કૃષ્ણ દવે શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
November 30, 2008 at 12:15 am by વિવેક · Filed under અછાંદસ, કૃષ્ણ દવે
નવા નવા થયેલા શહીદોએ કહ્યું,
અમને ગર્વ છે કે અમે દેશ માટે જીવ આપી દીધો.
આટલું સાંભળીને એક સીનિઅર શહીદ બોલ્યા: ગર્વ તો મને પણ હતો, ભાઈ !
મેં પણ મારો જીવ આપીને બચાવી હતી સંસદને.
પરંતુ અફસોસ તો એ વાતનો છે કે
મને મરણોત્તર મળેલો મેડલ ધૂળ ખાઈ રહ્યો છે !
મારો પરિવાર સરકારી કચેરીઓના ધક્કા ખાઈ રહ્યો છે !
અને
મને મારનારાઓ જેલમાં બેસીને આરામથી રોટલીઓ ખાઈ રહ્યા છે !
-કૃષ્ણ દવે
આપણી નમાલી નિષ્ઠાવિહોણી લોકશાહી અને આપણી માનવતાવાદી સંસ્થાઓ શું આપણને ભારે નથી પડી રહી ? મુઠ્ઠીભર આતંકવાદીઓની હિંમત શી રીતે થઈ શકે છે એક અબજ લોકોના દેશને છાશવારે બાનમાં લેવાની ? મૃત્યુને હાથમાં લઈને નીકળતા કહેવાતા જેહાદીઓને સીધા ઠાર મારવાને બદલે મૃત્યુ પણ ડરે અને બીજીવાર આતંકવાદ ફેલાવવાનો વિચાર કરતા પસીનો ફૂટી આવે એવું મૃત્યુ આપવું શું જરૂરી નથી બની ગયું ?
આપણી નિર્વીર્ય નેતાગીરી અને કદી ‘અપગ્રેડ’ ન થતી ન્યાયપ્રણાલીના કારણે સ્વર્ગમાં શહીદો પણ કૃષ્ણ દવે કહે છે એ રીતે દુઃખી થતા હોય એમાં કોઈ શંકા છે ?
Permalink
March 14, 2007 at 11:18 am by સુરેશ · Filed under કૃષ્ણ દવે, ગીત
સુગંધ પૂછે ઝાકળ સાથે ઘડીક રમું હું બ્હાર ?
કળી કહે કે થોભ જરા હું ખોલી નાંખું દ્વાર.
પરોઢની પાંપણમાં સળવળ ફૂલગુલાબી પ્હાની,
હોઠે વ્હેતું પ્રભાતિયું ને હિંચકો નાખે નાની.
બધાં જ પુષ્પો મ્હેકી એને વ્હાલ કરે છે આમ,
આ તો સૂરજનો બાબો છે કિરણ એનું નામ.
તારાઓમાં પીંછી બોળી ચીતર્યું આખ્ખી રાત,
રંગબિરંગી પાંખો પ્હેરી નીકળી પડ્યું પ્રભાત.
- કૃષ્ણ દવે
Permalink
October 5, 2006 at 10:04 am by સુરેશ · Filed under કૃષ્ણ દવે, ગીત
એની રોજે રોજ હોય છે બબાલ.
પરપોટા હાથમાં લઇ હમણાં કહેતો’તો
આની ઊખડતી નથી કેમ છાલ?
એની રોજે રોજ હોય છે બબાલ.
એક’દી તો સુરજની સામે થઇ ગ્યો,
ને પછી નોંધાવી એફ. આઇ.આર.
શું કહું સાહેબ ! આણે ઘાયલ કરી છે,
મારી કેટલી યે મીટ્ઠી સવાર.
ધારદાર કિરણોને દેખાડી દેખાડી,
લૂંટે છે મોંઘેરો માલ.
એની રોજે રોજ હોય છે બબાલ.
એક’દી તો દોડતો ઇ હાઇકોર્ટ ગ્યેલો,
ને જઇને વકીલને ઇ ક્યે:
ચકલી ને ચકલો તો માળો બાંધે છે,
હવે તાત્કાલિક લાવી દ્યો સ્ટે.
બેસવા દીધું ને એમાં એવું માને છે,
જાણે બાપાની હોય ના દિવાલ?
એની રોજે રોજ હોય છે બબાલ.
એક’દી જુવાનજોધ ઝાડવાને કીધું,
કે માંડ્યા છે શેના આ ખેલ?
બાજુના ફળિયેથી ઊંચી થઇ આજકાલ,
જુએ છે કેમ ઓલી વેલ?
શેની ફૂટે છે આમ લીલીછમ કૂંપળ,
ને ઊઘડે છે ફૂલ કેમ લાલ?
