એવું નથી કે એ છે પગનો જ માત્ર અનુભવ,
સંકડાશ જ્યાં જ્યાં પહેરો, ત્યાં ત્યાં પડે છે આંટણ.
વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for યાદગાર ગીત

યાદગાર ગીત શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

'લયસ્તરો'ની સફરને આજે પાંચ વર્ષ પૂરાં થયાં...
યાદગાર ગીતો :૦૧: ગુણવંતી ગુજરાત - અરદેશર ખબરદાર
યાદગાર ગીતો :૦૨: એક જ દે ચિનગારી - હરિહર ભટ્ટ
યાદગાર ગીતો :૦૩: જીવન અંજલિ થાજો - કરસનદાસ માણેક
યાદગાર ગીતો :૦૪: રંગ રંગ વાદળિયા -સુન્દરમ્
યાદગાર ગીતો :૦૫: ગીત અમે ગોત્યું -ઉમાશંકર જોશી
યાદગાર ગીતો :૦૬: રાખનાં રમકડાં - અવિનાશ વ્યાસ
યાદગાર ગીતો :૦૭: મેંદી તે વાવી માળવે - ઇન્દુલાલ ગાંધી
યાદગાર ગીતો :૦૮: અમે અંધારું શણગાર્યું - પ્રહલાદ પારેખ
યાદગાર ગીતો :૦૯: નિરુદ્દેશે - રાજેન્દ્ર શાહ
યાદગાર ગીતો :૧૦: તારી આંખનો અફીણી - વેણીભાઈ પુરોહિત
યાદગાર ગીતો :૧૧: કેવા રે મળેલા મનનાં મેળ -બાલમુકુન્દ દવે
યાદગાર ગીતો :૧૨: વગડાનો શ્વાસ - જયંત પાઠક
યાદગાર ગીતો :૧૩: ગમતાંનો કરીએ ગુલાલ - મકરન્દ દવે
યાદગાર ગીતો :૧૪: આપણો ઘડીક સંગ - નિરંજન ભગત
યાદગાર ગીતો :૧૫: આ નભ ઝુક્યુ તે કાનજી ને - પ્રિયકાન્ત મણિયાર
યાદગાર ગીતો :૧૬: અમીં નહીં ! અમીં નહીં ! -પ્રદ્યુમ્ન તન્ના
યાદગાર ગીતો :૧૭: - ને તમે યાદ આવ્યાં - હરીન્દ્ર દવે
યાદગાર ગીતો :૧૮: રાધાનું નામ તમે - સુરેશ દલાલ
યાદગાર ગીતો :૧૯: ધારો કે એક સાંજ આપણે મળ્યા - જગદીશ જોષી
યાદગાર ગીતો :૨૦: એવું કાંઈ નહીં ! - ભગવતીકુમાર શર્મા
યાદગાર ગીતો :૨૧: બોલ વાલમના - મણિલાલ દેસાઈ
યાદગાર ગીતો :૨૨: આભાસી મૃત્યુનું ગીત - રાવજી પટેલ
યાદગાર ગીતો :૨૩: બીક ના બતાવો ! - અનિલ જોશી
યાદગાર ગીતો :૨૪: વ્હાલબાવરીનું ગીત - રમેશ પારેખ
યાદગાર ગીતો :૨૫: એમ પૂછીને થાય નહીં પ્રેમ - તુષાર શુક્લ
યાદગાર ગીતો :૨૬: પાસપાસે તોયે - માધવ રામાનુજ
યાદગાર ગીતો :૨૭: પાંદડી વાયરાને વળગી શું કામ ? - પન્ના નાયક
યાદગાર ગીતો :૨૮: તો અમે આવીએ - વિનોદ જોશી
યાદગાર ગીતો :૨૯: પ્રેમ એટલે કે - મુકુલ ચોક્સી
યાદગાર ગીતો :૩૦: હવે તારામાં રહું ? - મુકેશ જોષી
યાદગાર ગીતો... ના ! આ કંઈ અંત નથી સફરનો...યાદગાર ગીતો :૨૧: બોલ વાલમના – મણિલાલ દેસાઈ

ઉંબરે ઊભી સાંભળું રે બોલ વાલમના;
ઘરમાં સૂતી સાંભળું રે બોલ વાલમના.

ગામને પાદર ઘૂઘરા વાગે,
ઊંઘમાંથી મારાં સપનાં જાગે,
સપનાં રે લોલ વાલમનાં.
ઉંબરે ઊભી સાંભળું રે બોલ વાલમના.

કાલ તો હવે વડલાડાળે ઝૂલશું લોલ,
કાલ તો હવે મોરલા સાથે કૂદશું લોલ,
ઝૂલતાં ઝોકો લાગશે મને,
કૂદતાં કાંટો વાગશે મને,
વાગશે રે બોલ વાલમના.
ઘરમાં સૂતી સાંભળું રે બોલ વાલમના.

આજની જુદાઈ ગોફણ ઘાલી વીંઝશું લોલ,
વાડને વેલે વાલોળપાપડી વીણશું લોલ.
વીંઝતાં પવન અડશે મને,
વીણતાં ગવન નડશે મને,
નડશે રે બોલ વાલમના.
ઉંબરે ઊભી સાંભળું રે બોલ વાલમના.
ઘરમાં સૂતી સાંભળું રે બોલ વાલમના.

– મણિલાલ દેસાઈ

(જન્મ: ૧૯-૦૭-૧૯૩૯, મૃત્યુ: ૦૪-૦૫-૧૯૬૬)

પ્રસ્તાવના: હરીશ ભિમાણી
સંગીત: અજીત શેઠ
સ્વર: નિરુપમા શેઠ

[audio:http://urmisaagar.com/saagar/audio/Umbre-Ubhi-Shmbhalu-Nirupama-Seth.mp3]

મણિલાલ ભગવાનજી દેસાઈ. વલસાડના ગોરેગામમાં જન્મ અને યુવાવયે જ અમદાવાદમાં મૃત્યુ. એમ.એ. સુધી અભ્યાસ અને અધ્યાપકનો વ્યવસાય. લયમધુર ગીત, પ્રસન્નતાના મિજાજથી છલકાતી ગઝલ, ભાવસમૃદ્ધ સોનેટ અને અછાંદસ કાવ્યોમાં વ્યક્ત એમની બહુવિધ પ્રતિભાનું ઠેઠ એમના મૃત્યુપર્યંત જયંત પારેખ દ્વારા ‘રાનેરી’ રૂપે સંપાદન થવા પામ્યું. એમનાં કાવ્યોમાં નગરજીવનની સંવેદના, વન્યજીવનના આવેગો અને ગ્રામપ્રકૃતિની ધબક હૃદયસ્પર્શિતાથી આલેખાયાં હોવાથી તાજગીની અનુભૂતિ કરાવે છે. સુરેશ દલાલ એમને ‘અંધકારના રંગ, લય અને ગતિના કવિ’ તરીકે ઓળખાવે છે.

