ચાલ્યા જતા પ્રસંગની એકાદ ક્ષણ રહે
તોપણ પૂરા પ્રસંગનું વાતાવરણ રહે
– જવાહર બક્ષી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for મુક્તક

મુક્તક શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




મુક્તક – મુકુલ ચોકસી

તારાથી સર્વ ત્યજી દઈને જો આવી ન શકાય,
બીજી રીતે તો મને તારો બનાવી ન શકાય;
સઢ ગમે તેટલા બાંધો તે છતાં હોડીને
એકસાથે બેઉ કાંઠે તો તરાવી ન શકાય.

– મુકુલ ચોકસી

Comments (10)

અભ્યાસ – ગીતા પરીખ

અભ્યાસ કક્કા સમ જિંદગીનો
આરંભ કીધો ‘અ’ થકી અહો મેં,
અંતે પહોંચી ‘જ્ઞ’ સુધી છતાંયે,
રહી ખરા જીવનથી જ ‘અજ્ઞ’ !

– ગીતા પરીખ

આખી જિંદગી ભારે અભ્યાસમાં રચ્યા પચ્યા રહેતા લોકો ખરા જીવનને ચૂકી જાય છે. મુકુલભાઈનો યાદગાર શેર છે: હાથમાં રાખ્યા જીવનભર પેન ને પોથી સજનવા / પણ લખી અંતે જીવનની જોડણી ખોટી સજનવા !

Comments (8)

મુક્તક – દિલીપ મોદી

હું રડ્યો  છું રેશમી  જઝબાત પર
ને હસ્યો  છું  કારમા  આઘાત પર
આમ હું જીવી લઈશ હે, જિંદગી !
મેં લખ્યું  છે નામ ઝંઝાવત પર !

– દિલીપ મોદી

Comments (8)

નાટક – શેખાદમ આબુવાલા

કોઈ   હસી  ગયો  અને  કોઈ  રડી  ગયો
કોઈ  પડી  ગયો  અને  કોઈ  ચડી ગયો
થૈ  આંખ બન્ધ  ઓઢ્યું કફન  એટલે થયું
નાટક  હતું  મઝાનું  ને  પડદો  પડી ગયો

-શેખાદમ આબુવાલા

Comments (6)

મુક્તિ-મંત્ર – શૂન્ય પાલનપુરી

સહન ચુપચાપ કરવાથી જીવન ફોગટ વહી જાશે.
કદમની  બેડીઓ  ‘કાયર’  સમા શબ્દો  કહી જાશે.
જવાંમર્દીથી   એક  જ  કૂદકે   અવરોધ  ટાળી  દે,
નહીંતર   મંઝિલો  દીવાલની  પાછળ  રહી   જાશે.

– શૂન્ય પાલનપુરી

Comments (10)

પડઘો – હેમેન શાહ

ટહુકો જો ગૂંગળાય તો પડઘો નહીં પડે
કે સૂર્ય અસ્ત થાય તો પડઘો નહીં પડે
સાંનિધ્યમાં ન આવશે અંદાજ પ્રેમનો
અંતર અમુક સિવાય તો પડઘો નહીં પડે

– હેમેન શાહ

Comments (6)

મુક્તક – સૌમ્ય જોશી

કલમ પકડી કરું છું હું અનોખા પ્રાસની ઈચ્છા,
જગતની સર્વ ઊર્મિના સખત અહેસાસની ઈચ્છા.

પ્રતિભા સ્હેજ ઓછી છે છતાં હું એજ રાખું છું,
હતી જે વ્યાસની ઈચ્છા ને કાલિદાસની ઈચ્છા.

-સૌમ્ય જોશી

ગઈકાલે ધવલે છાંડી દીધેલી એંઠની વાત કરી જેના અનુસંધાનમાં ’व्यासोच्छिष्ठं जगत् सर्वम्।’ જેવાપ્રતિભાવ મળ્યા એટલે તરત જ સૌમ્ય જોશીનું આ મુક્તક યાદ આવી ગયું.’ઈમેજ પબ્લિકેશન’ દ્વારા સુરત ખાતે છવ્વીસમી તારીખે એકસાથે છ કાવ્યસંગ્રહ અને છ વાર્તાસંગ્રહનું વિમોચન બાર સાહિત્યરસિકોના હાથે થયું જેમાં સૌમ્ય જોશીના ‘ગ્રીનરૂમમાં’નું વિમોચન મારા હાથે થયું એ પ્રસંગના આનંદને વાગોળતા વાગોળતા આ મુક્તક આજે રજૂ કરું છું.

