નીકળી ગયો છું કેમ તે ના પૂછ તું મને,
ખાલી પડી છે કેમ જગા ? કાફલાને પૂછ
મનોજ ખંડેરિયા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for દલપત પઢિયાર

દલપત પઢિયાર શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




છેલ રમતૂડી – દલપત પઢિયાર

છેલ રમતૂડી! પુનમિયા મેરામેં પારશ પેંપરો રે લોલ,
એની ચાર ચાર ગઉની છાંય
દીવડા શગે બળે
એની પાંદડાં કેરી ઝૂલ્ય, સાહેલી!
આથમતાં ઉકેલી ન પાદર થરથરે રે લોલ.

આયો અષાઢીલો મેઘ
નદીએ નઈ જઉં
અલી ચ્યાં ચ્યાં ટઉચ્યા મોર, સાહેલી!
પેંજરના પંખી ને વાયક પાછાં ફરે રે લોલ.

લીલી ઓકળીઓની ભાત્ય
વગડે વેરઈ ગઈ
પેલા પાણિયારાની પાળ, સાહેલી!
નજરુંને ઊતારો નેવાં જરે છલે રે લોલ.

પેલા મારીડાને ભાગ
મરવો નઈં બોલે,
પેલા સુથારીને હાટ
મંડપ નઈં ડોલે,
હવે હાડિયાને ઉડાડ્ય, સાહેલી!
આયા ગયા દન જમણી આંખે ફરફરે રે લોલ.

– દલપત પઢિયાર

ડુંગળીનાં પડની જેમ સારી કવિતામાં અર્થનું એક પડળ હટાવતાં બીજું ને બીજું હટાવતાં ત્રીજું હાથ લાગતું રહે છે. ડુંગળીના બધા પડ ઉખેડી નાંખ્યા બાદ હાથમાં તીવ્ર ગંધ અને આંખોમાં પાણી બચે છે, એ જ રીતે કાવ્યાર્થના તમામ પડળ નાણી લીધા બાદ અંતે જે શૂન્યાવકાશ બચે છે એ આત્માનુભૂતિનું જ બીજું નામ કવિતા… જીવનની સાંજના કિનારે બેસીને મુક્તિની રાહ જોતી સ્ત્રીનું આ ગીત જુઓ… તમામ અર્થચ્છાયાઓ બાદ કરી લેવાયા બાદ પણ અહીં કંઈક એવું તત્ત્વ બચે છે, જે આપણને છે…ક ભીતર સુધી સ્પર્શી જાય છે… શું આને જ સાચી કવિતા કહેતા હશે? મને જે સમજાયું છે તે મારી મજા છે, પણ ગીતનું ભાવવિશ્વ તો કદાચ હજી વધુ ઊંડું છે અને મારી સમજણથી સાવ અલગ પણ હોઈ શકે છે.

