હું “આઇ લવ યુ” બોલું, દિલ લાખવાર ખોલું, લાગે છે તોય પોલું,
સંબંધમાંથી જાણે દોરા સરી ગયા છે, બંધન રહી ગયા છે.
વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for ઘનશ્યામ ત્રિવેદી

ઘનશ્યામ ત્રિવેદી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




અપેક્ષિતતાની ગઝલ – ઘનશ્યામ ત્રિવેદી

શક્યતાઓ આટલી બસ એમ સરજાતી રહે,
હું જરા કોશિશ કરું ને તુંય સમજાતી રહે.

આંગણાનાં સોળ ચોમાસાં વળી પાવન બને,
મેઘલી મોસમ મહીં તું સ્હેજ શરમાતી રહે.

ઝરમરે આ ચાંદની કે તું ઝરે છે, શું ખબર ?
આગિયાની ટોળકીમાં અટકળો થાતી રહે.

વાયદાઓ સાવ પોકળ નીકળે એવું બને,
ભાવના- સંભાવનામાં જાત અટવાતી રહે.

ચાહના અંતિમ સમયની સાવ થોડી છે મને,
શૂન્યતામાં હું સરું ને તું ગઝલ ગાતી રહે.

– ઘનશ્યામ ત્રિવેદી

અપેક્ષાની બાદબાકી એ જ સાચો પ્રેમ…  અને એ જ ખરી ગઝલ !

(થોડા દિવસો પહેલાં ભાવનગરની શુશુવિહાર સંસ્થાની વાત કરી. એ સંસ્થાના નીરક્ષીર સંગ્રહમાંથી આ ગઝલ)

Comments (24)