આ લખવા-વાંચવામાં ખોઈ બેસવાનું જાતને,
બહાનું તારી ગેરહાજરીને ખાળવાનું છે.
વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for જયંત ‘સંગીત’

જયંત ‘સંગીત’ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

ગઝલ - જયંત 'સંગીત'
ગઝલ - જયંત સંગીતગઝલ – જયંત સંગીત

આંધળી આંખે બધું જોતાં રહે છે ટેરવાં,
સ્પર્શનું રૂપાંતરણ કરતાં રહે છે ટેરવાં.

એકબીજામાં ભળીને ઓગળી જાતું સકલ,
ને સપાટી પર ફકત તરતાં રહે છે ટેરવાં.

ના થવાની તૃપ્ત હું ક્યારેય પણ વ્હાલી સખી,
રોજ મારામાં તરસ ભરતાં રહે છે ટેરવાં.

આ દિવસની માછલી પણ હાથમાં રહેતી નથી,
ને ઉપરથી રાત ખોતરતાં રહે છે ટેરવાં.

શું કહું ? શરમાઉં છું કહેતા તને સંગીતયા,
એમને સ્પર્શ્યા પછી રાતાં રહે છે ટેરવાં.

– જયંત સંગીત

ધીમે ધીમે ઉઘાડો તો સકળ ઓગળીને એકાકાર થઈ જાય એવી પણ દોડીને પસાર થઈ જાવ તો સપાટી પર ફક્ત ટેરવાં જ તરતાં રહી જાય એવી ગઝલ. અને આ સ્પર્શની, પ્રેમની તરસની કદી તૃપ્તિ પણ થતી નથી… જેટલું પીઓ એટલી એટલી એ વધવાની, ઇચ્છાની જેમ જ…. દિવસ હાથમાં નથી ને રાતની ઝંખના છે…

Comments (12)

ગઝલ – જયંત ‘સંગીત’

શ્રી સવા ને શુભ એ લખતા નથી,
મોરચા પર તોય લડખડતા નથી.

શ્વાસ કરતાં પણ ઉપરવટ હોય છે,
સાવ કંઈ સ્હેલાઈથી મળતા નથી.

માછલી દરિયો ગળી જાતી ભલે,
ખારવા એવી રમત રમતા નથી.

રંગ લીલો હોય કે ભગવો, કદી –
વાવટાઓ વા વગર હલતા નથી.

સ્તોત્ર બબડીને બળી ગઈ જીભ પણ,
ભૂખના લોબાન ઓગળતા નથી.

– જયંત ‘સંગીત’

લગભગ બધા જ શેર સુંદર થયા હોય એવી શીરાની જેમ ગળે ઊતરી જતી ગઝલ…

Comments (17)