એ સૂરજનો તાપ ના જીરવી શકે,
ફૂલ થઈ ઝાકળ ઉપર ના ક્રોધ કર.
રિષભ મહેતા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for ગીત

ગીત શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




(કોઈ પંખીને એવું કંઈ પૂછતાં નહીં) – હિતેશ વ્યાસ

કોઈ પંખીને એવું કંઈ પૂછતાં નહીં કોઈ દી’ કે, માથે આ કેવડું આકાશ છે?
ક્યાં ક્યાં એ આજ લગ ઊડીને આવ્યાં ને આગળ ક્યાં ઊડવા અવકાશ છે?

સ્ટૉરરૂમ-બૉરરૂમ માળામાં હોય નહીં, હોય નહીં દાણાના કોઠા,
સાતે પેઢીના વળી દાણા હો તોય નહીં એવા પંખીને ગણે મોટા,
બાપુજી વારસામાં મોટું આકાશ દઈ ગુજર્યા હો એવી કઈ જાણ છે?
કોઈ પંખીને એવું કંઈ પૂછતાં નહીં કોઈ દી’ કે, માથે આ કેવડું આકાશ છે?

ભાળ્યું છે પંખીને ચિંતાઓ કરતાં કે મોટું થઈ ઈંડુ શુ થાશે?
ભરભાદર થાશે ને દૂર લગી ઊડશે ને ઊડીને પરદેશે જાશે;
પંખી ક્યે, સઘળી આ ચિંતાઓ જાણે કે પિંજરાનો લાગે આભાસ છે.
કોઈ પંખીને એવું કંઈ પૂછતાં નહીં કોઈ દી’ કે, માથે આ કેવડું આકાશ છે?

ભગલાભઈ રોજ રોજ ઊઠીને દી’ પૂરતા દાણા જે નાંખે, તે ખાય છે,
કોઈ દી’ જો ભૂલથી એ ઝાઝું નાંખે ને, તો પંખી ક્યાં હારે લઈ જાય છે?
છેડો ક્યાં આભનો ને ક્યાંથી મંડાય એવું જાણવાનો ક્યાં કંઈ પ્રયાસ છે?
કોઈ પંખીને એવું કંઈ પૂછતાં નહીં કોઈ દી’ કે, માથે આ કેવડું આકાશ છે?

– હિતેશ વ્યાસ

તાજેતરમાં ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ, અમદાવાદ ખાતે મેદાન મારનાર તરવરિયા કવિઓમાંના એક તે હિતેશ વ્યાસ. કવિ સાથેનો આ મારો એ પ્રથમ પણ સુખદ પરિચય.

પંખીને પ્રતીક બનાવી કવિ સ-રસ ગોઠડી આપણી સાથે માંડે છે. પંખીમાત્રને કેવળ ઊડવા સાથે નિસબત હોય છે. આકાશ કેટલું વિશાળ છે અને ભૂતકાળમાં શું કર્યું કે ભવિષ્યમાં શું કરવાને અવકાશ છે એવી બાબતો પંખીને માટે ગૌણ છે. એ કેવળ આ ક્ષણમાં જીવે છે. ન તો તેઓ માળામાં આવતીકાલ કે આવતી પેઢી માટે કશું એકઠું કરે છે, ન તેઓને એવી બાબતની કોઈ તમા છે. એમની દુનિયામાં બધા એકસમાન સ્થાને છે. વારસાઈ-ફારસાઈની વાતો પણ અહીં કરવાની થતી નથી. ઈંડાની કે ઈંડાના ભવિષ્યમાં તેઓ લોહીઉકાળો પણ કરતાં નથી, ને બચ્ચાં મોટાં થઈ, સમાજમાં પ્રતિષ્ઠા પામતાવેંત ઊડી જશે એવી કોઈ ચિંતાઓ પણ એમને સતાવતી નથી, કેમકે ચિંતા આખરે તો એક પિંજરું જ છે અને પંખીને કેવળ આજ અને આઝાદી જ પસંદ છે. કોઈ ચણ નીરે તે ખઈ લે છે અને ચણ વધારે પડ્યું હોય તો તેઓ સાથે પણ લઈ જતાં નથી. આકાશ ક્યાં શરૂ થાય અને ક્યાં જઈ પતશે એની પળોજણમાં પડવાનો પ્રયાસ પણ પંખી કરતાં નથી. ટૂંકમાં, પંખીપારાયણના નામે કવિ આપણને જિંદગી જીવવાના પદાર્થપાઠ બહુ સારી રીતે શીખવે છે…

ભાવબાંધણીની રીતે ગીતનો પિંડ અદભુત બંધાયો છે. ભાવ સઘન હોય, એટલે તદનુરૂપ શબ્દો તો અવશ્ય આવવાના જ. પણ એ દરમિયાનમાં ભાષાની નાજુકાઈ અને વ્યંજનાર્થ સાથે હજી થોડું ઝીણવટભર્યું અને ચીવટભર્યું કામ પાર પડાય તો ગુજરાતી ગીતની આવતીકાલ વધુ ઉજળી હોવા બાબતે કોઈ મીનમેખ નથી.

Comments (14)

પછી પગલામાં ચીતર્યાં સંભારણાં – માધવ રામાનુજ

પછી પગલામાં ચીતર્યાં સંભારણાં.
પહેલું અબોલાના ઓરડાનું અજવાળું, વળતાં ચીતર્યાં રે બંધ બારણાં.

ભીંત્યું ચીતરીને એમાં પૂર્યા ઉજાગરાનાં સોનેરી રૂપેરી રંગ,
પાણિયારું ચીતર્યું ને બેડામાં છલકાવ્યો ધગધગતો તરસ્યો ઉમંગ;
તોરણમાં લીલછોયા ટહુકાના સૂર અને હાલરડે આળેખ્યાં પારણાં.

ફળિયામાં આંબાનો ચીતર્યો પડછાયો ને ચીતર્યું કૂણેરું એક પાન,
ચીતરતાં ચીતરતાં ચીતર્યાં ઝળઝળિયાં ત્યાં નજરનું ખરી ગયું ભાન;
કાળજામાં કોરાતી જાય હજી કૂંપળ ને ઉંબરમાં અમિયલ ઓવારણાં.

– માધવ રામાનુજ

 

Comments (7)

સખી – મુકેશ જોષી

સખી પહેલા પડાવ ઉપર દાદાના દેશમાં, પરીઓના વેશમાં કૂવેથી ભરતા ને આંબલિયે રમતા ને ગોરમાને ગમતા તે કીધા ઉપવાસ
સખી પહેલા પડાવ ઉપર કાળજાની હૂંફ, રહે કાળજુંય મૂક, જોઈ છબછબની શેરી ને પંચમની ભેરી ને શંકરની દેરીમાં કેવો ઉલ્લાસ

સખી બીજા પડાવે ગયા દાદાના દેશ, ચરર પરીઓના વેશ, ભર્યાં નયનોમાં જલ, થયા શ્વાસો અટકળ ભલી સાસુને ગમતા તે કીધા ઉપવાસ
સખી બીજા પડાવ ઉપર રંગેલી મેડી ને આંખોથી તેડી ને હળવેથી છેડી ને પરણ્યાએ વેડી તે જાણે સુગંધથી રંગેલા શ્વાસ

સખી ત્રીજા પડાવે અહો ઝરમર ઝરમર, ઉગ્યા મેઘધનુષ અંગો પર રસભર રસભર, ભરી મમતાનું ઘર, કોઈ દર્પણમાં બોલાવે પોતાનું ખાસ
સખી ત્રીજા પડાવે રૂડી પગલીની ભાત, ફરી પરીઓના દેશ લગી લંબાતી રાત, આહ મોંઘી સોગાત, કુણી છાતીમાં હાલરડાં રમતાં કંઈ રાસ

સખી ચોથે પડાવે થયાં રૂપેરી કેશ, લીધા સાસુના વેશ ક્યાં વાગતી રે ઠેસ અને લાકડીના ટેકેથી ઠેલાતો જાય સહેજ ડગમગ પ્રવાસ
સખી ચોથે પડાવે દીધી કાળજાની હૂંફ, ક્યાંક હળવેથી ફૂંક, દૂર શંકરની દેરીમાં આથમતી શેરીમાં આરતીની આશકાનો દેવો ઉલ્લાસ

– મુકેશ જોષી

અત્યંત લાંબી બહરના ગીતના ચાર ખંડકોમાં કવિકર્મ કેવું સુપેરે ખીલ્યું છે! ચાર ખંડક. સ્ત્રીજીવનના ચાર તબક્કા. પહેલામાં કુંવારી કન્યા, બીજામાં પરણેલી સ્ત્રી, ત્રીજામાં માતૃત્વ અને છેલ્લા બંધમાં વૃદ્ધત્વની અવસ્થા. દરેક કલ્પન ધીમેધીમે સમજવા જેવું. ચાલો, કોશિશ કરીએ.

પહેલો પડાવ બાળપણનો છે. માથા પર દાદાનું છત્ર છે. એટલે પરીઓ તો હાથવગી જ હોવાની. કન્યા પોતે જાણે પરી બનીને મહાલે છે. કૂવાપાણી, આંબલી-પીપળી અને અલૂણા… કન્યકાનો પરિવેશ બહુ ઓછા લસરકામાં ઉપસી આવ્યો છે. દાદાના કાળજાની હૂંફ બાળાનું કાળજું નિઃશબ્દ બની અનુભવે છે. દેશ-વેશ, ભરતા-રમતા-ગમતા, હૂંફ-મૂક, શેરી-ભેરી-દેરીના આંતર્પ્રાસ લાં…..બી બહરના ગીતના સંગીતને કેવું પ્રવાહી બનાવે છે!

બીજો પડાવ પરિણીતાનો. દાદાના દેશ હવે વહી ગયા છે. પરીઓના વેશ ચરર ફાટી ગયા છે. આંખોમાં આંસુય છે અને બાળપણમાં ગોરમાને રીજવવા કરાતા ઉપવાસ હવે સાસુમાને રીજવવા કરવા પડે છે. વાત એની એ જ છે, પણ કવિ બહુ ઓછા શબ્દફેર સાથે આખેઆખા સંદર્ભો અને પરિવેશ બદલી નાંખે છે. પણ રણમાં મીઠી વીરડી સમું સાસરિયામાં પતિનો પ્રેમ હજીયે એના શ્વાસ સુગંધોથી રંગી દે છે. મેડી-તેડી-છેડી-વેડીનો લયવિન્યાસ તો જુઓ! અહાહાહાહા

સ્ત્રીની જિંદગીનો ત્રીજો તબક્કો તે માતૃત્વ. પંક્તિની શરૂઆતમાં આવતો ‘અહો’નો ઉદગાર ગીતની રસાળતા માટે પ્રાણપોષક છે. બાળક જાણે કે માના શરીર પર ઊગેલ રસભર મેઘધનુષ છે. મમતાનું ઘર ભર્યુંભાદર્યું બન્યું છે. પરી સ્ત્રીના હૃદયનો અંતરતમ હિસ્સો છે, જીવનના આ તબક્કે પણ એ હાજર છે, પણ હવે બાળકને કહેવામાં આવતી વાર્તાઓના રૂપમાં. માની છાતીમાં દૂધ જ નહીં, હાલરડાં ઊછરી રહ્યાં છે.

ચોથા તબક્કામાં સ્ત્રી પોતે હવે સાસુ બની છે. વૃદ્ધ થઈ છે. જિંદગીનો પ્રવાસ લાકડીના ટેકે ડગમગ ડગમગ ધીમે ધીમે આગળ વધે છે. બચપણમાં દાદાના કાળજાની જે હૂંફ પોતે અનુભવી હતી, હવે એ જ હૂંફ સંસારની પરિપૂર્ણતા એના કાળજાને ફરી દઈ રહી છે. જિંદગીની આથમતી શેરીમાં ઈશ્વરના નામસ્મરણના સહારે ઉલ્લાસ હજી પ્રજ્વળી રહ્યો છે…

દાદાના દેશ, પરીઓના વેશ, શંકરની દેરી, કાળજાની હૂંફ જેવા ઘણાં કલ્પનોની અલગ સ્વરૂપે અને સહેજસાજ જ સંદર્ભ બદલીને કરાતી પુનરોક્તિ આખી રચનાને વધુ મનનીય અને કાવ્યતત્ત્વસભર બનાવે છે…

Comments (8)

(બહુ મોડે સમજાયું, ઉધ્ધવ!) – વીરુ પુરોહિત

બહુ મોડે સમજાયું, ઉધ્ધવ!
જલ પીવા કૈં ઊડે કૂવે ખાબકવાનું હોય?!
સીંચણિયાંથી ઘડો ભરીને તૃપ્ત થવાનું હોય!

ગગન સ્પર્શવા અમે વેલીઓ વૃક્ષ ઉપર જઈ ચડ્યાં;
હતું બટકણું વૃક્ષ એટલે કડડભૂસ થઈ પડ્યાં!
લાભ થાય શું, ઝોળી લૈને સૂર્યકિરણ ભરવાથી?
માટીની પૂતળી થઈને શું મળે નદી તરવાથી?

બહુ મોડે સમજાયું, ઉધ્ધવ!
અંધારે ડગ ભરતાં પહેલાં વિચારવાનું હોય!
જલ પીવા કૈં ઊંડે કૂવે ખાબકવાનું હોય?!

કહ્યું હોત જ્ઞાનીએ તો સહુ જાગી જાતને વ્હેલાં;
પાળ બાંધવી પડે, વિરહનું પૂર આવતાં પ્હેલાં!
હતાં અમે અણસમજુ, પણ શું ક્હાન જાણતા નો’તા?
ઉધ્ધવજી! એ ગયા ઉખેડી સઘળાંને મૂળસોતાં!

બહુ મોડે સમજાયું, ઉધ્ધવ!
અબળાએ તો પ્રેમ કરી, બસ કરગરવાનું હોય!

બહુ મોડે સમજાયું, ઉધ્ધવ!
જલ પીવા કૈં ઊંડે કૂવે ખાબકવાનું હોય?!
સીંચણિયાંથી ઘડો ભરીને તૃપ્ત થવાનું હોય!

– વીરુ પુરોહિત

કૃષ્ણ-રાધા સદીઓથી કવિઓનો મનમાનીતો વિષય રહ્યો છે. એમાંય કૃષ્ણ ગોકુળ છોડી ગયા અને પોતાને ભૂલી જવાનો સંદેશો ગોપીઓને આપવા માટે જ્ઞાનીજન ઉદ્ધવને મોકલ્યા. ઉદ્ધવને માધ્યમ બનાવીને પોતાની ફરિયાદ કરતાં અનેક ગોપીગીત અનેક ભાષાઓમાં મળી આવે છે. પણ કોઈ એક કવિએ આખેઆખો સંગ્રહ ઉદ્ધવને સંબોધીને લખેલ ગીતોનો આપ્યો હોય એવી બીના ભાગ્યે જ જોવા મળશે. શ્રી વીરુ પુરોહિતના બાવન ઉદ્ધવગીતોના ગીતસંગ્રહ ‘ઉદ્ધવગીતો’માંથી કેટલાંક આપણે અગાઉ માણ્યાં છે… આજે વળી એક ઉદ્ધવગીત માણીએ….

જળ પીવાની ઇચ્છા હોય તો સીંચણિયા પરથી ઘડો ભરીને સંતોષ માનવાનો હોય એ દુનિયાદારીથી અજાણ ગોપીઓ તો કાનજી નામના કૂવામાં સમૂચી ખાબકી પડી હતી… પોતે જે વૃક્ષનો આધાર લઈ આકાશને-ઈશ્વરને આંબવા નીકળી હતી એ વિશ્વાસનું વૃક્ષ સાવ બટકણું નીકળ્યું. માટીની પૂતળી નદીમાં તરવા પડે તો એનું અસ્તિત્વ જ મટી ન જાય? ગોપીઓનું અસ્તિત્વ ઓગળી ગયું, પણ કૃષ્ણને કોઈ ફરક ન પડ્યો.. નદીની જેમ એ સદૈવ આગળ જ વહેતા રહ્યા…

ઉદ્ધવ જ્ઞાન આપવા આવ્યા હતા. એટલે ગોપી કટાક્ષ કરે છે કે, કોઈ જ્ઞાનીએ કહ્યું હોત તો અમે વેળાસર જાગી ગયાં હોત. વિરહના પૂરમાં તણાઈ જવાનો અંજામ વેઠવાના બદલે પહેલેથી જ પાળ બાંધી દીધી હોત…

Comments (11)

ફરી સાંજ પ્રગટી – દક્ષા બી. સંઘવી

ફરી સાંજ પ્રગટી, અને આભ આખું થયું સોનવ૨ણું!
ફરી યાદ તારી, અને આંખમાં એક ચહેરાનું તરવું!

ફરી રાતમાં ઝલમલે સૌ સિતારા, ઝીણું ઝીણું ગાતા;
ફરી એ ઉજાસી મુલાયમ ક્ષણોનું હથેળીમાં ઝ૨વું!

ફરી કોઈ ડાળે સૂબાબીલની જોડી અનાયાસ ટહુકે;
ફરી એ યુગલગીતનું અશ્રુ થઈ આંખમાંથી નીતરવું!

ફરી કોઈ ભૂલું પડેલું સ્મરણ રાતવાસો કરે, ને;
ફરી મધ્ય રાતે અમસ્તું સૂરજનું ભ્રમણ પર નીકળવું !

ફરી રાતની બેય કાંઠે છલોછલ નદી સ્વપ્ન ઘેલી;
ફરી ડૂબવાની ક્ષણે હાથમાં હોય એકાદ તરણું!

