ઘસાતાં ઘસાતાં મળ્યો ઓપ અંતે,
સ્વીકાર્યો પછી તો ઘસારાનો જાદુ.
પારુલ ખખ્ખર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for ઊર્મિકાવ્ય

ઊર્મિકાવ્ય શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

જીવલાનું જીવન [ અંગેનું તત્વજ્ઞાન ] - સૌમ્ય જોશી
(-) કબીર અનુ. મોહનદાસ પટેલ
(કાવ્ય) - રાજેશ પંડ્યા
(મારો તમામ સંકોચ) - વિદ્યાપતિ (અનુ. વિવેક મનહર ટેલર)
(રે અમે ને તમે ના મળ્યાં) - હરીન્દ્ર દવે
(સાંજતડકો) - નલિન રાવળ
૧૫મી ઑગસ્ટ - ૧૯૫૮ - ઉશનસ્
અગ્નિ અને હિમ - રોબર્ટ ફ્રોસ્ટ (અનુ. નિરંજન ભગત)
અતિજ્ઞાન - કાન્ત
અંતિમ ઇચ્છા : ૦૧ : લાભશંકર ઠાકર
અંતિમ ઇચ્છા : ૦૨ : લાભશંકર ઠાકર
અરધી રાતે - મનોજ ખંડેરિયા
અષાઢે - ઉશનસ્
અહીંથી અલ્વિદા... - રમેશ જાની
આકડે ય મધુ - ભાનુપ્રસાદ ત્રિવેદી
આપણી વચ્ચે આવજોની કોઈ ભીંત હશે - માધવ રામાનુજ
આંસુ - સુરેશ દલાલ
ઉમાશંકર વિશેષ :૧૮: પીંછું
એ તે કેવો ગુજરાતી - -ઉમાશંકર જોશી
એક ગાય - પ્રિયકાન્ત મણિયાર
એક ઘા - કલાપી
એક મધ્યરાત્રે - રાવજી પટેલ
એક લાલ ગુલાબ - રોબર્ટ બર્ન્સ (અનુ. વિવેક મનહર ટેલર)
એક વૃદ્ધાની સાંજ - નલિન રાવળ
ઓળખાણ - પ્રભા ગણોરકર (અનુ. જયા મહેતા)
કંચુકીબંધ છૂટ્યા ને - પ્રિયકાન્ત મણિયાર
કવિ, પ્રેમી, બર્ડવૉચર - નિસીમ ઇઝેકિલ (અનુ.: વિવેક મનહર ટેલર)
કાન ઓળખાતા નથી - હરીન્દ્ર દવે
ગાંઠ - ગુલઝાર - અનુ.-રઈશ મનીઆર
ગાંધી-વિશેષ:૨: તમે ગાંધીજીને જોયા હતા ? - પ્રિયકાન્ત મણિયાર
ગાંધી-વિશેષ:૩: ગાંધીજયંતી - ઉમાશંકર જોશી
ગાલ્લું - પ્રિયકાન્ત મણિયાર
ઘર વિશે, વિદેશથી - રોબર્ટ બ્રાઉનિંગ (અનુ. વિવેક મનહર ટેલર)
ચાંદની - બાલમુકુન્દ દવે
જવું હતું ગામ - ચંદ્રિકાબહેન પાઠકજી
જિંદગી કોને કહો છો ? - મકરન્દ દવે
જીવન અને સેક્સ - દેવીપ્રસાદ વર્મા (અનુ. સુરેશ દલાલ)
જેનીએ મને ચુંબન કર્યું
જો - ગીતા પરીખ
ઝૂમાં - નિરંજન ભગત
