તું મળે તો પાત્રમાં પડશે કશું,
ઘેર લખ ચોરાસી બાકી યાચું છું.
વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for જયન્ત પાઠક

જયન્ત પાઠક શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

(સૉનેટ યુગ્મ:૦૧) વિખૂટું - જયન્ત પાઠક
(સૉનેટ યુગ્મ:૦૨) વિખૂટું - જયન્ત પાઠક
અદ્વૈત - જયંત પાઠક
અનુભવ ગહરા ગહરા - જયન્ત પાઠક
અવસ્થાન્તર - જયન્ત પાઠક
આવો - જયન્ત પાઠક
આંસુ - જયન્ત પાઠક
કવિતા - જયન્ત પાઠક
કવિતા ન કરવા વિશે કવિતા - જયન્ત પાઠક
કવિતા વિશે ત્રણ રચનાઓ - જયન્ત પાઠક
કાનજી ને કહેજો કે - જયંત પાઠક
કીકીમાં - જયન્ત પાઠક
ચાનક રાખું ને - જયન્ત પાઠક
જીવી ગયો હોત - જયન્ત પાઠક
તારો વૈભવ - જયન્ત પાઠક
દેવું નહીં - જયન્ત પાઠક
ના રસ્તા કે ના ઝરણાં
પહેલાં જેવું - જયન્ત પાઠક
પાવાગઢમાં એક વરસાદી અનુભૂતિ - જયન્ત પાઠક
પ્રીત કીધી - જયન્ત પાઠક
પ્રેમઘટા ઝૂક આઈ - જયન્ત પાઠક
પ્રેમની વાર્તા - જયન્ત પાઠક
માણસ -જયંત પાઠક
મારે જવું નથી – જયંત પાઠક
મૃત્યુ - જયંત પાઠક
યાદગાર ગીતો :૧૨: વગડાનો શ્વાસ - જયંત પાઠક
રાજસ્થાન - જયન્ત પાઠક
રાતે વરસાદ - જયન્ત પાઠક
રાતે- - જયન્ત પાઠક
વાડકી-વહેવાર - જયન્ત પાઠક
શ્યામસુંવાળું અંધારું - જયંત પાઠકતારો વૈભવ – જયન્ત પાઠક

(પૃથ્વી)

અહો જલની ઉગ્રતા !
તૂટી મૂશળધાર, તોડી તટકેરી માઝા, ધસી
રચે પ્રલયકાળ; વજ્ર નિજ અદ્રિશૃંગે ઝીકે;
પ્રચંડ બની ધોધ રેત કરી દેતું ગ્રાવા ધસી
ચરાચર સમસ્તનાં કરત સ્તબ્ધ હૈયાં બીકે.

અહો જલનું માર્દવ !
ઊંચેથી ઊતરી ધીમે કુસુમથી ય હળવા બની
હથેલી મહીં પુષ્પની જેવું ઝીલાઈ, વા પૃથ્વીની
રજે ભળી જઈ ઊંડે ઊતરી બીજને ભીંજવી
સુકોમલ તૃણોરૂપે પ્રગટવી નવી જિંદગી.

અહો જલની ઉગ્રતા, જલતણું અહો માર્દવ !
વિનષ્ટિ સૃજને કશો પ્રગટ તાહરો વૈભવ !

– જયન્ત પાઠક

જળના બે આંત્યંતિક સ્વરૂપોને સામસામે ગોઠવી કવિ મજાનું કાવ્ય કરે છે ! મૂશળધાર વરસીને કાંઠા તોડી પર્વતના શિખરોને ય તહસ-નહસ કરી નાંખી રેતી-રેતી કરી દે એવું સમસ્ત સૃષ્ટિના ધબકારા અટકાવી દે એવું જળનું સ્વરૂપ એક સામે છે તો બીજી તરફ હળવેથી જેમ ફૂલ હથેળીમાં ઝીલાય છે એ રીતે ધરતીમાં ભળી જઈ એક બીજને નવાંકુરિત કરી નવી જિંદગી જન્માવતું ઋજુદિલસ્વરૂપ છે… બંને સ્વરૂપે ઈશ્વરનો જ ખરો વૈભવ પ્રગટ થાય છે…

(અદ્રિશૃંગ = પર્વતની ટોચ; ગ્રાવા = પર્વત, પથ્થર; ચરાચર = જડ-ચેતન; વિનષ્ટિ= વિનાશ)

Comments (8)

આવો – જયન્ત પાઠક

ઉંબર વટીને અંદર તડકાની જેમ આવો;
થીજ્યા સમુદ્ર ભીતર ભડકાની જેમ આવો.

