સરાણે શ્વાસની કાયમ અમે શબ્દોની કાઢી ધાર,
ફકત એ કારણે કે કાવ્ય કોઈ ના રહે બૂઠું.
વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for જગદીશ ત્રિવેદી

જગદીશ ત્રિવેદી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




કેમે કર્યો આ હાથ – જગદીશ ત્રિવેદી

ફૂલનો ગુચ્છો લઈને એક ડાળી પાતળી
રોજ બારીમાં રહે છે ઝૂમતી-
આ હાથ ફેલાવું અને
આવી પડે-
એટલું- બસ એટલું અંતર,
કેમે કર્યો પણ હાથ ફેલાયો નહિ.

એક અણિયાળું શિખર
મુજ આંખને તેજલ તળાવે
રોજ તરવા ઊતરે-
કાંઠે પડેલો હાથ તરસ્યો તાકતો એવી રીતે
કેમે કર્યો આ હાથ લંબાયો નહિ.

ક્યારેક તો મુજ શીર્ષને સ્પર્શી જતું
આકાશ આવે છે ઝૂકીને એટલું નીચું-
એક્કેય પણ તે તારલાને ચૂંટવા
કેમે કર્યો આ હાથ ઊંચકાયો નહિ.

-જગદીશ ત્રિવેદી

ત્રણ અલગ અલગ પ્રતીકો સાથે કવિ નિષ્ક્રિય પડેલા હાથની નિષ્પ્રાણતા સંયોજી અદભુત કાવ્યતત્ત્વ સિદ્ધ કરે છે. ‘કેમે કર્યો આ હાથ ફેલાયો/લંબાયો/ઊંચકાયો નહીં’ પંક્તિને કવિતાના ત્રણે ભાગના અંતે માત્ર એક જ શબ્દફેર સાથે ગીતમાં ઉપાડ તરીકે આવતી ધ્રુવપંક્તિની જેમ પ્રયોજીને કવિ જે કહેવા માંગે છે એને સતત ઘૂંટતા રહે છે.

આપણી આંખની સામે, આપણી આંખની અંદર અને આપણી આંખની ઉપર એમ આપણી અંદર-બહાર-ચોતરફ વ્યાપ્ત સત્ત્વ કે ઈશ્વર કે તકો કે ખુશીને આપણે તરસ્યા થઈને જોતા જ રહીએ છીએ. એને પામવા માટેનો યોગ્ય પુરુષાર્થ કરવાની આપણી વૃત્તિ જ મરી પરવારી છે જાણે.

Comments (8)