આ ગીત વિશે લયસ્તરો પર આગળ લખી ચૂક્યો છું, એમાં એક શબ્દ પણ બદલવાનું મન થતું નથી: ‘ગુજરાતી ભાષાનું મારું સૌથી પ્રિય પ્રતીક્ષા-ગીત એટલે મણિલાલ દેસાઈનું લોકપ્રિયતાની ચરમસીમા વટાવી ચૂકેલું આ ગીત. આ ગીત નથી, એક મુગ્ધાના મધમીઠાં ઓરતાનું શબ્દચિત્ર છે. ગ્રામ્ય પરિવેશ અહીં એટલી સૂક્ષ્મતાથી આલેખાયો છે કે આખું ગામ આપણી નજર સમક્ષ તાદૃશ થઈ ઊઠે છે. સૂતાં-જાગતાં, રમતાં-કૂદતાં ને રોજિંદા કામ કરતાં- જીવનની કે દિવસની કોઈ ક્રિયા એવી નથી જે વ્હાલમની ભીની ભીની યાદથી ભીંજાયા વિનાની હોય. ઠેઠ ગામને પાદર ઘૂઘરા વાગે તો એમાંય પ્રિયતમના આવણાંનો રણકાર સંભળાય છે. પગે કાંટો વાગે તો પણ વ્હાલમનો વાંક અને પવન છેડતી કરે તો એમાં ય પ્રીતમજીનો જ વાંક. પોતાની ને પોતાની ઓઢણી નડે તો એમાં ય વેરી વ્હાલો ! પ્રીતની પરાકાષ્ઠા અને પ્રતીક્ષાના મહાકાવ્ય સમું આ ગીત જે આસ્વાદ્ય રણકો વાંચનારની ભીતર જન્માવી શકે છે એ ગુજરાતી કવિતાની જૂજ ઉપલબ્ધિઓમાંની એક છે.

(ગવન=સ્ત્રીઓ દ્વારા પહેરાતું સુતરાઉ કાપડનું છાપેલું ઓઢણું)

Comments (8)

યાદગાર ગીતો :૨૦: એવું કાંઈ નહીં ! – ભગવતીકુમાર શર્મા

હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ
                                                                      એવું કાંઈ નહીં !
હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મઘમઘતો સાદ,
                                                                      એવું કાંઈ નહીં !

સાવ કોરુંકટાક આભ, કોરોકટાક મોભ, કોરાંકટાક બધાં નળિયાં,
સાવ કોરી અગાસી અને તે ય બારમાસી, હવે જળમાં ગણો
                                                                      તો ઝળઝળિયાં !
ઝીણી ઝરમરનું ઝાડ, પછી ઊજળો ઉઘાડ પછી ફરફરતી યાદ,
                                                                      એવું કાંઈ નહીં !
હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ
                                                                      એવું કાંઈ નહીં !

કાળું ભમ્મર આકાશ મને ઘેઘૂર બોલાશ સંભળાવે નહીં;
મોર આઘે મોભારે ક્યાંક ટહુકે તે મારે ઘેર આવે નહીં.
આછા ઘેરા ઝબકારા, દૂર સીમે હલકારા લઇને આવે ઉન્માદ,
                                                                      એવું કાંઈ નહીં !
હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ
                                                                      એવું કાંઈ નહીં !

કોઈ ઝૂકી ઝરુખે સાવ કજળેલા મુખે વાટ જોતું નથી;
કોઈ ભીની હવાથી શ્વાસ ઘૂંટીને સાનભાન ખોતું નથી.
કોઈના પાલવની ઝૂલ, ભીની ભીની થાય ભૂલ, રોમે રોમે સંવાદ
                                                                      એવું કાંઈ નહીં !
હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ
                                                                      એવું કાંઈ નહીં !

-ભગવતીકુમાર શર્મા

[audio:http://urmisaagar.com/saagar/audio/Have-pehlo-varsaad-bhagvatidada-soli-kapadia.mp3]
સંગીત અને સ્વર: સોલી કાપડિયા

ભગવતીકુમાર શર્મા (જન્મ: ૩૧-૫-૧૯૩૪, સુરત) એ સુરતનું ગૌરવ છે. કવિ, વાર્તાકાર, નવલકથાકાર, નિબંધકાર, પત્રકાર અને વ્યંગલેખક એવી બહુવિધ પ્રતિભા ધરાવતા ભગવતીકુમારે સુરતના ‘ગુજરાતમિત્ર’ના તંત્રી વિભાગમાં અડધા દાયકા સુધી રહ્યા. સુરતની સઘળી સાંસ્કૃતિક પ્રવૃતિઓને વેગ આપવામાં એમનો મોટો હાથ. સાહિત્યકાર સામાન્ય રીતે રાજકીય ઘટનાઓથી દૂર રહે એવું જોવા મળે. પણ ભગવતીકુમારમાંનો પત્રકાર અને સાહિત્યકાર હંમેશ એકબીજાના પૂરક બની રહ્યા એ એમની વિશિષ્ઠ સિદ્ધિ. (કાવ્યસંગ્રહો: સંભવ, છંદો છે પાંદડાં જેનાં, ઉજાગરો)

