પાનખરમાં પર્ણ પીળાં થાય છે,
એક સપનું આંખમાં મુરઝાય છે.

જે કદી યે શબ્દમાં આવે નહીં,
તે જ બિસ્મિલ મૌનમાં પડઘાય છે.
બિસ્મિલ મન્સૂરી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for લાલજી કાનપરિયા

લાલજી કાનપરિયા શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

અત્તરિયા રાજા ! - લાલજી કાનપરિયા
શેતલ ! તારા તીરે - લાલજી કાનપરિયાશેતલ ! તારા તીરે – લાલજી કાનપરિયા

શેતલ ! તારા તીરે
મૂક્યાં’તાં મેં શમણાં ચપટીક રમતાં તારાં નીરે !

વીરડા ગાળી પાયાં જેણે અમરત જેવાં પાણી,
ખબર નથી કે આજ હશે ક્યાં રુદિયાની એ રાણી !
જનમજનમની તરસ કદાચ લખાઈ હશે તકદીરે !
.                                           શેતલ ! તારા તીરે.

તું સુકાણી, અમે સુકાયા, સમય પણ સુકાયો,
બારે મહિના ઘોર ઉનાળો, ફરી ન ફાગણ આયો !
અસ્તાચળે સૂરજ હવે આ ડૂબે ધીરે ધીરે
.                                           શેતલ ! તારા તીરે.

– લાલજી કાનપરિયા

હૈયામાં કોઈ ક્રૌંચવધ થયો હોય ત્યારે જ આવું ગીત સંભવે. સલામ, કવિ !

Comments (5)

અત્તરિયા રાજા ! – લાલજી કાનપરિયા

ઊગ્યા ઊગ્યા ડુંગર વચ્ચે દરિયા રે અત્તરિયા રાજા !
પડછાયા પાણીમાં  એવા તરિયા રે અત્તરિયા રાજા !
પાંપણમાંથી કોઈ અચાનક છટક્યું રે અત્તરિયા રાજા !
લોચનને અંધારું એવું ખટક્યું રે અત્તરિયા રાજા !
ખરી ગયેલા શ્વાસ છાતીએ વાગ્યા રે અત્તરિયા રાજા !
અડધી રાતે સાગ-ઢોલિયા જાગ્યા રે અત્તરિયા રાજા !
હથેળીયુંમાં ખળખળ નદીયું વહેતી રે અત્તરિયા રાજા !
ભીની ભીની દંતકથાઓ કહેતી રે અત્તરિયા રાજા !
ઘર, ફળિયું ને નળિયાં ડસવા લાગ્યાં રે અત્તરિયા રાજા !
અમને અમારાં સમણાં હસવા લાગ્યાં રે અત્તરિયા રાજા !

– લાલજી કાનપરિયા

ટૂટી ગયેલા સંબંધની વાત, અલગ અંદાજ ને અલગ અસર સાથે. એક તરફ લોકગીતો જેવો માહોલ જ્યારે બીજી તરફ જગદીશ જોષી જેવી અસર. કવિએ વાંચતાની સાથે ખાલીપો ઘેરી વળે એવા કલ્પનોનું આખું ટોળું ભેગું કર્યું છે.

Comments (8)