નાડી ચલે ન, થંભ્યો છે સાંસનો ય સંચો;
મુઠ્ઠી સમા હૃદયના થડકાની જેમ આવો.

પલળી ગયેલ પાલવ લૂછી શકે ન આંસુ;
વાલમ નિસાસ-કોરા કડકાની જેમ આવો.

આ ગોરસી અને આ મથુરાની વાટ ખાલી;
આવો કહાન દહીંના દડકાની જેમ આવો.

પાણી વલોવી થાક્યાં આ નેતરાં, રવૈયો;
નવનીત સારવંતા ઝડકાની જેમ આવો.

-જયન્ત પાઠક

આ ગઝલ વાંચીએ ત્યારે કવિ પ્રધાનપણે ગઝલકાર તરીકે કેમ ન ઓળખાયા એવો પ્રશ્ન સહેજે થાય. સાવ નવા જ કાફિયાઓ વડે અર્થની અદભુત જમાવટ અહીં થઈ છે. કોઈની ભીતર શી રીતે પ્રવેશવું? પગ હોય ત્યાં ક્યાં તો પગરવ હોય ક્યાં પગલાં. પણ તડકો શી રીતે અંદર આવે છે એ કદી આપણે વિચાર્યું છે? ન ટકોરા, ન પગલાં, ન પગરવ. તિરાડમાંથી એ તો ધસમસ ઠેઠ અંદર ધસી આવે. અને આવે તેય કેવો? જ્યાં જેટલું મોકળું હોય ત્યાં બધે અ-સીમ ફેલાઈ જાય. પ્રિયતમ હોય કે ઈશ્વર- આપણી ભીતર આવે ત્યારે એને તડકાથી વધારે જાજવલ્યમાન કયો આવકારો આપી શકાય? અને તડકો કંઈ એકલો નથી આવતો. એ સાથે ઉષ્મા લાવે છે જે ભીતર થીજી ગયેલ આખા સમુદ્ર જેવડી વિશાળ શક્યતાને પીગળાવી શકે છે. આ એ ક્ષણની વાત છે જ્યાં પ્રેમ કહો તો પ્રેમ અને ભક્તિ કહો તો ભક્તિનું અદ્વૈત સાયુજ્ય સ્થપાય છે. પ્રતીક્ષાનું પૂર્ણવિરામ એટલે પ્રિયજનની સચરાચરમાં પ્રાપ્તિથી વ્યાપ્તિની કથા. એ પછીના ચારેય શેરમાં પ્રેમિકા/ઈશ્વરના આવવાની ઝંખનાની આર્જવતા ક્રમશઃ આજ રીતે ચરમસીમાએ પહોંચે છે જે અનુભવવાનું વાચક પર જ છોડીએ…

(નેતરાં= વલોણાંનું દોરડું; રવૈયો= દહીં વલોવવાની લાકડી, વલોણું; નવનીત=માખણ;ઝડકો= વલોણું ઝટકો મારીને ફેરવવું તે)

Comments (6)

પ્રેમની વાર્તા – જયન્ત પાઠક

આપણી વાર્તા તો પ્રેમની વાર્તા :
ભર્યા ભર્યા રસથાળમાં
કશુંક ખાટું ખારુંય હોય;
અઢળક સુધાપાનમાં
કંઈક તીખું-કડવુંય હોય;
રાજમહેલના રંગરાગમાં
વનવાસનો વેશ પણ હોય;
આપણી વાર્તા તો પ્રેમની વાર્તા :
ને પ્રેમની વાર્તાનો –
ખાધુંપીધું ને રાજ કીર્યું – એવો અન્ત નાય હોય.

– જયન્ત પાઠક

પ્રેમથી તરબતર જીંદગીની આશા તો આપણે બધા રાખીએ છીએ. પણ હકીકત તો એ છે કે જીવનમાં ખરા પ્રેમની થોડી ક્ષણો પણ મળે તો આપણી જાતને સદનસીબ માનવી ! કવિ આ કવિતામાં ‘આપણી વાર્તા તો પ્રેમની વાર્તા’ એ પંક્તિ જાણે પોતાની જાતને સમજાવવા માટે કહેતા હોય એમ બે વાર લખે છે. પ્રેમની વાત છે – એમાં કોઈ પણ જાતનો વણાંક આવે કે કોઈ પણ જાતનો અંત આવે – એ પ્રેમની વાર્તા પ્રેમની વાર્તા જ રહે છે. પ્રેમ એટલી મોટી ઘટના છે કે એમાં અ-પ્રેમ પણ બહુ પ્રેમથી સમાય જાય છે !