આ ગીતનો આસ્વાદ વિવેકે એટલી એટલી સરસ રીતે કરાવેલો કે એ જ અહીં ટાંકું છું : વરસાદની ઋતુ આમ તો કેટલી વહાલી લાગતી હોય છે ! પહેલા વરસાદનો રોમાંચ જ કંઈ ઓર હોય છે. ભીની માટીની ગંધ અને એવો જ ભીનો ભીનો મઘમઘતો સંબંધ, આભ, મોભ કે અગાસી – ચારેકોર બધું જ તરબોળ, વરસાદ પછીનો ઊજળો ઊઘાડ, કાળાં ઘનઘોર આકાશનો બોલાશ, મોરના ટહુકારા, વીજળીના ઝબકારા, ખેડૂઓના હલકારે છલકાઈ જતી સીમ અને ઝૂકેલા ઝરુખે ઝૂકીને પ્રતીક્ષા કરતું પ્રિયજન – વરસાદ આપણા અને સૃષ્ટિના રોમેરોમે કેવો સમ-વાદ સર્જે છે ! પણ આજ વર્ષાની ઋતુમાં પ્રિયજનનો સાથ ન હોય તો? ચોમાસાનું આકાશ મિલનના મેહને બદલે વેદનાર્દ્ર વ્રેહ વરસાવે તો? ભગવતીકુમાર શર્માના આ ગીતમાં પ્રિયજનની અનુપસ્થિતિમાં વરસાદ એના બધા જ સંદર્ભો કઈ રીતે ખોઈ બેસે છે એ આંખે ભીનાશ આણે એ રીતે વરસી આવ્યું છે. વરસાદ તો ચોમાસું છે એટલે પડે જ છે પણ હવે એનો અર્થ રહ્યો નથી. શહેર ભલે ભીનું થતું હોય, કવિને મન તો આભેય કોરું અને મોભેય કોરો. નળિયાં પણ કોરાં અને અગાસી પણ કોરી. પણ મને જે સુક્કાશ અહીં પીડી ગઈ એ અગાસી સાથે બારમાસીના પ્રાસની છે. ઈચ્છો કે ન ઈચ્છો ચોમાસું તો આઠ મહિના પછી પાછું આવવાનું જ. પણ પ્રેયસીના પાછાં ફરવાની કોઈ જ આશા ન હોય ત્યારે જ કોઈ વિરહાસિક્ત હૈયું આવી અને આટલી કોરાશ અનુભવી શકે છે. સાવ કોરી અગાસી અને તે ય બારમાસી – જાણે હવે બારેમાસ અહીં કોઈ ચોમાસું આવનાર જ નથી….પાણીના નામે જે કંઈ ગણો એ બીજું કંઈ નહીં, માત્ર આંસુ…

Comments (13)

યાદગાર ગીતો :૧૯: ધારો કે એક સાંજ આપણે મળ્યા – જગદીશ જોષી

ધારો કે એક સાંજ આપણે મળ્યાં અને આપણે હળ્યાં
પણ આખા આ આયખાનું શું?
ખુલ્લી આ આંખ અને કોરી કિતાબ
એને ફરીફરી કેમ કરી વાંચશું?

માનો કે હોઠ સ્હેજ મ્હોરી ઉઠ્યા
ને છાતીમાં મેઘધનુષ ફોરી ઉઠ્યાં
પણ બળબળતી રેખાનું શું?

આકાશે આમ ક્યાંક ઝુકી લીધું
ને ફૂલોને ‘કેમ છો?’ પૂછી લીધું
પણ મૂંગી આ વેદનાનું શું?

માનો કે આપણે ખાધું-પીધું
અને માનો કે રાજ! થોડું કીધુંયે રાજ,
પણ ઝૂરતા આ ઓરતાનું શું?

ધારો કે રાણી! તમે જીતી ગયાં
અને ધારો કે વાયરા વીતી ગયા
પણ આ માંડેલી વારતાનું શું?

– જગદીશ જોષી

[audio:http://urmisaagar.com/saagar/audio/Dharo-ke-ek-sanj-Aapne-Malya-Bhupinder.mp3]
સંગીત: અજીત શેઠ
સ્વર: ભૂપિંદર

જગદીશ જોષી (જન્મ:9/10/ 1932, મુંબઇ. અવસાન: 21/9/1978) એટલે અભાવનો કવિ, વિષાદનો કવિ. પણ એમની જીવનકથા એમની કવિતાથી તદ્દન ઊલટી. મુંબઈમાં સદ્ધર કુટુંબમાં ઉછરેલા કવિને શરૂઆતથી શિક્ષણમાં રસ. એ જમાનામાં શિક્ષણનો અભ્યાસ કરવા માટે કવિ અમેરિકાની ખ્યાતનામ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં ગયેલા. પાછા ફરીને મુંબઈની શાળામાં પ્રિંસિપાલ થયા. સફળ કેરિયર છતાં કોઈક કારણસર શિક્ષણમાંથી એમનો રસ ઓછો થતો ગયો અને એ માણસ કવિતાનો થતો ગયો. 1968 પછી જ, એટલે કે છેલ્લા દસ વર્ષમાં જ એમણે ખરી કવિતા લખી. વિશ્વકવિતાના આસ્વાદ અને અનુવાદ પણ પુષ્કળ કર્યા. એમની કવિતામાં અભાવ અને વિષાદ શાને એ તો કોઈને કદી ખ્યાલ જ ન આવ્યો. પોતાની તબિયત પ્રત્યે બહુ બેદરકારી રાખી અને નાની ઉમ્મરે ચાલી નીકળ્યા. (કાવ્યસંગ્રહ : આકાશ, વમળનાં વન, મોન્ટા-કોલાજ)

દરેક સંબંધની એક ‘એક્સપાઈરી ડેટ’ હોય છે. એનાથી વધારે સંબંધને ચલાવી શકાતો નથી. પણ આપણે તો દરેક સંબંધ ખાધું પીધું ને રાજ કીધું ની જેમ જાણે સનાતન સંબંધ હોય એમ વિચારીને ચાલ્યા કરીએ છીએ. જ્યારે સંબંધ તૂટે અને સત્યની સમજણ આવે ત્યારે દિલમાંથી એક ચીસની જેમ સવાલ આવે … આવું કેમ ? આ ગીત એ વેદનાને વાચા આપવા માટે લખેલું છે.  પ્રેમના ઉડાન પછી જ્યારે વાસ્તવિકતાની ધરતી પર પાછું ‘ક્રેશ લેન્ડીંગ’ કરવાનું આવે ત્યારની આ વાત છે.  એ વખતે કવિનો પ્રશ્ન પણ આ માંડેલી વારતાનું શું? એક ઠંડા સૂસવાટાની જેમ ભોંકાય છે. …. કાશ, એ પ્રશ્નનો જવાબ કોઈને ખબર હોત.

Comments (11)

યાદગાર ગીતો :૧૮: રાધાનું નામ તમે – સુરેશ દલાલ

રાધાનું નામ તમે વાંસળીના સૂર મહીં વ્હેતું ના મેલો, ઘનશ્યામ !
સાંજ ને સવાર નિત નિંદા કરે છે ઘેલું ઘેલું રે ગોકુળિયું ગામ !

વણગૂંથ્યા કેશ અને અણઆંજી આંખડી કે ખાલી બેડાની કરે વાત,
લોકો કરે છે શાને દિવસ ને રાતડી મારા મોહનની પંચાત;
વળી વળી નીરખે છે કુંજગલી પૂછે છે: કેમ અલી ? ક્યાં ગઇ તી આમ ?
રાધાનું નામ તમે વાંસળીના સૂર મહીં વ્હેતું ના મેલો, ઘનશ્યામ !