Comments (9)

સુખ – અમૃત ‘ઘાયલ’

કોઈની   છોડી  હવે  ના  છૂટશે
આ  કસુંબો  પી  કસેલી  ભેઠ  છે
સુખ ગણી જેને પ્રસંશે છે જગત
એ  અમે  છાંડી  દીધેલી એંઠ છે

– અમૃત ‘ધાયલ’

( ભેઠ=કમર પર બાંધવાનું કપડું, એંઠ=એઠું)

Comments (5)

મુક્તક – ખલીલ ધનતેજવી

કોઈ સ્થળે બેચાર મરે છે,
ક્યાંક કશે દસબાર મરે છે;
હિન્દુ મુસ્લિમ બંને સલામત,
માણસ વારંવાર મરે છે.

-ખલીલ ધનતેજવી

આજે મુંબઈમાં આતંકવાદી હુમલાને બરાબર એક મહિનો થયો છે ત્યારે ખલીલ ધનતેજવીનું એક મુક્તક. પાકિસ્તાન અને આતંકવાદ- બંનેને જવાબ આપવામાં આપણે સોએ સો ટકા ઉણા જ ઉતરવાના છીએ કારણ કે આપણા નમાલા અને નપુંસક રાજકારણીઓ એક અબજથી વધુ વસ્તી ધરાવતા દેશની સમસ્યાઓના ઉકેલ માટે વિદેશી મદદ પર આધાર રાખી બેઠા છે. યુદ્ધ તો આમેય કોઈ સમસ્યાનો ઉકેલ નથી પણ સ્વાવલંબન વિના પણ કશું શક્ય નથી. ધર્મ અને રાષ્ટ્રની સરહદોથી પરે આપણે એક ‘માણસ’ને મરતો બચાવી શકીએ તો પણ ઘણું…

Comments (18)

મુક્તક – ચિનુ મોદી

બંધ આંખે હેતુ વાંચો છો તમે
રેતી દેખી સેતુ બાંધો છો તમે
સાત પગલાં ચાલવા છે એટલે
સાવ ટૂંકો પંથ માંગો છે તમે

– ચિનુ મોદી

Comments (2)

યાદ આવશે – શકીલ કાદરી

મારું મૃત્યુ મિત્રો એવા પ્રશ્ન પણ સર્જાવશે
કોઈ કહેશે ‘એને બાળો’ તો કોઈ દફનાવશે
નામને મારા મિટાવાના પ્રયત્નો થાય પણ –
એટલું નક્કી છે, લોકોને ઘણું યાદ આવશે

– શકીલ કાદરી

Comments (9)

એ જ છે – અબ્દુલ મૌલિક

એ નથી ને એ જ છે
વાત તેની તે જ છે
થડ ગણો કે પાંદડું
વિસ્તરેલો ભેજ છે

– અબ્દુલ મૌલિક

Comments (1)

મુક્તક – દિલીપ રાવલ

ચાલો એક ઈચ્છા ખણી નાખીએ
અને એક મનને હણી નાખીએ
ફરી પાછી પીડા પ્રસવની ઊઠી છે
ફરીથી ગઝલને જણી નાખીએ

– દિલીપ રાવલ

Comments (6)

મુક્તક – ભગવતીકુમાર શર્મા

રેત છું પણ શીશીમાં ખરતો નથી,
શૂન્યતાને ‘હું’ વડે ભરતો નથી;
મારા પડછાયા કરે છે ઘાવ પણ
હું સમય છું એટલે મરતો નથી.

– ભગવતીકુમાર શર્મા

Comments (5)

કિરતાર તારી કળા ! – મકરંદ દવે

જેટલી    વેદના    એટલો   સ્નેહ !
જેટલી    લૂ   ઝરે   એટલો   મેહ !
ધન્ય છે, વાહ, કિરતાર તારી કળા !
તેં   દીધી   ચેતના  ને   દીધી  ચેહ.

