જગતના દુઃખથી ત્રાસ્યા હો તો રાખો દુઃખ મહોબ્બતનું,
એ એવું દર્દ છે જે સર્વ દર્દોને મટાડે છે.
બરકત વિરાણી ‘બેફામ’

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for જગદીપ ઉપાધ્યાય

જગદીપ ઉપાધ્યાય શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




‘અજવાળું કોણ તને કે’ત?!’ – જગદીપ ઉપાધ્યાય

‘ભાગ એય અંધારા!’ એમ કહી આમ મને કાઢ નહીં આવતાની વેંત!
એ તો કે’, ‘હોત નહીં હું, મૂઆ અજવાળા! અજવાળું કોણ તને કે’ત?!’

કાગળ સફેદને શું ધોઈ પીત?! હોત નહીં કાળા તે રંગ તણી સ્યાહી,
ડાઘ ધોળી ચાદરમાં લાગે પણ લાગે નૈ કાળી તે કામળીની માંહી!
પૂનમને આભ મહીં મારા વિણ આવકારો ભોજિયો ન ભાઈ કોઈ દેત!

ટપકું મા મેશ તણું કરતી’તી કે નજરું લાગે ના છૈયાને ગોરા,
આખીયે દુનિયાની તરસ્યું છીપાવશે શું? -વાદળાં રૂપાળાં ને કોરાં?
રૂપ-રંગ, વાન નથી જોતો ભગવાન, ઈ તો ઓળખે છે અંતરનાં હેત!

– જગદીપ ઉપાધ્યાય

ગીતોની ભરીભાદરી બજારમાં બધાથી સાવ જ અલગ તરી આવતું મજાનું તાજગીસભર ગીત. ઉઠાવ જ કેવો સરસ છે! અજવાળું આવતાવેંત અંધારાને ગાયબ થઈ જવું પડે છે એવી સાવ નાનકડી વૈજ્ઞાનિક હકીકતને કવિ સજીવારોપણ અલંકાર વડે કેવો નોખો અક્ષરદેહ આપ્યો છે! અંધારું અજવાળા સામે જે દલીલો કરે છે, એ વાંચતા દયારામની ગરબી યાદ આવી જાય જેમાં કવિએ શ્યામ રંગનો મહિમા કર્યો છે. અહીં પણ કવિ અંધારાનો મહિમા કરે છે પણ નવા જમાનાનું ગીત છે એટલે અભિવ્યક્તિ પણ નવીન છે. વાત પણ સાચી છે. અજવાળાની ઓળખ અંધારાના કારણે જ તો છે. કાગળ ગમે એટલો ઊજળો કેમ ન હોય, પણ કાળી શાહીથી એના પર અંકાતા અક્ષરો વિના એનું મૂલ્ય શું? ધોળી ચાદરમાં ડાઘ પડવો શક્યો છે પણ કાળી કામળી ડાઘપ્રુફ છે. આકશમાં કાળાશ જ ન હોય તો પૂનમનું સૌંદર્ય ઊઘડી જ ના શકે. કાળું ટપકું બૂરી નજરોથી બચાવીને રાખે છે. આકાશમાં બહુ સુંદર દેખાતાં સફેદ રૂની પૂણી જેવા વાદળો શું કામના? એ કદી વરસાદ આપી શકતાં નથી… અંતરનું હેત એ જ સાચો રંગ છે એમ કહીને અંધારાની તર્કબદ્ધ દલીલોને કવિ કવિતાની કક્ષાએ લઈ આણે છે…

Comments (4)

આધુનિક યક્ષ પ્રશ્નોત્તર – જગદીપ ઉપાધ્યાય

આશ્ચર્ય વિશે યક્ષ યુધિષ્ઠિરને બદલે રહ્યો જગદીપને પ્રશ્નો કરી; આશ્ચર્ય ત્યારે થાય છે!
જગદીપ આપે છે વળી ઉત્તર: સમય જેનો ગયો છે સર્વ આશ્ચર્યો હરી; આશ્ચર્ય ત્યારે થાય છે!

પૂછી રહ્યો મસ્તિષ્કના ખંજવાળતાં એ વાળ કે સંબંધ બારામાં થતું આશ્ચર્ય ક્યારે આપને?
ના વાળ ખરતાં એટલી સહેલાઈથી હે યક્ષ! સંબંધો જતા જ્યારે ખરી; આશ્ચર્ય ત્યારે થાય છે!

ભયથીય મોટા ભય વિષે એકાદ આપો દાખલો જગદીપા કે આશ્ચર્ય જ્યારે થાય છે એ ભય વિષે!
હે યક્ષ! સાંભળ, શત્રુને પડકારતો માણસ અહીંયા મિત્રથી જાતો ડરી; આશ્ચર્ય ત્યારે થાય છે!

છે પ્રશ્ન હે જગદીપ! કે માણસ તણું ઐશ્વર્ય શું છે? થાય છે આશ્ચર્ય ક્યારે માનુષી ઐશ્વર્યનું?
ઐશ્વર્ય માણસનું ખરું છે લાગણી; માણસ જીવે ને લાગણી જાતી મરી; આશ્ચર્ય ત્યારે થાય છે!

જગદીપ! સોફાસેટ, આ ભીની હવા, આ એરકન્ડિશન્ડ;આ સુખચેન પર આશ્ચર્ય ક્યારે થાય છે?
હે યક્ષ! આ આરામનાં સૌ સાધનો વચ્ચેય તે આરામ ના મળતો જરી: આશ્ચર્ય ત્યારે થાય છે!