કોણે મૂક્યું રે તારે અંબોડે ફૂલ એની પૂછી પૂછીને લિયે ગંધ,
વહે અંતરની વાત એ તો આંખ્યુની ભૂલ જો કે હોઠોની પાંખડીઓ બંધ;
મારે મોંએથી ચહે સાંભળવા સાહેલી માધવનું મધમીઠું નામ,
રાધાનું નામ તમે વાંસળીના સૂર મહીં વ્હેતું ના મેલો, ઘનશ્યામ !

– સુરેશ દલાલ

(જન્મ: ૧૧-૧૦-૧૯૩૨)

સંગીત: ક્ષેમુ દિવેટિયા
સ્વર: હંસા દવે ?

[audio:http://urmisaagar.com/saagar/audio/RADHA-NUN-NAAM-Sangeet-Sudha.mp3]

સંગીત સંયોજન: શ્યામલ-સૌમિલ મુન્શી
સ્વર: આરતી મુન્શી

[audio:http://urmisaagar.com/saagar/audio/Radha-Nun-Naam-Arti-Munsi.mp3]

સુરેશ પુરુષોત્તમદાસ દલાલ. કવિ ઉપરાંત નિબંધકાર, બાળસાહિત્યકાર અને સંપાદક. જન્મ થાણામાં. ૧૯૪૯માં મેટ્રિક. ૧૯૫૩માં ગુજરાતી વિષય સાથે બી.એ., ૧૯૫૫માં એમ.એ. અને ૧૯૬૯માં પી.એચ.ડી. ૧૯૫૬માં મુંબઈની કે.સી.સાયન્સ કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક. ત્યારબાદ ૧૯૬૦થી ૧૯૬૪ સુધી એચ.આર.કૉલેજ ઑફ કોમર્સમાં, ૧૯૬૪થી ૧૯૭૩ સુધી કે.જે.સોમૈયા કૉલેજમાં અને ૧૯૭૩થી એસ.એન.ડી.ટી. વિમેન્સ યુનિવર્સિટીમાં ગુજરાતીના અધ્યક્ષ. ૧૯૯૨માં નિવૃત્ત. ૧૯૮૯માં ‘ઈમેજ પબ્લિકેશન’ વૈયક્તિક સાહસ રૂપે શરૂ કર્યું. મિત્રો સાથે મળીને ૧૯૯૪માં ‘ઈમેજ પબ્લિકેશન પ્રાઈવેટ લિમિટેડ’ કંપની સ્થાપી. ૧૯૬૭થી ‘કવિતા’ માસિકના સંપાદક. ૧૯૮૩નો રણજિતરામ સુવર્ણચંદ્રક. સતત લખતા રહેતા આ કવિની ઘણી કવિતાઓ ઘણી જ લોકપ્રિય બની છે. એમની સમગ્ર કાવ્યસૃષ્ટિમાં ગીતો અને ઊર્મિકાવ્યનો ફાલ માતબર, વિપુલ અને વિવિધતાવાળો છે. સંપાદનક્ષેત્રે તેમનું પ્રદાન મહત્ત્વનું છે. સાહિત્યના પ્રસાર, પ્રચાર, પ્રકાશન માટે પણ તેમના અવિરત પ્રયત્નો ચાલુ છે. (ગુજરાતી સાહિત્ય પરિષદનાં સૌજન્યથી )

રાધાની વકીલાત કરતી ગોપી કૃષ્ણને વાંસળીનાં સૂરમાં રાધાનું નામ વહેતું ન મૂકવાની ભલામણનાં કંઈ કેટલાયે કારણો આપે છે, પણ એમાં ફરિયાદનો સૂર તો જરાયે સંભળાતો જ નથી. જો કે, જે ગમતું હોય એની ના પાડવામાંય એક અનેરી મજા હોય છે; કારણ કે એ ‘ના’માં જ તો ‘હા’ હોય છે… 🙂  ન્યુજર્સીમાં ૨૦૦૭માં સુ.દ.ની ૭૫મી વર્ષગાંઠની ઉજવણી વખતે પ્રશ્નોત્તરી દરમ્યાન આ ગીત વિશે એમણે કહેલી એક અંગત વાત, એમનાં જ શબ્દોમાં:   કુંવારો હતો ત્યારે એક રવિવારે એક છોકરીવાળા મને જોવા આવેલાં અને તેઓ એમની છોકરીને જબરદસ્તી મને વળગાડવા માંગતા હતાં… ત્યારે કંટાળામાંથી આવેલું આ પ્રસન્નતાનું ગીત… “રાધાનું નામ તમે વાંસળીનાં સૂર મહીં વહેતું ના મેલો ઘનશ્યામ…” અને આ ભજન નથી, પ્રણયકાવ્ય છે !  આ જ ગીતની જેમ મને યાદ આવે એમનું મને ઘણું ગમતું ડોસા-ડોસીનું લોકપ્રિય ગીત… કમાલ કરે છે, કમાલ કરે છે, એક ડોસી ડોસાને હજુ વ્હાલ કરે છે !

Comments (9)

યાદગાર ગીતો :૧૭: – ને તમે યાદ આવ્યાં – હરીન્દ્ર દવે

પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં,
              જાણે મૌસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ,
.               એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં.

ક્યાંક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યાં,
.               જાણે શ્રાવણના આભમાં ઉઘાડ થયો રામ,
.               એક તારો ટમક્યો ને તમે યાદ આવ્યાં.

જરા ગાગર ઝલકી ને તમે યાદ આવ્યાં,
.               જાણે કાંઠા તોડે છે કોઈ મહેરામણ હો રામ,
.               સહેજ ચાંદની છલકી ને તમે યાદ આવ્યાં.

કોઈ ઠાલું મલક્યું ને તમે યાદ આવ્યાં,
.              જાણે કાનુડાના મુખમાં વ્રેમાંડ દીઠું રામ,
.              કોઈ આંખે વળગ્યું ને તમે યાદ આવ્યાં.

કોઈ આંગણે અટક્યું ને તમે યાદ આવ્યાં,
             જાણે પગરવની દુનિયામાં શોર થયો રામ,
.              એક પગલું ઊપડ્યું ને તમે યાદ આવ્યાં.