ફરી લીંબડે ઘૂઘવે એક હોલો, સ્મરે પ્રિયજનને;
ફરી તું હી તુંથી ભરે રાન, હૈયું અજંપાથી ભરતું!

– દક્ષા બી. સંઘવી

સાંજનો સમય દિવસભરનો સૌથી રંગીન અને ગમગીન સમય હોય છે. સાંજે વાતાવરણ સોનવરણું તો થાય જ છે, પણ આ જ સમય યાદોના મધ્યાહ્નનો પણ છે. સંધ્યાટાણે જ આંખોમાં ખોવાયેલો ચહેરો વધુ તરવરતો હોય છે. ઝલમલ સિતારાઓનું ગાન ક્રમશઃ વધતું જાય છે, સાથોસાથ જ સંગાથની મુલાયમ ક્ષણો હથેળીમાં ઝરતી વર્તાય છે. સુબાબુલની ડાળે કોઈ પક્ષીની જોડી અચાનક ટહુકારી બેસે છે, ત્યારે આંખમાંથી આંસુ નીકળી પડતું રોકી શકાતું નથી. ભૂલું પડેલું સ્મરણ ક્યાંય જવાના બદલે રાતભર માટે અડીંગો જમાવી બેઠું હોય ત્યારે મધરાતે સૂર્ય કારણ વિના ભ્રમણ પર નીકળ્યો હોય એમ લાગે. સ્મરણના અજવાળાનો આ પ્રતાપ છે. હરીન્દ્ર દવે તરત યાદ આવે: ‘તારા સ્મરણનો સૂર્ય સતાવે છે, શું કરું? મધરાતે મારા આભમાં આવે છે, શું કરું?’ રાતની સ્વપ્નઘેલી નદીમાં ડૂબી જવાની પળે કોઈક આવા જ સ્મરણનું તરણું બચાવી પણ લે છે. ક્યાંક એક લીમડા પર કોઈ હોલો ઘુઘવાટો કરે છે ત્યારે કેવળ રાન આખું તું હી તુંથી નથી ભરાઈ જતું, હૈયુંય અજંપાથી છલકાઈ ઊઠે છે…

આખી રચનામાં દરેક પંક્તિનો ‘ફરી’થી થયે રાખતો પ્રારંભ રચનાના લયહિલ્લોળને નવું જ આયામ બક્ષે છે… મજાનું ઊર્મિગાન! પણ એને કહીશું શું? ગઝલ કહીશું? ગીત કહીશું? ગીતનુમા ગઝલ કહીશું કે ઊર્મિકાવ્ય?

Comments (9)

ખંડિતા – રમણલાલ વ. દેસાઈ

(રાગ ઝિંઝોટી)

જાઓ, જાઓ જ્યાં રાત ગુજારી;
ભૂલી પડી મદભર તમ નૈયા!
ચરણ ચલિત, તંબોલ અધર પર,
લાલ છૂપે નહીં છલબલ ચૈના!

હારચુમ્બિત હૈયું ક્યમ ઢાંકો?
કંકણવેલી ક્યહાં ચિતરાવી?
અંજન ડાઘથી ઓપે કપોલ !–
બધી રજની ક્યમ ત્યાં ન વિતાવી!

– રમણલાલ વસંતલાલ દેસાઈ

થોડા દિવસો પહેલાં આપણે કવિશ્રી વિનોદ જોશીની કલમે ભરત મુનિ વ્યાખ્યાયિત અષ્ટનાયિકાઓમાંની ત્રણ –વાસકસજ્જા , કલહાંતરિતા અને ખંડિતા સાથે મુલાકાત કરી.… લયસ્તરોના સૌથી વફાદાર વાચક પ્રજ્ઞાજુએ આ રચના મોકલી આપી… એમના સહૃદય આભાર સાથે આ રચના અહીં પૉસ્ટ કરું છું.

ખંડિતા એટલે પ્રિયના અન્ય સ્ત્રી સાથેના અનુરાગથી વ્યથિત અને રોષમગ્ન સ્ત્રી. અમરુશતકની યાદ આવી જાય એવું આ લઘુકાવ્ય છેતરાયેલી સ્ત્રીના મનોભાવોને કેવું સુંદર રીતે વ્યકત કરે છે તે અનુભવવા જેવું છે!

હવે અહીં આવવાનું શું પ્રયોજન છે, નાથ? જ્યાં જઈને રાત પસાર કરી હોય ત્યાં જ જાઓ. તમારી નૈયા ભૂલી પડી ચૂકી છે. પગ બીજે પડ્યો છે. હોઠ પરના પાનના ડાઘ છૂપ્યા છૂપાતા નથી. પ્રણયકેલિના નિશાન જ્યાં ને ત્યાં પિયુના શરીર પર દૃષ્ટિગોચર થઈ રહ્યાં છે. આખી રાત કેમ ત્યાં જ ન વિતાવી કહીને નાયિકા જે છણકો કરે છે એની જ મજા છે…

Comments (12)

રત્ય – પ્રદ્યુમ્ન તન્ના

કોણ કે’છે કે રત્ય રૂડી સરી?!
રંગ રંગ છોળ્ય એની ઓસરતાં મોર્ય
અમીં ચિતને ચંદરવે લીધ ભરી!
કોણ કે’છે કે રત્ય રૂડી સરી?!

મધુવનની ભોંય શા મજીઠ લાલ પોત પરે
ખાંતે આળેખી ભલી ભાત્ય,
કેવડાની મ્હેક મ્હેક કુંજ ચારે કોર્ય, બીચ
મોરલા ને કીર કરે વાત્ય.
એ જી ધાગે ધાગે તે હાંર્યે પોરવ્યો હુલાસ
ને ગુંજરતાં ગીત્યુંની કડી!
કોણ કે’છે કે રત્ય રૂડી સરી?!

આભલિયે આભલિયે ટાંક્યું અંકાશ
ને અંકાશે દા’ડી ને રેણ,
દા’ડે દા’ડે તે ભર્યાં અંજવાળાં ઝોક
ને રેણ ભર્યાં ચંદણીનાં ઘેન,
એ જી ઘેન મહીં ઘોળ્યો છે ગમતો ઉજાગરો
ઉજાગરે ગલાલની ઝડી!
કોણ કે’ છે કે રત્ય રૂડી સરી?!…

માણી પરમાણીને ઝીણું મોટું જેહ કાંઈ
ભરી લઈં ભીતર મોઝાર,
એવું ને એવું રિયે જળવાયું, આછોયે
આવતો ન એને ઓસાર,
એ જી આપણે ઉખેળવાની ખોટી કે પરથમ શું
પ્રગટે સંધુંય ફરી ફરી!
કોણ કે’ છે કે રત્ય રૂડી સરી?!…

– પ્રદ્યુમ્ન તન્ના

एक ऋतु आए, एक ऋतु जाए… સમયની રેતશીશીમાંથી એક પછી એક ઋતુઓ સરતી રહે છે અને ઋતુઓ એમની સાથે લાવેલ અલગ-અલગ રંગોની છોળ પણ બીજા વરસે ફરી લઈ આવવાના વણકહ્યા પ્રોમિસ સાથે સાથે લઈ જાય છે… પણ કવિને આ સમયચક્રનો યથાતથ સ્વીકાર નથી. ઋતુના પાલવમાં રહેલ રંગબિરંગી છોળો ઋતુ સાથે અદૃશ્ય થઈ જાય એ કવિને મંજૂર ન હોય તો કવિ શું કરે?

અડધાથી વધુ જીવન ઇટાલીમાં વિતાવવા છતાં સવાઈ ગુજરાતી ભાષાનું વરદાન પામેલ પ્રદ્યુમ્ન તન્નાની આ રચનાના વિશદ આસ્વાદ માટે અહીં ક્લિક કરશો

Comments (3)

અષ્ટનાયિકા : ૦૩ : ખંડિતા – વિનોદ જોશી

ખાલી રાખી મને, ભર્યા શ્રાવણમાં…
વળી ક્યાંક વ૨સીને અંતે આવ્યો તું આંગણમાં,
ભર્યા શ્રાવણમાં…

તારા મઘમઘ મનસૂબાને વળગી કોઈ ચમેલી,
ટળવળતી રહી ખુલ્લી મારી ડૂસકાં ભરતી ડેલી;

તરસબ્હાવરી હું ક૨માઈ લૂથી લથપથ રણમાં,
ભર્યા શ્રાવણમાં…

તારા અણથક ઉજાગરાએ ભર્યો પારકો પહેરો,
ફૂટેલા પરપોટામાં હું ભ૨વા બેઠી લહેરો;

ગઈ હારને હારી, લઈને મોતી હું પાંપણમાં,
ભર્યા શ્રાવણમાં…

– વિનોદ જોશી

ભરતમુનિ વ્યાખ્યાયિત અષ્ટનાયિકાઓમાંની બે –વાસકસજ્જા અને કલહાંતરિતા– સાથે આપણે મુલાકાત કરી. આજે ત્રીજી નાયિકા ખંડિતા સાથે મુલાકાત કરી આ શૃંખલાને વિરામ આપીએ… જે મિત્રોને આઠેય નાયિકા સાથે મુલાકાત કરવાની ઇચ્છા હોય, એમને જાન્યુઆરી ૨૦૨૨નું નવનીત સમર્પણ મેળવી લેવા વિનંતી… અથવા મને વૉટ્સએપ કે મેસેજ કરશો તો હું તમામ રચનાઓ મોકલી આપીશ…

ખંડિતા એટલે પ્રિયના અન્ય સ્ત્રી સાથેના અનુરાગથી વ્યથિત અને રોષમગ્ન સ્ત્રી. શ્રાવણ જેવી પ્રણયપ્લાવનની ઋતુમાં પ્રિયજન બીજે ક્યાંક વરસીને ખાલી થઈને પોતાના આંગણમાં આવ્યો હોવાની પીડા અહીં સુપેરે વ્યક્ત થઈ છે. પોતાની ડેલી ખુલ્લી પડી હોવા છતાં એના નસીબમાં કેવળ ટળવળાટ અને ડૂસકાં જ આવ્યાં છે, જ્યારે નાયકના મઘમઘ મનસૂબાઓને કોઈ અન્ય જ ચમેલી વળગી છે. શ્રાવણની ઋતુમાં તરસની પરાકાષ્ઠા લઈને લૂથી ભર્યાભાદર્યા રણમાં એકલા પડવાનું થાય તો કોણ કરમાયા વિના રહી શકે? શયનકક્ષમાં ક્યારેક થતા મીઠા ઉજાગરા પર હવે નવું સરનામું લખાઈ ચૂક્યું છે. પતિ એટલે પત્નીના હૈયાનો હાર. હાર હારવાનો યમક અલંકાર ધ્યાનાર્હ છે. સરવાળે, ખંડિતાની પીડામાં આપણને સહભાગી થવા મજબૂર કરે એવું લયાન્વિત કાવ્ય…

Comments (9)

અષ્ટનાયિકા : ૦૨ : કલહાંતરિતા – વિનોદ જોશી

મુજથી સહ્યું ન જાય….
આમ નજ૨થી દૂર ન રાખે, આમ અડે નહીં ક્યાંય.

મુખ મરડી લીધું તે લીધું, ખબર ન ક્યારે મલકે,
મને વીંધતાં અંગ અંગ અણિયાળાં આંસુ છલકે;

થાઉં આજ તો હુંય અજાણી એવું મનમાં થાય,
મુજથી સહ્યું ન જાય….

લખ્યા વગરની લેખણ જેવી પડી રહું કાગળમાં,
હું ના પાછી વળું જેમ ના વળે નદી વાદળમાં;

પંડ સાવ પોચું ને પાછું પથ્થરમાં પછડાય,
મુજથી સહ્યું ન જાય…

– વિનોદ જોશી

ગઈ કાલે આપણે ભરતમુનિ વ્યાખ્યાયિત અષ્ટનાયિકાઓમાંની એક -વાસકસજ્જા- સાથે મુલાકાત કરી. આજે મળીએ કલહાંતરિતાને…

કલહાંતરિતા એટલે નાયકના પ્રેમાપરાધને લીધે ઈર્ષ્યા અને ક્રોધથી તેની સાથે કલહ કરી તેને તરછોડી દેનારી અને પછી પશ્ચાત્તાપ કરનારી સ્ત્રી. જુઓ, આ વાત આ રચનામાં કેવી બખૂબી ચાક્ષુષ થઈ છે તે! નાયક પોતાને છોડીને બીજી સ્ત્રીમાં મોહ્યો હોવાની વેદના શબ્દે-શબ્દે નીંગળે છે. મનનો માણીગર દૂર પણ ન જવા દે અને સંસર્ગ પણ ન રાખે એ કેમ સહ્યું જાય? નાયક અપરા સાથે મલકતો હશે એ પોતે જોઈ નથી શકતી એ વાતનો ઈશારો મુખ મરડી લીધું કહીને આબાદ કરાયો છે. આંસું અંગાંગને વીંધી રહ્યાં છે. પોતેય અજાણી થઈ જાય તો ‘ઉસ મોડ સે શુરુ કરેં ફિર યે જિંદગી’ જેવો ઘાટ કદાચ થઈ શકે એવીય આશા મનમાં જન્મે છે. લેખણનું કામ લખવાનું. એ વિના ભલે કાગળનો કાયમી સંગ હોય તોય અવતાળ એળે ગયો ગણાય. નાયિકાની હાલત વપરાશમાંથી નીકળી ગયેલી કલમ જેવી થઈ ગઈ છે અને જે રીતે વાદળ વરસીને નદીમાં ભળી ગયા બાદ નદી ફરી વાદળ તરફ ગતિ કરી શકતી નથી એમ જ નાયિકા પણ બેવફા પતિને લાખ ચાહના છતાં અપનાવી પણ શકતી નથી. નાજુક જિંદગીને કપરા સંજોગો માથે પડવાનું થયું હોય ત્યારે આવી જ વેદના સૂર બનીને રેલાય…

Comments (6)

અષ્ટનાયિકા : ૦૧ : વાસકસજ્જા – વિનોદ જોશી

પ્રિયતમ, સેજ સજાવું…
સંગ સલૂણો ધરી ચિત્તમાં સહજ સ્પંદ સહેલાવું…

રંગભવન રતિરાગ રસીલું,
અંગ ઉમંગ સુગંધિત ઝીલું;

કમળપત્રથી કોમળ મંજુલ હૃદયકુંજ છલકાવું…
પ્રિયતમ, સેજ સજાવું…

મન વિહ્વળ, તન તૃષિત સુહાગી,
પુષ્પિત નિબિડ નિશા વરણાગી;

તંગ અંગથી સરી જતો ઉન્માદ અનંત બિછાવું…
પ્રિયતમ, સેજ સજાવું…

– વિનોદ જોશી

ભરત મુનિએ નાટ્યશાસ્ત્રમાં અવસ્થાભેદે નાયિકાના નીચેના આઠ પ્રકાર પાડ્યા છે:
• વાસકસજ્જા : પ્રિયતમનું આગમન થવાનું છે એવી આશાથી હર્ષોલ્લાસ પામી સાજશણગાર કરેલી નાયિકા.
• વિરહોત્કણ્ઠિતા : નાયકના આગમનમાં વિલંબ થતાં ઉત્સુકતાથી તેની પ્રતીક્ષા કરનારી.
• સ્વાધીનભર્તૃકા : પતિ પોતાના વશમાં છે તેવી પ્રતીતિ સાથે સદા તેની પાસે જ રહેતી નાયિકા.
• કલહાન્તરિતા : નાયકના પ્રેમાપરાધને લીધે ઈર્ષ્યા અને ક્રોધથી તેની સાથે કલહ કરી તેને તરછોડી દેનારી અને પછી પશ્ચાત્તાપ કરનારી.
• ખંડિતા : પ્રિયના અન્ય સ્ત્રી સાથેના અનુરાગથી વ્યથિત અને રોષમગ્ના.
• વિપ્રલબ્ધા : સમયપાલન કે વચનપાલન ન કરનાર પતિ કે પ્રિયતમના એવા વ્યવહારથી છેતરાઈ હોવાનો ભાવ અનુભવતી નાયિકા.
• પ્રોષિતપ્રિયા (અથવા પ્રોષિતભર્તૃકા) – જેનો પતિ વિદેશ ગયો છે તેવી વિરહિણી.
• અભિસારિકા : મધુર મિલન કાજે સ્વયં પ્રિયતમને મળવા જતી નાયિકા. શુક્લ અને કૃષ્ણપક્ષના ભેદે આ નાયિકાના પુન: બે પ્રકાર થાય છે.

કવિશ્રી વિનોદ જોશીએ આ આઠેય પ્રકારો વિશે આઠ ગીતોનું મજાનું શૃંગારગુચ્છ રચ્યું છે. લયસ્તરોના ભાવકમિત્રો માટે એમાંથી વારાફરતી ત્રણેકનું આચમન કરીએ… આજે વાસકસજ્જાનો વારો..

