સેવી શકે, તો સંતની કોટિને પામશે;
જે શબ્દ વેડફે છે તું વાણી-વિલાસમાં !
અમિત વ્યાસ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for પ્રફુલ્લ પંડ્યા

પ્રફુલ્લ પંડ્યા શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

અંટાતા પ્રશ્નોનું ગીત - પ્રફુલ્લ પંડ્યા
લખવા છે પડછાયા રે - પ્રફુલ્લ પંડ્યા
વિસ્મયની મહોલાત - પ્રફુલ્લ પંડ્યાલખવા છે પડછાયા રે – પ્રફુલ્લ પંડ્યા

લખી શકાતા હોય તો મારે લખવા છે પડછાયા રે
મને મૂંઝવે દિવસરાત ને સમય સમયની માયા રે !

હું લખવા બેસું છું ત્યારે શબ્દો થૈ જાય સાધુ રે
ભાષા ભગવી લખતા રહેવું – એમ વચન હું બાંધું રે
ચાખડી પહેરી ફરતા અર્થો, બળતી મારી કાયા રે !

ભસ્મની માફક ઊડતા રહેવું નગર નગરના દરવાજે
આવકાર કોઈ આપી દે તો વરત થૈ વરતાજે
વરત વરતની વાયકાઓના તૂટી પડ્યા સૌ પાયા રે !

– પ્રફુલ્લ પંડ્યા

મજાનું લયબદ્ધ ગીત. ધીરે રહીને ઊઘડતું….

Comments (7)

અંટાતા પ્રશ્નોનું ગીત – પ્રફુલ્લ પંડ્યા

મારા હાથમાંથી હાથ ગયા નીકળીને
.            પગમાંથી પગલાં ફંટાઈ ગયાં એટલે…
બાકી પ્રવાસ બન્યો નિરર્થક સાવ
.            બધાં સપનાં ખર્ચાઈ ગયાં એટલે…

એવું લાગે છે કૈંક ખોટ્ટું બન્યું છે
.            સતત ખોટ્ટાને પાડી છે “હા”
સાચું કરવામાં કોઈ સાથમાં નહોતું ને
.            પાછી હિંમત પણ પાડતી’તી “ના !”
સંજોગોમાંથી બધા નીકળી ગ્યા યોગ
.            બધા સંબંધ વિખરાઈ ગયા એટલે…

તોડફોડ આટલી મોટી નીકળશે
.            એનો સપને પણ ન્હોતો કોઈ ખ્યાલ…
પહેરી શકાય એવાં વસ્ત્રો લૂંટાઈ ગયાં
.            લૂંટાયા અઘરા સવાલ…

નીકળી ગ્યા એમાંથી સઘળા જવાબ
.            અહીં પ્રશ્નો અંટાઈ ગયા એટલે…

-પ્રફુલ્લ પંડ્યા

જરા નોખી ભાતનું ગીત… કવિ કહે છે કે આ ગીત અંટાતા પ્રશ્નોનું ગીત છે પણ સહજ સમજાય છે કે આ ગીત આપણા બધાનું જ છે.. આપણી જિંદગીનું જ ગીત છે…

Comments (3)

વિસ્મયની મહોલાત – પ્રફુલ્લ પંડ્યા

મનની સાથે વાત કરી મેં,
પસાર આખી રાત કરી મેં.

એક નજાકત કોતરકામે-
દિલમાં દિલની ભાત કરી મેં.

શું કામ એકલવાયા ઝૂરવું,
શમણાંની બિછાત કરી મેં.

સમય બડો બલવાન નીકળ્યો,
નહીં તો નિજ પર ઘાત કરી મેં.

મોતના મરમી દૂર પ્રદેશે,
છેવટ મુલાકાત કરી મેં.

અચરજ ગુંબજ ચણવા બેઠું,
વિસ્મયની મહોલાત કરી મેં.

મેં જ વગાડ્યાં મારા ડંકા
મંદિર જેવી જાત કરી મેં.

– પ્રફુલ્લ પંડ્યા

એકલતા કોને નથી પીડતી ? અને એકલતાથી બચવું કોને નથી ગમતું? એવો કયો કવિ હશે જેણે એકલતાનાં ગીત નહીં ગાયાં હોય? પણ આ ગઝલના એકલતાવાળા શેરની ઊંચાઈ અને ઊંડાણ તો જુઓ ! શા માટે કોઈએ એકલવાયા ઝૂરવું જોઈએ ? સપનાંનો સધિયારો ન લેવો જોઈએ? પણ શું સપનાંનો સધિયારો એકલતા મિટાવે છે? કે પછી વધુ બળવત્તર કરે છે… ખેર, આ જ છે આ શેરની ખરી મજા… જે ક્ષણે કવિને એકલતા દૂર કરવાનો કીમિયો મળી ગયો છે એમ આપણને લાગે એ જ ઘડીએ આ એકલતા કદી દૂર નહીં થાય, બસ વધતી જ રહેશેનો કાંટાળો અહેસાસ પણ થાય છે…

Comments (11)