સાવ જ નવું હો સ્થળ ને છતાં એમ લાગતું,
પહેલાંય આ જગાએ હું આવી ગયેલ છું.
ચિનુ મોદી ‘ઈર્શાદ’

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for કૃષ્ણ દવે

કૃષ્ણ દવે શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

અમને શું ફેર પડે બોલો ?- કૃષ્ણ દવે
આ તે કેવું ? – કૃષ્ણ દવે
આપશ્રી ક્યાં કોઈદી ભીંજાવ છો ? - કૃષ્ણ દવે
ઠીક છે મારા ભાઈ...- કૃષ્ણ દવે
પત્થરનો ઇશ્વર - કૃષ્ણ દવે
પળ બે પળ - કૃષ્ણ દવે
પ્રભાત -કૃષ્ણ દવે
બબાલ - કૃષ્ણ દવે
બસ - કૃષ્ણ દવે
માળો - કૃષ્ણ દવે
વાંસલડી ડૉટ કૉમ... - કૃષ્ણ દવે
શહીદ - કૃષ્ણ દવેઆ તે કેવું ? – કૃષ્ણ દવે

ઝરણાનું દે નામ અને ના આપે વહેવું ! આ તે કેવું ?
શબ્દો સાથે કામ ને પાછું મૂંગા રહેવું ! આ તે કેવું ?  

રણની જેવું તરસી પડીએ તોય વહે તું અધ્ધર ?
ઝાકળ જેવું વરસી પડીએ તોય કહે તું પથ્થર ?
તું બોલે બેફામ ને મારે કંઇ ના કહેવું ? આ તે કેવું ?

હોય વૃક્ષની જાત અને ના છાંયો આપે ?
છે અમાસની રાત અને પડછાયો આપે?
માંગું ખુલ્લેઆમ ને તારે કંઇ ના દેવું ? આ તે કેવું ?

મત્સ્ય હોઉં ને જળને કંઇ તરવાનું પૂછું ?
વાદલ છું તો વરસું કંઇ સરનામું પૂછું ?
ભીંજે આખું ગામ ને કોરું એક જ નેવું ! આ તે કેવું ?

કૃષ્ણ દવે

Comments (2)

વાંસલડી ડૉટ કૉમ… – કૃષ્ણ દવે

વાંસલડી ડૉટ કૉમ, મોરપિચ્છ ડૉટ કૉમ, ડૉટ કૉમ વૃંદાવન આખું,
કાનજીની વેબસાઈટ એટલી વિશાળ છે કે કયાં કયાં નામ એમાં રાખું ?

ધારો કે મીરાંબાઈ ડૉટ કૉમ રાખીએ તો રાધા રિસાય એનું શું ?
વિરહી ગોપીનું ગીત એન્ટર કરીએ ને ક્યાંક ફ્લૉપી ભીંજાય એનું શું ?
પ્રેમની આ ડિસ્કમાં તો એવી એવી વાનગી કે કોને છોડું ને કોને ચાખું ?
કાનજીની વેબસાઈટ…

ગીતાજી ડૉટ કૉમ એટલું ઉકેલવામાં ઊકલી ગઈ પંડિતની જાત.
જાત બળી જાય છતાં ખ્યાલ ના રહે ને એ જ માણે આ પૂનમની રાત.
તુલસી, કબીર, સુર, નરસૈંયો થઈએ તો ઊકલે છે કંઈક ઝાંખું ઝાંખું.
કાનજીની વેબસાઈટ…

એ જ ફક્ત્ પાસવર્ડ મોકલી શકે છે જેના સ્ક્રીન ઉપર નાચે છે શ્યામ.
એને શું વાઇરસ ભૂંસી શકવાના જેનાં ચીર પૂરી આપે ઘનશ્યામ ?
ઇન્ટરનેટ ઉપર એ થનગનતો આવે, હું કોઈ દિવસ વિન્ડો ના વાખું.
કાનજીની વેબસાઈટ…

કૃષ્ણ દવે ગીતોનો માણસ છે. અમરેલી જિલ્લાના ધારી ગામમાં ૪-૯-૧૯૬૩ ના રોજ જન્મેલાં કૃષ્ણ દવે આજે ભલે બેન્કમાં કામ કરતાં હોય, પણ મોટાભાઈનું શિક્ષણ ખોરંભે ન ચડે એટલે સુથારીકામ કરી ઘેર ઘેર જઈ ફર્નિચર પણ બનાવતાં હતાં. કાવ્યસંગ્રહો: ‘પ્રહાર’, ‘વાંસલડી ડૉટ કૉમ’, ‘ભોંદુભાઈ તોફાની (બાળકાવ્યો)’.

Comments (14)

Page 2 of 212