એની રોજે રોજ હોય છે બબાલ
- કૃષ્ણ દવે
મારા પ્રિય કવિની કવિતા ફરી એક વાર અહીં રજુ કરુ છું. પ્રકૃતિનાં તત્વોના સુભગ દર્શનો તો અગણિત લખાયાં છે. પણ આ કવિની દ્રષ્ટિ કાંઇક જુદાજ મિજાજની છે.આ રીતે પણ આપણે આ સૌને જોઇ શકીએ!
પરોક્ષ રીતે કવિનો આક્રોશ છે કે, આપણે આધુનિકતામાં અને જીવનસંઘર્ષમાં પ્રકૃતિના તત્વોને જોવાની દૃષ્ટિ ખોઇ બેઠા છીયે. બધાની સાથે તકરાર કરવાની માણસની રીત પર પણ કવિનો આ વેધક કટાક્ષ દિલ પર અસર તો કરી જાય છે- અને તેય કેટલી બધી હળવાશથી ?
આ કવિને પૂરા માણવા હોય તો તેમની કૃતિ ‘વાંસલડી ડોટ કોમ’ વાંચશો.
Permalink
August 29, 2006 at 8:40 pm by સુરેશ · Filed under કૃષ્ણ દવે, ગીત
મંદિર ભીતર છપ્પન છપ્પન ભોગ લગાવી,
આ પત્થરનો ઇશ્વર શાના જલસા મારે?
ને મંદિરની બહાર ભભુક્યા કરતી,
આ જઠરોની જ્વાળા,
કોઇ ન ઠારે? કોઇ ન ઠારે?
સોનાના હિંડોળા હો, કે હો મખમલના ગાદીતકિયા,
પત્થરની આંખોને તે કંઇ નીંદર આવે?
અરે જુઓ આ મખમલ જેવા બાળકને,
પાષાણ પથારીમાંયે કેવાં
જાતજાતનાં સપનાં આવે?
ભલે પછી એ દોડ્યે રાખે,
આખું જીવતર આ ખાંડાની ધારે ધારે.
એવે ટાણે પુષ્પોના નાજુક સથવારે,
આ પત્થરનો ઇશ્વર શાના જલસા મારે?
લજ્જા શેરી વચ્ચે આવી સ્વયં વસ્ત્રની ખોજ કરે છે,
ને વસ્ત્રોના હરનારા બેઠાબેઠા કેવી મોજ કરે છે.
અને કાળ પણ આ ઘટનાનું પુનરાવર્તન રોજ કરે છે.
એવે ટાણે લીલાંપીળાં, લાલગુલાબી,
વસ્ત્રોની જૂઠી ભરમારે,
આ પત્થરનો ઇશ્વર શાના જલસા મારે?
જ્યાં બાળક પહેલા સ્તનપાને, દૂધ નહીં પણ દુઃખ પીએ છે,
જ્યાં જીવન ડગલે ને પગલે,
મધમાખીશા ડંખ જીવે છે,
અને વલોવી ઇચ્છાઓને,
બાળી બાળી જાત સીવે છે.
એવે ટાણે પંચામૃતની મીઠી ધારે,
આ પત્થરનો ઇશ્વર શાના જલસા મારે?
- કૃષ્ણ દવે
આ કાવ્યમાં પત્થરની મૂર્તિને સ્વાર્થી લાલસાઓમાં ભજી ભજીને પત્થર જેવા થઇ ગયેલા- ઇશ્વરનો અંશ મનાતા – આપણા આત્માને સંબોધન છે. મગરની ચામડી જેવી થઇ ગયેલી આપણી સંવેદનશીલતા ઉપર કવિનો આ તીવ્ર આક્રોશ છે. આપણે ક્યારે આપણી અંદર રહેલા પત્થરના એ ઇશ્વરને તજીને આ રડતા ઇશ્વરને સાંભળીશું?
Permalink
August 17, 2006 at 12:37 pm by સુરેશ · Filed under કૃષ્ણ દવે, ગીત
મારી પાસે ઢગલો રેતી, તારી પાસે ખોબો જળ,
ચાલને રમીએ પળ બે પળ.
હું રહેવાસી પત્થરનો, ને તારું સરનામું ઝાકળ,
ચાલને રમીએ પળ બે પળ.
થોડી ઉઘડે મારી ઇચ્છા. થોડી ઉઘડે તારી પણ.
હું અહીંથી આકાશ મોકલું. તું પીંછાથી લખ સગપણ.
આજ અચાનક દૂર દૂરથી, આવીને ટહૂકે અંજળ.
ચાલને રમીએ પળ બે પળ.
રમતાં પહેલાં ચાલ તને હું, આપી દઉં થોડી સમજણ.
રમતાં રમતાં ભુલી જવાનું, દેશ વેશ સરનામું પણ.
બુંદબુંદમાં ભળી જવાનું. વહી જવાનું ખળ ખળ ખળ.
ચાલને રમીએ પળ બે પળ.