– મકરંદ દવે

Comments (4)

મુક્તક – વિનોદ ગાંધી

જે અક્ષરો કાગળ ઉપર આંક્યા હતા
એ લાગણીને ટાંકણે ટાંક્યા હતા
તેં કફન ખોલી કદી જોયું નહીં
મેં શ્વાસ થોડા સાચવી રાખ્યા હતા

– વિનોદ ગાંધી

Comments (9)

દશા અને દિશા – વેણીભાઈ પુરોહિત

દશા પર દાઝનારા ને દશા પર દૂઝનારાઓ,
નથી હોતા ખુમારીથી જીવનમાં ઝૂઝનારાઓ.

દિશા જાણ્યા વિનાના છે દશાથી ધ્રુજનારાઓ !
કહી દો   એમને  કે,  હે દશાના  પૂજનારાઓ !

દશા તો છે સડક જેવી, સડક ચાલી નથી શકતી,
સડકને  ખૂંદનારાને  સડક  ઝાલી નથી શકતી.

– વેણીભાઈ પુરોહિત

પ્રારબ્ધને ઠોકર મારી પુરુષાર્થ પર આધાર રાખી જીવો. પવનથી ધ્રુજતા તણખલાની જેમ નહીં, ખુમારીથી ઉડતા બાજની માફક જીવો !

Comments (4)

મુક્તક – દિલીપ રાવલ

રાહ  જોજે  યાદ  થઈને  આવશું,
સ્વપ્નમાં  સંવાદ  થઈને આવશું !
તું ગઝલ થઈને રજૂ થા તો ખરી,
મહેફિલોમાં  દાદ  થઈને આવશું !

– દિલીપ રાવલ

Comments (7)

કથા મુક્તક – મુકુલ ચોકસી

એની વાંચી છે ડાયરી આખી,
પુત્રથી વાત ગુપ્ત એ રાખી,
એક બાસઠ વરસના ડોસાએ
આંખ ભીની કરી લૂછી નાખી.

– મુકુલ ચોકસી

ચાર લીટીના ચમત્કારો રજૂ કરવાની વાત અનાયાસ જ ગોઠવાઈ ગઈ. ઝેન મુકતક અને કાવ્યો છેલ્લે મૂકેલા એટલે આ મુક્તક તરત યાદ આવ્યું. મુક્તક જેવા ચાર લીટીના નાનકડા પ્રકારમાં આખી કથા કેટલી સહજતાથી અને વળી તીણી અસર સાથે આવી છે. અંગ્રેજીમાં તો આવો – અત્યંત નાની વાર્તાનો પ્રકાર પ્રચલિત છે – જેને flash fiction કહે છે. અર્નેસ્ટ હેમિંગ્વેએ માત્ર છ જ શબ્દોમાં એક વાર્તા લખેલી જે આનું ઉત્તમ ઉદાહરણ છે – “For sale: baby shoes, never worn.”

Comments (10)

કાવ્યો – નિરંજન ભગત

સૌંદર્યની સાપણ ક્યાંથી ડસે,
વ્યાપી જતું ઝેર તરત નસેનસે;
નીલાં ત્વચામાં ફૂટતાં ચકામાં,
કાવ્યો કહ્યાં જે જનવાયકામાં.

– નિરંજન ભગત

કાવ્યના જન્મની મિમાંસા ચાર લીટીમાં ! આમ તો ઉમાશંકરે પણ કહ્યું જ છે – સૌંદર્યો પી, ઉરઝરણ પછી ગાશે આપમેળે !

Comments (6)

મુક્તક – શેખાદમ આબુવાલા

હસું  છું  એટલે  માની  ન  લેશો કે  સુખી છું હું,
રડી શક્તો નથી એનું મને દુઃખ છે, દુઃખી છું હું;
દબાવીને  હું  બેઠો  છું  જીવનના કારમા ઘાવો,
ગમે   ત્યારે  ફાટી  જાઉં  એ  જવાળામુખી છું હું.

– શેખાદમ આબુવાલા

એક આખો રવિવાર કોઈ ચાર જ પંક્તિ પર મારે કાઢવાનો હોય તો હું આ મુક્તક પસંદ કરું. શેખાદમ આબુવાલાની કલમમાં શાહી નહોતી, તેજાબ હતો અને એ તેજાબ વળી જમાનાની નિષ્ઠુરતાનો પરિપાક હતો. આ ચાર લીટી નથી, આ ચાર ચાબખા છે અને એ આપણી જ પીઠ પર ચમચમતા સોળની જેમ ઊઠે છે. વળી ચાબખા મારનારના હાથ તપાસીએ તો ખબર પડે કે એ હાથ પણ આપણા જ છે…

Comments (10)

મુક્તક – સાગર સિદ્ધપુરી

બને તો આપબળથી તું તરી જા તારો ભવસાગર,
કિનારા પર ડુબાડે છે, ઘણાએ તારનારાઓ.
બધાએ જીતનારાઓ વિજેતાઓ નથી હોતા,
જીવનમાં દાવ જીતે છે ઘણાએ હારનારાઓ !