પિયુના આગમનની આશામાં ખુશીની મારી સજીધજીને તૈયાર થયેલી નાયિકા –વાસકસજ્જા-ની ઉક્તિ કેવી રોચક થઈ છે! પ્રણયોર્મિની પરાકાષ્ઠા એટલે બે તૃષાતુર શરીરનું સાયુજ્ય. એકેય શબ્દ ચોર્યા વિના, એકેય અંતરંગ ભાવ છૂપાવવાનો ડોળ કર્યા વિના નાયિકા પ્રિયતમ માટે પોતે સેજ સજાવી રાખી હોવાની વાતથી જ પ્રારંભ કરે છે. હૈયામાં પણ ધબકારે ધબકારે સલૂણા રંગના ઉછાળા અનુભવાય છે. રંગભવન તો રસીલા રતિરાગથી છલકાઈ રહ્યું જ છે, નાયિકાના અંગાંગ પણ સુગંધિત ઉમંગોને ઝીલી રહ્યાં છે. કમળપત્રથીય અધિક કોમળ હૈયું છલકાઈ રહ્યું છે. મન વિહ્વળ છે અને તન તરસ્યું. ઉપવનમાં ખીલેલાં પુષ્પોથી મઘમઘ થતી ગાઢ રાત્રિ પિયુ પધારશે નહીં ત્યાં લગી વરણાગી જ લાગવાની. અનંગાવેશમાં અંગ તંગ બન્યાં અનુભવાય છે. જેનો કદી અંત જ આવનાર નથી એવા તીવ્ર પ્રેમોન્માદને બિછાવીને નાયિકા નાયકના આગમનની પ્રતીક્ષાની પળોને ઉજવે છે..

Comments (13)

હે સખી….. – મુકેશ જોષી

હે સખી ! તારા વિનાની જિંદગી હું શું કરું ?
ધૂળમાં હું શું ઉમેરીને ફરી કંકુ કરું.

આસમાની ઓસરીમાં વાદળો રહેતાં નથી,
માછલી વિશે પૂછ્યું તો જળ કશું કહેતાં નથી.
સૂર્યની સાથે સંબંધોમાં બહુ ઝાંખપ પડી,
ને, હવા ભૂલી ગઈ ખુશબૂ તણી બારાખડી.
સૂર્યની સામે જ ઝાકળ શી રીતે ભેગું કરું?

જોઈ લે ઓઢું ઉદાસીનો દુપટ્ટો આજ પણ,
આંખના ઘ૨થી અલગ રહેવા ગઈ છે સાંજ પણ.
સાચવેલા તારલા ટપટપ ખરે છે એટલા,
હું અને આકાશ બંને સાવ મૂંગાં એકલાં,
એક ખોબા આભને હું કંઈ તરફ વ્હેતું કરું.

– મુકેશ જોષી

પ્રથમ બે પંક્તિ……..અદભૂત……આખું ગીત જ અતિસુંદર…..

Comments (8)

અબ કે હોરી મૈં ખેલૂંગી ડટ કે – જાવેદ અખ્તર

મોરે કાન્હા જો આયે પલટ કે,
અબ કે હોરી મૈં ખેલૂંગી ડટ કે.

અપને તન પે ગુલાલ લગા કે,
ઉન કે પીછે મૈં ચૂપકે સે જા કે,
રંગ દૂગી ઉન્હે મૈં લિપટ કે..
અબ કે હોરી મૈં ખેલૂંગી ડટ કે.

કી જો ઉન્હોંને અગર જોરાજોરી,
છિની પિચકારી બૈંયા મરોડી,
ગાલિયાં મૈને રખ્ખી હે રટ કે,
અબ કે હોરી મૈં ખેલુંગી ડટ કે.

– જાવેદ અખ્તર
(ફિલ્મ : સરદારી બેગમ)

રંગપર્વ નિમિત્તે લયસ્તરોના ભાવકમિત્રો માટે એક ંગારંગ ઠુમરી.

Comments

સાંજ થવાનું મન – મનહર તળપદા

વ્હાલમ, અમને એકલતાના આભ નીચે
.                                    ટળવળતી કોઈ સાંજ થવાનું મંન,
વ્હાલમ, અમને બળબળતા વનવગડે કોઈ
.                                    એકલદોકલ સાથ વિનાની પાંખ થવાનું મંન.

અમને એકદંડિયા મ્હેલે વાસો રાત એકનો આપો
અમને સ્પર્શ-વિહોણા દેશે થોડી નજરકેદમાં રાખો;

વ્હાલમ, અમને વલવલતી કો’ ચાંદ વિનાની,
.                                    રાત બનીને ઉજાગરાનું ફૂલ થવાનું મંન.

ચોરીના ફેરાની પળથી ગીત મિલનનાં સતત અમે તો ગાયાં,
રેશમિયાં સપનોમાં કોઈ અલકમલકનાં રૂપ બની હરખાયાં;

વ્હાલમ, અમને ક્ષણ એકાદી આપો જેમાં
.                                    ટીટોડીની ચીખ બની તમ રોમરોમનો કંપ થવાનું મંન…

– મનહર તળપદા

ગાઢ અંધકારનો અનુભવ થયો જ ન હોય એ પ્રકાશનું સાચું મૂલ્ય કઈ રીતે સમજી શકે? વિરહનું વખ ચાખ્યું જ ન હોય એ મિલનના અમીની કિંમત કેમ કરી શકે? કાવ્યનાયિકાના નસીબમાં જુદાઈની પળો કદી આવી જ નથી. ચોરીના ફેરા ફર્યા એ પળથી એના નસીબે સતત મિલનનાં ગીત ગાવાનું જ આવ્યું છે. એના સપનાંઓને આજદિન લગી કેવળ રેશમિયો સ્પર્શ જ થયો છે. પણ નાયિકા જાણે છે કે જેણે દુઃખ જ જોયું નથી એ સુખનું મહત્ત્વ કદી સમજી શકનાર નથી. વિયોગના સંસ્પર્શ વિનાનું મિલન કેવળ સપાટી પરનું જ મિલન છે. એમાં પ્રેમની તીવ્રતા કદી લાંબો સમય ટકતી નથી. વિરહની પીડા વિનાનું સાયુજ્ય ક્રમશઃ મોળું જ પડતું જવાનું. એટલે જ નાયિકા પ્રિયતમ પાસે એકલતાના આભ નીચે ટળવળતી કોઈ સાંજ થવાની ઇચ્છા વ્યક્ત કરે છે. બળબળતા નિર્જન વનવગડે કોઈનો સાથ ન હોય એવી પાંખ થવાના કોડ એને જાગ્યા છે. પાંખો નહીં, પાંખ… એક જ પાંખ! એકલતાની તીવ્રતા અનુભવવા માટે કેવું સચોટ કલ્પન! એકદંડિયા મહેલમાં કેદ રાજકુમારીની વાર્તા આપણે સહુએ બાળપણમાં વાંચી છે. નાયિકા વધુ નહીં ત્યો એક રાત પૂરતોય વાસો ત્યાં ઝંખે છે. પિયુનો સ્પર્શ પણ નસીબ ન થાય એવા પ્રદેશમાં એ નજરકેદ રહેવા ઇચ્છે છે. ચાંદ વિનાની વલવલતી રાત બનીને એ ઉજાગરાનું ફૂલ થવા માંગે છે… એકલતાના ઓરતાના એક પછી એક રજૂ થતા રૂપક નાયિકાની મનોકામનાને સતત ધાર પ્રદાન કરે છે… આવી એકાકી ક્ષણોનો રઝળપાટ વેઠ્યા બાદ એ પ્રિયતમને રોમેરોમ કંપન જન્માવે એવી ટીટોડીની ચીખ બનવા ચહે છે. વિરહ પછીના કાયમી મિલન માટેની સુમધુર ઘેલછાનું કેવું મનહર ગીત!

Comments (8)

હિસાબ – પ્રદ્યુમ્ન તન્ના

જાવ જાવ જાદવજી જૂઠા!
અમને અબુધને શું આજ લગી આવડાં અવળાં ભણાવ્યાં તમીં ઊઠાં?!
કે જાવ જાવ હાં રે તમીં જાદવજી જૂઠા…

વાહેં તમારી હાય લાજ્ય મરજાદ
ને સરવે વિસાર્યા સાનભાન,
ભક્તિ-મુક્તિની ભલી વાત્યુંમાં ભોળવઈ
કેવળ દીધાં ના વા’લાં દાણ,
રે મૈડાની હાર્યોહાર્ય હૈડાના હીરનીયે કરવા દીધી’તી લૂટલૂટાં!
જાવ જાવ હાં રે તમીં જાદવજી જૂઠા…

અમથું અમથું તે એક કૌતુક થૈ’
આવ્યું ને કોરે કાળજડે કરી કોઠા,
પે’લવે’લી વાર બેઠાં ગણવા કે જોઈ ક્યાંક
આપલેનાં આંક નહીં ખોટા!
રે આવડિયો એવો અમીં માંડ્યો હિસાબ તો ઉત્તર કંઈ લાધ્યા અનૂઠા!
જાવ જાવ હાં રે તમીં જાદવજી જૂઠા…

આજ લગી ચૂકવ્યાં તે અરધાં માધવ
રહ્યાં અરધાં તે નથ્થ હવે દેવા,
ભવે ભવે આવજો વૈકુંઠથી આંહીં વ્રજે
લેણાં બાકીનાં બધાં લેવા!
રે નિજની માયામાં રાજ રે’જો અટવાયા હવે તમીં બંધાયા અમીં છૂટાં!
કે જાવ જાવ હાં રે તમીં જાદવજી જૂઠા…

– પ્રદ્યુમ્ન તન્ના

પ્રેમ હોય ત્યાં મીઠો કલહ તો હોવાનો જ. અને કૃષ્ણ સાથે ગોપીઓનો ઝઘડો તો યુગો-યુગોથી ચાલતો આવ્યો છે. ‘જાવ જાવ જાદવજી જૂઠા’- ‘જ’ અને ‘વ’ની અદભુત વર્ણસગાઈ સાથે ઉપાડ લેતું આ ગીત પણ આ જ ઝઘડાની પાર્શ્વભૂ પર ઊભું છે. પોતાના અબુધપણાનો સ્વીકાર કરીને ગોપી જાદવજી પર સીધું જ પોતાને આજીવન ઊંઠા ભણાવ્યા હોવાનું આળ લગાવી એમને જૂઠાકરાર આપે છે. લાજ-શરમ તો ઠીક, સાન-ભાન પણ નેવે મૂકીને ગોપીઓએ કેવળ દાણ જ નથી દીધાં, મહિડાંની સાથે હૈડાંનીય લૂંટાલૂંટ કરવા દીધી છે. પણ આ સમર્પણની અવસ્થામાં એકવાર ગોપીને અમસ્તું થોડું કૌતુક થાય છે અને કોરા કાળજાંની નોટબુક પર કોઠા કરીને એ ગણતરી કરવા બેસે છે. જાદવજી સાથેની પોતાની આપલેનો હિસાબ ક્યાંક ખોટો તો નથી મંડાઈ ગયો ને! અબુધ ગોપી આવડે એવો હિસાબ માંડે છે તો અનૂઠા ઉત્તર સાંપડે છે. હકીકત તો એ છે કે ગોપીઓએ તો સર્વસ્વ લૂંટાવ્યું છે અને કાનુડો બધું લઈને એમને ત્યાગી ગયો હતો. પણ ભક્તિનો તો હિસાબ જ અલગ. ગોપી હિસાબ એવો માંડે છે કે મૂળ લેણિયાત કૃષ્ણ છે અને પોતે આજ લગી એને જે આપ્યું એ દેવાની ચૂકવણીનો જ એક ભાગ હતું. આજ સુધીમાં અડધું દેવું ચૂકવાઈ ગયું હોવાનું કહીને બાકીનું અડધું ચૂકવવાનો એ નનૈયો પરખાવે છે. પાર્ટી ઊઠી ગઈ જ સમજી લ્યો, જાદવરાય!!! હવે કૃષ્ણને જો એનું બાકીનું લેણું વસૂલવું હોય તો આવે વૈકુંઠ્થી વ્રજનો ધરમધક્કો ખાવા. લેણદારને ઉધારી વસૂલવાની જવાબદારીમાં બાંધી દઈ ગોપી પોતાને મુક્ત જાહેર કરી દઈને કૃષ્ણ સાથેની મુલાકાત કેવી ચતુરાઈપૂર્વક પાક્કી કરી દે છે… અને આવી બાહોશ દેણદાર વળી પોતાને તો અબુધ કહેવડાવે છે…

આખા ગીતમાં ઠેકઠેકાણે વર્ણસગાઈનું સંગીત તળપદી ભાષામાં એવી રીતે ગૂંથાયું છે કે ગીત વાંચતા જ વહાલું લાગે…

Comments (6)

ચિરવિરહીનું ગીત – રમેશ પારેખ

આ હથેળીઓમાં છૂટીછવાઈ રેખા છે તે
તૂટી ગયેલા તસતસતા સંબંધોના શું શેષ તાંતણા છે?

કદી ન આવે યાદ એટલું દૂર નીકળી ગયા પછી પણ
કોનો પદસંચાર ધબકતો છાતીના પોલાણે
કોઈ અધૂરા પ્રેમપત્ર-શી વેરણછેરણ ઋતુઓ
ઊડતી આમ મૂકીને કોણ ગયું તે આંગળીઓ શું જાણે

આંગળીઓ શું જાણે આ તો લોહિયાળ પાતાળો વીંધી
પાંપણ ઉ૫૨ ઝળુંબતાં આંસુનાં ટીપાં સાવ આપણાં છે
આ હથેળીઓમાં છૂટીછવાઈ રેખા છે તે
તૂટી ગયેલા તસતસતા સંબંધોના શું શેષ તાંતણા છે?

ઠેસે ઠેસે ફૂટી ગયું છે, દૃશ્યોમાંથી આરપાર દેખાતા
ભમ્મર વિસ્તારોમાં ભાગી છૂટતું છૂટતું ‘ જોવું ’
સુક્કાસુક્કા ટગરવૃક્ષ ૫૨ ફૂલ થઈને બેસી રહેતો
રહ્યો-સહ્યો વિશ્વાસ ચૂંટીને કયા તાંતણે પ્રોવું?

આમ આપણું વસવું એ કૈં કપાસિયાનો છોડ નથી કે
ખૂલશે ત્યારે લચી આવશે પોલ એટલે બંધ બારણાં છે
આ હથેળીઓમાં છૂટીછવાઈ રેખા છે તે
તૂટી ગયેલા તસતસતા સંબંધોના શું શેષ તાંતણા છે?

– રમેશ પારેખ

સ્તબ્ધ કરી દેતી કવિતા….

સંબંધોને તૂટતાં જોયા છે, જાતે અનુભવ્યા છે, hindsight માં હમેશા એવું જ લાગ્યું કે એ સંબંધોના પાયા જ કાચા હતા…. Worshipping false Gods જેવી કોઈ મૂર્ખતા નથી….પણ આ વાત પારાવાર વેદનામાંથી પસાર થયા વગર સમજાતી નથી.

 

Comments (2)

(બેન કહીને હેનો બોલાવસ?) – દેવાંગી ભટ્ટ

લાજતો નથ બળ્યા કાળમુખા, મન ‘બેન’ કહીને હેનો બોલાવસ ?
હૈયાના દેતવાને ઠારવાનો હોય, તું રોયા ફૂંકી- ફૂંકીને પેટાવસ ?

બેન તારી હગલીયું ને બેન બલારાત, બેન તારી પાડોશણ રાધા,
ઈ રાધુડી પયણીને બીજે ગુડાય ઈની રાખી સે મનમાં મેં બાધા,
આખા મલકમાં છાકટો ફરસ, ને મન જન્ટલમનવેડા દેખાડસ ?
લાજતો નથ બળ્યા કાળમુખા, મન બેન કહીને હેનો બોલાવસ ?

ઓતરા દાડે હું દહીં લેવા આવું’સ, તે મારે ત્યાં ગાય-ભેંશુ નથ ?
ઊંધું ઘાલીને મૂઆ વાટકી દઈ દે’સ, તને પઈનુંય હમજાતું નથ ?
હંધાયે લોકની સેડતી કરસ, ને મને શાહુકાર થઈને કવરાવસ ?
લાજતો નથ બળ્યા કાળમુખા, મન બેન કહીને હેનો બોલાવસ ?

– દેવાંગી ભટ્ટ

દેવાંગી ભટ્ટને નવલકથાકાર અને અભિનેત્રી તરીકે આપણે સહુ ઓળખીએ છીએ પણ આજે એમની નવીન ઓળખ સાથે મુખામુખ થઈએ. તળપદી ભાવેણા ભાષામાં ગામની ગોરીનું હૈયું જેના પર આવી ગયું છે એ છેલછબીલો એને બહેન કહીને સંબોધે છે એ ઘડીએ ફાટતા જ્વાળામુખીની ક્ષણનું આ ગીત છે. જેને મનનો માણીગર માની લીધો છે એની પાસે હૈયાની આગ ઠારવવાની અપેક્ષા હોય, એના સ્થાને આ રોયો તો ફૂંકી-ફૂંકીને આગ વધુ પ્રજ્વલિત કરે છે. જે રીતે નાયિકા આ તારી બેન ને પેલી તારી બેનના છાજિયા લઈને પિયુની પાડોશણ રાધાના કારણે પોતાને અનુભવાતી અસલામતી વ્યક્ત કરે છે એ તરત આપણને સ્પર્શી જાય છે. એમાંય જન્ટલમનવેડા તો હાય હાય! કેવું સરસ! પોતાના ઘરે ગાય-ભેંસ હોવા છતાં પિયુના ઘરે વારેઘડીએ દહીં માંગવા નાયિકા પહોંચી જાય અને પઈનીય સમજ ન ધારવતો નાયક ઊંધુ ઘાલીને વાડકી ભરી દે છે ત્યારે નાયિકાનો પુણ્યપ્રકોપ વળી ઓર ઊંચાઈએ પહોંચે છે… સરવાળે, સીધું હૈયામાં ઘર કરી જાય એવું ગીત!