તારો વૈભવ - જયન્ત પાઠક
તું ભરતી ને હું ઓટ - મૂકેશ જોષી
તું હૃદયમાં ધબધબે પ્રત્યેક પળ… - રિષભ મહેતા
તૃપ્ત કરે જળકૂપ - બાણભટ્ટ (અનુ. હરિવલ્લભ ભાયાણી)
તે રમ્ય રાત્રે - સુન્દરમ્
દેવનું કાવ્ય - કૃત્સ ઋષિ
ન હું ઝાઝું માગું – સુંદરજી બેટાઈ
નવા વર્ષે - ઉમાશંકર જોશી
નિર્દોષ ને નિર્મળ આંખ તારી
પ્રેમ - હરીન્દ્ર દવે
ફગાવીને બોજ - રાજેન્દ્ર શાહ
ફોરાં - ધીરુ પરીખ
બક્ષિસ - સુન્દરમ્
ભાઈ - રાવજી પટેલ
ભીડ - રાવજી પટેલ
મનને કહ્યું (Dark Poem) - ચન્દ્રકાન્ત ટોપીવાળા
મરસિયો - શેક્સપિઅર (અનુ. વિવેક મનહર ટેલર)
મળ્યાં - સુન્દરમ્
મારા ઉરે કોઈ અબૂઝ વેદના - હરિશ્ચંદ્ર ભટ્ટ
મીણબત્તી - કૃષ્ણલાલ શ્રીધરાણી
મેટ્રો સ્ટેશન પર - એઝરા પાઉન્ડ (અનુ. વિવેક મનહર ટેલર)
રણાનુભૂતિ - ધીરન્દ્ર મહેતા
રાજસ્થાન - જયન્ત પાઠક
રાતે વરસાદ - જયન્ત પાઠક
લા.ઠા. સાથે - ૦૪ - કવિવર નથી થયો તું રે - લાભશંકર ઠાકર
લા.ઠા. સાથે - ૦૭ - વહી જતી પાછળ રમ્યઘોષા - લાભશંકર ઠાકર
વરસાદ પછી - લાભશંકર ઠાકર
વહેલાં ખીલેલાં વાયોલેટ ફૂલને - સ્વામી વિવેકાનંદ
વિ-નાયક - ચિનુ મોદી
વિજોગ - મનસુખલાલ ઝવેરી
વિરહિણી - કાલિદાસ (અનુ. કિલાભાઈ ઘનશ્યામ)
વિલીન ગત થાવ - હરિશ્ચન્દ્ર ભટ્ટ
શતદલ – દેવિકા ધ્રુવ
શરણાઈવાળો અને શેઠ - દલપતરામ
સખિ ! જો - - રામનારાયણ વિશ્વનાથ પાઠક 'શેષ'
સપૂત - કૃષ્ણલાલ શ્રીધરાણી
સમર્પણ - 'નજર' કાણીસવી
સર્જનહાર સમેત - હરિકૃષ્ણ પાઠક
સલામ - કૃષ્ણલાલ શ્રીધરાણી
સવાર (પંતુજીની દૃષ્ટિએ) - સુરેશ જોષી
સાંજ - વિનોદ અધ્વર્યુ
સુખદ સ્વપ્ન - સ્વામી વિવેકાનંદ
સૂતી હતી - કૃષ્ણલાલ શ્રીધરાણી
સૂરજ - અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ
સૂર્યનું છેલ્લું કિરણ – વિપિન પરીખ
હું, માશૂક, બદલતો રહું છું ! - કરસનદાસ માણેક
હૃદય ભલા - એમિલિ ડિકિન્સન (અનુ : ઉર્વીશ વસાવડા)
હેમન્તનો શેડકઢો - ઉમાશંકર જોશીઆંસુ – સુરેશ દલાલ

