પ્રેમ એટલે કે તારા ગાલોના ખાડામાં
ડૂબી જતાં મારાં ચોર્યાસી લાખ વહાણોનો કાફલો !
મુકુલ ચોકસી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for મનોજ જોશી ડૉ.

મનોજ જોશી ડૉ. શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

(ખાલીપો) - ડૉ.મનોજ જોશી 'મન'
કવિ V/s કવયિત્રી : ગઝલ V/s ગઝલ
કૂંડાળું - મનોજ જોશી
ખખડવાની - ડૉ. મનોજ જોષી 'મન'
ખૂબ અઘરું છે - મનોજ જોશી
ગઝલ - ડૉ. મનોજ એલ. જોશી 'મન'
ગઝલ - ડૉ. મનોજ લલિતચંદ્ર જોશી
ઘસી ઘસીને - મનોજ જોશી
છોડી દો - ડૉ. મનોજ જોશી ‘મન’
જીવી લે ! - ડૉ. મનોજ જોશી 'મન'
તરસતો ગયો છું - ડૉ. મનોજ જોષી 'મન'
તરાપો - ડૉ. મનોજ જોશી 'મન'
ન તારી ન મારી - ડૉ. મનોજ જોશી 'મન'
નીકળી જવાનું છે - ડૉ મનોજ જોશી
પલાંઠી લગાવીને બેઠો - ડૉ. મનોજ જોષી 'મન'
મનજી - ડૉ.મનોજ જોશી 'મન'કવિ V/s કવયિત્રી : ગઝલ V/s ગઝલ

લયસ્તરો પર કોઈ કૃતિ પ્રકાશિત થઈ હોય અને એના અનુસંધાનમાં કોઈ અગત્યની સાહિત્યિક ઘટના બને અને કૃતિના સર્જક સંપાદકો પાસે દાદ માંગે ત્યારે પીછેહઠ કરવાના બદલે એ ઘટનાને યોગ્ય પ્રકાશમાં લાવવું એ લયસ્તરોની નૈતિક ફરજ બની રહે છે… લયસ્તરોના ચારેય સંપાદકમિત્રોએ પરસ્પર સવિસ્તૃત ચર્ચા કર્યા બાદ અમે આ ગઝલોનો જાહેર ઘટનાક્રમ અહીં મૂકીએ છીએ…

ન તારી ન મારી નથી કોઈની પણ,                  ન તારી, ન મારી નથી કોઈની પણ,
સ્થિતિ સાવ સારી નથી કોઈની પણ.               દશા સાવ સારી, નથી કોઈની પણ.

કદી સ્હેજ ઉપર, કદી સ્હેજ નીચે,                              બધા જિન્દગીને ગળે લઈ ફરે છે,
દશા એકધારી નથી કોઈની પણ.                             અને એ ધુતારી, નથી કોઈની પણ.

બિછાને નહીં તો હશે મનમાં કાંટા,                           અધૂરી ખુશીની યે ચૂકવી છે કિંમત,
ફૂલોની પથારી નથી કોઈની પણ.                           અમારે ઉધારી નથી કોઈની પણ.

બધા જિંદગીને ગળે લઈ ફરે છે,                         કરોડો સૂરજથી ઉજાગર છે હૈયું,
અને એ ધુતારી નથી કોઈની પણ.                     અહીં એ ખુમારી નથી કોઈની પણ.

જરા આયના પાસ બેસી વિચારો,                            અહીં સ્વપ્ન તૂટે જ, તેથી જ રાતો
બધી ચીજ પ્યારી નથી કોઈની પણ.                        પ્રભુએ વધારી નથી કોઈની પણ.

– ડૉ. મનોજ એલ. જોશી ‘મન’                                    – દિવ્યા રાજેશ મોદી

આ બે ગઝલમાં હાઇ-લાઇટ કરેલા બે શેરની સમાનતા જોઈ?