– હરીન્દ્ર દવે 

(જન્મ: ૧૯-૯-૧૯૩૦, મૃત્યુ: ૨૯-૩-૧૯૯૫)

સંગીત: પુરુષોત્તમ ઉપાધ્યાય
સ્વર: હંસા દવે

[audio:http://urmisaagar.com/saagar/audio/PAAN-LILU-JOYU-NE-TAME-HANSA-DAVE.mp3]

સંગીત સંયોજન: સોલી કાપડિયા
સ્વર: સોનાલી વાજપાઈ

[audio:http://urmisaagar.com/saagar/audio/Paan-Lilu-Joyun-ne-Soli-Kapadia.mp3]

સંગીત: મેહુલ સુરતી (રીમીક્ષ)
સ્વર: દ્રવિતા ચોક્સી

[audio:http://urmisaagar.com/saagar/audio/Paan-lilu-joyu-ne-REMIX-Mehul-Surti.mp3]

હરીન્દ્ર જયંતીલાલ દવે. કવિ ઉપરાંત નવલકથાકાર, નિબંધકાર, વિવેચક, પદ્યકાર, સંપાદક અને અનુવાદક. જન્મ કચ્છના ખંભરા ગામમાં. ૧૯૫૧માં મુંબઈ યુનિવર્સિટીમાંથી ગુજરાતી વિષય સાથે બી.એ. ૧૯૬૧માં એમ.એ. ૧૯૫૧થી ૧૯૬૨ દરમિયાન ‘જનશક્તિ’ દૈનિકના તંત્રી. ૧૯૬૨થી ૧૯૬૮ સુધી ‘સમર્પણ’ સામયિકના સંપાદક. ‘સમકાલીન’ વર્તમાનપત્રમાં તંત્રી. ૧૯૬૮થી ૧૯૭૩ સુધી યુસિસની મુંબઈ ઑફિસમાં ગુજરાતી વિભાગના તંત્રી. ૧૯૭૮માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો એવૉર્ડ. ૧૯૮૨નો રણજિતરામ સુવર્ણચંદ્રક. તેઓ મુખ્યત્વે ગીતકાર અને ગઝલકાર છે. સાંપ્રત જીવનની એકલતા કે વ્યથાને વાચા આપતી દીર્ઘરચનાઓ પણ રચી છે. એમની નવલકથાઓમાં સ્ત્રીપુરુષ સંબંધોની સમસ્યાઓ આકારિત થઈ છે. ચિંતનાત્મક લેખો – નિબંધો, કવિતા આસ્વાદ, પરિચયાત્મક પુસ્તિકાઓ તેમની પાસેથી મળે છે. વર્ષો સુધી કટારલેખન કર્યું છે. (ગુજરાતી સાહિત્ય પરિષદનાં સૌજન્યથી)

હરીન્દ્રભાઈનાં કોઈ ગાયક-ગાયિકા એવા નહિ હોય કે જેમણે હરીન્દ્રભાઈનાં ગીતો ગાયા ન હોય. લતા મંગેશકરથી માંડીને શાળાઓ સુધીનાંએ એમનાં ગીતોને હોંશે હોંશે ગાયા છે. એમનાં ગીતોમાંથી એક ગીત પસંદ કરવું કપરું થઈ પડે… કારણ કે તરત જ મનમાં ગીતોની લાઈન લાગી જાય; જેમ કે- માધવ ક્યાંય નથી મધુવનમાં, એક રજકણ, અનહદનો સૂર,  ગુલાલ કરી ગઈ,  જાણીબૂજીને, મેળાનો મને થાક લાગે, તેં પૂછ્યો’તો પ્રેમનો મર્મ, અમોને નજરું લાગી, રાધાની લટની લહેરાતી કાળાશે– જેવા બીજાં કેટલાય લોકપ્રિય ગીતો… આજે તો આ ગીત પસંદ કર્યું, પણ કાલે જો ફરી પસંદ કરવા બેસું, તો નક્કી ગીત બદલાઈ જાય.  લીલાછમ્મ વિરહનું આ legendary ગીત આજે પણ એટલું જ લીલુંછમ્મ અને તાજા કોળેલા તરણા જેવું ચેતનવંતુ લાગે છે.  ગીતમાં પ્રિયનો વિરહ છે, પરંતુ એ વિરહની વેદના નથી. સ્મૃતિનો માત્ર આનંદ જ આનંદ છે.  સ્મૃતિની ભરતી છે, પણ ઝંઝાવાત નથી.  હૈયાને ઠંડક પહોંચાડનારી પ્રિયજનની સ્મૃતિનો મધુર કલશોર છે.  એટલે જ કદાચ કવિશ્રી સુરેશ દલાલે આ ગીતને ‘સ્મૃતિનું નાનકડું ઉપનિષદ’ કહીને બિરદાવ્યું છે.  કવિએ ભાવકો માટે આ ગીતની ભાવસૃષ્ટિ સાવ મોકળી રાખી હોય એવું લાગે છે, જાણે કે કોઈ પણ ભાવક એમનાં ભાવપ્રદેશમાં આસાનીથી પહોંચી શકે છે…

Comments (12)

યાદગાર ગીતો :૧૬: અમીં નહીં ! અમીં નહીં ! -પ્રદ્યુમ્ન તન્ના

રમતું’તું રાત્ય દંન જીભે જિનું નામ
ઈ જીવતો ને જાગતો જો આવી મળ્યો આમ
તો ઝબ્બ લીધો ઝાલી, હવે છોડે ઈ બીજાં
સઈ ! અમીં નહીં ! અમીં નહીં !

જેટલું સુગાળવી નજરે નિહાળી રિયાં
આવતાં ને જાતાં સહુ લોક
એટલું હસીને અમીં જૂઠી મરજાદનાં
ઓઢણ ઉતાર્યાં છડેચોક !
એ જી ઊભી બજાર બીચ વીંટ્યો કાળો કામળો
કે ઓર કો’ મલીર હવે ઓઢે ઈ બીજાં
સઈ ! અમીં નહીં ! અમીં નહીં !

ઘેર ઘેર થાય ભલે વાત્યું વગોવણીની
જીવને ના છોભ જરી થાતો,
જગના વે’વારથી વેગળો તે વ્હાલપનો
જોઈ બૂઝી બાંધ્યો છે નાતો !
એ જી ભવભવના ભાગ લેધાં આંકી લેલાડ
કે ચાંદલો ગમે તે હવે ચોડે ઈ બીજાં
સઈ ! અમીં નહીં ! અમીં નહીં !