Comments (30)

કાનુડાને બાંધ્યો છે હીરના દોરે – હરીન્દ્ર દવે

કાનુડાને બાંધ્યો છે હીરના દોરે
બાળુડાને બાંધ્યો છે હીરના દોરે

કોમળ આ અંગ પરે કાપા પડે છે જેવાં
.                         આંગળીથી માખણમાં આંક્યાં;
નાનકડાં નેણ થકી ઝરમર ઝરે છે જેવાં
.                         ઢળતાં શીકેથી દહીં ઢાંક્યાં;

એનાં હોઠ બે બીડાયાં હજી તોરે
કાનુડાને બાંધ્યો છે હીરના દોરે

માથેથી મોરપિચ્છ હેઠે સર્યું ને સરી
.                         હાથેથી મોગરાની માળા;
આંખેથી કાજળ બે ગાલે જઈ બેઠું
.                         કાનકુંવર શું ઓછા હતા કાળા?

બંધ છોડે જશોદાને કહો રે
કોઈ જઈને જશોદાને કહો રે
કાનુડાને બાંધ્યો છે હીરના દોરે

– હરીન્દ્ર દવે
(૧૯૬૧)

કાનકુંવરના પરાક્રમો અને ફરિયાદો હદપાર વધી ગયા હોવાનું પ્રતીત થતાં યશોદા માતા એને સીધો કરવા માટે શુદ્ધ હિંદુસ્તાની શૈલીમાં થાંભલા સાથે બાંધી રાખવાની સજા કરી પોતાના કામમાં પરોવાઈ ગયાં. એ પછીની ક્ષણોને કવિનો કેમેરા કેવી અદભુત રીતે ઝીલે છે એ જુઓ! ગીત બહુ જાણીતું છે પણ માખણ જેવું મુલાયમ છે અને વારંવાર મમળાવવું ગમે એવું છે…

Comments (3)

દળણું – યોગેશ વૈદ્ય

દળતાં રહેશું દળણું

ભલી ઓશરી અણોસરી આ
.                ભલું એક પાથરણું

ઘ૨ર્ ઘ૨ર્ ઘર્ ફરે ઘંટલો
.                ખરડ ધાન ભરડાતું
ચૂવે પાણિયારે પરભવ ને
.                કંઠે રાન સુકાતું
નથી બોલતા કાગ
.                નથી કંઈ ઊગતું કંચનવરણું
ભલી ઓશરી અણોસરી આ
.                ભલું એક પાથરણું

જ્યાં લગ દીવડે દિવેલ રહેશે
.                આ અંધારાં દળશું
ફરીફરીને જાત ઓરશું
.                મૂળમાં પાછાં વળશું
અને તોળતાં રહેશું
.                દૂરના ડુંગ૨ સામે તરણું
ભલી ઓશરી અણોસરી આ
.                ભલું એક પાથરણું
દળતાં રહેશું દળણું

– યોગેશ વૈદ્ય

જીવન છે ત્યાં સુધી શ્વાસ લેવાનું ને કામ કરવાનું બંધ થવાનું નથી. ગૂંઠે ભલે કોઈ મસમોટી મિરાત ન હોય અને જીવનમાં ઉત્સાહનોય અભાવ કેમ ન હોય, દળણું દળતાં જ રહેવાનું છે. જીવતરની ઘંટી ફરતી રહે છે ને માંહ્ય ખરડ ધાન જેવા આપણે ઓરાવાનું છે ને ભરડાવાનું છે. જન્મારો જાણે કે પાણિયારે ચૂવી રહ્યો છે અને કંઠને એક ટીપુંય હાંસિલ નથી. કોઈના આવવાની એંધાણી નથી એ વાત કાગડાના મૌનથી સિદ્ધ થાય છે. જીવનને સોનું બનાવે એવું કશું ઊગી રહ્યું નથી. પણ તોય આ લાખ નિરાશાઓની વચ્ચે પણ કાયામાં શ્વાસ રહેશે ત્યાં સુધી અંધારાં દળીને અજવાળાં મેળવવાની કોશિશ તો જારી જ રહેનાર છે. દૂરના ડુંગરા જેવા સુખને પ્રાપ્ત તરણાંથી તોળી તોળીને ઉદ્ધાર ન થાય ત્યાં સુધી આ કાર્ય ભવોભવ ચાલુ રહેનાર છે.

Comments (6)

ઝુરાપાનું ગીત – અનિલ ચાવડા

ખીણ જેમ ખોદાતું જાય રોજ મારામાં સુક્કા એક ઝાડ જેમ ઝૂરવું,
સમજાવો સમજાવો કોક મને સમજાવો મારે એ કેમ કરી પૂરવું?

પડતર જમીન ઉપર એકલા ઊગીને કેમ
નીકળે આ એકએક દાડો?
મારાં આ મૂળિયામાં દિવસે ને દિવસે તો
થાતો જાય ઊંડો એક ખાડો;

બીજાની કરવી શું વાત સાલું વધતું જાય મારું મારી જ સામે ઘૂરવું.
સમજાવો સમજાવો કોક મને સમજાવો મારે એ કેમ કરી પૂરવું?

આસપાસ મુઠ્ઠીઓ વાળીને આમતેમ
રોજરોજ દોડે વેરાન,
મને ફરકાવવામાં વાયુ પણ હાંફ્યો પણ
હોય તો જ ફરકે ને પાન!

જીવનની ધાધર પર ઇચ્છાની આંગળીનું અટકે નહીં સ્હેજે વલૂરવું.
સમજાવો સમજાવો કોક મને સમજાવો મારે એ કેમ કરી પૂરવું?

– અનિલ ચાવડા

કવિએ ગીતનું શીર્ષક આપ્યું છે – ” ઝૂરાપાનું ગીત ” – શીર્ષક બધું જ કહી દે છે….

Comments (5)

એક રાતને માટે….- મુકેશ જોષી

શ્વાસ લઈને સાંજે જઈએ સવા૨માં તો પાછા,
એક રાતને માટે શાને લેવા ખૂબ લબાચા.

કો’ક પોટલા બાંધ્યા કરતા કો’ક ભરંતા થેલા,
કો’ક જવાના ટાણે ધોતાં, જીવતર મેલાઘેલા.
સુકાય કેવી રીતે હો તરબોળ જૂઠમાં વાચા. એક રાતને……

એ બોલાવે ત્યારે કેવા હસતાં મોઢે જઈએ,
એના આમંત્રણને આવું ‘મૃત્યુ’ નામ ન દઈએ,
એ તો કેવળ મૌન વાંચશે, શું કરવી છે વાચા. એક રાતને……

પહેરી પાંખ હવાની જાવું નભની પેલે પાર,
ખખડાવો ને નસીબ હો તો હરિ જ ખોલે દ્વાર,
હસી પડે જો હરિ તો સમજો સઘળા ફેરા સાચા. એક રાતને……

– મુકેશ જોષી

પહેલી બે પંક્તિએ મન મોહી લીધું…..

Comments (4)

કૂંચી આપો, બાઈજી! – વિનોદ જોશી

કૂંચી આપો, બાઈજી!
તમે કિયા પટારે મેલી મારા મૈયરની શરણાઈ જી

કોઈ કંકુથાપા ભૂંસી દઈ, મને ભીંતેથી ઉતરાવો,
કોઇ મીંઢળની મરજાદા લઈ મને પાંચીકડાં પકડાવો;

ખડકી ખોલો, બાઈજી!
તમે કિયા કટાણે પોંખી મારા કલરવની કઠણાઈ જી

તમે ઘરચોળામાં ઘુઘરિયાળી ઘરવખરી સંકેલી,
તમે અણજાણ્યા ઉંબરિયેથી, મારી નદિયું પાછી ઠેલી;

મારગ મેલો, બાઈજી!
તમે કિયા કુહાડે વેડી મારા દાદાની વડવાઈ જી

– વિનોદ જોશી

આમ તો આ રચના લયસ્તરો પર છે… પણ આજે સવિસ્તૃત ટિપ્પણી સાથે…

સાસરામાં મોટાભાગની વહુઓ સુખ કરતાં દુઃખ વધુ અનુભવતી હોય છે. આવી જ એક પરણેતર અહીં બાઈજી, એટલે કે સાસુ સામે મોઢું ખોલવાની હિંમત કરી રહી છે. વહુ સાસુ પાસે પિયરની શરણાઈ મતલબ પોતાનો મીઠો ભૂતકાળ, પિયરના સુખ અને આનંદ જેમાં કેદ થઈ ગયાં છે, એ ક્યાંક મૂકી દેવાયેલ પટારો ખોલવા માટેની ચાવી માંગે છે.

વહુએ સાસરાની દીવાલે કરેલ કંકુથાપામાં જ કદાચ એનું અસ્તિત્ત્વ કેદ થઈ ગયું છે. એટલે એ એને ભૂંસી નાંખીને પોતાને ભીંતેથી ઉતારી આપવા કહે છે. મીંઢળ-લગ્નની મર્યાદા જાળવવાના ભાર તળે ક્યાંક પાંચીકાં રમતું એનું બાળપણ, એની મુગ્ધતા પણ ખોવાઈ ગઈ છે. પરણીને આવેલી વહુને સાસુએ રિવાજ મુજબ પોંખી તો હતી, પણ એ ટાણું વહુને હવે કટાણું હોવાનું પ્રતીત થાય છે, જેમાં એનો નિર્દોષ કલરવ નંદવાઈ ગયો. સાસુ જિંદગીની બારી ઊઘાડે તો કદાચ વીતી કાલ સાથે પુનર્મિલન થાય.

પિયર, મામાના ઘરેથી પાનેતર આવે, સાસરિયેથી ઘરચોળું. ઘરચોળાના લાલ-લીલા રંગ, સોનેરી કોર, હાથી-મોર-પોપટ-ફૂલવેલની ભાત –આ તમામના અર્થ છે: ઘરની લાલિમા જાળવી રાખવી, વાડી લીલીછમ રાખવી, હાથીની જેમ મન મોટું રાખવું, પોપટ-મોરની માફક કૌટુંમ્બિક જવાબદારીઓ નિભાવવી અને આમ, સરવાળે આન-બાન-શાન જાળવીને સાસરીને સુવર્ણ પ્રતિષ્ઠા અપાવવી. વહુના મતે આ ઘરચોળાંની જવાબદારીઓમાં પોતાનાં ઘુઘરિયાળાં મસ્તી-તોફાન, અને આખું જીવતર સાસુએ એ બાંધી દીધું છે. ખળખળ વહેતી ઊર્મિઓ અને લાગણીઓની નદીઓને સાસુએ ઉંબરેથી જ પાછી ઠેલી દીધી છે. પિયર સાથેનો સંબંધ, દાદાજીની હૂંફ અને રક્ષણ –આ બધું સાસુએ કોઈક અગમ્ય અધિકારની કુહાડીથી વડવાઈની જેમ કાપી નાંખ્યું છે. અને વહુને આ તમામની ઝંખા હોવાથી એ મારગ મેલવાની ચીમકી આપે છે.

પણ, સરવાળે વહુ અને આપણે સહુ જાણીએ છીએ કે પરણેતરના નસીબમાં વીતી ગયેલા સુખનો એ સૂરજ કદાચ હવે કદી ફરી ઊગનાર જ નથી. એટલે એની વ્યથા શબ્દે-શબ્દે અને પંક્તિએ-પંક્તિએ વધુને વધુ ઘેરી બનતી અનુભવાય છે. ઘર-ઘરની લાગણીઓનું સીધું અને સોંસરવું પ્રતિબિંબ હોવાના કારણે આ કાલાતીત ગીત ગુજરાતી ભાષાના ટોપ-ટેનમાં અધિકારપૂર્વક વિરાજમાન થયું છે.

Comments (13)

સ્હાંજ ઢળે ને સૂના મનને – તુષાર શુક્લ

સ્હાંજ ઢળે ને સૂના મનને યાદ આવતું ઘર
બારણે ચીતર્યા લાભ, શુભ શી
આંખો, એ સુંદર…

સ્હાંજ ઢળે ને પાછાં વળતાં પંખી એને માળે
માળો ના ગૂંથ્યો હો એવાં, બેઠાં એકલ ડાળે
હું ય અહીં બેઠો છું એકલો, આવી સાગર પાળે
ખડક ભીંજવે, મોજાં, જાણે વ્હાલ ભર્યુ પંપાળે
વગર અષાઢે આંખતી વરસે, આંસુની ઝરમર
સ્હાંજ ઢળે ને સૂના મનને, યાદ આવતું ઘર

સૂરજ જેવો સૂરજ કેવો ક્ષિતિજે જઇ સમાતો
માના પાલવ પાછળ જાણે, બાળક કોઇ લપાતો
મીઠી યાદ થઇને કોઇ, વાયુ ધીમો વાતો
વૃક્ષ તણા પર્ણોની કેવળ સંભળાતી મર્મર
સ્હાંજ ઢળે ને સૂના મનને યાદ આવતું ઘર

મનને આવું કાંઇ થતું નહીં, ઊગતી શાંત સવારે
બપોરની વેળાએ પણ, ના થાતી પાંપણ ભારે
સપનાં શોધતી આંખ મીંચાતી રાત તણે અંધારે
કેમ થતું મન ઉદાસ કેવળ, ઢળતી સંધ્યા જ્યારે!
આમ નિરુત્તર મન જાણ છે, ઘર એનો ઉત્તર.
સ્હાંજ ઢળે ને સૂના મનને યાદ આવતું ઘર.

– તુષાર શુક્લ

 

બે ગીત યાદ આવે છે –

સાંજ ઢલે, ગગન તલે, હમ કિતને એકાકી…..

ફિર વહી શામ, વહી ગમ, વહી તન્હાઈ હૈ…..

Comments (2)

રોશનીમાં અંધારું ભેળવીને આપો…- મુકેશ જોષી

રોશનીમાં અંધારું ભેળવીને આપો,
મારે ના જોઈએ સૂરજમુખી,
રાતરાણી ઊગે તોય કાપો…

બળબળતી રેતીથી છેટો રહું ને
રહું દરિયાનાં મોજાંથી દૂર
પળમાં છલકાય વળી પળમાં સુકાય
મારે ઝરણાનાં પ્હેરવાં નૂપુર
તરતાં ન આવડે ને હોડી ના જોઈએ
આપો નાનકડો તરાપો… મને રોશનીમાં

નભનાં પોલાણ નથી ચીરવાની આશ
નથી પાતાળો ફાડીને જોવાં
થોડાં આંસુ મારે હસવાને હોય
અને થોડાં આંસુઓ હોય રોવા
કાંટાળી કેડી કંડારવી નથી
છતાં પથરીલો પંથ ભલે વ્યાપો.. મને રોશનીમાં

પગલાંમાં હણહણતા ઘોડા ન હોય
નહીં કીડીઓના વેગ સમી ચાલ
થોડું દોડાય, થોડું હાંફી જવાય
થોડા સાચા-ખોટા હો ખયાલ
મળવાની આશ ભલે સાચી ઠરે
છતાં કીકીઓને જોઈએ ઝુરાપો.. મને રોશનીમાં

– મુકેશ જોષી

 

કવિને “ ચૌદહવી કા ચાંદ “ જોઈએ છે….પૂનમનો નહીં. ચૌદસનો ચાંદ વિકાસ પામે….પૂનમનો ચાંદ ક્ષીણ થતો જાય. ચાંદીમાં જેમ ડાઘ છે તેમ કવિને કંઈપણ સંપૂર્ણ નથી જોઈતું-કંઈક અધૂરું હશે તો વિકાસ શક્ય રહેશે…યાત્રામાં મજા રહેશે….

Comments (3)

તમને તો – જગદીશ જોષી

તમને તો કોઈ દિવસ વાંકું પડે ને કદી ખોટું લાગે ને વળી કેટલોય રોષ અને રીસ :
અમને તો એ જ લાગે સાચું : કે ભમરાને હોય કદી ફૂલોની, ફોરમની ભીંસ ?

કેવો ઉમંગ લઈ વૈશાખી વાયરો વગડાને વીંધીને આવ્યો ?
ફોરમનાં જુલ્ફમાં ક્યાંક હું લપાઉં એવા મનગમતા ખ્યાલને ઝુલાવ્યો !
જરા મરમ કરીને તમે પાસે આવો, પછી પડખું ફરો : અને અમરતને કહી દિયો વિષ
તમને તો કોઈ દિવસ વાંકું પડે ને કદી ખોટું લાગે ને વળી કેટલોય રોષ અને રીસ.

તમને તો ગુલછડી હાથમાં ખપે : નહીં વાળમાં ગૂંથાયેલું ફૂલ :
ઝરતાં આંસુને તમે ઓળખો નહીં ને તમે ધોળાં વાદળમાં મશગૂલ :
આઘેની મીટ અને પાસેની પ્રીત અને તૂટેલો લય અને નંદવાયું ગીત – મારા
મૂગાં આ હોઠે ગુંજીશ !

તમને તો કોઈ દિવસ વાંકું પડે ને કદી ખોટું લાગે ને વળી કેટલોય રોષ અને રીસ.

– જગદીશ જોષી

પ્રેમ હોય, સહવાસ હોય, કદાચ લગ્નનું બંધન પણ હોય…પરંતુ કોઈક વાર બે હૈયા વચ્ચે તાદાત્મ્ય નથી હોતું….ક્યાં તો ભાષા અલગ છે, ક્યાં તો અભિવ્યક્તિ ભિન્ન છે, ક્યાં તો એષણાઓ જુદી છે….પ્રેમ છે, પણ હૈયા એકતાલે ધબકતા નથી.