( આડવાત : ‘પ્રેમની વાર્તા’ એટલે શું ? – પ્રેમથી શરૂ થયેલી વાર્તા ? પ્રેમથી ભરેલી વાર્તા ? પ્રેમ માટેની વાર્તા ? કે પછી પ્રેમ પામવા માટે બનાવેલી વાર્તા ? )

Comments (4)

કવિતા ન કરવા વિશે કવિતા – જયન્ત પાઠક

કવિતા કરવાનું બંધ કરીએ તો શું થાય ?
સરવરો સુકાઈ જાય ?
નદીઓ વહેતી થંભી જાય ?
ડુંગરા ડોલી ઊઠે ?
ઘાસ ઊગતું બંધ થઈ જાય ?
પૃથ્વી પાતાળમાં ચંપાઈ જાય ?
ના, ના, એવું એવું તો ના થાય –
પણ… પછી
જળપરીઓ છાનીમાની
ઝીણાં પવનવસ્ત્રો ઉતારી
જલક્રીડા કરવા ના આવે;
ડુંગરા વાદળની પાંખો પહેરીને
ઊડી ના શકે;
ઘાસને આંસુના ફૂલ ના ફૂટે;
પૃથ્વી ગોળ ગોળ ફરે
પણ ઠેરની ઠેર રહે
અવકાશમાં;
આકાશ ભણી ઊચેં ના જાય.

કવિતા કરવાનું બંધ કરીએ તો
આમ, તો કશું ના થાય
– એટલે કે કશું થાય જ નહીં !

– જયન્ત પાઠક

કવિતા કરવા વિશે તો ઘણી કવિતાઓ રચાઈ છે પણ કવિતા ન કરવા વિશે તો આ એક કવિતા જોવામાં આવી છે ! કવિએ કવિતા ન હોય તો શું થાય એના વર્ણનમાં બહુ નાજુક રૂપકો વાપર્યા છે. (જલપરીના પવનવસ્ત્રોથી વધારે નાજુક શું હોઈ શકે ?!!) પણ કવિની ખરી ખૂબી તો અંતની ચોટમાં દેખાય છે. કવિતા વિના એક રીતે તો કશું જ થાય એ કેટલી સરસ રીતે – વિચારતા કરી મૂકે એવી રીતે – આવે છે એ કવિની સિદ્ધહસ્તતાની સાબિતી છે.

Comments (7)

પ્રેમઘટા ઝૂક આઈ – જયન્ત પાઠક

સંતો પ્રેમઘટા ઝૂક આઈ.
સઘન ગગનથી સુન્દર વરસ્યો પ્રેમામૃતની ધારા,
જીવનની જમનાના છલકી ઊઠ્યા બેઉ કિનારા;
                                        મુદિત રહ્યુ મન ન્હાઈ – સંતો..

મ્હેકી ઊઠી ઉરધારા, છવાઈ હર્ષ તણી હરિયાળી,
વાદળઉરને વીંધતી આંખો વીજલની અણિયાળી;
                                             પ્રગટ પ્રેમગહરાઈ – સંતો…

ગહન તિમિરને અંક સપનમાં ઢળી સૃષ્ટિની કાયા,
સકલ ચરાચર પરે અકલની ઢળી અલૌકિક છાયા;
                                             ભેદ ગયા ભૂંસાઈ – સંતો…

– જયન્ત પાઠક

અંદરના આનંદને વ્યક્ત કરવા સિવાયના કોઈ કારણ વિના આ ગીત લખ્યું હોય એવું તરત જ દિલને લાગે છે. હિન્દી શબ્દોનો પ્રયોગ મીરાંના પદમાં આવે એટલી જ સહજતાથી અહીં પણ આવે છે. નકરા આનંદથી નીતરતું આ ગીત મોટેથી ગાઈને વાંચો તો જ લયની ખરી મઝા આવે એમ છે.

Comments (4)

કવિતા – જયન્ત પાઠક

ચોકની વચ્ચે ઊભી કરેલી
શૂળી પર ચઢી
હસતાં હસતાં વીંધાઈ જવાની હિંમત છે ?
ધગધગતા અંગારાને
હથેળીમાં લઈને રમાડવાની આવડત છે ?
ચણોઠીઓ ફૂંકી ફૂંકીને
તાપણું કરી તાપવાની ધીરજ છે ?
ઊભી દીવાલમાંથી
આરપાર નીકળી જવાની હિકમત છે ?
કરોળિયાના જાળામાં
આખા બ્રહ્માંડને
તરફડતું જોવાની આંખ છે ?
હોય તો તું
કવિતા કરી શકે – કદાચ.