– પ્રદ્યુમ્ન તન્ના

(જન્મ : ૦૭-૦૭-૧૯૨૯ – મરણ: ૩૦-૦૮-૨૦૦૯)

ભાવનગરના અધેવાડામાં જન્મેલા પ્રદ્યુમ્ન તન્ના ગોત્રે ઘોઘારી લોહાણા પણ બાળપણના પહેલા પાંચ વર્ષ દહાણુમાં વીત્યા. મૂળ વતનની રહેણી-કરણી અને તળપદી બોલી ગુજરાત-મહારાષ્ટ્રની સંધિ પર આવેલા એ ગામમાં એમના લોહીમાં લોહી થઈ ભળ્યા. એમ.એ. સુધીનો અભ્યાસ અને ચિત્રકળા, છબીકળા અને કવિતા પર ભારે હથોટી. ગુજરાતના મોટાભાગના લબ્ધપ્રતિષ્ઠ સામયિકોને એમની પીંછી અને કેમેરાનો લાભ કલમ ઉપરાંત મળતો રહ્યો છે. કાયમી વસવાટ ઇટાલીના કોમો શહેરમાં કર્યો અને ઇટાલિઅન યુવતી રોઝાલ્બા સાથે લગ્ન કર્યા પણ તળપદી ભાષા જે રસાળતાથી એમની કવિતામાં ઊતરી આવી છે એ વરદાન તો ગુજરાતમાં વસતા ઘણાં દિગ્ગજ કવિઓને પણ પ્રાપ્ત નથી થયું. ત્રણેક મહિના પહેલાં જ એમનો ક્ષર-દેહ નાશ પામ્યો પણ એમનો અ-ક્ષરદેહ એકમાત્ર કાવ્યસંગ્રહ ‘છોળ’ નામે આપણી વચ્ચે કાયમ રહેવાનો…

રાત-દિવસ જેનું નામ હોઠે રમતું હતું એ પ્રિયજન જીવતો જાગતો મળી જાય તો સંસારની લાજ-શરમ નેવે મૂકીને એને ઝબ્બ દઈ ઝાલવાનો જ હોય. એને પછી પડતો મેલે એ બીજા, અમે નહીં, અમે નહીંની નિતાંત પ્રણયોક્તિનું આ ગીત ભલે ૧૯૮૭માં લખાયું હોય એની પૂર્વભૂમિકા ૧૯૬૮ની છે. કવિના પોતાના શબ્દોમાં આ ગીત માણીએ:

૧૯૬૫ના સપ્ટેમ્બર દરમિયાન હું અને રોઝાલ્બા નેપલ્સમાં પરણ્યાં. ઝઝા અંતર અને ખર્ચની સમજી શકાય એવી બાધાને લઈ એકેય કુટુંબી એ ટાણે હાજર રહી શક્યું નહોતું. પત્ની સંગ ભારત પાછાં ફરતાં સંજોગોવશાત્ ત્રણેક વર્ષો નીકળી ગયાં. પહેલી જ વાર ઘરે આવતી પરદેશી વહુને જોવા કુટુંબ આખુંય ભેળું મળ્યું. બાપુએ રમૂજમાં સવાલ કર્યો, ‘દીકરી! તારે ગામ કોઈ ન જડ્યો તે મારા દીકરાનો હાથ ઝાલ્યો?!’ સવાલને સમજતાંની સાથે જ બાપુ સંગ આંખ પરોવતી એ બોલી, ‘બાપુજી ! ભાગ જાતું’તું મારે રસ્તે થઈ, ઓળખ્યું ને ઝબ્બ લીધું ઝાલી, હવે છોડે ઈ બીજા!’ સ્થળ-કાળ, દેશ-વિદેશ, રહેણી-કરણી, ધર્મ અને ભાષાની ભિન્નતાને સાંકળતા પ્રેમોદગાર થકી નીપજ્યું છે આ વ્રજ ગીત

Comments (6)

યાદગાર ગીતો :૧૫: આ નભ ઝુક્યુ તે કાનજી ને – પ્રિયકાન્ત મણિયાર

આ નભ ઝૂક્યું તે કાનજી ને ચાંદની તે રાધા રે.
આ સરવર જલ તે કાનજી ને પોયણી તે રાધા રે.

આ બાગ ખીલ્યો તે કાનજી ને લ્હેરી જતી તે રાધા રે,
આ પરવત-શિખર કાનજી ને કેડી ચડે તે રાધા રે. 
આ નભ o

આ ચાલ્યાં ચરણ તે કાનજી ને પગલી પડે તે રાધા રે,
આ કેશ ગૂંથ્યા તે કાનજી ને સેંથી પૂરી તે રાધા રે. 
આ નભ o

આ દીપ જલે તે કાનજી ને આરતી તે રાધા રે,
આ લોચન મારા કાનજી ને નજરું જુએ તે રાધા રે. 
આ નભ o

– પ્રિયકાન્ત મણિયાર 

(જન્મ: ૨૪-૦૧-૧૯૨૭, મૃત્યુ: ૨૫-૦૬-૧૯૭૬)

સંગીત : અજીત શેઠ
પ્રસ્તાવના: હરીશ ભિમાણી
સ્વર : અજીત શેઠ અને નિરુપમા શેઠ
આલ્બમ: મારી આંખે કંકુનાં સૂરજ આથમ્યાં

[audio:http://urmisaagar.com/saagar/audio/Aa-Nabh-zhukyu-Te-Nirupama-Seth.mp3]

સંગીત સંયોજન: શ્યામલ-સૌમિલ મુનશી
પ્રસ્તાવના: તુષાર શુક્લ
સ્વર: સૌમિલ મુનશી અને આરતી મુનશી
આલ્બમ: મોરપિચ્છ

[audio:http://urmisaagar.com/saagar/audio/Aa-Nabh-Zukyun-Te-Arti-munsi.mp3]

પ્રિયકાન્ત પ્રેમચંદ મણિયાર.  વિરમગામમાં જન્મ, અમરેલીનાં વતની અને  ધોરણ ૯ સુધી અભ્યાસ.  અમદાવાદમાં વર્ષો સુધી મણિયારનો વ્યવસાય એમણે કર્યો, પરંતુ જ્યારે એમનું પ્રથમ ગદ્યકાવ્ય એકરાર ૧૯૪૭માં (અમદાવાદની ન્યૂ હાઈસ્કૂલમાં ભણતા ત્યારે) ‘કુમાર’માં પ્રગટ થયેલું ત્યારે જ ગુજરાતને તેમનો સાચો પરિચય થયેલો.   ગુજરાતી સાહિત્યની ભવ્ય ઈમારતનાં ચણતરમાં નોંધપાત્ર ફાળો. ૧૯૮૨માં સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર પ્રાપ્ત થયેલો.  કાવ્યસંગ્રહો: પ્રતિક, અશબ્દ રાત્રી, સ્પર્શ, સમીપ, પ્રબલગતિ, વ્યોમલિપિ, લીલેરો ઢાળ.