– સાગર સિદ્ધપુરી

Comments (5)

પ્યારું ઉપનામ – શૂન્ય પાલનપુરી

જેટલું   છે   બધું   જ   તારું  છે,
કૈં   ન   હોવાપણું  જ   મારું   છે.
‘શૂન્ય’ અવમૂલ્યનોની દુનિયામાં
તારું   ઉપનામ  કેવું  પ્યારું  છે !

– શૂન્ય પાલનપુરી

Comments (5)

આવું છું – ઘાયલ

સાંજના પાછો ઘેર આવું છું
દ્વાર મારું જ ખટખટાવું છું
બીજું તો શું બહારથી લાવું ?
ઊંચકી હું મને જ લાવું છું.

– અમૃત ‘ઘાયલ’

Comments (14)

સંકલ્પ – શેખાદમ આબુવાલા

સંકલ્પ  વિના એ શક્ય નથી
તું   રોક નયનના આંસુ મથી
તું  હાથની   મુઠ્ઠી  વાળી  જો
રેખાઓ બધી બદલાઈ  જશે !

– શેખાદમ આબુવાલા

Comments (4)

મુકતક – મનહરલાલ ચોકસી

જીવન-ઉપાસનાની સદા ધૂન છે મને
હું જિંદગીનો એક નવો દૃષ્ટિકોણ છું
મારી વિચાર-જ્યોત મને માર્ગ આપશે
છું એકલવ્ય હું જ અને હું જ દ્રોણ છું

– મનહરલાલ ચોકસી

Comments (4)

મુક્તક – મકરંદ દવે

ભલે રક્ષજે નાથ સંહારકોથી
પરંતુ વધુ તેથી ઉદ્ધરકોથી
મને બીક છે કે અમે ડૂબવાના
અમારા બની બેસતા તારકોથી

– મકરંદ દવે

Comments (3)

મુક્તક – ગોવિંદ ગઢવી

કોઈ મારી આંખમાં તરતું હશે
કોઈ મારા શબ્દમાં રમતું હશે
હું અમસ્તો સ્વપ્નથી ઘેરાઉં ના
કોઈ નક્કી જાગરણ કરતું હશે.

– ગોવિંદ ગઢવી

Comments (4)

મૈત્રીનું મૂલ્ય – મુસાફિર પાલનપુરી

તાંદુલી તત્વ હેમથી ભારે જ થાય છે,
કિંતુ મળે જો લાગણી ત્યારે જ થાય છે.
જ્યાં ત્યાં કદીય હાથ ના લંબાવ, ઓ હ્રદય!
મૈત્રીનું મૂલ્ય કૃષ્ણના દ્વારે જ થાય છે.

– મુસાફિર પાલનપુરી

Comments (3)

આ દેશને માટે – શેખાદમ આબુવાલા

આ દેશને માટે હિંસા એક વ્યાધિ થઈ ગઈ
ચાહી અમે નો’તી છતાં કેવી ઉપાધિ થઈ ગઈ
માર્યા – પછી બાળ્યા – પછી દાટ્યા – પછી ફૂલો ધર્યા
ચાલો થયું તે થઈ ગયું સુંદર સમાધિ થઈ ગઈ

– શેખાદમ આબુવાલા

Comments (3)

ગાતો રહ્યો – ગની દહીંવાલા

સફરમાં કેટલા દિવસો વીતાવ્યા કેટલી રાતો
વિપદને કેવડી વણઝાર કે છેડો ન દેખાતો
કદી આ કાળ કેરી મંજરીના તાલમાં વાગી
પરંતુ સર્વ સંજોગોમાં વણઝારો રહ્યો ગાતો !

– ગની દહીંવાળા

જીંદગીની સફરના અટપટા રસ્તા કાપતા કાપતા બીજું બધું થાય ચાલે, પણ ગીત હોઠ પરથી હટી જાય એ ન જ ચાલે. રસ્તો ભલે આકરો હોય પણ એનેય મન ભરીને માણી લેવો જ જોઈએ. આ વાંચતા જ એક ઝેન-કથા યાદ આવી ગઈ : લીંક.

