.

બાજુમાં ગુલ અને નજરમાં બહાર,
હાથમાં  જામ,  આંખડીમાં ખુમાર;
આવી પહોંચી સવારી ‘ઘાયલ’ની,
બાઅદબ, બામુલાહિજા, હોશિયાર. 

( એક મુશાયરામાં પ્રવેશ વખતે બહુ જ દાદ મેળવેલ મુક્તક )

*

ઉલ્લાસની   ઉમંગની  અથવા  વિષાદની,
ફરિયાદની   હો  વાત, કે હો વાત યાદની;
થાતી  નથી  મુરખને કોઇ વાતની  અસર,
કડછીને ‘જાણ’ હોતી નથી રસની, સ્વાદની.

અમૃત ઘાયલ

Comments

શબ્દોત્સવ – ૭: મુક્તક : પેરિસમાં શું કરે છે ? – શેખાદમ આબુવાલા

આદમને કોઈ પૂછે : પેરિસમાં શું કરે છે ?
લાંબી  સડકો પર એ  લાંબા કદમ  ભરે છે.
એ  કેવી રીતે ભૂલે પોતાની  પ્યારી માને !
પેરિસમાં છે છતાંયે ભારતનો દમ ભરે છે !

– શેખાદમ આબુવાલા

Comments

મુક્તક – અજય પુરોહિત

પંખીની  આંખથી  હું અજાણ છું
છતાં અર્જુનની હું ઓળખાણ છું
મને  કોલંબસે   આંખમાં  પૂર્યો
હું ટાપું શોધતું  કોઈ વહાણ  છું.

–  અજય પુરોહિત

Comments (2)

મુક્તક – જવાહર બક્ષી

પહોંચી  ન  શકું એટલા  એ દૂર નથી
પણ સાવ નિકટ આવવા આતુર નથી
શ્વાસોમાં  સમાઉં તો  મને એ રોકી લે
વહી  જાઉં હવામાં તો  એ મંજૂર નથી

– જવાહર બક્ષી

Comments (2)

મુક્તક – ‘ચાતક’

ઓળખી શકતા નથી નિજને જ જે
અન્યને એ શી રીતે પરખી શકે ?
જિંદગીથી પણ ડરી મુખ ફેરવે
મોતની સામેય શું નીરખી શકે ?

– ‘ચાતક’

Comments (2)

મુક્તક – ભરત પાલ

વહાણ ચાલે છે સમયની રેત પર,
કોણ મારે છે હલેસાં શી ખબર ?
છે ખલાસી પર મને શ્રદ્ધા અડગ,
એ મને છોડે નહીં મઝધાર પર.

– ભરત પાલ

Comments (4)

મુક્તક – મુકુલ ચોકસી

ઉપલબ્ધ એક જણની અદા શી અજબ હતી
એ પણ ભૂલી જવાયું કે શેની તલબ હતી
પાસે જઈને જોઉં તો કાંઈ પણ હતું નહીં
રેતી ઉપર લખ્યું હતું કે અહીં પરબ હતી !

– મુકુલ ચોકસી

Comments

મુકતક – ઉદયન ઠક્કર

ક્યારે, કઈ રીતે, ને એમાં વાંક કોનો? શું કહું?
વાતેવાતે એમ દસ્તાવેજ થોડા હોય છે ?
પાંપણો ઝુકાવી મન, હળવેકથી, પાછું વળ્યું
સર્વ કિસ્સા સનસનટીખેજ થોડા હોય છે ?

– ઉદયન ઠક્કર

Comments (5)

મુક્તક – નીતિન વડગામા

બંધ રોજેરોજ સઘળાં બારણાંઓ હોય છે
સાવ નિરાધાર હૈયાધારણાઓ હોય છે
એમ વાગોળ્યા કરો ને એમ એ દૂઝ્યા કરે
કેટલા કરપીણ આ સંભારણાઓ હોય છે

– નીતિન વડગામા

Comments (6)

ખુદાની રહેમત – કરસનદાસ માણેક

હજુ વરસાદભીની ધરતીની ખુશબૂ ગમે છે,
રહેમત છે ખુદાની: જીવતો છું, તું ગમે છે !
ગમે બુઢઢા સમુદ્રોને જિગર ભરતી અજંપો
શરદની ચાંદની ને દિલતણું ઝૂરવું ગમે છે !

– કરસનદાસ માણેક

આપણા જેવા માણસો ખુદાની કૃપામાં કંઈ કેટલીય ચીજોની આશા રાખે છે. જ્યારે કવિને મન તો પોતાનું હ્રદય લાગણીથી સભર છે એ હકીકત જ ખુદાની સૌથી મોટી રહેમત છે. માત્ર ચાર પંક્તિઓમાં કવિએ બહુ મોટા ગજાની વાત અહીં ખૂબ નાજુક રીતે મૂકી છે.