ડૉ. મનોજ જોશીની આ ગઝલ લયસ્તરો પર (http://layastaro.com/?p=6842)13 જુલાઈ, 2011ના રોજ મૂકવામાં આવી હતી. એ અગાઉ આ ગઝલ શ્રી રશીદ મીર સંપાદિત ‘ધબક‘ સામયિકમાં ડિસેમ્બર, 2009માં પ્રકાશિત થઈ ચૂકી હતી.  દિવ્યા રાજેશ મોદીની આ ગઝલ શ્રી રાજેશ વ્યાસ મિસ્કીન સંપાદિત ‘ગઝલવિશ્વ‘માં ડિસેમ્બર, 2011ના અંકમાં પ્રકાશિત થઈ.  અને દિવ્યાની આ જ ગઝલ શ્રી પ્રવીણ શાહના બ્લૉગ ‘ગુર્જર કાવ્ય ધારા‘ (http://aasvad.wordpress.com/2012/05/30/d-310/) પર ત્રીસમી મે, 2012ના રોજ પુનઃપ્રકાશિત થઈ.

Comments (60)

પલાંઠી લગાવીને બેઠો – ડૉ. મનોજ જોષી ‘મન’

ગજબની પલાંઠી લગાવીને બેઠો,
વિચારોની વચ્ચે તું આવીને બેઠો.

ઘટાટોપ ઇચ્છાઓ ઘેરાણી અહિંયા,
અહીં ક્યાં તું ધૂણી ધખાવીને બેઠો?

કદી બહાર નીકળી શક્યો ના ધુમાડો,
આ કેવી ચલમ તું ઝગાવીને બેઠો !

તૂટ્યું તડ દઈને કશું ક્યાંક અંદર,
ભલે તું કહે ઘા ચુકાવીને બેઠો.

સમયસર તને ચેતાવ્યો’તો છતાં તું,
ફરીથી કલમ કાં ઊઠાવીને બેઠો ?

– ડૉ. મનોજ જોષી ‘મન’

સંબંધોમાં ઘા નિશાન પર ન લાગે તોય ઘણું તૂટતું હોય છે એ વાત કવિ કેવી વેધક રીતે કરી શક્યા છે !

Comments (7)

ખખડવાની – ડૉ. મનોજ જોષી ‘મન’

ખખડવાની નથી જોતી હવે તો રાહ પણ ડેલી,
અને ફળિયુંય બેઠું છે બધી આશાઓ સંકેલી.

મીંચીને આંખ આ છજ્જુ હવે ચુપચાપ સૂતું છે,
લઈ પાંપણના ખૂણા પર ઘણીએ વાત ભીંજેલી.

હજુ ક્યારેક ઉંબરને સતાવે છે જૂના સ્પર્શો,
‘ઘણી ખમ્મા’ કહીને યાદ કરતો ઠેસ વાગેલી.

કદી પડઘાય છે વાતો અને ગૂંજે કદી કલરવ,
ગુમાવી કાનનો વિશ્વાસ ઊભી છે ભીંત થાકેલી.

ખૂણેખૂણો તપાસે છે આ ખાલી ઘરનો સન્નાટો,
દિવસ જ્યાં આજ સૂતો છે, હતી ત્યાં રાત જાગેલી.

– ડૉ. મનોજ જોષી ‘મન’

મનોજ જોષીની ગઝલોમાંથી પસાર થતી વખતે મને હંમેશા લાગ્યું છે કે આ કવિ હમરદીફ- હમકાફિયા ગઝલમાં કમાલનું કામ કરે છે. આ ગઝલ પર નજર નાંખી તો તરત જણાય કે કવિ કાફિયા પાસે નથી જતા, કાફિયા ખુદ કવિ પાસે આવે છે…

Comments (15)

તરાપો – ડૉ. મનોજ જોશી ‘મન’

હજી છોડી શક્તો નથી હું તરાપો,
મને ડૂબવા કોઈ વરદાન આપો.

તમે કર્મના ઘેર મારો જો છાપો,
મળે પુણ્ય પાછળ છુપાયેલ પાપો.

મને કૈંક શાતા વળે રોમેરોમે,
ભીતર આગ એવી હવે કો’ક ચાંપો.

કબીરાની માફક મેં રાખ્યું યથાતથ,
નથી કોઈ ડાઘો, નથી ક્યાંય ખાંપો.

ભલે, ભાગ્ય પહોંચાડશે દ્વાર લગ પણ,
પછી તો પ્રયત્નો જ ખોલે છે ઝાંપો.

