પાનખર વીતી છતાં ખરતાં રહે છે
પાંદડાને લાગી આવ્યું પાંદડાનું.
ઉદયન ઠક્કર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for દામોદર બોટાદકર

દામોદર બોટાદકર શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

જનની - દામોદર બોટાદકરજનની – દામોદર બોટાદકર

મીઠાં મધુ ને મીઠા મેહુલા રે લોલ,
એથી મીઠી તે મોરી માત રે,
જનનીની જોડ સખી ! નહી જડે રે લોલ.

પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રે લોલ,
જગથી જુદેરી એની જાત રે … જનનીનીo

અમીની ભરેલી એની આંખડી રે લોલ,
વ્હાલનાં ભરેલાં એનાં વેણ રે … જનનીનીo

હાથ ગૂંથેલ એના હીરના રે લોલ,
હૈયું હેમંત કેરી હેલ રે … જનનીનીo

દેવોને દૂધ એનાં દોહ્યલાં રે લોલ,
શશીએ સિંચેલ એની સોડ્ય રે … જનનીનીo

જગનો આધાર એની આંગળી રે લોલ,
કાળજામાં કૈંક ભર્યા કોડ રે … જનનીનીo

ચિત્તડું ચડેલ એનું ચાકડે રે લોલ,
પળના બાંધેલ એના પ્રાણ રે … જનનીનીo

મૂંગી આશિષ ઉરે મલકતી રે લોલ,
લેતાં ખૂટે ન એની લ્હાણ રે … જનનીનીo

ધરતીમાતાયે હશે ધ્રૂજતી રે લોલ,
અચળા અચૂક એક માય રે … જનનીનીo

ગંગાનાં નીર તો વધે-ઘટે રે લોલ,
સરખો એ પ્રેમનો પ્રવાહ રે … જનનીનીo

વરસે ઘડીક વ્યોમવાદળી રે લોલ,
માડીનો મેઘ બારે માસ રે … જનનીનીo

ચળતી ચંદાની દીસે ચાંદની રે લોલ,
એનો નહીં આથમે ઉજાસ રે
જનનીની જોડ સખી ! નહી જડે રે લોલ.

– દામોદર ખુ. બોટાદકર

જનનીની સ્તુતિ કઈ ભાષામાં કયા કવિએ નથી કરી? પણ તોય લોકપ્રિયતાની ચરમસીમાઓ અડી ચૂકેલું બોટાદકરનું આ ગીત એક અલગ જ ‘ફ્લેવર’ સર્જે છે…

મધથી મીઠું તે વળી શું હોય ? અને તરસી ધરતી માટે મેઘથી અદકેરું ગળ્યું શું હોય ? પણ જગતની સઘળી મીઠાશથીય મીઠી તો મા જ હોય ને ! ગંગાના નીરમાં વધ-ઘટ થઈ શકે, વાદળના વરસવાની મોસમ હોઈ શકે, ચંદ્રની ચાંદની કળાનુસાર ક્ષીણ થઈ શકે પણ માનો પ્રેમ તો અનર્ગળ અનવરત એકધારો વહેતો જ રહેવાનો… મા તો પ્રભુના પ્રેમની પ્રસાદી છે સાક્ષાત્ ! એની જોડ ક્યાંથી જડી શકે ?

Comments (19)