Comments (4)

છેવટે – મુકુલ ચોકસી

એક  ઠંડી   નજરથી   થીજે  છે
જે ન થીજ્યાં’તાં હિમપ્રપાતોમાં
સાત  સાગર  તરી જનારા પણ
છેવટે     લાંગર્યા    અખાતોમાં

– મુકુલ ચોકસી

Comments (2)

સમજી લઈએ – ઓજસ પાલનપુરી

એવી  આ  બધી  માયાને  સમજી લઈએ
પહેલાં પ્રથમ આ દુનિયાને સમજી લઈએ
ઈશ્વર  એ  પછી  સહેજમાં  સમજાઈ જશે
એકવાર   અમો   પોતાને  સમજી લઈએ

– ઓજસ પાલનપુરી

Comments (4)

મુક્તક – રઈશ મનીઆર

હવાના હાટ પવનની દુકાન રાખે છે
અહીંના લોક વતનની દુકાન રાખે છે
કે હુલ્લડોની જે અફવા અહીં ઉડાવે છે
ગલીના નાકે કફનની દુકાન રાખે છે

– રઈશ મનીઆર

Comments (3)

સુરતની વ્યથાનો પડઘો

તાપી નથી, આ દ્રૌપદીની સાડી છે,
દુઃશાસકો(-નો)એ હાથે ખેંચી કાઢી છે;
ભીષ્મીકરણ આ બબ્બે બંધોનું કરી,
સૂરત સુરતની પાણીમાં ડૂબાડી છે.

ચારે તરફ પાણી જ પાણી, કાચું સોનું વરસે છે,
એક બુંદ પાણી માટે તો પણ લોક આજે તરસે છે;
વરસાદ પર કાબૂ કરવાને બંધ બબ્બે બાંધ્યા છે,
પણ બંધ આંખોના લીધે પાણીમાં સુરત કણસે છે.

ડૉ. વિવેક મનહર ટેલર

પાણી માટે, પાણીમાં, તરસે હવે.
બંધ તોડી, આંખ મુજ ,વરસે હવે.
આપણે બાંધ્યા’તા જળ-છૂટા થયા,
વ્હેણ માં ચેતન તું કાં, કણસે હવે ?

ચેતન ફ્રેમવાલા

Comments (4)

નથી – કરસનદાસ લુહાર

તારી ઊંચાઈ કોઈ દિ’ માપી શક્યો નથી,
ને એટલે હું તુજમહીં વ્યાપી શક્યો નથી;
મારી નજરમાં છે હજુ યે મારી મૂર્તિઓ,
તેથી તને હું ક્યાંય પણ સ્થાપી શક્યો નથી.

– કરસનદાસ લુહાર 

Comments (4)

બની જા – જલન માતરી

કહું છું ક્યાં કે પયગમ્બર બની જા,
વધારે   ચાંદથી  સુંદર  બની જા;
જગે    પુજાવું   જો   હોય   તારે
મટી જા માનવી પથ્થર બની જા.

– જલન માતરી

Comments (8)

આંખ લૂછું છું – શેખાદમ આબુવાલા

તમારી   મૂંગી આંખમાં   જવાબોના  જવાબો છે
છતાં   બેચેન થઈ હું   કેટલાયે   પ્રશ્ન  પૂછું  છું;
મને સમજાતું નથી કે પ્રેમમાં આ શું કરું  છું  હું?
તમે રડતા નથી ને તોપણ તમારી આંખ લૂછું છું.

– શેખાદમ આબુવાલા

Comments (3)

સંજોગોના પાલવમાં – સૈફ પાલનપુરી

કોઈ સ્મિતે સ્મિતે સળગે છે, કોઈ રડીને દિલ બહેલાવે છે
કોઈ ટીપે ટીપે તરસે છે, કોઈ જામ નવા છલકાવે છે
સંજોગોના પાલવમાં છે બધું, દરિયાને ઠપકો ના આપો
એક તરતો માણસ ડૂબે છે એક લાશ તરીને આવે છે

– સૈફ પાલનપુરી

Comments (5)

આવડી જાય છે – રઈશ મનીયાર

પર્વતમાંયે રસ્તા  પડી  જાય છે
મૃગજળોને તરી નાવડી જાય છે
હાંફતા  હાંફતા  હાંફતા એક  દિ’
શ્વાસ લેતા પછી આવડી જાય છે.