આ કોઈ કવિ-કલ્પના નથી. આ વાસ્તવિકતા છે અને ઘણી વ્યાપક વાસ્તવિકતા છે. આ પરિસ્થિતિનું કોઈ સરળ નિવારણ નથી. શનૈઃ શનૈઃ આ જ સ્થિતિ બે હૈયાને વિખૂટા કરતી જતી હોય છે….

Comments (4)

અબોલડા – જગદીશ જોષી

તેર વરસના અબોલડા ને બાર વરસની પ્રીત !
આ તે કેવી રીત, સજનવા ! આ તે કેવી રીત ?

પગમાં ઊગ્યાં વંન અને આંખોમાં સૂકો દરિયો
ગઢના ઝૂક્યા ઝરૂખડાને ખૂંચે છે કાંકરિયો ;
ભવ આ ભાંગી રાત બની ગઈ દિવસ થકી વંચિત :
તેર વરસના અબોલડા ને બાર વરસની પ્રીત.

નહીં વરસેલા મેઘ ને એના પડછાયા ગૂંગળાય ;
બંધ હોઠની વાત ક્યારની વીજ થઈ અમળાય ;
ખડકી આગળ ખીણ ધૂંધળી, રણમાં ૨ડે પછીત :
તેર વરસના અબોલડા ને બાર વરસની પ્રીત.

– જગદીશ જોષી

પ્રેમની આ જ તકલીફ છે. જેટલો પ્રેમ ગહેરો તેટલી અપેક્ષા વધે ! ભલેને ફિલોસોફી એમ કહેતી રહે કે પ્રેમમાં અપેક્ષાને સ્થાન નથી…. સાજન મનની વાત સમજતો નથી. મારે બોલીને કહેવી નથી, ભલેને યુગ વીતી જાય… લાગણી હશે તો સમજશે. ” નહીં વરસેલા મેઘ…” એ ન વહેલા આંસુ…ડૂમો જેમ નો તેમ રહી ગયો. વીજળીના ઝબકારાની જેમ વણકહી વાત બંધ હોઠે આવી આવીને ગાયબ થઈ જાય…. અંત શું ?? – એ વિચારીને થોડો પ્રેમ થાય છે ?? શેર યાદ આવી જાય –

મુદ્દતેં હો ગઈ હૈ ચૂપ રહતે
કોઈ સુનતા અગર તો કુછ કહેતે

Comments (2)

તારનું તૂટવું – કેશવલાલ હરિરામ ભટ્ટ

તૂટ્યો મારો તંબૂરાનો તાર–
ભજન અધૂરું રહ્યું ભગવાનનું હો જી. ટેક0

એક તૂટતાં બીજા રે તાર અસાર છે,
જીવાળીમાં નહિ રે હવે જીવ જી;
પારા પડ્યા પોચા રે, નખલિયું નામનું. તૂટ્યો0

તરડ પડી છે મોટી રે, બાતલ તુંબડે,
લાગે નહીં ફૂટી જતાં વાર.
ખૂંટીનું ખેંચાવું રે, કાંઈ કામનું. તૂટ્યો0

કેશવ હરિની કરણી રે કોઈ ન જાણી શકે,
વાણી મન પાછાં વળી જાય,
બલ ચાલે નહિ એમાં રે મહાબલવાનનું. તૂટ્યો0

– કેશવલાલ હરિરામ ભટ્ટ (જન્મ : ૧૮૫૧ – અવસાન : ૧૮૯૬)

કવિને મૃત્યુનો રંજ નથી, પણ શ્વાસ અચાનક પૂરા થઈ જતાં ભગવાનનું ભજન અધૂરું રહી ગયાનો અહેસાસ છે. અહેસાસ છે પણ કોઈ ફરિયાદ નથી. એક જન્મારો પૂરો થતાં બીજો આવશે, એમ લખચોરાસી ફેરાનો આ અવતાર છે, પણ હવે આ તંબુરો વાગી શકે એમ નથી… કવિએ તંબુરાના નાનાવિધ ભાગોને જોડી દઈને ખોટકાઈ ગયેલ જીવનસંગીતને કેવું અદભુત રીતે ચાક્ષુષ કર્યું છે એ જોવા જેવું છે.

જીવાળી –તારનો સ્વર બરાબર નીકળવા તંબૂરામાં ખોસવામાં આવતો રેશમી દોરો, ઝારો
પારો – તંબૂરો સુરેલ બનાવવા રખાતો તારને ભરવેલો મણકો.
નખલિયું – વાદ્ય વગાડતાં આંગળીમાં પહેરવાનું સાધન; નખલી.
બાતલ – નકામું; નિરર્થક; નિરુપયોગી

Comments (2)

ઇચ્છા – ફિલિપ ક્લાર્ક

રણમાં ઊગેલા એક છોડની આંખોમાં
જાગે વગડો જોવાના કંઈ કોડ

રોજ રોજ રેતીમાં જોયા કરે છે એ
મૃગજળની ફેલાતી માયા.
પાન એનાં પળપળ નાખે છે નિસાસા
ને ખુદમાં સમેટે છે છાયા.
પાંદડી ફૂટે ને એના હૈયામાં ફાળ પડે.
ના આવે એને નવો કૈં મોડ;
રણમાં ઊગેલા એક છોડની આંખમાં
જાગે વગડો જોવાના કંઈ કોડ.

ઉપાડી લો કો’ક એને મૂળ સોતો રેતથી
કો’ક વગડામાં દો ને વાવી;
બારે મહિના એને વેઠવી રહી પાનખર
કે છે વસંત ક્યારેય ના આવી.
રેડો લીલાશ કોઈ પીળા પડતા પાનમાં
કે હળવે હાથેથી કરો ગોડ.
રણમાં ઊગેલા એક છોડની આંખોમાં
જાગે વગડો જોવાના કંઈ કોડ.

– ફિલિપ ક્લાર્ક

…..યું હોતા તો ક્યા હોતા…..

Comments (5)

મારું હૈયું ખોવાયું એક વેળા… – ગુલાબદાસ બ્રોકર

મારું હૈયું ખોવાયું એક વેળા,
રે રાજ, મારું હૈયું ખોવાયું એક વેળા.

જ્યારે સૂરજદેવ થાકી આકાશથી પચ્છમમાં ઊતરી ગયેલા,
ધરતી રાણીનું હૈયું જ્યારે ઉલ્લાસથી શ્વાસ લેતું આશથી ભરેલા,
એવી એક સાંજ રે ઘેલું બનેલ આ હૈયું ખોવાયું એક વેળા.
રે રાજ, મારું હૈયું ખોવાયું એક વેળા.

ત્યારથી તે આજ સુધી ચૌટે ને ચોકમાં શોધું હું બ્હાવરી શી એને,
સાગરને તીર કે નદીઓનાં નીરમાં તારલાને લાખલાખ નેને,
ક્યાંયે ના ભાળતી સહેજે ગયેલ જે હૈયું ખોવાઈ એક વેળા,
રે રાજ,મારું હૈયું ખોવાયું એક વેળા.

ખોળી ખોળીને એની આશ છોડી આજ હું આવતી’તી સીમમાંથી જ્યારે,
ત્યારે દીઠો મેં કહાન પાવો વગાડતો ઝૂલીને વડલાની ડાળે,
બોલ્યું શું પાવાના મધમીઠા સૂરમાં, જે હૈયું ખોવાયું એક વેળા.
રે રાજ, મારું હૈયું ખોવાયું એક વેળા.

– ગુલાબદાસ બ્રોકર

 

ગુલાબદાસ બ્રોકર ગીત પણ લખતા તે આજે જ ખબર પડી ! મજબૂત માવજતથી રચાયેલું મધુરું ગીત….

Comments (2)

મનમોજી – સંજુ વાળા

અમે અમારા મનના માલિક મસ્ત મિજાજી મોજી.
જૂઈ મોગરા પ્હેરી-બાંધી
.             ભરી બજારે નીકળવામાં શું લાગે બટ્ટો જી?

કરું વાયરા સાથે વાતો
ચડે અંગ હિલ્લોળ તો થોડું હીંચું,
કિયા ગુનાના આળ, કહો
ક્યાં લપસ્યો મારો પગ તે જોવું નીચું ?
તેં એને કાં સાચી માની
.             વા-વેગે જે ઉડતી આવી અફવા રોજબરોજી.

અમે અમારા મનના માલિક મસ્ત મિજાજી મોજી.

મંદિરના પ્રાંગણમાં
ભીના વાળ લઈને નીકળવાની બાબત.
રામધૂનમાં લીન જનો પર
ત્રાટકતી કોઈ ખૂશબૂ નામે આફત.
સાંજે બાગ-બગીચે નવરાધૂપ બેસતા
.             નિવૃતોની હું એક જ દિલસોજી

અમે અમારા મનના માલિક મસ્ત મિજાજી મોજી.

– સંજુ વાળા

મનમોજી લલનાનું ગીત… ઊઠાવ જ કેવો પ્રભાવક થયો છે, જુઓ! અમે-અમારામાં ‘અ’ અને ‘મ’ની વર્ણસગાઈથી સરસ ઉપાડ સાથે ગીત પ્રારંભાય છે અને ‘મ’ની વર્ણસગાઈ તો અહીંથી વિસ્તરીને મન-માલિક-મસ્ત-મિજાજી-મોજી અને મોગરા સુધી લંબાય છે. ‘મ’નો આ રણકો ગીતના રમતિયાળ સ્વભાવને અદભુત રીતે માફક આવ્યો અનુભવાય છે.

સ્ત્રીને આપણો પુરુષપ્રધાન સમાજ પરાપૂર્વથી મર્યાદાના ચશ્માંમાંથી જ જોવા ટેવાયેલો છે. એટલે કોઈ સ્ત્રી સમાજે નિર્ધારિત કરેલી રેખા વળોટીને ચાલતી દેખાય કે તરત એની અગ્નિપરીક્ષા લેવા સમાજ તૈયાર થઈ જાય. પણ આપણી કાવ્યનાયિકા તો ‘નિજાનંદે રહેજે બાલ મસ્તીમાં મજા લેજે’નો ગુરુમંત્ર પચાવી ચૂકી છે. એ એના મનની માલિક છે અને આ હકીકતની પૂર્ણતયા જાણતલ પણ છે. એને મન પડે તો એ જૂઈ-મોગરા પહેરીને-બાંધીને ભરી બજારે નીકળેય ખરી. લોક ગમે તે કહે એને આમાં કોઈ બત્ટો લાગવાની ભીતિ નથી. વાયરાના તાલે અંગ હિલ્લોળતી એ ચાલે છે. એને પોતાને ખબર છે કે એનો પગ ક્યાંય લપસ્યો નથી એટલે એ કોઈ ગુનાનું આળ માથે ઓઢવા તૈયાર નથી. પોતાના માટે લોકો જાતભાતની અફવાઓ છો ને ઊડાડે, લોકનિંદાના ડરે પોતાના તોરતરીકા બદલવાની એની લગરિક તૈયારી નથી. એ ભીનેવાન મંદિર જાય ત્યારે રામધૂનમાં લીન હોવાનો ડોળ કરતા બગભગતોનું ધ્યાન રામમાં ઓછું અને ‘કામ’માં વધારે છે એની એને જાણ છે જ. નવરા લોકો જ્યાં-ત્યાં એની જ જિંદગીની કિતાબ ખોલી બેસે છે એ જાણતી હોવા છતાં એ તો એની મસ્તીમાં જ મોજ માણે છે અને માણશે…

દુનિયા પોતાનો નજરિયો બદલવા તૈયાર ન હોય, તો આપણે શા માટે આપણી જાતને બીજાને વશવર્તીને પલોટવી જોઈએ?

Comments (15)

(કવિ સંમેલન કરવું છે) – મુકેશ જોષી

મૃગજળ જેવા મનને મારે એક સરોવર ધરવું છે,
હરિ! તમારા સંચાલનમાં કવિસંમેલન કરવું છે.

સૃષ્ટિમાંના બધા આગિયા દીપ પ્રજ્વલિત કરશે,
તમે રમ્યા જે રાસ,રાતનું ચાંદ વિમોચન કરશે,
આજ લગી પુષ્પો સંભાળે અભિવાદનની બાબત,
કિંતુ હરિવર આપણ કરશું સહુ ફૂલોનું સ્વાગત,
કદંબ ડાળે પાન ફરકતું એ રીતે ફરફરવું છે..

હરિ! તમારા વ્યક્તિત્વોના પાસાં સૂરજ ખોલે,
પછી પવન, આકાશ, ધરા ને પાણી થોડું બોલે,
સહુ કવિઓની બેઠક માટે પાથરશું બે લોચન,
હરિ! તમારી ખાસ વ્યવસ્થા, મારું હૃદય સિંહાસન,
આ જીવનથી પેલું જીવન કવિતાઓથી ભરવું છે..

તુલસી, મીરા, સૂર, કબીરા, વ્યાસ, શુક્ર, ટાગોર,
એવું નહીં કે બબ્બે બોલે, રાખશું ખુલ્લો દોર,
ઉ.જો., સુ.જો., ર.પા., સુ.દ. ને મરીઝની હો છાપ,
ધન્ય ધન્ય એ કવિઓ જેને રજૂ કરી દો આપ,
તમે વખાણો એ પંક્તિનું સ્મિત પછી સંઘરવું છે..

સમય મજાનો કળિયુગથી લઈ સતયુગનો પરવડશે,
છેલ્લી કવિતા તમે બોલશો પછી જ પડદો પડશે,
બધા કવિને પુરસ્કારમાં ખોબો અવસર દઈશું,
પુરસ્કારમાં હરિવર તમને આખું જીવતર દઈશું,
આવા સુંદર અવસર કરવા લખચોરાસી ફરવું છે..

– મુકેશ જોષી

હવે આવા મસ્ત મજાના ગીતમાં ટિપ્પણી શી કરવી? ખુલ્લા ગળે ને મોકળા મને લલકારતા જાવ અને માણતા જાવ, બસ…

Comments (13)

સારમાં સાર અબળા તણો – નરસિંહ મહેતા

(રાગ : કેદારો)

સારમાં સાર અવતાર અબળા તણો,
જે બળે બળભદ્ર-વીર રીઝે;
પુરુષ-પુરુષારથે શું સરે, હે સખી?
તેણે નવ નાથનુ કાજ સીઝે. સારમાંo

મુક્તિ પર્યન્ત તો પ્રાપ્તિ છે પુરુષને,
સત્ય જો સેવકભાવ રાખે;
રસભર્યું રૂસણું, નાથ નોહરા કરે,
તે નહીં નારી-અવતાર પાખે. સારમાં o

ઇંદ્ર-ઇંદ્રાદિક અજ અમર મહામુનિ,
ગાપિકા ચરણરજતેહ વંદે;
ગેાપીથી આપનુ અધમપણું લેખવે,
નરપણું નવ રુચે, આપ નં(નિ)દ. સારમાંo

વેદ- વેદાંત ને ઉપનિષદ ખટ મળી,
જે મથીને રસ પ્રગટ કીધો;
તે રસ ભાગ્યનિધિ ભામિની ભોગવે,
અહર્નિશ અનુભવ-સંગ લીધો. સારમાંo

સ્વપ્ન સાચું કરો, ગિરિધર શામળા!
પ્રણમું હું, પ્રાણપતિ ! પાણ જોડી;
પેંધ્યું પશુ જેમ પૂંઠે લાગ્યુ ફરે,
ત્યમ ફરે નરસૈંયો નાથ ત્રોડી. સારમાંo

– નરસિહ મહેતા

શ્રી કૃષ્ણની ભક્તિ કરવાની અનેક રીતોમાંની પ્રમુખ તે પ્રેમલક્ષણા ભક્તિની રીત. અને એમાંય કૃષ્ણની પ્રેમિકા-પત્ની બનવાની ઝંખા ઉમેરાય તો તો સોનામાં સુગંધ ભળે. પ્રેમ ગમે એટલો ઉત્કૃષ્ટ કેમ ન હોય અને પ્રેમનો સ્વીકાર પણ ગમે એટલો સંપૂર્ણ કેમ ન હોય, સ્ત્રી અને પુરુષ જે રીતે એકમેકમાં ઓગાળી જઈ શકે છે, એ રીતે બે પુરુષ કદી એકાકાર થઇ શકતા નથી. એટલે જ પરાપૂર્વથી પુરુષ કવિઓ ઈશ્વરારાધના સ્ત્રી બનીને કરતા આવ્યા છે. નરસિંહ પણ આ જ મતના છે. દયારામની જેમ એમના પણ અસંખ્ય પદોમાં નારીભાવે સમર્પણ જોવા મળે છે.

નરસિંહ કહે છે કે લેવા જેવો કોઈ અવતાર હોય તો તે અબળાનો છે, કેમકે એના જ બળે કૃષ્ણને રિઝવી શકાય છે. વર્ણસગાઈને વધુ અસરદાર બનાવવા માટે કવિ શ્રી કૃષ્ણને બળભદ્રના વીર કહે છે એમાં સાચું કવિકર્મ ઝળકે છે. પુરુષને પણ મુક્તિ તો પ્રાપ્ત થઈ શકે છે પણ ચૌદ ભુવનનો નાથ સામે ચાલીને નોહરા કરે, આજીજી કરે એ તો સ્ત્રી અવતારને જ નસીબ થઈ શકે ને?