આંખડીમાં હસતી ગુલાબકળી આંસુ
ને સ્પંદનની મ્હેકતી આ ધૂપસળી આંસુ !

અણદીઠા દરિયાનું મોતી એક આંસુ
ને વાદળાની વીજઆંખ રોતી એ જ આંસુ !

પાનખરે છેલ્લું ઝરે પાન એ જ આંસુ
ને કોકિલનું વણગાયું ગાન એ જ આંસુ !

ઝાકળનું ક્ષણજીવી બુંદ એક આંસુ
ને ચિરજીવી વેદનાનું વૃંદ એ જ આંસુ !

વાંસળીનો વિખૂટો સૂર એક આસું
ને ગોપીનું સૂનું સૂનું ઉર એ જ આંસુ !

કાળજામાં કોરાયા કૂપ એ જ આંસુ
તમે મારો મેણાં ને હોઠ ચૂપ એ જ આંસુ !

– સુરેશ દલાલ

ક્યારેક પ્રગટપણે તો ક્યારેક અપ્રગટપણે પણ માણસ આંસુ જરૂર સારે છે.  આંસુ ગુલાબની કળી જેવા મઘમઘતા પણ હોઈ શકે છે. આંસુ ક્યારેક પ્રિયજનના સાગર જેવા હૈયાના ઊંડાણનો તાગ આપતા મોતી સમા મૂલ્યવાન પણ હોઈ શકે.  આંસુ ક્યારેક બોલકાં હોય છે તો ક્યારેક સીવાયેલા હોઠ પાછળથી વહેતી રહેતી ચુપકીદી સમા પણ હોય છે…

Comments (10)

નવા વર્ષે – ઉમાશંકર જોશી

નવા વર્ષે હર્ષે,
નવા કો ઉત્કર્ષે, હૃદય, ચલ !માંગલ્યપથ આ
નિમંત્રે; ચક્રો ત્યાં કર ગતિભર્યાં પ્રેમરથનાં.
નવી કો આશાઓ.

નવી આકાંક્ષાઓ પથ પર લળૂંબી મૃદુ રહી.
મચી રહેશે તારી અવનવલ શી ગોઠડી તહીં !

-ઉમાશંકર જોશી

લયસ્તરો તરફથી સહુ વાચકમિત્રોને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ…

Comments (3)

અષાઢે – ઉશનસ્

અષાઢે તણખલું ના તોડીએ જી,
એ જી, એ તો ફૂટતું ઘાસ,
એમાં ધરતીના શ્વાસ,
એની પત્તીની પીમળમાં પોઢીએ જી. અષાઢે0

પ્રભાતે પછેડિયું ના ઓઢીએ જી,
એ જી, આવ્યાં અજવાળાં જાય,
આવ્યા વાયુયે વળી જાય,
આવ્યા રે અતિથિ ના તરછોડીએ જી. અષાઢે0

તારે આંગણિયે ઊગ્યું એ પરોઢિયે જી,
એ જી, એ તો ફાગણ કેરું ફૂલ,
એમાં એવી તે કઈ ભૂલ ?
પરથમ મળિયા શું મુખ ના મોડીએ જી. અષાઢે0

-ઉશનસ્

એક નાનું અમસ્તું કાવ્ય પણ કેવું મીઠું ! અષાઢથી ફાગણ સુધી લંબાતી આખી વાતમાં કવિ પ્રેમ, વર્ષા અને વસંતને એક જ તાંતણે કેવી હોંશિયારીથી બાંધી દે છે ! ઘાસના તણખલાંમાં તો ધરતીના શ્વાસ કહી એને તોડવાની ના ફરમાવી કવિ ખરેખર શું કરવું જોઈએ એ પણ તુર્ત જ કહી દે છે. અષાઢના ભીના-ભીના ઘાસમાં તો આડા પડીને એની સુગંધ માણવાની હોય. હું તો સુરતી બોલીમાં વપરાતો ‘પીમળ’ શબ્દ ગુજરાતી કવિતામાં પહેલવહેલી વાર વાંચીને જ આ કવિતાના પ્રેમમાં પડી ગયો…

આખા કાવ્યમાં સવારનો જ મહિમા છે. પરોઢની ખટઘડીએ સૂઈ ન રહેવાનું તો આદિ કવિ નરસિંહ મહેતાએ પણ કહ્યું છે. ઉશનસ્ એમની જ વાતમાં સૂર પુરાવતા હોય એમ કહે છે કે પ્રભાતે પછેડી ઓઢીને સૂઈ રહીએ તો પ્રકાશ અને વાયુ બંને પાછાં વળી જઈ શકે છે. આત્માને ઉજાળવો હોય કે શ્વાસને સીંચવો હોય, મનુષ્યનું ‘જાગવું’ ખૂબ જરૂરી છે અને એથી વધુ જરૂરી છે અજ્ઞાનની પછેડી માથેથી હટાવવાનું…

