એમ કોઈ બહાર રહીને આપણી ભીતર રહે,
જેમ ઊડતા પંખીનો પડછાયો ધરતી પર રહે.
આમ અંદર બ્હાર એકાકાર થઈ જાશે પછી,
શો ફરક કે કોઈ મારી બ્હાર કે ભીતર રહે.
મુકુલ ચોક્સી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for હિમલ પંડ્યા ‘પાર્થ’

હિમલ પંડ્યા ‘પાર્થ’ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

ગઝલ - હિમલ પંડ્યા
ગઝલ - હિમલ પંડ્યા 'પાર્થ
ગઝલ - હિમલ પંડ્યા 'પાર્થ'
દોડ ને! - હિમલ પંડ્યા 'પાર્થ'દોડ ને! – હિમલ પંડ્યા ‘પાર્થ’

કોણ તારું, કોણ મારું, છોડ ને!
એકલા છે દોડવાનું, દોડ ને!

જ્યાં ટકોરા મારવાનું વ્યર્થ છે,
કામ લે હિમ્મતથી, તાળું તોડ ને!

રોજ જે ચહેરો સતત જોવો ગમે,
આઈના પર એ જ ચહેરો ચોડ ને!

કેટલા ભેગા થયેલાં છે સ્મરણ?
તું સમયનો સહેજ ગલ્લો ફોડ ને!

લે, હવે વધસ્તંભ પર આવી ઊભા!
હોય ખીલ્લા એટલા તું ખોડ ને!

ત્યાં નિરંતર ઈશ વસતો હોય છે,
તું હૃદય સાથે હૃદયને જોડ ને!

– હિમલ પંડ્યા ‘પાર્થ’

સાવ અનૂઠો કાફિયો પણ જુઓ તો, કેવી સહજતાથી અને બખૂબી નિભાવ્યો છે કવિએ ! અને સાથે એકાક્ષરી રદીફ “ને” મૂકીને કવિએ આખી રચનાનો સંદર્ભ જ સફળતાપૂર્વક બદલી નાંખ્યો છે. આવી કૃતિ માણવા મળે ત્યારે કળા સાથે કસબનો સાચો મહિમા સમજાય…

Comments (9)

ગઝલ – હિમલ પંડ્યા ‘પાર્થ

બે ઘડીની આ રમતને શું કરું?
શ્વાસ સાથેની મમતને શું કરું?

આખરે તો હારવાનું છે પછી,
મોત સામેની લડતને શું કરું?

આંખથી એ તો સરી જાશે કદી,
આંસુઓ કેરી બચતને શું કરું?

પાછું વાળી જોઉં તોયે વ્યર્થ છે,
હું ગયેલા એ વખતને શું કરું?

બેઉ પક્ષેથી એ નભવી જોઈએ!
પ્રેમની પહેલી શરતને શું કરું?

લાગણી આપો જરા તો ઠીક છે,
આ ઉપેક્ષાઓ સતતને શું કરું?

‘પાર્થ’ જેને શોધતાં થાકે ચરણ,
સ્વપ્નમાંના એ જગતને શું કરું?

– હિમલ પંડ્યા ‘પાર્થ

કેવી સ-રસ ગઝલ… એક-એક શેર પાણીદાર !

નાની ઉંમરે મૃત્યુને સન્મુખ આવી ઊભેલું જોનાર અને સદનસીબે જીવતદાન પામનાર આ યુવા કવિની ગઝલોમાં મૃત્યુનો સંસ્પર્શ સતત વર્તાતો જોવા મળે છે…

Comments (7)

ગઝલ – હિમલ પંડ્યા

એક જ ટીપામાં હો જાણે સાત સમંદર,
એવાં ઝંઝાવાત હજુ હૈયાની અંદર.

હોય હરણને મૃગજળથી બે હાથનું છેટું,
તારી ને મારી વચ્ચે બસ આટલું અંતર.

જેવો હું , એવો તું યે નક્કી હોવાનો,
ભેદ ભલે હો બહાર, બધું સરખું છે ભીતર.

આ અંધારા-અજવાળાની સતત ઊતરચડ,
કોણ યુગોથી ખેલે આવાં જાદુમંતર ?

જુઓ, કિનારે હાથ કોઈ ફેલાવી ઊભું,
ચાલો અહીંયા અટકી જઈએ, નાખો લંગર.

– હિમલ પંડ્યા

મજાની ગઝલ… એક-એક શેર પાણીદાર…

આ ગઝલ આપ ગુજરાતી કાવ્ય-સંગીતની શિરમોર વેબસાઇટ ટહુકો.કોમ પર માણી શક્શો.

 

Comments (4)

ગઝલ – હિમલ પંડ્યા ‘પાર્થ’

અટકશે ક્યાં જઈને આ જમાનો, કો’ક તો બોલો,
વખત આથી ય શું ભારે થવાનો, કો’ક તો બોલો.

જનમ આ માનવી કેરો મળ્યો વરદાનરૂપે કે –
ખુદાએ લાગ ગોત્યો છે સજાનો ? કો’ક તો બોલો.

હૃદયની લાગણીઓ, પ્રેમ ને વિશ્વાસ – સંબંધો,
થશે અંજામ શું આખર બધાનો ? કો’ક તો બોલો.

બધું ભૂલી જવું છે દોસ્ત મારે, બોલ શું કરવું ?
અનુભવ છે અહીં કોને નશાનો, કો’ક તો બોલો.

હજારો વેદનાઓ મેં છુપાવી છે હૃદય માંહે,
મળે ક્યો આદમી આવા ગજાનો, કો’ક તો બોલો.

અનોખી આપણી મહેફિલ અને અંદાજ નોખો છે,
મળ્યો છે માંડ આ મોકો મજાનો, કો’ક તો બોલો.

અમે તો “પાર્થ” હૈયું ઠાલવી બેઠાં ગઝલરૂપે,
ન રાખો આજ કોઈ ભેદ છાનો, કો’ક તો બોલો.

હિમલ પંડ્યા ‘પાર્થ’

પરદા પાછળ રહીને સૃષ્ટિનો સતત દોરી-સંચાર કરતા રહેતા અને મનુષ્યને મર્કટની જેમ નચવતા રહેતા ઈશ્વરને કવિઓએ જ્યારે જ્યારે લાગ મળ્યો છે ત્યારે આડે હાથે લીધો છે. મનુષ્ય જન્મ એ શું કોઈ વરદાન છે કે પછી ઈશ્વરની સજા કરવાની કોઈ રીત છે એમ કવિ કહે છે ત્યારે દુબારા…દુબારા સ્વગત્ જ કહેવાઈ જાય છે…

Comments (10)