– જગદીપ ઉપાધ્યાય

કવિતાને વિષયનો છોછ નથી. મહાભારતમાં ભાઈઓને મૃત્યુના અંકમાંથી બચાવવા માટે યુધિષ્ઠિર યક્ષના પ્રશ્નોના જવાબ આપે છે, એ સવાલો યક્ષપ્રશ્નો તરીકે મશહૂર છે. કવિ જગદીપ યક્ષ અને પોતાની વચ્ચે સંવાદ-સ્વરૂપે આ પ્રશ્નોને આધુનિક સ્પર્શ આપીને રજૂ કરે છે. લાંબી બહેરની આ ગઝલ સાદ્યંત  આસ્વાદ્ય થઈ છે. ભાષાકર્મ વધુ પ્રવાહી થયું હોત તો સોનામાં સુગંધ ભળત.

Comments (2)

ઈજન – જગદીપ ઉપાધ્યાય

બે કાંઠે છલકાતી આંખો ભરપૂર, વહે નસનસમાં પૂર, આવ ડૂબીએ,
ડૂબવાની મોસમ છે ફાટે છે ઉર, નથી ડૂબવાનું દૂર, આવ ડૂબીએ.

લીલા ટહુકાની સંગ લઈએ હિલ્લોળ, આજ બહાના ના ખોળ, આવ ડૂબીએ,
નીતરતાં ફૂલોની ઊડે છે છોળ, એમાં થઈએ તરબોળ, આવ ડૂબીએ

જીવનમાં મોતી ના કોઈ મળે દામ, ન’તો છીપલાં કે નામ, આવ ડૂબીએ,
કારણ વિણ ડૂબ્યા એ પામ્યા છે રામ, તો એમ જ ને આમ, આવ ડૂબીએ

મિથ્યા શું તર્કો, સંશય ને વિવાદ, શું જૂઠી ફરિયાદ, આવ ડૂબીએ,
પ્રેમ તણો મહેરામણ પાડે છે સાદ, મેલી જગના સૌ વાદ, આવ ડૂબીએ.

તું ધાર મને જળ, તને ધારું તળાવ, બની ભીનો બનાવ, આવ ડૂબીએ,
જીવવાનો અર્થ ક્યાંક ડૂબવું ઘટાવ, તજી કોરો અભાવ, આવ ડૂબીએ.

– જગદીપ ઉપાધ્યાય

મજાનું લયાન્વિત ગીત… દરેક બંધની પોતાની એક અલગ જ મજા છે પણ છેલ્લો બંધ શિરમોર…

Comments (3)

આંસુ – જગદીપ ઉપાધ્યાય

શસ્ત્ર સમી બળકટતા આંસુ
લાવા રૂપ પ્રબળતા આંસુ.

સુખોથી ઉબાતા મનની
દૂર કરે નીરસતા આંસુ.

માણસ માતર જાણે પર્વત
ઝરણાની ચંચળતા આંસુ.

પાષાણી ચહેરા ભીતરની
ખૂલેલી પોકળતા આંસુ.

સરનામું ના એનું પૂછો !
ઊંડી એક અકળતા આંસુ.

ફૂલો કોમળતા ડાળીની
માણસની કોમળતા આંસુ.

આંસુ ઊર્મિનો તરજૂમો
અંતરની નિકટતા આંસુ.

– જગદીપ ઉપાધ્યાય

આમ તો આખી ગઝલ સરસ થઈ છે પણ કોમળતાવાળો શેર સમરકંદો-બુખારા ઓવારી દેવાનું મન થાય એવો થયો છે.

Comments (4)

ગઝલ – જગદીપ ઉપાધ્યાય

વસંતો તણા દિવસોમાં કદી આપણે છોડી મળતા ગુલાબોની વચ્ચે,
ગયો એ જમાનો ! થતી ક્યાં હવે તો કદીયે મુલાકાત ખ્વાબોની વચ્ચે !

નથી હાસ્ય તારા અધર પર અસલ એ, નથી આંસુઓ આંખ વચ્ચે ખરા એ,
ગયું આવડી જીવવાનું મને પણ છુપાવી સંબંધો નકાબોની વચ્ચે !

ગયો આજ ભૂલી જગા એ જ્યાં મળતા, થતું; કાલ ભૂલી તને પણ જવાનો,
ગઈ પસ્તીમાં એ કિતાબો; ખતો કે ફૂલો રાખતા જે કિતાબોની વચ્ચે !

પળો કોઈ વેળા ફરી સાંજની એ અકળ મૌન થઈને અહીંયા વહે છે,
નથી મેં કર્યાં એ સવાલોની વચ્ચે, નથી તેં દીધા એ જવાબોની વચ્ચે.

મજાઓની મારી કથા એમ છે કે ભરું ખાલીપો મિજલસોમાં જઈ હું,
મળ્યાં છે ખબર કે નથી તુંય સુખી કનક, મોતીઓ, કિનખાબોની વચ્ચે.

– જગદીપ ઉપાધ્યાય

લાંબી બહેરની ગઝલો ટૂંકીટચ રદીફ સાથે આલેખવી હંમેશા અઘરું બની રહે છે પણ અહીં લગાગાના આઠ ધ્વન્યાત્મક આવર્તનોથી નિપજતી લયબદ્ધ સુરાવલિઓની આડે પણ કવિ સરસ કવિકર્મ કરી શક્યા છે અને સરવાળે આપણને એક આસ્વાદ્ય ગઝલ મળી છે.  આખી ગઝલમાં ક્યાંય ભારીખમ્મ વાતો નથી કે નથી જોડણીકોશોમાં સંતાઈ રહેલા કલ્પનો… આખી ગઝલ બોલચાલની ભાષાના શબ્દો અને રોજબરોજના પ્રતીકોની મદદથી જ લખાઈ છે પણ બધા જ શેર સોંસરવા ઉતરી જાય એવા સરસ થયા છે…

Comments (7)