સાહેલી સાચા અર્થમાં મિત્ર માટેનું સંબોધન પણ હોઈ શકે અને જાત સાથે વાત કરવાની પ્રયુક્તિ પણ હોઈ શકે. પૂનમનો મેળો, એમાં ચાર-ચાર ગાઉ સુધી છાંય પાથરતો પારસપીંપળો, પ્રજ્વલિત દીવડાં ભર્યાભાદર્યા જીવન અથવા જીવનસાથી તરફ ઈંગિત કરે છે. પૂનમ અજવાસનું અને મેળો ભરચક્કતાનું પ્રતીક છે, તો પારસપીપળો પવિત્રતા અને વિશાળતાનું. પણ હવે દિવસ આથમવા આવ્યો છે એટલે પાદરમાં અંધારાં ઉતરતાં અંધારે ઉકેલી ન શકાતું જીવતર જાણે કે થરથરી રહ્યું છે. અષાઢી મેઘની વાત આવે એટલે મેઘદૂત પણ યાદ આવે. પણ નાયિકા નદીએ જવાની ના કહે છે. નદીકિનારે ટકુકતાં મોર જોવાની એની તૈયારી નથી. કદાચ જીવનસાથીની પ્રતીક્ષાની અહીં વાત છે. સાથી સાથે ન હોય તો મેઘ અને મોર –કશામાં મન ન લાગે એ સહજ છે. સાંજટાણે પંખી માળામાં પરત ફરે એ તો સહજ ઘટના છે, પણ અહીં કવિ પિંજરના પંખીના પાછાં ફરવાની વાત કરે છે એ ધ્યાનાર્હ છે. દેહ-પ્રાણના સંદર્ભ અહીં ઊઘડે છે. પિયુઆગમનની અપેક્ષામાં આંગણે કરેલ લીલી ઓકળીઓની ભાત હતી-ન હતી થવા આવી છે. પાણિયારે તો બેડાં ઉતારવાનાં હોય, કવિ નજર ઉતારવાનું કહે છે. કારણ કે પાણી તો આંખોને છલકાવી જ રહ્યાં છે. માળીના બાગમાં હવે મરવા ખીલનાર નથી અને સુથારની હાટમાં માંડવા મંડાનાર નથી. જીવનના પ્રસંગો સહુ ખતમ થયાં છે. આવીને ગયેલા સહુ દિવસો જમણી આંખે ફરકી રહ્યા છે. કાગડાને ઊડાડી દે, સહેલી… હવે અહીં કોઈ આવનાર નથી. કાગડાને ઉડાડવાની વાતમાં કાયા છોડીને જીવ શિવ તરફ ગતિ કરે એવી અર્થચ્છાયા પણ ભળેલી છે.

સરવાળે, સાવ નોખી તરેહનું ગીત.

Comments (12)

પુણ્યસ્મરણ – દલપત પઢિયાર

અમને કોની રે સગાયું આજ સાંભરે
ઊંડે તળિયાં તૂટે ને સમદર ઊમટે…
.                      કોની રે સગાયું આજ સાંભરે

કોઈ પાળ્યું રે બંધાવો ઘાટે ઘોડા દોડાવો.
આઘે લ્હેર્યુંને આંબી કોણ ઊઘડે…
.                      કોની રે સગાયું આજ સાંભરે

આજે ખોંખારા ઊગે રે સૂની શેરીએ,
ચલમ-તણખા ઊડે રે જૂની ધૂણીએ;
અમને દાદા દેખાય પેલી ડેલીએ…
.                      કોની રે સગાયું આજ સાંભરે

માડી વાતું રે વાવે આ ઉજ્જ્ડ ઓટલે,
ખરતાં હાલરડાં ઝૂલે રે અદ્ધર ટોડલે;
ઊંચે મોભને મારગ કોણ ઊતરે…
.                      કોની રે સગાયું આજ સાંભરે

કોઈ કૂવા રે ગોડાવો કાંઠે બાગો રોપાવો,
આછા ઓરડિયા લીંપાવો, ઝીણી ખાજલીયું પડાવો;
આજે પરસાળ્યું ઢાળી સૌને પોંખીએ…
અમને સાચી રે સગાયું પાછી સાંભરે.

– દલપત પઢિયાર

સ્મરણ પાસપૉર્ટ-વિઝા વિના વીત્યા મલકની મુલાકાતે મનફાવે ત્યારે આપણને લઈ જઈ શકે છે. ગઈકાલની યાદ આજના ભારને ઘડીભર હળવો પણ કરી દઈ શકે છે અને આજની હળવાશને શ્વાસ પણ ન લઈ શકાય એટલી ભારઝલ્લી પણ કરી દઈ શકે છે. કથકને આજે અચાનક જૂની સગાઈઓ સાંભરી રહી છે. કાવ્યારંભે આ સગપણ કોનાં તેનો ફોડ પાડ્યા વિના કવિ કેવળ એની પ્રબળતાનો અહેસાસ આપણને જમીનનું તળિયું તૂટે અને ભીતરથી સમંદર ઊમટી આવે એ પ્રતીક વડે કરાવે છે. સામાન્યતઃ જમીનનું તળ તૂટે ત્યારે ઝરણું પ્રગટ થતું હોય છે. અહીં કવિ સમંદરને ઊમટી આવતો બતાવીને સ્મરણ કેટલું બળવત્તર છે એની પ્રતીતિ શબ્દના એક લસરકાથી કરી બતાવે છે. ત્સુનામી જેવું આ સ્મૃતિપૂર આજે બધું જ ડૂબાડી દેશે એવી ભીતિથી પ્રેરિત કથક પાળ બંધાવવા કોઈ આગળ આવે એવું આહ્વાન દે છે. કદાચ તે પાળ બાંધીને આ પૂરને રોકી લેવાય. સમુદ્રની લહેરોને આંબીને કોણ પોતાના મનોપટ પર ઊઘડી રહ્યું છે એ જોવા કવિ ઘાટે ઘોડા દોડાવવા કહે છે.