Comments (8)

આકડે ય મધુ – ભાનુપ્રસાદ ત્રિવેદી

(વસંતતિલકા)

મેં આકડે ભ્રમર ગુંજરતો ય દીઠો,
ને ઊર્વિનો અમલ નેહ મળ્યો અદીઠો !

આ ભૂમિમાંથી પ્રગટે રૂપ ભિન્નભિન્ન,
ઝેરી ક્યહીંક, ક્યહિ અમૃત, તો ય છન્ન
એની સુધા વિલસતી સહુમાં પ્રસન્ન !

હું તાહરા પ્રણયપદ્મપરે ભમેલ
ત્યારે ન જાણ, પ્રિય હે ! તુજમાં વસેલ
આ પૃથ્વીના રસ ચિરંતનની; પરંતુ
તારું મળ્યું વિષ જ્યહીં અવહેલનાનું –
એ આકડે ય મધુ હું ભમરો લહંત !

-ભાનુપ્રસાદ ત્રિવેદી

કુમાર, જુન-૧૯૫૨ના અંકમાં પ્રગટ થયેલું આ કાવ્ય. શ્રી બચુભાઈ પોપટભાઈ રાવતના તંત્રીપદે પ્રગટ થતા કુમારના રંગ-રૂપ જ કંઈ ઓર હતા. એ જમાનામાં કુમારમાં કવિતા છપાય એટલે કવિને કવિ હોવાનું પ્રમાણપત્ર મળેલું ગણાતું. કુમારના એ અંકોમાં કવિતાની સાથે ટૂંકાણમાં કાવ્યાસ્વાદ પણ કરાવાતો (લયસ્તરોની જેમ જ સ્તો!). આ કવિતાની સાથે કુમારના ૫૬ વર્ષ જૂના અંકમાં કરાવાયેલો આસ્વાદ શબ્દશઃ કુમારમાંથી આજે સાભાર:

“વિરોધી ભાવોમાંથી રસનિષ્પત્તિ એ પણ કવિતામાં સૌંદર્ય લાવવાની એક રીત છે. આ કાવ્ય એનું ઉદાહરણ છે: અહીં કવિએ આકડામાં મધુનું દર્શન કરાવ્યું છે! આકડાનો તો ખ્યાલ જ નવો છે. એ કાવ્યમાં કવિના હૃદયસંક્ષોભનું કારણ તો ભલે નિષ્ફળ ગએલા પ્રેમમાં છે, (જેને પ્રણયપદ્મ માન્યું તે આકડો નીકળ્યો,) પણ પછી પ્રિયતમાની એ અવહેલનામાં પણ તે મધુરતા શોધી રહે છે. ઝેરી મનાતા આકડા જેવા પુષ્પમાં પણ પૃથ્વીના અમૃતરસનો અંશ હોવો જોઈએ, નહિતર ભમરો ત્યાં ગુંજે નહિ; તદનુસાર માનવતાની ભૂમિમાંથી પાકેલા માણસમાં યે થોડો પણ સુભગ અંશ હોવાનો જ. એટલે આકડે પણ ભ્રમરને જવું રહ્યું જ; તેમાંથી યે મધ તો મળવાનું જ”.