Comments (4)

પૂરતું છે – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

ઓરડામાં એકાદ ચિત્ર હોય પૂરતું છે
જીવનમાં એક સરસ મિત્ર હોય પૂરતું છે
મિલાવ હાથ ભલે સાવ મેલોઘેલો છે
હ્રદયથી આદમી પવિત્ર હોય પૂરતું છે

– રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

Comments (6)

કોને ખબર – વિનોદ ગાંધી

કોને ખબર કે ફૂલો પીળાં થતા જશે ?
ચહેરાઓ આ બધાએ વિલાં થતા જશે ?
આ લાગણી ને બુદ્ધિનો ‘ક્રોસ’ થઈ પછી
માણસના નખ વધીને ખીલા થતા જશે ?

– વિનોદ ગાંધી

Comments (3)

મુક્તક – નીતિન વડગામા

એટલે તો વેલ પણ મોહી હશે
વાડ કાંટાથી પછી સોહી હશે
આ બધું નસમાં નદીમાં નાવમાં
જે વહે છે એ બધું લોહી હશે.

– નીતિન વડગામા

Comments (4)

મુક્તક – મરીઝ

દુ:ખદર્દની તદબીર દિલાસા ન થયા,
નિષ્પ્રાણ પ્રયાસો કદી ઈચ્છા ન થયા;
વધતો નથી આભાસ હકીકતથી કદી,
સ્વપ્નાઓ કદી નીંદથી લાંબાં ન થયા.

– મરીઝ

(તદબીર=પેરવી, ઉકેલ)

Comments (2)

નાખી છે – મરીઝ

જણસ અમૂલી અમસ્તી બનાવી નાખી છે,
પરાયા શહેરમાં વસતી બનાવી નાખી છે;
જગતના લોકમાં જ્યારે ગજુ ન જોયું ‘મરીઝ’,
મેં મારી જાતને સસ્તી બનાવી નાખી છે.

– મરીઝ

Comments (1)

મુક્તક – રાજેન્દ્ર શાહ

ઘરને ત્યજી જનારને
.           મળતી વિશ્વ તણી વિશાળતા.

-રાજેન્દ્ર શાહ

મુક્તક એટલે મોતી. મોતી એટલે અતાગ દરિયાના તળિયે પોઢેલી એક છીપની પાંપણનું સમણું. ક્યારેક એક મોતીમાં એક આખો સમંદર ભર્યો પડ્યો હોય છે. એક જ લીટીના આ મુક્તકનો વિચાર વિસ્તાર કરવો હોય તો?

Comments (5)

તકદીરને – શેખાદમ આબુવાલા

ખાળ તારી આંખડીના નીરને
સંકટોમાં આ ન છાજે વીરને;
એને ઠોકર મારીને રસ્તે લગાવ,
ક્યાં સુધી પંપાળશે તકદીરને ?

– શેખાદમ આબુવાલા

Comments (3)

મુક્તક – રિષભ મહેતા

કોઈ પણ રીતે મળી શકતાં નથી,
એકબીજામાં ભળી શકતાં નથી.
થઈ ગયાં શું આપણે પથ્થર સમા ?
કે જરા પણ ઓગળી શકતાં નથી ?

– રિષભ મહેતા

Comments (6)

યુક્તિ – ઘાયલ

કામમાં એક પેરવી લઉં છું,
યુક્તિથી તૃપ્તિ સેરવી લઉં છું.
થાય છે જ્યારે ઈચ્છા પીણાની,
હોઠ પર જીભ ફેરવી લઉં છું.

– ઘાયલ

Comments (4)

ઝાકળબુંદ : ૪ : મુક્તક અને ગઝલ- કવિતા મૌર્ય

મુકતક

અહમથી જ્યારે અહમ ટકરાય છે,
પ્રેમનો આ સાથ છૂટી જાય છે,
ડાળ પરથી પાંદડું ખરતું અને,
જિંદગી આ રણસમી પથરાય છે.

ગઝલ

કૈંક ક્ષણની યાદ લઇને બેઠી છું,
હોઠ પર ફરિયાદ લઇને બેઠી છું.

આવશે, વિશ્વાસ પાકો છે છતાં,
શ્વાસમાં હું સાદ લઇને બેઠી છું.

આગમન ટાણે અબોલા લઇ લીધા,
મૌનમાં સંવાદ લઇને બેઠી છું.