ઇન્દ્ર વગેરે દેવો અને મહામુનિઓને પણ ગોપીભાવ હાંસિલ નથી, પરિણામે ગોપિકાની ચરણરજ તેઓ માટે વંદનીય છે. પોતાને સ્વામીથી અલગ રાખતું પોતાનું નરપણું એમને રુચતું નથી. વેદ-ઉપનિષદોમાં જે રસ પ્રગટ થયો છે, એ તો ભાગ્યની બળવાન ભામિની સાથ-સંગાથના અનુભવમાંથી અહર્નિશ મેળવે છે. નરસિંહનું સ્વપ્ન છે કે પોતે આ ગોપીભાવ, અબળા-અવતાર પ્રાપ્ત કરે, અને એ માટે જ જેમ પેંધું પડી ગયેલું જાનવર જે રીતે પૂંઠે પૂંઠે ફર્યે રાખે એમ હાથ જોડીને તેઓ શ્રી કૃષ્ણની પાછળ પાછળ ફરી રહ્યા છે…

સરવાળે, પ્રેમલક્ષણા ભક્તિનું એક અમર પદ…

ઝૂલણાના આવર્તનોની સંગીતાત્મકતાની સાથોસાથ કવિનું ક્રિયાપદ-બાહુલ્ય, પંક્તિએ પંક્તિએ રણકતી વર્ણસગાઈઓ અને આંતરપ્રાસ વગેરે પર એક નજર કરીશું તો સમજાશે શા માટે આપણો આ આદિકવિ આટઆટલી સદીઓના વહાણાં વાઈ ગયાં હોવા છતાં હજીય કવિશ્રેષ્ઠ ગણાય છે!

Comments (4)

એક દીવો છાતી કાઢીને – રમેશ પારેખ

એક દીવો છાતી કાઢીને છડેચોક ઝળહળે,
તો એ અંધારાના સઘળા અહંકારને દળે.

હરેક ચીજને એ આપે
સૌ સૌનું મૂળ સ્વરૂપ
આવું મોટું દાન કરે
તો પણ એ રહેતો ચૂપ
પોતાને ના કૈ જ અપેક્ષા અન્ય કાજ બસ બળે!

અંધકાર સામે લડવાની
વિદ્યા ક્યાંથી મળી?
કિયા ગુરુની કૃપા થકી
આ રીત તપસ્યા ફળી?
હે દીવા, એ શાશ્વત પળ, તું પ્રકટે છે જે પળે…

– રમેશ પારેખ

લયસ્તરો તરફથી સહુ કવિમિત્રો અને વાચકમિત્રોને દિપોત્સવી પર્વની સ્નેહકામનાઓ…

અંધારું ગમે એટલું સર્વવ્યાપી અને ગહન કેમ ન હોય, નાનામાં નાનો એક દીવો સળગ્યો નથી કે એનો omniscient ego ક્ષણાર્ધમાં હણાઈ ગયા વિના રહેતો નથી. અંધારામાં પોતપોતાનું અસ્તિત્ત્વ ગુમાવી બેઠેલ તમામ ચીજોને એ પોતાનું મૂળ સ્વરૂપ ફરી અપાવે છે, અને તોય કોઈ અપેક્ષા રાખ્યા વિના એ મહાદાની ચુપચાપ બીજાઓ માટે જાતને બાળવાનું ચાલુ રાખે છે. આ વિદ્યા એને ક્યાંથી સાંપડી અને કયા ગુરુની કૃપાથી એને આ તપસ્યા ફળી એ કળવું શક્ય નથી. દીવાનું આયુષ્ય ટૂંકું છે પણ જે ક્ષણે એ પ્રકટે છે, એ એક ક્ષણને કવિ શાશ્વત પળ કહીને કવિ એનો જે મહામહિમા કરે છે, ત્યાં સાચી કવિતા સિદ્ધ થઈ છે…

દિવાળીના આ પર્વ પર બસ, કોઈના જીવનમાં વ્યાપ્ત અંધારું દૂર કરી શકીએ તો ઘણું…

Comments (2)

ઘેરે ઘેર દિવાળી – પ્રતાપસિંહ ડાભી ‘હાકલ’

રાજી કરીએ કુંભાર, મેરાઈ, વાળંદ, મોચી, માળી;
એમ નહીં કે મારે ઘેર જ, ઘેરે ઘેર દિવાળી…

આનંદ છે સહિયારી ઘટના -એ મુદ્દે સૌ સંમત,
તડતડ થાતી એક લુમ ને પડે બધાને ગમ્મત;
હોય મુખીનો મનુય ભેગો, હોય ગામ ગોવાળી
એમ નહીં કે મારે ઘેર જ, ઘેરે ઘેર દિવાળી

મે’ર મે’ર રાજાના નાદે, મેરૈયાને ભાળી,
બેઉ બળદની આંખો ચમકે, બોલે ખમ્મા હાળી !
ગવરી ગાય મુખ ચાટે, નાચે ઘોડી ઘુઘરિયાળી
એમ નહીં કે મારે ઘેર જ, ઘેરે ઘેર દિવાળી

સાધુ, બામણ, ગરીબગુરબાં, વણકર, મેતર, ઢોલી;
દરબારી ડેલીમાં જાણે પૂરી છે રંગોળી!
ખાય સહુ સહુના હિસ્સાનું, ખુશીઓની પતરાળી
એમ નહીં કે મારે ઘેર જ, ઘેરે ઘેર દિવાળી

– પ્રતાપસિંહ ડાભી ‘હાકલ’

આજે ગ્લોબલાઇઝએશનના ઈરેઝરથી તહેવારોનું અસલી પોત ઝડપભેર ભૂંસાવા માંડ્યું છે, એટલે મારા પછીની પેઢીને તો આ ગીતની દિવાળી કદાચ સમજાય પણ નહીં. નાનો હતો ત્યારની જૂના શહેરની જૂની શેરીઓમાં આવી દિવાળી કૈંક અંશે જોવા મળતી, તે હજી સાવ વિસરાઈ નથી ગઈ, પણ આજે તો કદાચ ગામડાઓમાં પણ આવી દિવાળી જોવા નહીં મળે.

વાત દિવાળીની છે પણ શરૂઆત રાજી કરવાની વાતથી થાય છે, એ નોંધવા જેવું. અસ્સલની દિવાળીની આ જ તો ખાસિયત હતી ને! એમાં રાજી કરવામાં વધુ રાજીપો હતો. અને આજે? એક-બે નહીં, તમામ જ્ઞાતિના માણસોને રાજી કરવામાં આવે એ જ ખરી દિવાળી. અને ભાવના જુઓ! એમ નહીં કે માત્ર મારા ઘરે જ દિવાળી હોય… ઘેર ઘેર દિવાળી હોય એ જ સાચો તહેવાર. એ જમાનામાં આનંદ પણ સહિયારો હતો. એક લૂમ ફૂટે અને આખું ગામ ખુશ થતું. આજે તો બાજુવાળા કરતાં મારા ઘરે ફૂટતી લૂમ મોટી છે કે કેમ એના પર આવીને આપણો આનંદ સંકોચાઇ ગયો છે.

દિવાળીને દહાડે દીકરો અને નવી વહુ શેરડીના દાંડામાં ટોપરાનો વાટકો રાખી તેમાં ઘી અથવા તેલથી દીવો કરે અને ઘેર ઘેર ઘી-તેલ પુરાવવા નીકળે એને મેરાયું સીંચવું કહેવાય. આ સિવાય શેરડીના સાંઠે છોકરાંઓ કાકડો બાંધી મસાલ કે દીવો કરી ફરે એ મેરમેરૈયું કહેવાય. એક વાયકા એવી પણ છે કે ઇન્દ્રના પ્રકોપથી સહુને બચાવવા શ્રી કૃષ્ણે ગોવર્ધન પર્વત આંગળી પર ઊઠાવી લીધો હતો; અને અંતે, જે ગોવાળિયાઓ વરસાદથી બચવા ગુફાઓમાં સંતાઈ ગયા હતા એમને શોધી કાઢવા મેરૈયો લઈને બાકીના ગોવાળ નીકળ્યા હતા. આ પુરાકથા પણ કદાચ આ રિવાજની પાછળ હોઈ શકે. હશે, પણ મેરૈયાને ભાળીને તો મૂંગા જનાવર પણ ખુશ થઈ જાય છે. મતલબ દિવાળીનો લ્હાવો કવિ કહે છે એમ સૃષ્ટિના તમામ સજીવોને મળી રહ્યો છે. સાચી દિવાળી આને જ તો કહેવાય.

અને આ બધું પતે પછી ગામના દરબારની ડેલીએ નાનાં-મોટાં સૌ ખુશીઓની પતરાળીઓમાં પોતપોતાના હિસ્સાની ખુશીઓથી સંતુષ્ટ થતાં.

સાચે જ, દિ‘ વાળે એ દિવાળી! 

Comments (8)

આકાશ તડ તૂટ્યું ! – હર્ષ બ્રહ્મભટ્ટ

દરિયાના કાળજામાં પડતી તિરાડ જોઈ,
આખું આકાશ તડ તૂટ્યું !

પાણિયારે ઊતર્યાં છે પાણીના રેલા
ને કોરીકટ માટલી તો સળગે.
ત્રોફેલા સાથિયાની પાંખો તૂટે ને પછી
બારીઓય ઉંબરને વળગે.
સ્મરણોના જંગલમાં લાગી ગૈ આગ
અને દુનિયા આખીનું પાણી ખૂટ્યું !
દરિયાના કાળજામાં પડતી તિરાડ જોઈ,
આંખુ આકાશ તડ તૂટ્યું !

દરિયો પહેરીને રણ આંગણમાં આવ્યું
પણ નદીઓ તો ઘરની પછીતે !
આઠમા તે આભને છાપરેથી છેક આજ
પડતું મૂક્યું છે મારા ગીતે !
કાળમીંઢ પાણીમાં વરસોથી જાળવેલું
અજવાળું કાચ જેમ તૂટ્યું !
દરિયાના કાળજામાં પડતી તિરાડ જોઈ,
આખું આકાશ તડ તૂટ્યું !

– હર્ષ બ્રહ્મભટ્ટ

એક તરફ છલોછલ સંસાધન છે અને બીજી તરફ નકરો અભાવ….કદાચ જેની જરૂર છે તે નથી, એ સિવાય અન્ય બધું જ છે.

 

Comments (3)

ઉપાલંભ – ઉષા ઉપાધ્યાય

પહેલાં આંખો આપો પછી પાંખો આપો
ને પછી છીનવી લો આખું આકાશ,
રે ! તમને ગમતાં શું આટલાં પલાશ !

કોરી હથેળીમાં મેંદી મૂકીને પછી
ઘેરી લો થઈને વંટોળ,
આષાઢી મેઘ થઈ એવું વરસો, ને કહો
કરશો મા અમથા અંઘોળ !
પહેલાં તડકો આપો, પછી ખીલવું આપો
ને પછી છીનવી લો સઘળી સુવાસ,
રે ! તમને ગમતાં શું આટલાં પલાશ !

ગોરી પગપાનીને ઝાંઝર આપીને કહો
કાનમાં પડી છે કેવી ધાક !
ગિરનારી ઝરણામાં ઝલમલ તરો,
ને કહો સૂરજનાં ટોળાંને હાંક !
પહેલાં પાણી આપો, પછી વહેવું આપો
ને પછી છીનવી લો કાંઠાનો સાથ,
રે ! તમને ગમતાં શું આટલાં પલાશ !

– ઉષા ઉપાધ્યાય

પ્રારબ્ધની ગતિ ન્યારી છે. આવા જ અસંખ્ય અનુભવો બાદ ઝેન સમજાય છે…..

Comments (2)

ગીત – ગોપાલકુમાર ધકાણ

ભરચક બજારેથી સડેડાટ નીકળી હું, ખાલીખમ્મ હાથે પરબારી
.                                  મારો પિયું સાવ ટૂંકો પગારી

છૂટા બેઉ હાથે એમ વેરી દેવાય ના,
.                                  જોવાનું એક એક પાસું.
સંઘરીને રાખ્યાં છે અમે મોતીડાં જાણીને,
.                                  પાંપણની નીચે બે આંસુ.
ઇચ્છાના નામે એક છોકરું છે કાખમાં ને,
.                                  સામે રમકડાંની લારી.
.                                  મારો પિયું સાવ ટૂંકો પગારી.

નાની હથેળી વળી ટૂંકો છે હાથ એમાં,
.                                  ફાટફાટ કેમ કરી ભરીએ?
પાંચ દસ ગજની મારી આ ઓરડીમાં,
.                                  સપનાને ક્યાં ક્યાં સંઘરીએ?
ઝાંખા પડી જાય સઘળા દાગીના,
.                                  મેં એવી સેથી શણગારી.
.                                  મારો પિયું સાવ ટૂંકો પગારી.

– ગોપાલકુમાર ધકાણ

વાત આમ તો ઓછા પગારમાં ભરચક્ક બજારમાંથી પસાર થવા છતાંય કશું ખરીદ્યા વિના ખાલી હાથે પરબારા નીકળી જવાની આર્થિક મજબૂરીનું ગીત છે પણ કવિએ આંસુ, ઇચ્છા અને સપનાંની અને જિંદગીની સંકડાશની વાત કરીને ગીતને એક અલગ જ પરિમાણ પણ બક્ષ્યું છે. કાવ્યાંતે સ્ત્રીનો સહજ સ્વભાવ એક જ કડીમાં અદભુત રીતે ઉજાગર થયો છે. તમામ દાગીનાઓનો ચળકાટ ઝાંખો પડી જાય એ રીતે ગરીબ પતિની પત્નીએ પોતાની સેંથીને શણગારી છે, મતલબ લાખ ગરીબાઈમાં પણ એણે દિલની દોલત, પ્રેમની અસ્ક્યામત સાચવી રાખી છે.

Comments (16)

શબ્દોનું શું કામ ! – જયન્ત પાઠક

શબ્દોનું શું કામ,
અમારે બાવનબા’રો રામ !

માળામણકા જાપ ભજન ધૂનકીર્તન ભક્તિગાન
ઝાંઝપખાવજવાદન નર્તન દર્શનમુખ અભિરામ
ખટપટ ખોટી તમામ
અમારે બાવનબા’રો રામ !

ભીતર-બ્હાર બધે એ એક જ, શૂનશિખર પે ડેરા
અણસમજુને સંતાકૂકડી, લખચોરાશી ફેરા !
ઓચ્છવ આઠે જામ
અમારે રમે મૌનમાં રામ !

– જયન્ત પાઠક

એકબીજા સાથે આસાનીથી પ્રત્યાયન થઈ શકે એ માટે ક્રમશઃ વાણી અને ભાષાની શોધ થઈ પણ શબ્દો અભિવ્યક્તિનું એકમાત્ર ‘લગભગ સંપૂર્ણ’ સાધન હોવા છતાં લાગણીઓને યથાતથ રજૂ કરવામાં એ ભાગ્યે જ સફળ નીવડે છે. સમર્થ કવિ આ વાત સમજે છે એટલે જ કહે છે કે શબ્દો મારે કોઈ કામના નથી કેમકે ઈશ્વર તો બાવન અક્ષરોની બહાર વસે છે, માળામણકા વગેરે તમામ ખોટી ખટપટ છે. એનો વાસ શૂનશિખર પર છે. (શૂન શિખર ગઢ લિયો હૈ મુકામ, યોં કહે દાસ કબીર.) જે આવા ત સમજતા નથી એ ચોર્યાસી લાખ ફેરાની સંતાકૂકડી રમતા રહે છે, બાકી ભીતર બહાર બધે એ એક જ છે એટલું જાણી લો તો આઠે જામ ઉત્સવ જ છે.

‘ગુરૂ બાવન અક્ષર સે બારા’વાળી વાત આપણા સાહિત્યમાં ઘણીવાર જોવા મળે છે. જયન્ત પાઠકની જ અન્ય કવિતામાં એ લખે છે, ‘ઉઘાડ–મીંચમાં બાવનબા’રી બારખડીમાં, લખાયેલું તે ભીતર વાંચું નામ!’ ગંગાસતી ગાય છે: ‘એમ તમે તમારું શીશ ઉતારો પાનબાઈ તો તો રમાડું બાવનની બહાર.’ સતી લોયણ કહી ગયાં: ‘જી રે લાખા અક્ષર બાવન બારૂની જ નામ કહીએ જી.’

Comments (10)

રાત પડી ગઈ – દાદુદાન ગઢવી (કવિ દાદ)

પ્રીતની ઘેલી હાય બિચારી,
.           સૂરજ પાછળ રાત પડી ગઈ,
ઘોડલાવાળો ઘડી ન રોકે,
.           રીસ હૈયાને હાટ ચડી ગઈ.

ઉદયાચળને ઓરડેથી એ,
.           દુખની મારી દોડતી આવે;
ભટકાણી આથમણી ભીંતે,
.           સિંદુ૨ ખર્યાં ને સાંજ પડી ગઈ.

હાર ગળાના હીરલા તૂટ્યા,
.           થોકે થોકે તારલા થઈ ગ્યા;
નંદવાણી સૌભાગ્યની ચૂડી,
.           બીજની ઝીણી ભાત પડી ગઈ.

અંતરનાં દુઃખ નેણલે ઉમટ્યાં,
.           ઊભરાણી આકાશમાં ગંગા,
કાજળ ચારે કોર ફેલાયાં,
.           સ્નેહની ત્યાં સોગાત પડી ગઈ.

નેપુર પગે ઠેસડી જાણે;
.           દેવના દેવળ આરતી વાગી;
સુગંધ ફોરી ધૂપસળી એના–
.           ચિતથી મીઠી વાત પડી ગઈ.