(ઊર્વિ=પૃથ્વી, છન્ન=ઢંકાયેલું, સુધા=અમૃત)

Comments (4)

સપૂત – કૃષ્ણલાલ શ્રીધરાણી

Daandi-kuch
(દાંડીકૂચ….                                                             …પ્રારંભ, ૧૨-૦૩-૧૯૩૦)

“આવવું ન આશ્રમે – મળે નહિ સ્વતંત્રતા !
જંપવું નથી લગાર – જો નહિ સ્વતંત્રતા !
સ્નેહ, સૌખ્ય સૌ હરામ – ના મળે સ્વતંત્રતા !
જીવવું મર્યા સમાન – ના યદિ સ્વતંત્રતા !
પુત્ર-દાર !
જન્મમૃત્યુના જુહાર !
જંપવું ન, જાલિમો ય જંપશે ન, સૌ ખુવાર !
મૃત્યુ કે સ્વતંત્રતા : લખી ન આ લલાટ હાર !”
આકરા પુકારી કોલ, વીરલા રણે ચડ્યા !
ખેતરો ખૂંદ્યાં અને ભમ્યા અનેક ગામડાં !
મહી વટ્યા, ઝૂલ્યા સપૂત માત-અંક-નર્મદા !
ઝૂંપડે જઈ વસ્યા, પ્રજા-અવાજ પામવા !
મોખરે ધપે હસી હસી જવાન ડોસલો !
સર્વ સાથ – કોઈ ના – બધું સમાન : એકલો !
રાષ્ટ્રદેવ ! રાષ્ટ્રપ્રાણની પીછે સહુ ધસ્યા !
એક એ અનંતમાંથી સિંધુ સાત ઊમટ્યા !
પગો પડે !
સુવર્ણ માટીમાં મઢે !
અસંખ્ય ઊમટી પ્રજા પુનિત પાદમાં પડે !
જન્મના ગુલામને સ્વતંત્ર જન્મ સાંપડે !
જીવશે ન – જીવવા દઈ સપૂત – જાલિમો !
મારશે ય, મુક્તિમ્હેલ તો ચણાય રાખનો !

-કૃષ્ણલાલ શ્રીધરાણી

આજે બારમી માર્ચના ઐતિહાસિક દિવસે કાગડા-કૂતરાના મોતે મરીશ પણ સ્વરાજ્ય લીધા વિના પાછો આશ્રમમાં નહીં ફરૂંની ઐતિહાસિક પ્રતિજ્ઞા કરીને મહાત્મા ગાંધીએ સાબરમતી આશ્રમમાંથી મીઠાના કાયદાનો સવિનય ભંગ કરવા માટે ઓગણાએંસી અંતેવાસીઓ સાથે દાંડી તરફ કૂચ આદરી હતી. સુખ-શાંતિ, પત્ની-પુત્ર બધાને જાણે કે અંતિમ જુહાર કરીને, જંપવું નહીં અને જાલિમોને જંપવા દેવું નહીં એવા આકરા કોલ સાથે બાપુ ફનાના માર્ગે નીકળી પડ્યા હતા. આ પ્રસંગને સુપેરે આલેખતું આ કાવ્ય એ સમયના ઈતિહાસને સાંગોપાંગ આપણી નજર સમક્ષ ખડો કરી દે છે. મુક્તિનો મહેલ કંઈ સોના-ચાંદીની ઈંટોનો નથી ચણાતો, એ તો ચણાય છે રાખનો જેવી અગત્યની વાત કરીને આ આખા પ્રસંગચિત્રમાં સનાતન કવિતાનો પ્રાણ રેડી દે છે. આખા કાવ્યમાં -નાનપણમાં ભણવામાં આવતું હતું ત્યારથી- જે શબ્દપ્રયોગ મારા હૃદયમાં અંકિત થઈ ગયો છે એ છે ‘જવાન ડોસલો’. આ એક જ શબ્દ-પ્રયોગમાં રાષ્ટ્રપિતાને જે અંજલિ આ ગુજરાતી કવિએ આપી છે, એ અન્ય કોઈ ભાષામાં કદાચ કદી નહીં અપાઈ હોય!