કેટલી નાજુક પળો સર્જાઇ ગઇ ,
ભીતરે ઉન્માદ લઇને બેઠી છું.

-કવિતા મૌર્ય

કવિતા મૌર્ય વિનાયક શાખાના સ્નાતક છે અને સૂરતમાં જ રહે છે. મુક્તકમાં ડાળ પરથી એક પાંદડું ખરવાની ઘટનાને જિંદગીના રણ સમા બની જવા સાથે કેટલી અર્થગહનતાસભર સાંકળી લેવાઈ છે!અને ભીતરી ઉન્માદથી ભરપૂર ચાર જ શે‘રની ગઝલ પણ એટલી જ આસ્વાદ્ય બની છે…

Comments (10)

ઓળખ – શકીલ કાદરી

એક અરીસો રાતે ફોડી,
બિંબ નિહાળો એને જોડી,
કોણ તમે છો? સમજણ પડશે,
ઓળખ મળશે થોડી થોડી.

– શકીલ કાદરી

Comments (10)

મુક્તક – લાભશંકર દવે

એને સૃજનનો મોહ કંઈ લાગે ન એટલે,
આકાર આપીને એ નિરાકાર થઈ ગયો !
એણે ખુશી થઈને કરી સ્વર્ગની સજા,
હું પુણ્ય કમાઈને ગુનેગાર થઈ ગયો !

પ્રસંગોપાત જીવનમાં હસી લઉં છું, રડી લઉં છું,
અને આ જીવવા જેવું જીવન જાતે ઘડી લઉં છું.
મને શાબાશીના બે શબ્દ કહેનારા નથી મળતા,
તો હું પોતે જ હાથે પીઠ મારી થાબડી લઉં છું.

– લાભશંકર દવે

Comments (1)

મુક્તક- મનસુખલાલ ઝવેરી

દુષ્કરોમાં સૌથી દુષ્કર શું હશે ?
-મોહ ને મહોરાં ઉતારી જીવવું.

-મનસુખલાલ ઝવેરી

Comments (6)

સીધે રસ્તે – ઉદયન ઠક્કર

હું એનું નામ શું આપું ? તું એનું નામ જાણે છે
ગગનમાં એકલે હાથે કરેલું કામ જાણે છે
એ નાહક સીધે રસ્તે ચાલવાને હઠ લઈ બેઠો
થયું શું આખરે એનુ એ આખું ગામ જાણે છે !

– ઉદયન ઠક્કર

Comments (1)

માપસરના આંસુ – જલન માતરી

આવી ન બર મુરાદ તો શ્રદ્ધા ઊઠી ગઈ,
પાયા ડગી ગયા તો ઈમારત પડી ગઈ;
માનવ રડ્યો તો માપસર આંસુ સરી પડ્યાં,
પથ્થર રડ્યો તો સિંધુ ને ગંગા વહી ગઈ !

– જલન માતરી

Comments (3)

છું – રાજેન્દ્ર શુક્લ

હું તો ધરાનું હાસ છું,
હું પુષ્પનો પ્રવાસ છું,
નથી તો ક્યાંય પણ નથી
જુઓ તો આસપાસ છું !

– રાજેન્દ્ર શુક્લ

Comments (2)

જોઈએ – શૂન્ય પાલનપુરી

મોતની તાકાત શી મારી શકે?
જિંદગી તારો ઈશારો જોઈએ
જેટલે ઊંચે જવું હો માનવી
તેટલા ઉન્નત વિચારો જોઈએ

– શૂન્ય પાલનપુરી

Comments (3)

લાગે છે મને – ચિનુ મોદી

લાગણીની બીક લાગે છે મને
વાત એ પણ ઠીક લાગે છે મને
પાણીમાં ચહેરાને જોયો એ પછી
દર્પણો દાંભીક લાગે છે મને !

– ચિનુ મોદી

Comments (1)

ચાલી નીકળો – ઉમેશ ઉપાધ્યાય

અણગમતો આવાસ ત્યજીને, ચાલી નીકળો
જીવ્યાનો આભાસ ત્યજીને, ચાલી નીકળો
ક્યાં લગ રહેશું આ રીતે મોહતાજ હવાના ?
ચાલો અહીંથી શ્વાસ ત્યજીને, ચાલી નીકળો

– ઉમેશ ઉપાધ્યાય

Comments (2)