એ જમાનામાં પોતાની આમન્યા જળવાઈ રહે એ માટે ઘરના વડીલ ડેલીએ પ્રવેશે એ પહેલાં ખોંખારો કરી પોતાના આવણાંના એંધાણ દેતા. જ્યાં કદી દાદાની આણ અને શાન વર્તાતી હતી એ સૂની પડેલી શેરીઓમાં ફરી ખોંખારા ઊગી રહ્યા છે. જૂની ધૂણીએ ફેર ચલમના તણખા ઊડતા દેખાઈ રહ્યા છે. દાદાની હારોહાર કવિને પોતાની માડી પણ યાદ આવે છે. મા વિના ઉજ્જડ થઈ ગયેલા ઓટલા પર ફરી વાત અને વાર્તાઓ વવાતી દેખાય છે. પોતાને ઝૂલાવતા હીંચકા અને હાલરડાં ટોડલે ઝૂલી રહ્યાં છે. સ્વર્ગે સિધારેલ મા મોભના માર્ગેથી અવતરણ કરે છે.

પ્રાણપ્રિય સ્વજનોને પોંખવામાં કમી ન રહી જાય એ માટે કવિ કૂવો નહીં, કૂવા ખોદાવવા કહે છે, બાગ નહીં, બાગો રોપાવવા કહે છે. ઓરડાઓમાં આછું લીંપણ કરાવવા અને એમાં ઝીણી ખાજલીઓ પડાવવા કહે છે. કાવ્યાંતે આવતા આ બહુવચન કાવ્યારંભે આવતા સ્મરણસાગરની વિશાળતા સાથે તાલ પૂરાવે છે. કવિકર્મનો આ વિશેષ નોંધવા જેવો છે. આવી નાની-નાની પ્રયુક્તિઓ જ સારી કવિતા અને ઉત્તમ કવિતા વચ્ચેની ભેદરેખા બની રહે છે. લોહીની સગાઈ તે સાચી સગાઈ. કવિ આજના આ પુણ્યસ્મરણને જીવ ભરીને માણી લેવાના મૂડમાં છે. અતીતના આ ઓરડામાં કવિની જેમ આપણને પણ લાંબો સમય પડી રહેવાનું મન થાય એવું આ ગીત પૂરું થયા બાદ પણ આપણા સ્મરણપટલ પર ગુજતું રહે છે…

Comments (8)

શીદ પડ્યો છે પોથે? – દલપત પઢિયાર

વસુધા પરગટ વેદ પાથર્યો;
.                         શીદ પડ્યો છે પોથે?
શબ્દ ઉતારે ભેદ આછર્યો,
.                         શીદ ચડ્યો છે ગોથે?

ઢોળી જો આ જાત પવનમાં,
ડિલે માટી ચોળી જો,
વાંચી જો આ વહેતાં વાદળ,
વૃક્ષ-વેલને વળગી જો,
ઝીણી ઝરમર, ભીની ફરફર
સહેજ પવનની લહેર
.                         અને કંઈ ફૂલડાં દોથે દોથે…!

કાષ્ઠ વિષે સૂતેલો અગ્નિ
દેવતા ક્યાંથી પાડે?
ભીંતે ચીતરી બિલ્લી
ઉંદર કેમ કરી ભગાડે?
જુગત જગાડે જ્યોત
જ્યોતમાં નહીં છોત નહીં છાયા,
દીવા આડે પડ્યું કોડિયું :
.                         ડુંગર તરણા ઓથે!

