જમાનાના ખાધેલ હૈયાને પૂછો, અમે શું ગુમાવ્યું ને શું મેળવ્યું છે !
અમસ્તી નિછાવર નથી ‘શૂન્ય કીધી, ફક્ત એક નજર પર યુગોની કમાણી !
શૂન્ય પાલનપુરી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for તખ્ત સોલંકી

તખ્ત સોલંકી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




કેમ રહો છો મૂંગામંતર – ‘તખ્ત’ સોલંકી

નાનકડો તું કાગળ લખને,
બાકી છે, તે આગળ લખને !

વરસાદી મોસમના સમ છે,
ઝરમર ઝરમર વાદળ લખને !

શબ્દોના સાગર ક્યાં મળશે ?
ઝરણાં જેવી ખળખળ લખને !

પતંગિયા રૂપે મળશું પણ,
ફૂલો જેવું તું સ્થળ લખને !

કેમ રહો છો મૂંગામંતર ?
‘તખ્ત’ મિલનની બે પળ લખને !

– ‘તખ્ત’ સોલંકી

ટૂંકી બહેરની ગઝલ લખવી અને એમાંથી વળી કવિતા ઉપસાવવી આમેય થોડું દોહ્યલું હોય છે, એવામાં કવિતા ઉપરાંત વાતચીતનો કાકુ પણ સિદ્ધ  કરી શકાય તો તો ગંગા નાહ્યા. વડોદરાના ‘તખ્ત’ સોલંકીની આ ગઝલ આ કસોટી પર ખરી ઉતરે છે. મત્લાનો શેર જ -મનનો ને મહેફિલનો- મુશાયરો જીતી લે એવો થયો છે.  સાચા પ્રેમમાં અપેક્ષા લાંબીચોડી હોતી નથી પણ જે હોય છે તે છતી કરવામાં નાનમ પણ હોતી નથી. વધુ નહીં તો એક નાનકડોય કાગળ લખવાનું કવિ ઇજન આપે છે અને જે કહેવાઈ ગયું છે અથવા સમજાઈ ગયું છે અથવા આગળ લખાઈ ગયું છે એનું પુનરાવર્તન કરવું જરૂરી નથી એવું ટૂંકમાં સમજાવી એક નાનકડા અલ્પવિરામનો સચોટ ઉપયોગ કરી કવિ આગળ લખવા કહે છે… પણ અહીં પ્રેમ છે, એટલે વિનંતી સાથે આગ્રહ પણ છે… ‘લખ’ પાછળ ‘ને’નો ભાર જોડીને કવિ પ્રણયના ભાવને સ-રસ ઘૂંટે છે…

(સાભાર સ્વીકાર : ‘ગઝલ ગરિમા – 2008’, સંપાદક: શ્રી પંકજ શાહ)

Comments (15)