– દાદુદાન ગઢવી (કવિ દાદ)

કવિતાના વિશદ આસ્વાદ માટે અહીં ક્લિક કરો: https://tahuko.com/?p=20646

બે દૃશ્ય જોઈએ:

દૃશ્ય એક. દિવસમાંથી રાત થવાની ઘટનાના આપણે સહુ રોજેરોજના સાક્ષી છે. સૂરજ ડૂબે ને સાંજે આકાશમાં લાલિમા પથરાઈ જાય. થોડીવારમાં રાતની કાલિમા સાંજની લાલિમાનું સ્થાન લઈ લે અને આકાશ તારાઓથી ટમટમી ઊઠે. દૈનંદિન ઘટતી આ ઘટનામાં કંઈ નવીન ખરું?

દૃશ્ય બે. સરસ મજાના સાજ સજેલી સૌભાગ્યવતી સુંદરી પ્રિયતમ પાછળ આંધળી દોટ મૂકે અને નિષ્ફળતાની દીવાલ સાથે ભટકાઈ જાય, પરિણામે એના હાર-બંગડી તૂટી જાય, અથડાવાના કારણે સિંદૂર અને આંસુઓના કારણે કાજળ રેલાઈ જાય, આ દૃશ્ય આપણા માટે કાયમનું નથી પણ વિચારતાં જ આંખ સમક્ષ તરવરી આવે એવું તો ખરું જ. નવીનતા કે કવિતા તો આમાંય નથી.

કવિ દાદ આ બંને દૈનિક અને દુર્લભ ચિત્રોને દૂધમાં પાણીની સહજતાથી જે રીતે એકાકાર કરે છે, એમાં કવિતા અને નવીનતા એ બંનેના ચમત્કારનો સાક્ષાત્કાર આપણને થાય છે. સૌભાગ્યવતી સ્ત્રીના રૂપક વડે કવિએ દિવસમાંથી રાત તરફની ગતિનું અતિ રમણીય દૃશ્યચિત્ર અહીં ઊભું કર્યું છે.

Comments (3)

સાદ કરો ના અમને – ઉષા ઉપાધ્યાય

મૂળથી જઈએ ઉખડી એવો
.                       સાદ કરો ના અમને.

તમે પવનનું રૂપ બાવરું
.                       પળમાં આવી ઘેરો,
અમે ન લાવ્યાં પાંખ અમોને
.                       ફોગટ લાગે ફેરો,
ઊડવાની રઢ જાગે એવો
.                       સાદ કરો ના અમને.

જળના છાંટે જલી જવાનું
.                       પથ્થરને ક્યાં સ્હેલ?
રણ વચ્ચે અટવાતાં પાને
.                       અમથી સઘળી રેલ,
જાચું કરવત-કાશી હરપળ એવો
.                       સાદ કરો ના અમને.

– ઉષા ઉપાધ્યાય

સાદ આવી રહ્યો છે. કોના તરફથી? પ્રિયજન તરફથી કે પરમેશ્વર તરફથી? હશે, પણ આ સાદ જેવોતેવો નથી. અસ્તિત્વને હચમચાવી મેલે એવો આ સાદ છે. આવા સાદનો પ્રતિસાદ શું આપવો એ અવઢવ હોવાથી કથક એ ન આપવા વિનવે છે. પણ કવિતાનો અંડરકરંટ તો આ સાદની તો જાણે યુગયુગોથી પ્રતીક્ષા ન હોય એવો છે!

ગીતના બંને બંધ બહુ સ-રસ થયા છે.

કાશીએ જઈ કરવત મુકાવવી એવી જાણીતી કહેતી છે. અગાઉના વખતમાં કાશીએ જઇને હરિજનને હાથે માથા ઉપર કરવત મુકાવીને મરી જવાથી મોક્ષ મળતો એવી માન્યતા હતી તે ઉપરથી આ કહેવત બનેલ છે. મયૂરધ્વજ નામના રાજાએ કાશીએ જઇને કરવત મુકાવેલ હતી એવી માન્યતા પણ પ્રચલિત છે. કાશીએ જઈને માથે કરવત મૂકાવવાનું પળેપળ મન થાય એવો સાદ અહીં પેલી તરફથી આવી રહ્યો છે.

Comments (6)

(લાગણીનાં દોરડાં) – મેઘબિન્દુ

સંબંધની ગાગરથી પાણી ભરીશું કેમ?
લાગણીનાં દોરડાં ઘસાયાં!
વાતોની વાવનાં ઊતરી પગથિયાં
અમે પાણી પીધું ને ફસાયા!

કેટલીય વાર મારી ડૂબેલી ઇચ્છાને
મીંદડીથી કાઢી છે બા’ર,
ગોબા પડેલી ખાલી ગાગરનો
મને ઊંચકતા લાગે છે ભાર,
નિર્જન આ પંથે સાવ ધીમી ચાલુ
તોયે સ્મરણોનાં નીર છલકાયાં.

અફવાઓ સુણી સુણીને મને રોજરોજ,
પજવે છે ઘરના રે લોકો,
એકલી પડું ત્યારે આંસુંના સથવારે
હૈયાનો બોજ કરું હલકો,
એક પછી એક ગાંઠ વધતી રે જાય
ને લાગણીનાં દોરડાં ટુંકાયાં!

– મેઘબિંદુ

સંબંધ અને સમજણના નામે મોટા ભાગના લોકો પાસે ઉપલક વાતો જ રહી ગઈ છે. મોટાભાગના લોકો વાતોની વાવમાં જ ઊંડા ઊતરીને પાણી પીતાં રહે છે, પરિણામે જીવનના કૂવામાંથી જીવનઅમૃત કાઢવું શક્ય બનતું નથી. કારણ? લાગણીનાં દોરડાં જ ઘસાઈ ગયાં છે. હવે સંબંધની ગાગર કેમ કરીને ભરાશે? મીંદડી એટલે વાવ, કૂવા વગેરેમાં પડેલી વસ્તુ કાઢવાનું આંકડિયાઓવાળું એક સાધન. કવિ કહે છે, એમણે જીવનજળમાં ડૂબી ગયેલ ઇચ્છાઓને અનેકવાર મીંદડીની મદદથી બહાર કાઢવાની કોશિશ કરી છે, પણ વૃથા! સરવાળે સંબંધ તો ખોખલો જ રહ્યો છે, વળી ગોબાઈ પણ ગયો છે. આ ખાલી સંબંધને વેંઢારવું પણ ભારઝલ્લું બની ગયું છે. સાથે હોઈએ તોય સાથ ન વર્તાય અવી નિર્જન પથ પર જૂની મીઠી યાદોના આંસુ છલકાયા વિના રહેતાં નથી. ખાલી ગાગર પણ છલકાય છે ત્યાં છે ખરી કવિતા!

મુખડું અને પ્રથમ બંધ જેટલો ગીતનો બીજો બંધ પ્રભાવક થયો નથી. વળી લોકો સાથે હલકોની પ્રાસસગાઈ પણ પ્રમાણમાં નબળી અનુભવાય છે. પણ છેલ્લી કડી ગીતને અદભુત રીતે કાવ્યશિખરે લઈ જાય છે. ઘસાઈ ગયેલી દોરી તૂટી ન જાય એ માટે ઘસારો હોય ત્યાં-ત્યાં ગાંઠ મારતાં જઈએ છીએ, પરિણામે દોરી સતત ટૂંકી થતી જાય છે. આ વાત લાગણીની ઘસાઈને ક્રમશઃ ટૂંકી થતી જતી દોરી સાથે સાંકળીને કવિએ કમાલ કરી છે.

Comments (8)

(જનમોજનમની આપણી સગાઈ) – મેઘબિંદુ

જનમોજનમની આપણી સગાઈ
હવે શોધે છે સમજણની કેડી,
આપણા અબોલાથી ઝૂર્યા કરે છે
હવે આપણે સજાવેલી મેડી.

બોલાયેલા શબ્દોના સરવાળા-બાદબાકી
કરતું રહ્યું છે આ મન,
પ્રત્યેક વાતમાં સોગંદ લેવા પડે
છે કેવું આ આપણું જીવન;
મંઝિલ દેખાય ને હું ચાલવા લાગું ત્યાં
વિસ્તરતી જાય છે આ કેડી.

રંગીન ફૂલોને મેં ગોઠવી દીધાં છે તેથી
ખીલેલો લાગે આ બાગ,
ટહુકાને માંડ માંડ ગોઠવી શક્યો, પણ
ખરી પડ્યો એનોય રાગ;
ઊડતાં પતંગિયાઓ પૂછે છે ફૂલને !
તારી સુગંધને ક્યાં વેરી?

– મેઘબિંદુ

લંડનના શ્રી વિપુલ કલ્યાણીના ‘ઓપિનિયન’ સામયિકમાં ૧૩-૧૨-૨૦૧૮ના રોજ નંદિની ત્રિવેદીએ આ ગીત સાથે ટાંકેલ પ્રસંગ સાભાર એમના જ શબ્દોમાં જોઈએ:

કવિતાના શબ્દોનું વજન કેવું જબરજસ્ત છે, એની વાત કરતાં આ ગીતનાં ગાયિકા હંસા દવેએ એક ખૂબ સુંદર પ્રસંગ વર્ણવ્યો હતો. પુરુષોત્તમ ઉપાધ્યાય અને હંસા દવે અમેરિકાની ટૂર પર હતાં અને ત્યાંના ડલાસ શહેરમાં એમનો કાર્યક્રમ હતો. હંસાબહેને આ ગીત શરૂ કર્યું. કાર્યક્રમ પૂરો થયો. ઓડિયન્સમાં એક પ્રોફેસર દંપતી બેઠું હતું. આંખમાં ઝળઝળિયાં સાથે બન્ને સ્ટેજ ઉપર આવ્યાં અને અમને કહ્યું, “અમારી વચ્ચે આઠ વર્ષથી અબોલા હતાં. બાળકોને ખાતર એક જ છત નીચે, એક જ ઘરમાં રહેવા છતાં અમે અલગ હતાં, પણ આ તમારાં ગીતની અમારા પર એવી અસર થઈ છે કે આજથી અમે સાથે મળીને સરસ રીતે જીવવાની કોશિશ કરીશું.” આનાથી મોટો પુરસ્કાર બીજો કયો હોઈ શકે? આશ્ચર્યજનક વાત તો હવે આવે છે. દસ વર્ષ બાદ અમદાવાદના ટાઉનહોલમાં અમારો કાર્યક્રમ હતો. પુરુષોત્તમભાઈએ આ પ્રસંગનો ઉલ્લેખ કર્યો. તમે માનશો? અમારા આશ્ચર્ય વચ્ચે એક બહેન ઊભાં થયાં અને એમણે કહ્યું કે એ હું જ એ વ્યક્તિ છું. અમેરિકાથી થોડા સમય માટે અમે અહીં અમદાવાદ આવ્યાં છીએ અને છેલ્લાં ૧૦ વર્ષથી સુંદર સહજીવન ગાળી રહ્યાં છીએ. કવિના શબ્દોની આ જ તો કમાલ છે! ધારદાર કવિતા કેટકેટલાંનું જીવન બદલી શકે છે.

Comments (9)

સલીમ મામુ ઔર ઉસકી ડૂબકી કા ગીત – વિરલ શુક્લ

સિક્કા મેં રહેતા થા મામુ સલીમ એક નમ્ભરજી ડૂબકી વો મારતા…
મોતી ફોતી તો ઉસે મલતે ન કાંઈ પર ડૂબકી કા ઇલમ વો જાણતા…

અસલમ જીલાણી તો કહેતા થા ન્યા લગ કે સિક્કા મેં મોતી ક્યાં થાતે!
મામુ કો જાદુ સે બાંધના હૈ દરિયે કુ, એટલે આ ડૂબકી લગાતે!
વૈસે તો અસલમ ગપોડી હૈ સાલા પર લગતી થી સાચી યે વારતા…

મામદ ફકીરે ભી કીધા થા કિસ્સા જબ મામુ કો મલ્યા તા મોતી;
ગંગાસતી ને જીસે વીંધા થા ઉસકો હી મામુને લીધા તા ગોતી.
મામદેય વૈસે તો ગંજેરી માણા પણ મામુ કી તાકત વો માનતા….

અસલી મેં દરિયે કો આદત થી મામુ કી, મામુ કો દરિયાથી પ્યાર થા.
મોતી તો આંખુ કે ખીચ્ચેમેં પયડે થે, દરિયા હી મામુ કા યાર થા.
એક એક ડૂબકી મેં દરિયે કે અંદર વો અણમૂલે મોતી પધરાવતા…

સિક્કા મેં રહેતા થા મામુ સલીમ એક નમ્ભરજી ડૂબકી વો મારતા…
મોતી ફોતી તો ઉસે મલતે ન કાંઈ પર ડૂબકી કા ઇલમ વો જાણતા…

– વિરલ શુક્લ

ગીત વાંચવા-સમજવાનું તો પછી થાય, સૌપ્રથમ તો આપણને ગીતની બોલી જડબેસલાક પકડી લે છે… આવી કેવી ગુજરાતી! કચ્છી-સિંધી-હિંદી-ઉર્દૂ મિશ્રિત ગુજરાતી ભાષાનું આ કૉકટેલ વાંચતાવેંત નશો થઈ જાય એવું છે. જે સિક્કા શબ્દથી ગીતનો ઉપાડ થાય છે, એ સિક્કા જામનગર જિલ્લામાં દરિયાકાંઠે આવેલ છે, જ્યાં વસતા મુસલમાન વાઘેરો આવી બોલી બોલે છે, જેને કવિએ અહીં યથાર્થ ઝીલી બતાવી છે.

સિક્કા ગામમાં રહેતો સલીમ મામુને મોતી ભલે ન મળે, પણ ગોતાખોરીની બધી તરકીબોથી વાકેફ એક નંબરનો ડૂબકીમાર હતો. અસલમ ગપોડી કહેતો કે સિકકામાં મોતી થતાં જ નથી, પણ આ તો મામુને જાદુથી દરિયો બાંધવો છે એટલે એ ડૂબકી લગાવે છે. ગંજેરી મામદ ફકીરના કહેવા મુજબ સલીમને ગંગાસતીએ જેને વીંધ્યું હતું એવાં જ મોતી મળ્યાં હતાં. ગંજેરી માણસની વાતનો જો કે ખાસ ભરોસો ન થાય. કાવ્યાંતે કવિ પોતે જ પર્દાફાશ કરતાં કહે છે કે દરિયાને મામુની અને મામુને દરિયાની આદત હતી અને મામુની આંખના આંસુ જ સાચાં મોતી હતાં, જે ડૂબકીએ ડૂબકીએ એ દરિયાને અર્પતો હતો.

આમ જુઓ તો એક સીધુંસાદું કથાકાવ્ય છે આ. પણ વિશિષ્ટ બોલી અને આંખોના ખિસ્સામાં પડેલાં મોતી જેવા વિશિષ્ટ કલ્પન, ગંજેરી-ગપોડી જેવા એક શબ્દના વિશેષણોથી ગામડાને જીવતં કરવાની કવિની સર્ગશક્તિના કારણે એ નખશિખ મનનીય થયું છે…

Comments (17)

સખી! પરણ્યાને હળવે જગાડું…- હરિહર જોષી

સખી ! પરણ્યાને હળવે જગાડું !

વહેલી સવારનું સપનું મમળાવતી
હું ખુદના પડછાયામાં ભળતી
વીતેલી રાત મારી આંખ્યુંમાં કોણ જાણે
ઘી ને કપૂર જેમ બળતી
હવે અધમણ રૂની બાળી દિવેટ એના અજવાસે આભલાં લગાડું
સખી ! પરણ્યાને હળવે જગાડું !

મેડી છોડીને ચાંદ ચાલ્યો ઉતાવળો
એ પલકારે વહી ગઈ રાત.
કહેતાં કહેતાંમાં પ્હો ફાટ્યું ને
સાવ મારી કહેવાની રહી ગઈ વાત !
એવું થાતું કે પે…લા બુઝાતા ચાંદને ઝાલરની જેમ રે ! વગાડું
સખી ! પરણ્યાને હળવે જગાડું !

પીપળા સન્મુખ જઈ ઊભી રહું તો
મારી માનેલી માનતાઓ ફળતી
એવી શ્રદ્ધાથી નિત મસ્તક નચાવી
હું મીઠા ઉજાગરાને દળતી
મને ચીડવતું ગામ કહીઃ ‘ભાંગ્યું ભરૂચ તો કોઈ કહે ભાંગ્યું રજવાડું ! ‘
સખી ! પરણ્યાને હળવે જગાડું !

– હરિહર જોષી

 

મધુરું મજાનું ગીત….

Comments (1)

હોમવર્કનો કાંટો – કિરીટ ગોસ્વામી

આ બાજુ છે એબીસીડી,
આ બાજુ છે કક્કો…
વચ્ચે બેઠો મૂંઝાતો,
આ નાનકડો એક ચક્કો!

ચક્કાભાઈનું મન તો જાણે
પતંગિયું રૂપાળું…
નાનું-નાનું, રંગબેરંગી,
સુંવાળું-સુંવાળું…
હમણાં ઊડું, હમણાં ઊડું
એવું એને થાય.……
ઊડવાની બસ વાત માત્રથી
એ તો બહુ હરખાય…
ત્યાં જ ચોપડા ખડકી,
પપ્પા કરતા, હક્કો-બક્કો!
તેથી બેઠો મૂંઝાતો
આ નાનકડો એક ચક્કો!