આભ આખું ખુલ્લંખુલ્લું,
છેક સુધીની ધરતી ખુલ્લી
ખુલ્લાં પંખી, ખુલ્લી નદીઓ,
ખુલ્લા પર્વત-પ્હાડ;
પછાડ બેવડ પંછાયાને
વચલી વાડ ઉખાડ!
.                         જડિયાં વળગ્યાં જૂને ભોથે!

– દલપત પઢિયાર

(ભોથું: માટીને બાઝેલું ઘાસનું જડિયું)

કવિને મન તો ધરતી એ જ વેદ! પ્રકૃતિને વાંચવાની મૂકીને પોથાં શીદ વાંચવા? શબ્દ કુદરતમાં રહેલા રહસ્યો અનુભૂતિના ચશ્માંથી ઊઘડે છે, શબ્દો તો આછરેલા ભેદનો નશો ઉતારી નાંખવાની રમત છે, એના ગોથે શા માટે ચડવું? પવન-ધરતી-વાદળ અને વૃક્ષોમાં જાતને એકાકાર કરીએ તો ભીતર પમરાટ થાય. પ્રકૃતિને પામવી હોય તો એનો સાક્ષાત્કાર કરવો પડે. લાકડામાં અગ્નિ છે પણ એ સળગે નહીં તો દેવતા ક્યાંથી પાડી શકે? ભીંતચિત્રમાંની બિલાડી ઉંદર ભગાડી શકતી નથી. યુક્તિ બરાબર હશે તો જ્યોત પ્રગટશે, અજવાળું થશે, અન્યથા તરણા ઓથે ડુંગર પડ્યો હોય એમ કોડિયું દીવા આડે પડ્યું રહેશે. પ્રકૃતિમાં ક્યાંય સીમા અને બંધનો નથી. પ્રકૃતિ એટલે જ ખુલ્લાપણું, મોકળાશ. આ અનહદ સાથે તાદાત્મ્ય સાધતા જે વાડ આપણને રોકી રહી છે એને ઉખાડી ફેંકવાની છે, તો જ સદીઓથી જૂના ભોથે વળગી રહેલ જડિયાંઓથી મુક્તિ મળશે. સરવાળે, આપણી પ્રકૃતિ પ્રકૃતિને વાંચતી થાય તો જ સાચું જ્ઞાન પ્રાપ્ત થાય.

Comments (5)

તો કહેજો… – દલપત પઢિયાર

એક દિવસ
સોસાયટીના સૌએ ભેગા થઈ
વીજળીના તારને નડતો લીમડો
કાપી નાખ્યો.
તે રાતે
વગડાનાં બધાં ઝાડ
મારી પથારીમાં આવ્યાં હતાં!
મારું એકે મૂળ રાતું થયેલું ન જોતાં
એ બિચારાં પાછાં વળી ગયાં…
હું ઘણી વાર
ઊંઘમાંથી ઝબકી જાઉં છું,
બારણામાં ઝાડનાં પગલાં સંભળાય છે.
મારામાં, મૂળ નાખવા માંડ્યું છે આ ઝાડ !
હું ફરી પાછો
ફણગી જઈશ એવી બીક લાગે છે !
આજે
બીજું ઝાડ કપાયું છે આ વાસમાં
રાત્રે
કોઈ બારણું ખખડાવે
તો કહેજો :
એ અહીં સૂતો જ નથી !