– જયન્ત પાઠક

કવિતા લખવાની પ્રક્રિયા પર કવિઓએ ઘણું લખ્યું છે. કવિ હોવા વિષે મારું પ્રિય કાવ્ય છે સમુદ્ર.  આગળ વિવેકે તો સર્જનની પ્રક્રિયા બયાન કરતા ઉત્તમોતમ શેર-પંક્તિઓનું મઝનું સંકલન કરેલું ( ભાગ એક અને ભાગ બે ) એય અહીં ફરી મમળાવવા જેવું છે.

Comments (3)

જીવી ગયો હોત – જયન્ત પાઠક

કોઈ નથી-ના આ બંધ ઓરડામાં
આંટા મારતી
મારી એકલતાના કાનમાં
તમે ‘હું છું ને’ એટલું જ બોલ્યાં હોત
તો હું જીવી ગયો હોત;

મરણના મારગે આ ચરણ ઊપડ્યા ત્યારે
તમે માત્ર ‘ઊભા રહો’ એટલું જ કહ્યું હોત
તો હું જીવી ગયો હોત;

મુખ પર ઢંકાયેલી
મૃત્યુની ચાદરને સહેજ આઘી કરીને
તમે માત્ર ‘કેમ છો?’ એટલું જ પૂછ્યું હોત
તો હું જીવી ગયો હોત;

આમ તો કદાચ
મરવા કરતાં જીવવાનું જ સહેલું હતું
પણ… તે મારા હાથમાં નહોતું !

– જયન્ત પાઠક

આ કવિતામાં કવિ જ્યારે ત્રણ નાની માંગણીઓ ગણાવે છે ત્યારે ખ્યાલ આવે છે કે પ્રેમ કેટલી સાદી, નાની ને સરળ વાતો પર ટકેલો હોય છે ! ‘હું છું ને’, ‘ઊભા રહો’ અને ‘કેમ છો?’ આટલી સામાન્ય લાગણીઓ પ્રેમનો પાયો હોય છે. એમ છતાંય આપણે રોજે રોજ પોતાના પ્રેમને ટૂંકો પડતો જોઈએ છીએ.

Comments (2)

પ્રીત કીધી – જયન્ત પાઠક

એક એવી તે પ્રીત અમે કીધી
ઘૂંટમાં આખી પિયાલી પીધી!
પીંછામાં એક, અમે પંખીને પામિયા
ને તારામાં એકલ આકાશ;
લહરીમાં એક લીધો સાગરને તાગી
ને એક જ કિરણમાં પ્રકાશ.

એક એવી તે પ્રીત અમે કીધી
કે મીટમાં નજરું હજાર બાંધી લીધી!
એક જ ઉચ્છવાસ અમે લીધો ને રોમ રોમ
ઊઘડ્યાં ફટોફટ ફૂલ;
એક જ નિશ્વાસ અમે મૂક્યો ને કંપિયાં
વનવનનાં પર્ણો વ્યાકુળ:
એક એવી તે પ્રીત અમે કીધી
કે ભંગમાં રેખાઓ ઊઘડી સીધી!

– જયન્ત પાઠક

Comments

શ્યામસુંવાળું અંધારું – જયંત પાઠક

શ્યામસુંવાળું
સીસમ જેવું અંધારું
કિરણની કરવતથી વ્હેરાય

રજ રજ અજવાળું થૈ ખરે
પવનમાં ઊડે
પાંદડે બેસી ફરફરે !
પતંગિયાની પાંખો ઉપર તરે,
પાણીમાં બૂડે
રેતકણોમાં તળિયે ચળકે
મીન થઈને સળકે
આભ થઈને પથરાય
કીકીના કાજળમાં કલવાય
ટપકું થૈને ઝળકે!

– જયંત પાઠક

જયંત પાઠકના બીજા કાવ્યો પણ માણો – માણસ અને ના રસ્તા કે ના ઝરણાં.

Comments

માણસ -જયંત પાઠક

રમતાં રમતાં લડી પડે ભૈ, માણસ છે;
હસતાં હસતાં રડી પડે ભૈ, માણસ છે.

પહાડથીયે કઠ્ઠણ મક્કમ માણસ છે;
દડદડ દડદડ દડી પડે ભૈ, માણસ છે.

ચંદર ઉપર ચાલે ચપચપ, માણસ છે;
ને બે ડગલે ખડી પડે ભૈ, માણસ છે.

સૂર્યવંશીનો પ્રતાપ એનો, માણસ છે;
ભરબપ્પોરે ઢળી પડે ભૈ, માણસ છે.

પૂજાવા ઝટ થયા પાળિયા, માણસ છે;
ટાણે ખોટ્યું પડે, પડે ભૈ, માણસ છે.

-જયંત પાઠક

Comments (1)

Page 3 of 4« First...234