- કૃષ્ણ દવે
આ કાવ્યમાં ઇશ્વર સાથે સખા ભાવને બહુ જ સુંદર રીતે કવિએ વ્યક્ત કર્યો છે. બાળકને કોઇ ગુરુતા કે લઘુતા ગ્રંથી નથી હોતી. તેને પોતાની ચીજનું બહુ જ ગૌરવ હોય છે. પણ આ તો આધેડ વયના બાળકની કવિતા છે. કવિ સારી રીતે જાણે છે કે તે જેને પોતાનો ઢગલો કહે છે , તે તો રેતીનો- શુષ્ક છે. તેના સખા પાસે તો નાનો ખોબો જ છે – પણ છે પાણીનો- જીવનનો ! આકાશનો સંદર્ભ આપીને કવિ પોતાના ખાલીપણાને વ્યક્ત કરે છે અને પોતાના અમાપ ઓરતાને પણ દર્શાવે છે.
અને જુઓ તો ખરા .. મોટા ભા થઇને રમવાની શરતો પણ સાવ બાળકની જેમ પોતે જ નક્કી કરે છે.પણ તેમાં પણ ઇશ્વર સાથે એકાકાર થઇ જવાની ભાવના કેવી સરસ રીતે વ્યક્ત કરી છે?
Permalink
March 19, 2006 at 1:08 am by વિવેક · Filed under કૃષ્ણ દવે, ગીત
ઝરણાનું દે નામ અને ના આપે વહેવું ! આ તે કેવું ?
શબ્દો સાથે કામ ને પાછું મૂંગા રહેવું ! આ તે કેવું ?
રણની જેવું તરસી પડીએ તોય વહે તું અધ્ધર ?
ઝાકળ જેવું વરસી પડીએ તોય કહે તું પથ્થર ?
તું બોલે બેફામ ને મારે કંઇ ના કહેવું ? આ તે કેવું ?
હોય વૃક્ષની જાત અને ના છાંયો આપે ?
છે અમાસની રાત અને પડછાયો આપે?
માંગું ખુલ્લેઆમ ને તારે કંઇ ના દેવું ? આ તે કેવું ?
મત્સ્ય હોઉં ને જળને કંઇ તરવાનું પૂછું ?
વાદલ છું તો વરસું કંઇ સરનામું પૂછું ?
ભીંજે આખું ગામ ને કોરું એક જ નેવું ! આ તે કેવું ?
કૃષ્ણ દવે
Permalink
March 4, 2006 at 9:33 am by વિવેક · Filed under કૃષ્ણ દવે, ગીત
વાંસલડી ડૉટ કૉમ, મોરપિચ્છ ડૉટ કૉમ, ડૉટ કૉમ વૃંદાવન આખું,
કાનજીની વેબસાઈટ એટલી વિશાળ છે કે કયાં કયાં નામ એમાં રાખું ?
ધારો કે મીરાંબાઈ ડૉટ કૉમ રાખીએ તો રાધા રિસાય એનું શું ?
વિરહી ગોપીનું ગીત એન્ટર કરીએ ને ક્યાંક ફ્લૉપી ભીંજાય એનું શું ?
પ્રેમની આ ડિસ્કમાં તો એવી એવી વાનગી કે કોને છોડું ને કોને ચાખું ?
કાનજીની વેબસાઈટ…
ગીતાજી ડૉટ કૉમ એટલું ઉકેલવામાં ઊકલી ગઈ પંડિતની જાત.
જાત બળી જાય છતાં ખ્યાલ ના રહે ને એ જ માણે આ પૂનમની રાત.
તુલસી, કબીર, સુર, નરસૈંયો થઈએ તો ઊકલે છે કંઈક ઝાંખું ઝાંખું.
કાનજીની વેબસાઈટ…
એ જ ફક્ત્ પાસવર્ડ મોકલી શકે છે જેના સ્ક્રીન ઉપર નાચે છે શ્યામ.
એને શું વાઇરસ ભૂંસી શકવાના જેનાં ચીર પૂરી આપે ઘનશ્યામ ?
ઇન્ટરનેટ ઉપર એ થનગનતો આવે, હું કોઈ દિવસ વિન્ડો ના વાખું.
કાનજીની વેબસાઈટ…
કૃષ્ણ દવે ગીતોનો માણસ છે. અમરેલી જિલ્લાના ધારી ગામમાં ૪-૯-૧૯૬૩ ના રોજ જન્મેલાં કૃષ્ણ દવે આજે ભલે બેન્કમાં કામ કરતાં હોય, પણ મોટાભાઈનું શિક્ષણ ખોરંભે ન ચડે એટલે સુથારીકામ કરી ઘેર ઘેર જઈ ફર્નિચર પણ બનાવતાં હતાં. કાવ્યસંગ્રહો: ‘પ્રહાર’, ‘વાંસલડી ડૉટ કૉમ’, ‘ભોંદુભાઈ તોફાની (બાળકાવ્યો)’.
Permalink