– રઈશ મનીયાર

Comments (9)

મુક્તક – શોભિત દેસાઈ

વિસ્મરણમાં છે ઝૂલવાનો સમય,
સર્વ યાદોને ભૂલવાનો સમય.
ખૂબસૂરત પ્રસવ મરણનો અને
હોવાની કેદ ખૂલવાનો સમય.

– શોભિત દેસાઈ

કોણ જાણે કેમ છેલ્લા થોડા વખતથી મૃત્યુ વિષય પરની વધુ ને વધુ કવિતાઓ હાથે ચડે છે. સાથે જ જુઓ મરતા માણસની ગઝલ – ઉદયન ઠક્કર અને મૃત્યુ ન કહો – હરીન્દ્ર દવે.

Comments (3)

મુક્તક – વિવેક મનહર ટેલર

 
ચિત્ર: ડૉ.કલ્પન પટેલ

 

હૈયું ભરાઈ આવ્યું, છલકી ઊઠ્યાં છે આ નેણ,
હું શું કહું? અધરથી પાછાં વળ્યાં છે સૌ વેણ;
તારો   આ  પ્રેમ  સાંધે,  સંબંધ  એ  રીતે  કે
ટુકડોજડ્યો  જડે  ન,  ક્યાંયે જડે ન કો’ રેણ.

ડૉ.વિવેક મનહર ટેલર

Comments (2)

શી ખબર – ચિનુ મોદી

પથ્થરો પોલા નીકળશે શી ખબર ?
મિત્ર સહુ બોદા નીકળશે શી ખબર?
એમની આંખો ભીંજાઈ’તી ખરી,
આંસુઓ કોરા નીકળશે શી ખબર?

– ચિનુ મોદી ‘ઈર્શાદ’

Comments (6)

સંબંધ – રમેશ પારેખ

તમે હાથ હેઠા કરે દ્યો હવે,
કે સંબંધ તોડી શકતા નથી.
તમે ફોડી શકશો અરીસા કદી,
ચહેરાઓ ફોડી શકતા નથી.

– રમેશ પારેખ

Comments (3)

ક્ષણો – રમેશ પારેખ

ચરણ મારાં તારા ભણી હોય છે,
હું ચાલું ત્યાં ભીંતો ચણી હોય છે.
મુઠ્ઠીમાં જ રાખીને ફરીએ છતાં,
ક્ષણો કેટલી આપણી હોય છે ?

– રમેશ પારેખ

Comments (2)

વહી છે – હરકિશન જોષી

સડક ચાલનારાની પાછળ રહી છે,
અને સાવ એકલતા એણે સહી છે;
સમર્પણનો રસ્તો પ્રસિદ્ધિથી પર છે,
નદી નામ પાડ્યા વિના પણ વહી છે!

– હરકિશન જોષી

Comments (1)

સમાધાન – શેખાદમ આબુવાલા

તારી પાસે રામ છે
મારી પાસે જામ છે
અર્થ શો વિખવાદનો
બેઉને આરામ છે !

– શેખાદમ આબુવાલા

Comments (3)

નમ્રતા અને નિધિ – શેખ સાદી

વાદળામાંથી એ જલબિંદું ખર્યું,
ને સમુદ્ર નિહાળી હૈયે થરથર્યું,
સિંધુ ક્યાં? ને ક્યાં હું બિંદુ? એ કહે
ત્યાં તો છીપે આવરી, અંકે ધર્યું.

– શેખ સાદી

Comments

શાયર છું – ઘાયલ

અમૃતથી હોઠ સહુના એઠા કરી શકું છું,
મૃત્યુના હાથ પળમાં હેઠા કરી શકું છું;
આ મારી શાયરી તો સંજીવની છે ‘ઘાયલ’
શાયર છું પાળિયા ને બેઠા કરી શકું છું.

– ધાયલ

Comments (12)

ધાર કયાં હતી? – રઈશ મનીયાર

આ સાંજ રોજ આટલી ખૂંખાર કયાં હતી ?
તારું સ્મરણ હતું પણ તલવાર કયાં હતી ?
લોકો હતા બસ એ જ અને એ જ હાથ પણ –
આ પથ્થરો ને પહેલા વળી ધાર ક્યા હતી ?

– રઈશ મનીયાર

Comments

અદભૂત રંગ – શેખાદમ આબુવાલા

શી રીતે મન ડામશે?
રંગ અદભૂત જામશે.
બ્રાહ્મચારી સ્વર્ગમાં
અપ્સરાઓ પામશે !