-દલપત પઢિયાર

સિમેન્ટના જંગલની વચ્ચે કેદ મનુષ્યની થીજતી જતી સંવેદનશીલતાની લોહીલુહાણ કરી નાંખે એવી ધારદાર કવિતા. આપણી ભૌતિક સુખસગવડની આડે પ્રકૃતિનું કોઈપણ તત્ત્વ આવે, એને રહેંસી નાંખતા આપણે ઘડીભર પણ વિચારતા નથી. મહોલ્લાના લોકો પાસેથી તો અપેક્ષા ન જ રાખી શકાય પણ પ્રકૃતિ કાવ્યનાયક પાસે સમ-વેદનની આશા રાખે છે. કપાઈ ગયેલું ઝાડ રાતે નાયકના સ્વપ્નમાં આવે છે પણ નાયકે કપાયેલા ઝાડને બચાવવા કોઈ યથાર્થ યત્ન-પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કર્યો જ નથી. ભલે ઝાડ છેદાઈ ગયું પણ નાયકના મૂળમાં કશું કપાયું નથી એટલે એના મૂળિયા લાલ થયા નથી. કવિ એ કુદરતની આખરી આશા છે. આખરી આશા પણ ઠગારી નીવડી છે એટલે કુદરત મૂંગા મોઢે પારોઠના પગલાં ભરે છે. ક્યાંક પોતાનામાં સંવેદનશીલતાના ફણગા ફૂતી આવે એની વળી નાયકને બીક પણ છે એટલે બીજું ઝાડ કપાય છે ત્યારે એ સ્વપ્નમાં પણ એનો સામનો કરવા પણ તૈયાર નથી….

Comments (6)

વાસો – દલપત પઢિયાર

જણ ! તમે કિયે ઘેર કરશો જઈ વાસો ?
મનનો મુકામ ક્યાંય કાયમનો નહીં,
ભલે દરિયાનો આલો દિલાસો !
જણ ! તમે કિયે ઘેર કરશો જઈ વાસો ?

કોને કહેવું અહીં મંડપ હતો
ને હતાં કેવડાંનાં મઘમઘતાં વન,
ફૂલ જેવાં ફૂલ અને ખરતાં કમાડ
પછી હળવેથી વાસો ના વાસો !
જણ ! તમે કિયે ઘેર કરશો જઈ વાસો ?

ચંદન તલાવડીમાં તારા ખર્યા
ને પછી તીર ઉપર ટાંપીને બેઠા,
ખોબો ભર્યો એ તો ખાલી ખુલાસો
જળ જેવા જળમાં લ્યો જાસો !
જણ ! તમે કિયે ઘેર કરશો જઈ વાસો ?

અડધો પંથક લીધો ઉંબરની બહાર
અને અડધો આ પાંગથને છેડે,
જીવતરની વાયકાનું ઝાઝું શું કહેવું ?
વણછામાં વાઢ્યો જવાસો !
જણ ! તમે કિયે ઘેર કરશો જઈ વાસો ?

– દલપત પઢિયાર

તળપદી ભાષામાં જરા હળવેથી ઊઘડતું મધુરું ગીત.

Comments (6)

ગીત – દલપત પઢિયાર

તું સમજે જે દૂર, તે સાવ જ તારી કને,
ફૂલ અને ફોરમને કેવું એક ઉતારે બને !

બની શકે તો સ્થિર ઊભેલા ઝાડ સામું જો,
આખેઆખા લીલાછમ ઉઘાડ સામું જો,
નાભિ જેવું નગર વસાવી, મૃગ ભટકે વનેવને…

કાં નીકળી જા બા’ર સદંતર, કાં ઊતરી જા અંદર,
જળને ઝાંપે ઝૂલે સમંદર, નહીં બેટ નહીં બારું બંદર,
નદી કુંડીમાં ના’વા ઊતરી, દરિયો ઊભે પને…

મળવું એ જ હો મનસૂબો તો નક્શા નાખ ધરામાં,
સૂરજ વાવમાં પાણી ગાળે, ચાંદો રમે ચરામાં,
સરખું ઊતરે સામૈયું તો રજની રેલે દને…

મન ગોઠે ત્યાં મેલ દીવો, બીજી રીતો રહેવા દે,
જળ, પવન અને અજવાળાને એની રીતે વહેવા દે,
ઘડા માંયલી આકુળ વેળા, ગગન થવા થનગને…

-દલપત પઢિયાર

અંદરના અજવાળાને આકાર આપતું ધનમૂલક ગીત.

(ચરો= ગૌચર તરીકે અલાયદી રાખેલી પડતર જમીન, દને=દિવસે, માંયલી= માંહ્યની, ભીતરની)

Comments (4)