(સૌખ્ય=સુખ, શાતા; દાર=પત્ની; જુહાર=નમસ્કાર; અંક=ખોળો)

Comments (18)

મનને કહ્યું (Dark Poem) – ચન્દ્રકાન્ત ટોપીવાળા

સૂરજને   કહ્યું   ઊગ,   સૂરજ   ઊગી   ગયો
ચન્દ્રને  કહ્યું  આથમ,  ચન્દ્ર  આથમી   ગયો
ફૂલને    કહ્યું    ખીલ,    ફૂલ    ખીલી    રહ્યું
પવનને   કહ્યું   વા,   પવન  વાવા  લાગ્યો.
સમુદ્રને   કહ્યું   ગરજ,   સમુદ્ર  ગરજી ઊઠ્યો.
આકાશને કહ્યું વરસ,  આકાશ વરસવા માંડ્યું
મનને કહ્યું હરખ,  મન  દુઃખી દુઃખી થઈ ગયું.

– ચન્દ્રકાન્ત ટોપીવાળા

આ કવિતાને કવિ ‘ઘોર કાવ્ય‘ (Dark Poem) તરીકે ઓળખાવે છે. અહીં જીવનનો ભીતરનો ખરો -ઘેરો કાળો- રંગ સ્ફુટ થાય છે માટે? કવિતાની પહેલી છ પંક્તિમાં કવિ વારાફરતી પ્રકૃતિના છ અલગ-અલગ સ્વરૂપને એનો સાચો હેતુ પ્રકટ કરવા ઈજન આપે છે. આ કવિનો શબ્દ છે. કવિના શબ્દની તાકાત છે. કવિ સૂરજને કહે ઊગ તો એણે ઊગવું પડે. કવિનો શબ્દ જ્યારે કાગળ પર જન્મ પામે છે ત્યારે એ અ-ક્ષર બની જાય છે! પણ અહીં કવિ પોતાની તાકાત બતાવવા નથી આવ્યા. કવિ આવ્યા છે ભીતરના કાળા અંધારાને અજવાળવા. મનુષ્ય ભારોભાર પ્રકૃતિની વચ્ચોવચ રહીને પણ આજે પોતાની ઓળખ ગુમાવી બેઠો છે એની અહીં વાત છે. એની ફિતરતમાં કુદરતનો વ્યાપ નથી. કુદરત પાસે મોકળાપણું છે, આપવાપણું છે. એના આપવામાં કોઈ ગણિત નથી હોતું એટલે એ એનો સાચો હેતુ આજે પણ યથાર્થ પ્રકટ કરી જાણે છે. માણસ પાસે મોકળાશ નથી એટલે એના હૈયે હાશ નથી. માણસ આપવામાં નહીં, લેવામાં માને છે. અને આ અપેક્ષા એને પ્રકૃતિના કુદરતી નિયમોથી વેગળો રાખે છે. એટલે એનું મન વિસ્તીર્ણ નથી થતું, ક્ષીણ થાય છે. માણસ એની પ્રાકૃતિક્તા એ રીતે ગુમાવી બેઠો છે કે હવે હસી નથી શક્તો. અને કવિ હસવાનું કહે ત્યારે એ માત્ર દુઃખી નથી થતો, દુઃખી દુઃખી થઈ જાય છે. આખી કવિતામાં એક જ વાર વપરાતું ક્રિયાપદ કાવ્યાંતે જ્યારે બે વાર કવિ વાપરે છે ત્યારે એ એની કથનીને દ્વિગુણીત કરી બેવડી ધાર કાઢી આપે છે અને આજ છે કવિનો સાચો શબ્દ: અ-ક્ષર !!

Comments (16)

મળ્યાં – સુન્દરમ્

મળ્યાં વિરહના અનેક કપરાં દિનોની પછી
મહાજન સમૂહમાં કરત માર્ગ ધીરે ધીરે,
ઘડી ઘડી અનેક સંગ કરી ગોઠડી લ્હેરથી,
બધાનું પતવી પછી બહુ નિરાંતથી તે મળ્યાં.
ઘણો સમય તો ન કાંઈ જ વદ્યાં અને જ્યાં વદ્યાં
પૂછી ખબર અન્ય કોક તણી સાવ સાદી સીધી.
અને ખબર એ સુણી નહિ સુણી કરી બેઉ તે
અકંપ અણબોલ મૌન મહીં મૂક પાછાં સર્યાં,
ઘડી ઘડી ઉઠાવી નેણ નીરખ્યા કર્યું અન્યને.