શેખાદમ મુક્તકના માણસ હતા. એમણે મુક્તકોનો એક અલગ સંગ્રહ કરેલો. એમના મુક્તકોમાં એમનુ વ્યક્તિત્વ છલકી ઊઠે છે. એ વ્યંગ સાથે નાનકડી સરસ ટકોર મૂકે છે. પહેલા રજૂ કરેલા મુકતકો પણ માણો : તાજમહાલ, ગાંધી અને મુહોબ્બતના સવાલોના.

Comments (1)

મુક્તક – ઉદયન ઠક્કર

સુધારી શકાતી નથી
સમારી શકાતી નથી
ઈમારત અમુક વર્ષ બાદ
ઉગારી શકાતી નથી.

– ઉદયન ઠક્કર

Comments

મુક્તકો – શેખાદમ આબુવાલા

અમને નાખો જિંદગીની આગમાં
આગને પણ ફેરવીશું બાગમાં
સર કરીશું આખરે સૌ મોરચા
મોતને પણ આવવા દો લાગમાં.

મરીશું તો અમે ખુદ મોત માટે જાન થઈ જાશું
રહીશું બાગમાં તો આગનો સામાન થઈ જાશું
ઉછાળા મારીને અમને ન પાછા વાળ ઓ સાગર
કિનારો આવશે તો ખુદ અમે તોફાન થઈ જાશું.

– શેખાદમ આબુવાલા

Comments (4)

દિલ – મનહર મોદી

દિલ તમોને આપતા આપી દીધું
પામતાં પાછું અમે માપી લીધું.
માત્ર એક જ ક્ષણ તમે રાખ્યું છતાં
ચોતરફથી કેટલું કાપી લીધું !

– મનહર મોદી

Comments (3)

કંઈક તો થાતું હશે… – રમેશ પારેખ

સ્પર્શ દઈ

પાણી વહી જાતું હશે

ત્યારે કંઈક

આ પત્થરોને કંઈક તો થાતું હશે…

રમેશ પારેખ

( ધવલનાં સહજ આમંત્રણને સ્વીકારી લયસ્તરોની યાત્રામાં આજથી પદાર્પણ કરી રહ્યો છું. ધવલ અમેરિકામાં અને હું ભારતમાં. એના શબ્દોમાં આ બ્લોગ હવે અંતર્રાષ્ટ્રીય જ નહીં, અંતરખંડીય (Not only international, but transcontinental) બની રહ્યો છે. રમેશ પારેખનાં એક સાવ જ નાનાં ઊર્મિકાવ્ય સાથે શરૂઆત કરૂં છું. મારા વાંચનનું આપ સૌ સાથે તાદાત્મ્ય સાધવાની મારી અને ધવલની આ સહિયારી કોશિશ પણ આપના સ્નેહને પાત્ર ઠરે એવી અંતરેચ્છા.

– વિવેક ટેલર ( શબ્દો છે શ્વાસ મારાં )

Comments (8)

એટલે – યોગેશ જોષી

તે છતાં ઊગી ગયાં છે જંગલો,
મેં હથેળીને કદી સીંચી નથી.

એટલે મૃત્યુ પછી ખુલ્લી રહી –
આંખ આખી જિંદગી મીંચી નથી.

– યોગેશ જોષી

Comments (2)

જઈએ – શોભિત દેસાઈ

પાણીના ટીપે ઘાસમાં જઈએ
ચાલ, કોઈ પ્રવાસમાં જઈએ
પહેલી વર્ષામાં એક થઈને પછી
માટીના ભીના શ્વાસમાં જઈએ.

-શોભિત દેસાઈ

Comments (1)

નિખાલસતા – સૈફ પાલનપુરી

ઘણા લાંબા સમય પહેલાંની ચોરાયેલી વસ્તુ છે
ઉતાવળમાં એ જાણે બહાર ફેંકાયેલી વસ્તુ છે
અજાણ્યા કોક હૈયે જોઉં છું જ્યારે નિખાલસતા,
મને લાગે છે એ મારી જ ખોવાયેલી વસ્તુ છે !

– સૈફ પાલનપુરી

Comments (3)

આશા-નિરાશા – ‘ધાયલ’

વલણ એકસરખું રાખું છું આશા નિરાશામાં
બરાબર ભાગ લઉં છું જિંદગીના સૌ તમાશામાં
સદા જીતું છું એવું કૈં નથી, હારું છું બહુધા, પણ
નથી હું હારને પલટાવવા દેતો હતાશામાં

– ‘ઘાયલ’

Comments (2)

વાત -ઘાયલ

વાત મારી નીકળી તો હશે,
સાંભળી પાંપણો ઢળી તો હશે,
મૌન પાળ્યું હશે છતાં ‘ઘાયલ’
ચીસ આંખોમાં સળવળી તો હશે.

-‘ઘાયલ’

Comments (1)