– ડૉ. મનોજ જોશી ‘મન’

ગઝલકારોના અડાબીડ ફાટી નીકળેલા જંગલમાં બહુ જૂજ ઝાડવાં એવાં છે જે જંગલની શાન બની શકે એવાં છે. મનોજ જોશીનું નામ આ યાદીમાં ચોક્કસ મૂકી શકાય.  પ્રસ્તુત હમરદીફ-હમકાફિયા ગઝલમાં એમણે જે રીતે કાફિયા પ્રયોજ્યા છે એ જોઈએ એટલે તરત જ આ વાત સમજી શકાય. છેલ્લો શેર તો કાળાતીત થવા સર્જાયો છે…

Comments (12)

ન તારી ન મારી – ડૉ. મનોજ જોશી ‘મન’

ન તારી ન મારી નથી કોઈની પણ,
સ્થિતિ સાવ સારી નથી કોઈની પણ.

કદી સ્હેજ ઉપર, કદી સ્હેજ નીચે,
દશા એકધારી નથી કોઈની પણ.

બિછાને નહીં તો હશે મનમાં કાંટા,
ફૂલોની પથારી નથી કોઈની પણ.

બધા જિંદગીને ગળે લઈ ફરે છે,
અને એ ધુતારી નથી કોઈની પણ.

જરા આયના પાસ બેસી વિચારો,
બધી ચીજ પ્યારી નથી કોઈની પણ.

– ડૉ. મનોજ એલ. જોશી ‘મન’

જામનગરના તબીબ-કવિ મનોજ જોશીની એક ધાંસૂ ગઝલ. પાંચમાંથી એક પણ શેર એવો નથી જેને નબળો ગણી શકાય અને પાંચમાંથી એકેય એવો નથી જેને બીજાથી વધુ ચડિયાતો ગણી શકાય… હા, મને એક પ્રશ્ન થયો… કવિનું ઉપનામ ‘મન’ હોવા છતાં એમણે શા માટે ‘મન’વાળો ત્રીજો શેર મક્તા ન બનાવ્યો? એ શેર મક્તાના શ્રેષ્ઠતમ ઉદાહરણોમાં અવ્વલ સ્થાને બેસી શકે એવો થયો છે…

Comments (10)

ગઝલ – ડૉ. મનોજ લલિતચંદ્ર જોશી

બસ એટલુંક આજે વરસાય તો ઘણું છે,
ઝરમર જરા તરા તું ભીંજાય તો ઘણું છે.

આપી શકાય ઉત્તર; એ વાત તો પછીની
પહેલાં સવાલ એનો, સમજાય તો ઘણું છે.

કોલાહલોની વચ્ચે, આ કાનનું ગજું શું ?
ને ચીસ સાવ મૂંગી ! દેખાય તો ઘણું છે.

બેફામ હાસ્ય બાહર, સન્નાટા સાવ અંદર !
આવી સ્થિતિ તમારી, ના થાય તો ઘણું છે.

ઊડી રહ્યા છે ચોગમ, પંખી બનીને શબ્દો
થોડા ઘણાં ગઝલમાં, ડોકાય તો ઘણું છે !

– ડૉ. મનોજ લલિતચંદ્ર જોશી

જામનગરના તબીબ મનોજ જોશીની મનભર ગઝલ ઘણું છે કહીને ખરેખર ઘણું કહી જાય છે. પ્રેમમાં કેવો સંતોષ હોય છે ! પ્રિયજન ભીંજાય બસ, એટલુંય જો વરસી જવાય તો એ પ્રણયનું સાફલ્યટાણું છે. तुम इतना जो मुस्कुरा रहे हो, क्या गम है, जिस को छुपा रहे हो ? જેવો અર્થભાર ધરાવતો શેર પણ સાની મિસરાના કારણે ચોટુકડો થયો છે. ભીતરના ઘેરા અંધકાર અને ખાલીપાને છુપાવવા માટે બહાર ખોખલું હાસ્ય વેરતા રહેવું પડે એ લાચારી તો અનુભવી હોય તોજ સમજાય પણ કવિતા ત્યારે બને છે જ્યારે કવિ આવી સ્થિતિ પ્રિયપાત્રની ન થાય એની કામના કરે છે…

Comments (25)

Page 2 of 212