ચોપડીઓની સાથે પાછી
આવી ઢગલો નોટ…
પતંગિયું મટીને થાશે
મન એનું રોબોટ…
હોમવર્કનો કાંટો
એની પાંખોમાં ભોંકાય…
પપ્પા કાઢે આંખો,
તેથી કશુંય ક્યાં બોલાય?
‘ચોપડીઓ સારી કે ઊડવું?’
ખંજવાળે એ ટક્કો!
મનમાં-મનમાં, ખૂબ મૂંઝાતો
નાનકડો આ ચક્કો!

– કિરીટ ગોસ્વામી

મસ્ત મજાનું બાળગીત આજે માણીએ. શરૂઆત વાંચીને એમ લાગે કે કવિ કદાચ ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ વચ્ચે પીસાતા બાળકની તકલીફોની વાત કરશે પણ ગીત માધ્યમની માથાકૂટના બદલે ભણતરના ભાર પર ઝોક આપે છે. જે હોય તે, આબાલવૃદ્ધ સહુને મોટા અવાજે લલકારવું ગમે એવું ગીત… કહેવા માટે તો બાળગીત છે, પણ પુખ્ત કવિતાની જેમ બાળવેદનાને પણ સમુચિત ન્યય આપી શક્યું છે એનો સવિશેષ આનંદ.

Comments (4)

એક્સ-રે તું પાડ….- મુકેશ જોષી

સ્મરણોનો લેપ છતાં દુ:ખે છે હાડ
ક્યાંક લાગે છે અંદર તિરાડ
તો પાડ,
મારી ગમગીનીનો હવે એક્સ-રે તું પાડ

સોળે શણગારે સજાવીને મોકલી,
શુકનમાં આપ્યું’તું દહીં
પાછી ફરી તો સાંજ સાવ રે ઉદાસ
એના અંગ ઉપર આભૂષણ નહીં
આંખમાંથી પંખીઓ ઊડ્યાં
જ્યાં અથડાયાં ધ્રાસકાનાં કમાડ

તો પાડ… મારી ગમગીનીનો હવે એક્સ-રે તું પાડ

ફૂલોની ટોપલીમાં સપનાંઓ લાવનાર
રાતનીયે આંખો ઉદાસ
મારે માટે જ સ્મિત લાવનાર દિવસોને
પોતાને ચાલે અમાસ
ખડખડાટ નામનું ગામ મેં વસાવ્યું ને
આંસુએ પાડી જ્યાં ધાડ

તો પાડ… મારી ગમગીનીનો હવે એક્સ-રે તું પાડ

– મુકેશ જોષી

અંદરની તિરાડો પૂરતી નથી……પહોળી અને ઊંડી થતી જાય છે…..

” જો તાર સે નીકલી હૈ વોહ ધૂન સબને સૂની હૈ…….જો તાર પે ગુઝરી હૈ વોહ કિસ દિલ કો પતા હૈ…? “

Comments (7)

દૂર દૂર જાય છે – મયૂર કોલડિયા

દ્વાર ખૂલ્યાં ને અંધારાં થાય છે,
કોઈ મારાથી દૂર દૂર જાય છે.

લાગણીનો તાર જરા તૂટ્યો કે
શબ્દોના મોતી વેરાઈ ગયાં ધૂળમાં,
ઝાંઝરીનાં ઝણઝણની ઝીણી એક શૂળ
છેક પેસી ગઈ જીવતરનાં મૂળમાં.
હવે ખાલીપો ખોળિયાને ખાય છે,
કોઈ મારાથી દૂર દૂર જાય છે.

અંદર હું ક્યાંય નહીં, બહારે હું ક્યાંય નહીં,
હોવાપણું તો હવે વહેમ છે
લાગણી તો જાણે કે મચ્છુનાં પાણી
ને પોપચાંઓ તૂટેલો ડેમ છે
હવે આંખોના દરિયા છલકાય છે,
કોઈ મારાથી દૂર દૂર જાય છે.

– મયૂર કોલડિયા

સામાન્યરીતે દરવાજા ખૂલે તો અજવાળું ઘરમાં આવે પણ અહીં વિપરીત બીના બની છે. દ્વાર ખૂલ્યાં અને અંધારું થયું. કેમ? તો કે ‘કોઈ’ કથકથી દૂર દૂર જઈ રહ્યુ છે… સંબંધના ઘરના દરવાજા ઉઘાડીને કોઈ ચાલી જઈ રહ્યું હોવાથી જીવતરમાં કાલિમા પથરાઈ રહી હોવાનું અનુભવાય છે. સમસ્યા શી થઈ? તો કે લાગણીનો તાર જરી તૂટ્યો અને બોલાચાલી થઈ… કિંમતી શબ્દો વેડફાયા. જે ઝાંઝરીની ઝણઝણનું સંગીત ઘર આખાને ચહેકતું રાખતી હતી, એ શૂળ બનીને જીવતરના મૂળમાં પેસી ગઈ છે. મચ્છુ ડેમ તૂટતાં મોરબી જેમ ધમરોળાયું હતું એમ જ નિર્બંધ આંસુઓના દરિયામાં નાયિકા ગરકાવ થઈ ગઈ છે…

Comments (18)

મેં એક અચંબો દીઠો – સુન્દરમ્

મેં એક અચંબો દીઠો,
દીઠો મેં ઘર ઘર કૃષ્ણ કનૈયો,
હૃદય હૃદય મેં રાધા દીઠી,
હું બન્યો મુગ્ધ નરસૈંયો

મેં વન વન વૃંદાવન દીઠાં,
મેં તરુ તરુ દીઠી વૃંદા,
મેં પર્ણ પર્ણમાં વૃંદા કેરાં
દીઠાં નંદ જશોદા. મેં એક 0

મેં નદી નદીમાં દીઠી યમુના,
મેં દ્રુહ દ્રુહ દીઠો કાલિ,
મેં પળપળ દીઠી કાલિ દહંતી
કાલી મહાકરાળી. મેં એક 0

મેં નયન નયનમાં ઉદ્ધવ દીઠા,
શયન શયન હરિ પોઢ્યા,
મેં અખિલ વ્યોમ પયસાગર દીઠો,
મેં અંગ અંગ હરિ ઓઢ્યા. મેં એક 0

– સુન્દરમ્

માણસ પ્રેમમાં હોય ત્યારે એને પ્રિયજન સિવાય કશું નજરે ચડતું નથી. ને તેમાંય આ તો કૃષ્ણપ્રેમ. એટલે કવિને જ્યાં જુએ ત્યાં ‘જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં આપની’ના ન્યાયે માત્ર શ્રીકૃષ્ણ અને એમનો સંસાર જ નજરે ચડે છે. જો કે વાતની શરૂઆત કવિ અલગ રીતે કરે છે. એ કહે છે કે મેં એક અચંબો દીઠો. દીઠો? અચંબો તો થાય… પણ કૃષ્ણ તો સાક્ષાત્ અચંબો છે એટલે કવિ અમૂર્તને પણ ચાક્ષુષ કરી કાવ્યારંભ કરે છે. ઘરઘરમાં એમને કનૈયો દેખાય છે અને હૃદય હૃદયમાં રાધા. વન વૃંદાવન બની ગયાં છે અને તુલસીના પાંદડે-પાંદડે નંદ-જશોદા દેખાય છે. દરેક નદી યમુના લાગે છે અને દરેકમાં ક્રુદ્ધ કાલિનાગ દેખાય છે. જો કે કાલિદહન મહાકરાળી કાળી કરે છે એ વાત કવિએ માત્ર પ્રાસ બેસાડવા ઉમેરી હોવાનું અનુભવાય છે.

Comments (6)

હિમલી રાત્યું – પારુલ ખખ્ખર

હાથ પડે જ્યાં જળમાં ત્યાં તો આંગળી ખીલો થાય રે
એવી હિમલી રાત્યું…
કાગળ માથે ચીતરેલી કાંઈ નદિયું થીજી જાય રે
એવી હિમલી રાત્યું…

દાંત વગાડે ડાકલી, નાચે દાઢડી, નાચે ચામડી, નાચે ક્રોડ રુંવાડાં,
પંડયમાં પેસી ટાઢનો ભોરિંગ ફેણ ચડાવી નાંખતો અંગેઅંગ ફૂંફાડા!
આભલું હેઠે ઊતરી ઓલ્યા તાપણાના ગુણ ગાય રે
એવી હિમલી રાત્યું…
કાગળ માથે ચીતરેલી કાંઈ નદિયું થીજી જાય રે
એવી હિમલી રાત્યું…

દન ઊગે ને સુરજડાડો આળસ ખાતો, બીડિયું પીતો, કાઢે ગોટેગોટ ધુંવાડા,
વાયરો વેરી વેગથી આવી, બાથમાં ઝાલી, જોર દેખાડી લેતો રોજેરોજ ઉપાડા!
ઠાર પીધેલા તારલા આવી આગિયા વીણી ખાય રે
એવી હિમલી રાત્યું…
કાગળ માથે ચીતરેલી કાંઈ નદિયું થીજી જાય રે
એવી હિમલી રાત્યું…

હારની બીકે કોડિયું ફેંકી, દાવ ઉલાળી, ઘરભેળા થઈ જાય રે બીકણ-બાયલા દા’ડા,
અંધારા ચોપાટ રમે ને એકલપંડે મોજથી જીતી જાય કરીને લાખ કબાડા!
ચાંદલિયાને ઘોડિયે નાંખી ઘેનની ગોળી પાય રે
એવી હિમલી રાત્યું…
કાગળ માથે ચીતરેલી કાંઈ નદિયું થીજી જાય
રે એવી હિમલી રાત્યું…

– પારુલ ખખ્ખર

કવયિત્રીના ‘કરિયાવરમાં કાગળ’ ગીતસંગ્રહનું લયસ્તરોના આંગણે થોડું મોડેથી પણ સહૃદય સ્વાગત!

કાતિલ શિયાળાની જાનલેવા ઠંડી રાતનું આ ગીત વાંચીએ ત્યારે શિયાળો ન હોવા છતાં ઠંડી અનુભવાવા માંડે એવું સચોટ લયબદ્ધ કાવ્ય કવયિત્રીએ સિદ્ધ કર્યું છે. ઠંડાગાર પાણીમાં હાથ નાંખતાવેંત આંગળી ખીલા જેવી થઈ જાય એ અનુભવ તો સામાન્ય છે, પણ કાગળ પર ચીતરેલી નદીઓ પણ થીજી જાય એ અતિશયોક્તિ અલંકાર અનુભૂતિના સ્તરને એક પગથિયું ઊંચે આણે છે.

કકડતી ઠંડીનો અનુભવ કેવો ચાક્ષુષ થયો છે એ જુઓ! દાંત કકડે, ચામડી થથરે, રૂંવાડાં ઊભાં થઈ જાય, અને આકાશને પણ નીચે આવીને તાપણે બેસવાનું મન થાય એનું નામ જ ખરી ઠંડી. શિયાળાની સવારે મોઢામાંથી ધુમાડા નીકળે એ હકીકતને જોવા માટેના કવયિત્રીનાં તો ચશ્માં જ અલગ છે. એ કહે છે, દિવસ ઊગતાવેંત સૂરજદાદો (ડાડો!) આળસ ખાતો, બીડીઓ પીએ છે અને ધુમાડાના ગોટેગોટા કાઢે છે. આખુંય ગીત આ રીતે અનૂઠા કલ્પનના અને પ્રવાહી લયના જોરે ઊંચકાયું છે. સરવાળે, ગરમાટો આવી જાય એવી હૂંફાળી અનુભૂતિ!

Comments (18)

ચિતરેલું ફૂલ એક… – વિનોદ જોશી

ચિતરેલું ફૂલ એક ચૂંટવામાં જીવતર આ ઝાડવે ભરાઈ જાય જેમ…
.               સીધી લીટીનો એક પંડિત ફસાઈ ગયો વર્તુળના છેડામાં એમ…

પોથી કાતરવામાં પાવરધો એક હતો અણદીઠો ઉંદરડો ધ્યાનમાં,
વાયકા તો એવી કે રહેતો ચુપચાપ એના જમણેથી છેલ્લા મકાનમાં;

પંક્તિનો પ્રાસ થાય ઊભો એ પહેલાં તો લયમાં લપટાઈ જાય જેમ…
.               સીધી લીટીનો એક પંડિત ફસાઈ ગયો વર્તુળના છેડામાં એમ…

ચપટીભર ચાવળાઈ મુઠ્ઠીભર માન અને અંચઈનો આસપાસ અંચળો,
આટલાથી ચાલવાની પાક્કી દુકાન તોય ઉટકતો એંઠાં કમંડળો!

ચોરસની વ્યાખ્યાને ગોળ ગોળ સમજાવી ભીની સંકેલવાની જેમ…
.               સીધી લીટીનો એક પંડિત ફસાઈ ગયો વર્તુળના છેડામાં એમ…

– વિનોદ જોશી

ગુલાબ તો ગુલાબ જ હોય છે. પણ તોય કોઈ બે ગુલાબ એકસરખાં હોય ખરાં? દરેક ગુલાબનું પોતાનું મૌલિક સૌંદર્ય અને દરેકની પોતીકી ખુશબૂ. કમનસીબે સાહિત્યના બાગમાં ખીલતાં ફૂલોમાં અનુકરણ, અનુરણન અને સૂંઠના ગાંગડે ગાંધી થવાની ભાવના વધુ જોવા મળે છે. બીજાએ ચિતરેલું ફૂલ ચૂંટવાની કોશિશ કરીએ તો ફૂલ તો હાથ નહીં જ આવે, જીવતર ઝાડવામાં ભરાઈ જશે. સીધી લીટીમાં ચાલવા સિવાય અવર આવડત ન હોય એવો માણસ વર્તુળમાં ફસાઈ ન જાય તો શું થાય? પોથી કાતરવામાં પાવરધા બની ગયેલ ઉંદરડા લોકોની નજર ન પડે એમ છૂપાઈ છૂપાઈને લીલા કરતા રહે છે. આજે તો સૉશ્યલ મીડિયાના અતિરેકના જમાનામાં માણસ ચપટીક દોઢડાહ્યો હોય, મુઠ્ઠીભર માન પામ્યો હોય અને લુચ્ચાઈનો અંચળો પહેરીને બેઠો હોય એટલામાં સાહિત્યની દુકાન ધમધોકાર ચાલવાની ગેરંટી હોવા છતાં લોભને થોભ ન હોયના ન્યાયે એંઠાં કમંડળો ઉટકવાંનું- અન્યોએ લખેલામાંથી ઊઠાંતરી કરવાનું ચૂકતો નથી. અને પછી પોતાની કવિતા વિશે મભમ વાતો કરીને પાંડિત્ય પ્રદર્શન વડે સૌને ચૂપ કરી દેવાના… કેવો ચમચમતો ચાબખો! ગોળ ગોળનો શ્લેષ પણ ગીતના અંતને મજાનો વળ ચડાવી આપે છે…

 

Comments (4)

રેતીને છંછેડનાર મૂરખનું ગીત – રમેશ પારેખ

મને રેતીમાં આંગળીઓ ફેરવતો જોઈને તું હસતી એ જોઈને હું હસતો.

ત્યારે શું એવું તું જાણતી કે આમ કોઈ રેતીને ભીંજવવી વ્યર્થ છે?
અથવા તો દરિયાના પાણીથી સાવ ભિન્ન રેતીને પોતાનો અર્થ છે?
અર્થો બદલાવવાની જીવલેણ ખાઈમાં તું ધસતી એ જોઈને હું હસતો.

તેં એવા પતંગિયાની સાંભળી છે વારતા જે ફૂલને સૂંઘે તો મરી જાતું?
તેમ છતાં તારાથી કોઈ ફૂલ ચૂંટવાનું દુસ્સાહસ કઈ રીતે થાતું?
ફૂલને પતંગિયાના રેબઝેબ ભાવથી તું શ્વસતી એ જોઈને હું હસતો.

ત્યારે તું જાણતી કે રેતીને સ્હેજે છંછેડીએ તો કેવું એ ડંખતી?
માધવ રામાનુજના ગીતમાં છે એવું…(હોઉં પાસે છતાં તું મને ઝંખતી).
રેતીમાં પાણીનાં ટીપાની જેમ તું કણસતી એ જોઈને હું હસતો

સ્હેજહાજ એટલો જ સાંભરે છે આપણને હવે પેલો આપણો અતીત,
રેતીમાં રેતી છંછેડનાર મૂરખનું આપણે જ લખતાં’તાં ગીત,
રેતીએ ગોઠવેલ ફાંસામાં આંગળીઓ ફસતી એ જોઈને હું હસતો

મને રેતીમાં આંગળીઓ ફેરવતો જોઈને તું હસતી એ જોઈને હું હસતો.

– રમેશ પારેખ

વ્યાસોચ્છિષ્ઠમ જગદસર્વમ – ની જેમ ર.પા. એ કશું બાકી જ નથી રાખ્યું !!! પ્રયોગાત્મક હોય કે પરંપરાગત – બધું જ તેમની કલમ ઉત્કૃષ્ટતા સાથે ખેડી ચૂકી છે.નિરર્થક વલખાંને કેવી ખૂબીભર્યાં અંદાજે કંડાર્યા છે ! સમય સમયની વાત છે….. કોઈ ગૂઢાર્થ શોધ્યા વગર માત્ર ગીતમાં ભાષાની તેમજ અભિવ્યક્તિની સુંદરતા જુઓ !!! ગુલઝારસાહેબની યાદ આવી જાય….

Comments (2)