રાધા-કૃષ્ણનાં શાશ્વત સખ્યભાવને ઉજાગર કરતી કવિશ્રીની આ પ્રિયતમ રચના, જેને દરેક કવિસંમેલનના અંતે તેઓ આરતીરૂપે સ્વકંઠે અવશ્ય ગાતાં.  રાધા-કૃષ્ણ એટલે પ્રેમની આગવી પરિભાષા.  પ્રકૃતિનાં પદાર્થોની એકરૂપતાની સરખામણી રાધા-કૃષ્ણનાં પ્રેમ સાથે કરીને કવિએ અહીં પ્રેમની શાશ્વતતા દર્શાવી છે.  જેમ ચાંદનીનું રેલાવું આભ વિના અને પોયણીનું ખીલવું સરવર-જલ વિના શક્ય નથી, તેમ જ આભની શોભા ચાંદની વિના અને સરવર-જલની શોભા પોયણી વિના અધૂરી જ રહેવાની.  એક કન્યાનાં ગૂંથેલા કેશની શોભા પણ ત્યારે જ વધુ દિવ્ય બને છે જ્યારે એની સેંથીમાં રાધાતત્ત્વરૂપી સિંદૂર પૂરાય છે.  આખા ગીતમાં કવિએ એક વાત બખૂબી દર્શાવી છે કે નભ, સરવર-જલ, બાગ, પર્વત-શિખર, ચરણ, ગૂંથેલા કેશ, દીપ અને લોચનની જેમ કૃષ્ણનું એકલાનું અસ્તિત્વ રાધા વિના જરૂર હોઈ શકે… પરંતુ ચાંદની, લ્હેરી, પર્વત પર જતી કેડી, પગલી, સેંથી, આરતી અને નજરુંનું જેમ એકલી રાધાનું અસ્તિત્વ શક્ય જ નથી.  રાધા વિનાનો કાનજી જરૂર અધૂરો છે, પરંતુ કાનજી વિનાની રાધાનું તો કોઈ અસ્તિત્વ જ નથી- એ વાત કવિએ અહીં ખૂબ જ સચોટ રીતે રજૂ કરી છે.

Comments (5)

યાદગાર ગીતો :૧૪: આપણો ઘડીક સંગ – નિરંજન ભગત

કાળની કેડીએ ઘડીક સંગ
          રે ભાઈ, આપણો ઘડીક સંગ;
આતમને તોય જનમોજનમ લાગી જશે એનો રંગ !

ધરતી આંગણ માનવીના આ ઘડીક મિલનવેળા,
વાટમાં વચ્ચે એક દી નકી આવશે વિદાયવેળા,
તો કેમ કરીનેય કાળ ભૂલે ના એમ ભમીશું ભેળા !
હૈયાનો હિમાળો ગાળી ગાળીને વહશું હેતની ગંગ ! 

પગલે પગલે પાવક જાગે ત્યાં ઝરશું નેનની ઝારી,
કંટકપથે સ્મિતવેરીને મ્હોરશું ફૂલની ક્યારી,
એકબીજાને જીતશું, રે ભાઈ, જાતને જાશું હારી !
ક્યાંય ના માય રે આટલો આજ તો ઉરને થાય ઉમંગ !

– નિરંજન ભગત

(જન્મ:૧૮-૫-૧૯૨૬)

સંગીત : આશિત દેસાઈ
સ્વર : આશિત દેસાઈ -હેમા દેસાઈ

[audio:http://tahuko.com/gaagar/layastaro/aapano ghadik sang-niranjan%20bhagat.mp3]

નિરંજન નરહરિલાલ ભગત.  સાહિત્યનો ચલતો ફરતો ખજાનો છે. આપણા મોટા ગજાના કવિઓમાં નિરંજન પહેલા એવા કવિ જે ગામડાને બદલે શહેરમાં ઉછરેલા. ગુજરાતી કવિતા એ રીતે એક બીંબામાંથી છૂટી. ‘છંદોલય’માં એ કવિતાને એવા ઊંચા સ્તરે લઈ ગયા કે પછી પાછળથી નિરંજન ભગત પોતે પણ એને પહોંચી શક્યા નહીં. વિશ્વસાહિત્યના ઉત્તમ અભ્યાસીઓમાંથી એક. એમના વિવેચન લેખો અને પ્રવચનો આપણી મોંઘેરી મૂડી છે. (કાવ્યસંગ્રહો: છંદોલય, પ્રવાલદ્વિપ, કિન્નરી, 33 કાવ્યો )

આ ટૂંકા જીવનને પ્રિયજનના સંગમાં માણી લેવાની વાત નિરંજન ભગત બહુ ઉત્તમ રીતે કરે છે. દરેક સંબંધમાં ઉતરાવ ચડાવ તો આવે જ છે. એવા વખતે કવિ કહે છે – હૈયાનો હિમાળો ગાળી ગાળીને વહશું હેતની ગંગ ! ને છેલ્લે ગુજરાતી કવિતાની અવિસ્મરણીય પંક્તિઓમાંથી એક આવે છે – એકબીજાને જીતશું, રે ભાઈ,જાતને જાશું હારી ! આ ગીત હંમેશા મનને સંતોષ અને આનંદ આપી જાય છે.

Comments (6)

યાદગાર ગીતો :૧૩: ગમતાંનો કરીએ ગુલાલ – મકરન્દ દવે

ગમતું મળે તો અલ્યા, ગૂંજે ન ભરીએ
.                                 ને ગમતાંનો કરીએ ગુલાલ.

આડા દે આંક એ તો ઓશિયાળી આંગળી,
પંડમાં સમાય એવી પ્રીતિ તો પાંગળી,
સમદરની લ્હેર લાખ સુણી ક્યાંય સાંકળી?
ખાડા ખાબોચિયાને બાંધી બેસાય, આ તો
.                                        વરસે ગગનભરી વ્હાલ.

ગાંઠે ગરથ બાંધી ખાટી શું જિંદગી ?
સરી સરી જાય એને સાચવશે કયાં લગી?
આવે તે આપ કરી પળમાં પસંદગી,
મુઠ્ઠીમાં રાખતાં તો માટીની પાંદડી
.                                          ને વેર્યે ફોરમનો ફાલ.

આવી મળ્યું તે દઈશ આંસુડે ધોઈને,
ઝાઝેરું જાળવ્યું તે વ્હેલેરું ખોઈને,
આજ પ્રાણ જાગે તો પૂછવું શું કોઈને?
માધવ વેચંતી વ્રજનારીની સંગ, તારાં
.                                           રણકી ઊઠે કરતાલ !