-સુન્દરમ્

વિરહના કપરાં દિવસો વેઠ્યા બાદ મળેલા પ્રેમીજનોનું મિલન કેવું હોય? સુનામીના મોજાં જેવું? પણ સુન્દરમ્ ના કાવ્ય નાયક-નાયિકા એવા અનંગવેગથી ન જ મળે. અહીં તો મિલન પણ લોકોની વચ્ચે થાય છે અને બન્ને જણ “લ્હેર”થી વચ્ચે મળતા જતા લોકો સાથે ગોઠડી કરતાં-કરતાં નજીક આવે છે. એકબીજાને મળે છે તો ખરા પણ ‘બધાનું પતવીને’. પ્રદીર્ઘ વિયોગ જેવું જ લાંબું મૌન સેવ્યા પછી પણ હોઠેથી જે વાત સરે છે એ પોતાની નહીં, અન્યોની જ છે અને વળી બંનેના કાન તો એ દુન્યવી વ્યવહારની વાતો પાછા સાંભળતા જ નથી. અકંપ, અણબોલ અને મૌન એમ ત્રણ વિશેષણોને એક કતારમાં મૂકીને કવિએ મૂક સરવાની વાતને ત્રિગુણિત કરી દીધી છે. પ્રેમ એ કોઈ ઢંઢેરો પીટવાની ઘટના નથી, પ્રેમ તો છે એક અનુભૂતિ… એક સંવેદના… જ્યારે સર્વ ઈંદ્રિય સતેજ થઈ જાય છે ત્યારે વાચાને વહેવા શબ્દોના ખભાની જરૂર નથી રહેતી. ઘડી ઘડી – એમ પુનરાવર્તન કરવાથી એકબીજાને આંખો-આંખોથી ચાહવાની, જોવાની, સાંભળવાની ઘટનાને કવિએ બખૂબી શબ્દાંકિત કરી છે. અહીં સુન્દરમ્ નું જ અન્ય કાવ્ય ‘મેરે પિયા મૈં કછું નહીં જાનૂં,મૈં તો ચુપચુપ ચાહ રહી‘ યાદ આવ્યા વિના રહેતું નથી.

Comments (5)

જવું હતું ગામ – ચંદ્રિકાબહેન પાઠકજી

જવું હતું ગામ પરોઢિયામાં,
ખાલી હતી કૈં કરવાની ઓરડી.
લીધી હતી સર્વ ચીજો સમેટી,
છતાંય શું કૈંક ભૂલી જતી હતી?

મેં બારીએ, દાદર ને દીવાલે,
એ શૂન્યતામાં કંઈ દૃષ્ટિ ફેરવી,
અનેક ચિત્રો હજુ ત્યાં રહ્યાં હતાં,
એને ન ત્યાંથી શક્તી ખસેડી.

-ચંદ્રિકાબહેન પાઠકજી

ચંદ્રિકાબહેનનું આ કાવ્ય વાંચતા જ શ્રી બાલમુકુન્દ દવેનું ‘જૂનું ઘર ખાલી કરતાં‘ સૉનેટ યાદ આવી જાય છે. કંઈક અંશે એના જેવો જ મિજાજ ધરાવતા છતાં કદમાં ખાસ્સા નાના અને શબ્દોમાં સાવ સરળ આ કાવ્યમાં કયા ગામ જવાની અને કઈ ઓરડી ખાલી કરવાની વાત છે? (જન્મ: ૨૬-૦૭-૧૯૧૦, મૃત્યુ:૨૦-૦૫-૧૯૯૬, કાવ્યસંગ્રહ: ‘રાતરાણી’)

Comments (4)

Page 9 of 9« First...789