ડંખે છે દિલને કેવી એક અક્ષર કહ્યા વિના
રહી જાય છે જે વાત સમય પર કહ્યા વિના.
મરીઝ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for બાણભટ્ટ

બાણભટ્ટ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

તૃપ્ત કરે જળકૂપ - બાણભટ્ટ (અનુ. હરિવલ્લભ ભાયાણી)તૃપ્ત કરે જળકૂપ – બાણભટ્ટ (અનુ. હરિવલ્લભ ભાયાણી)

કરે ચૂંચવતો રહેંટ
ઘટિકાચક્ર ચક્રભ્રમણે ફરી ઠલવે ધડધડ વારિભાર
સ્ફટિક મુશળ શી ધાર સ્ફાર
ઊછળી પછડાટે વેરછેર
છંટાતો શીકરનિકરનો મોતીફુવાર
જળપૂરે ખળખળ ઊભરાતી વેગે વહત પ્રણાલ :
.                          વનસીમાન્તે કરે ભલેરો આ જળકૂપ
શ્રાન્ત, પિપાસુ ગ્રીષ્મ-પથિકનાં
.                         લોચન, કંઠ, શ્રવણ સંતૃપ્ત

– બાણભટ્ટ (અનુ. હરિવલ્લભ ભાયાણી)

સાતમી સદીમાં રાજા હર્ષવર્ધનના શાસનમાં રાજકવિ તરીકે સ્થાન પામેલ બાણભટ્ટનું આ નાનકડું કાવ્ય કવિતાના પ્રાણને સમજવામાં મદદરૂપ થઈ શકે એમ છે. એક સફળ કવિતા શી રીતે બને છે? શબ્દોની ગોઠવણી કે પ્રાસગુંથણીથી ? મને લાગે છે કે કવિતાનો ખરો પ્રાણ એ કવિની દૃષ્ટિ છે. જે વસ્તુ આપણે સહુ રોજબરોજની જિંદગીમાં જોતા રહીએ છીએ એ જ વસ્તુ પર કવિની નજર પડે છે ત્યારે ફરક સમજાય છે.

વનના સીમાડે કૂવામાંથી પાણી ખેંચવા માટેનો રહેંટ ફરતો જાય અને ધડધડ પાણી પછડાતાં ઉડતી રહેતી વાંછટનું સાવ સીધુંસાદું દૃશ્ય કવિની નજરમાં ચડે છે તો કવિતા બની જાય છે… શરૂઆતની પંક્તિઓમાં કવિ એક મજાનું શબ્દચિત્ર ઊભું કરે છે અને અંતે છેલ્લી બે લીટીના આઠ શબ્દોમાં કવિતાનું સર્જન કરે છે… ઉનાળાના તાપથી તપેલા, થાકેલા, તરસ્યા ઉનાળુ માટે આ રહેંટ શું છે?  પાણીની સાચી તાકાત શી છે? છેલ્લા ત્રણ શબ્દ પર નજર નાંખીએ અને વિચારીએ…

*

રહેંટ = કૂવામાંથી પાણી ખેંચવાને માટે કરેલી ઢોચકાંવાળા ચક્કરની યોજના; ઘટીચક્ર
શીકરનિકર = પાણીની છાંટનો ઢગલો
પ્રણાલ = પરનાળ; ખાળ; નીક; પાણી નિકળવાનો માર્ગ; ધોરિયો
શ્રાન્ત = થાકેલું

Comments (9)