ગમતું મળે તો અલ્યા, ગૂંજે ન ભરીએ
.                              ને ગમતાંનો કરીએ ગુલાલ.

– મકરન્દ વજેશંકર દવે
(જન્મ: ૧૩-૧૧-૧૯૨૨, મૃત્યુ: ૩૧-૦૫-૨૦૦૫)

સંગીત : ગૌરાંગ વ્યાસ
સ્વર :  ભવન કોરસ

[audio:http://urmisaagar.com/saagar/audio/GAMTA-NO-KARIYE-GULAAL-Makarand-Dave.mp3]

જન્મ અને વતન સૌરાષ્ટ્રનું ગોંડલ. ઇન્ટર આર્ટ્સ સુધીનો અભ્યાસ જે બેતાળીસની લડત વખતે પડતો મૂક્યો. વ્યવસાયે પત્રકાર. ‘નંદીગ્રામ’ નામની રચનાત્મક સંસ્થાના સર્જક. મકરન્દ દવેની કવિતાનો મુખ્ય રંગ ભગવો છે. લોકસાહિત્ય અને સંતસાહિત્ય પરંપરાના ઊંડા જાણતલ હોવાના નાતે એમના પદ્ય અને ગદ્યમાં એનો સર્જનાત્મક વિનિયોગ અવારનવાર જોવા મળે છે. (કાવ્યસંગ્રહો: ‘તરણાં’, ‘જયભેરી’, ‘ગોરજ’, ‘સૂરજમુખી’, ‘સંજ્ઞા’, ‘સંગતિ’, ‘હવાબારી’, ‘ઉજાગરી’, ‘અમેરિકાનો ચિરંતન ચહેરો’)

કવિનું યાદગાર ગીત યાદ કરવા બેસું તો લાઈન લાગી જાય છે: ‘ફૂલ તો એની ફોરમ ઢાળી રાજી’, ‘અમે રે સૂકું રૂનું પૂમડું’, ‘કોઈ ઘટમાં ગહેકે ઘેરું’, ‘પંખીના ટહુકાનું તોરણ બાંધે છે કોઈ ઊગતી પરોઢના બારણે’, ‘વજન કરે તે હારે રે મનવા’…. એક અસ્ખલિત પ્રવાહ દડતો આવે છે. પણ આજે મેં પસંદગી ઉતારી છે આ ગીત પર કેમકે કવિ અને કવિતાનો -બંનેનો ખરો સ્વભાવ અહીં વહેલી પરોઢે ખુલતા કમળની જેમ ખુલે છે અને ભાવકના ભાવજગતને મઘમઘ કરી દે છે. પરંપરાની પંગતમાં બેસીને કવિ એક પછી એક ઉદાહરણ આપીને ‘વહાલું તે વહેંચવાનું’નો બોધ એવી તાજપથી આપે છે કે હજારોવાર વાંચ્યા બાદ પણ આ કાવ્ય આજેય સાવ તાજું ને તાજું જ લાગે છે… કવિના બાગનું આ એવું પુષ્પ છે જે કદી વિલાવાનું નથી…

Comments (11)

યાદગાર ગીતો :૧૨: વગડાનો શ્વાસ – જયંત પાઠક

થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં,
પહાડોનાં હાડ મારા પિંડમાં ને
નાડીમાં નાનેરી નદીઓના નીર.

છાતીમાં બુલબુલનો માળો ને
આંગળીમાં આદિવાસીનું તીણું તીર;
રોમ મારાં ફરકે છે ઘાસમાં,
થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં.

સૂરજનો રંગ મારાં પાંદડાં પીયે ને
પીયે માટીની ગંધ મારા મૂળ,
અર્ધું તે અંગ મારું પીળા પતંગિયાં ને
અર્ધું તે તમરાંનુ કુળ;
થોડો અંધારે, થોડો ઉજાસમાં,
થોડો ધરતીમાં, થોડો આકાશમાં,
થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં.

– જયંત પાઠક

સંગીત : મેહુલ સુરતી
સ્વર : દ્રવિતા ચોક્સી
[audio:http://urmisaagar.com/saagar/audio/vagda-no-swash-JayantPathak.mp3]

જયંત પાઠક (જન્મ:૨૦-૧૦-૧૯૨૦, અવસાન:૧-૯-૨૦૦૩)નો જન્મ ગોઠમાં (પચંમહાલ) થયેલો પણ કર્મે એ પૂરા સૂરતી. વડોદરામાં અભ્યાસ ને પછી મુંબઈમાં થોડો વખત ‘જન્મભૂમિ’માં કામ કર્યા પછી એ સૂરતની કોલેજમાં આધ્યાપક તરીકે જોડાયા ને છેવટ સુધી સૂરતના થઈને રહ્યા. કવિના સંસ્મરણો ‘વનાંચલ’માં વાંચો તો કવિના મૂળનો બરાબર ખ્યાલ આવે. એમણે શરૂઆતમાં ગીત, સોનેટ વધારે કર્યા. આગળ જતા ગઝલ અને અછાંદસ ખૂબ લખ્યા. આમ કવિતા બધા રૂપો સાથે એમને ઘરોબો. (કાવ્યસંગ્રહો : મર્મર, સંકેત, વિસ્મય, અંતરીક્ષ, અનુનય, મૃગયા, શૂળી ઉપર સેજ, દ્રુતવિલંબિત )

જે માટીમાં કવિ ઉછર્યા એ માટી, વગડા અને વાયરાને માટે કવિએ લખેલું આ પ્રેમગીત છે. કહે છે કે માણસને તમે એની જનમભોમકામાંથી બહાર કાઢી મૂકી શકો, પણ માણસમાંથી એની જનમભોમકાને કદી બહાર કાઢી મૂકી શકાતી નથી. જનમભોમકા માણસનો શ્વાસ બનીને હંમેશા એની સાથે જ રહે છે. અંગે અંગે વસી ગયેલાં ને રસી ગયેલા વગડા, નદી, પહાડો, માટી, વનનું આ ચિરંતન ગાન ‘વનાંચલ’ના રાષ્ટ્રગીત સમાન છે.

ગાયકી અને સંગીત વિષે મારું જ્ઞાન સીમિત છે. પણ આ ગીત એટલું સરસ થયું છે કે મારા જેવો પણ સમજી શકે કે મેહુલના સંગીતે આ ગીતને ખરા અર્થમાં જીવંત કરી દીધું છે અને અર્થને એક વધારે આયામ આપ્યો છે.

Comments (4)

Page 2 of 4123...Last »