બહાર-ભીતર સૌ ઉપર-નીચે નીચે-ઉપર થતું,
તારો SMS છે કે વહાલનો વંટોળિયો ?
વિવેક ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for રાજેન્દ્ર શુક્લ

રાજેન્દ્ર શુક્લ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

'ડોટ કોમ'ના રંગે રંગાયા કવિશ્રી રાજેન્દ્ર શુકલ
The Experience of Nothingness - રાજેન્દ્ર શુક્લ
અપરંપાર બન - રાજેન્દ્ર શુક્લ
અમથો ટહેલું! - રાજેન્દ્ર શુક્લ
અહો શ્વાસ મધ્યે વસંતો મહોરી - રાજેન્દ્ર શુક્લ
આ બધું તો થાય છે ! - રાજેન્દ્ર શુક્લ
આખરી વેળાનું - રાજેન્દ્ર શુક્લ
આપણી યાદગાર ગઝલો : ૧૬ : હજો હાથ કરતાલ - રાજેન્દ્ર શુક્લ
ઊર્ધ્વમૂલ - રાજેન્દ્ર શુક્લ
એક ઊખાણું! - રાજેન્દ્ર શુક્લ
ઐસા ત્રાટક - રાજેન્દ્ર શુકલ
કીડી સમી ક્ષણો.... રાજેન્દ્ર શુકલ
કોતરી ગયાં ! – રાજેન્દ્ર શુક્લ
ખંડેરના એકાંત - રાજેન્દ્ર શુક્લ
ગઝલ - રાજેન્દ્ર શુકલ
ગઝલ - રાજેન્દ્ર શુક્લ
ગઝલ - રાજેન્દ્ર શુક્લ
ગઝલ - રાજેન્દ્ર શુક્લ
ગઝલ કહું છું - રાજેન્દ્ર શુક્લ
ગઝલ કહું છું - રાજેન્દ્ર શુક્લા
ગોરખ આયા ! - રાજેન્દ્ર શુક્લ
ચેત મછંદર ! - રાજેન્દ્ર શુક્લ
છું - રાજેન્દ્ર શુક્લ
તદાકાર છું હું ! - રાજેન્દ્ર શુક્લ
તું આવીને અડ! – રાજેન્દ્ર શુક્લ
તું કોણ છે? – રાજેન્દ્ર શુકલ
તૃણાંકુરની ધાર પર- રાજેન્દ્ર શુકલ
થયો ! – રાજેન્દ્ર શુકલ
ન ઇચ્છે ! - રાજેન્દ્ર શુક્લ
ન ઈચ્છે – રાજેન્દ્ર શુકલ
નિષ્ક્રમણ - રાજેન્દ્ર શુક્લ
પગલાં કુંકુમઝરતાં - રાજેન્દ્ર શુક્લ
પરિપ્રશ્ન - રાજેન્દ્ર શુકલ
પિંડને પાંખ દીધી - રાજેન્દ્ર શુક્લ
પ્રારબ્ધ મીમાંસા - રાજેન્દ્ર શુક્લ
યાદગાર મુક્તકો : ૧૧ : રાજેન્દ્ર શુક્લ, કૈલાસ પંડિત, ભરત વિંઝુડા
રહુગણ પ્રતિ ભરતની ઉક્તિ - રાજેન્દ્ર શુક્લ
રાજેન્દ્ર શુક્લ આપે છે 'કવિતાના શબ્દ'ની ઓળખાણ
વૃક્ષ - રાજેન્દ્ર શુક્લ
શબદસૃષ્ટિ અંતે - રાજેન્દ્ર શુક્લ
શબ્દ રામરોટી છે - રાજેન્દ્ર શુક્લ
શબ્દ- રાજેન્દ્ર શુકલ
શેર -રાજેન્દ્ર શુક્લ
શ્વાસમાં - રાજેન્દ્ર શુક્લ
સપનાં - રાજેન્દ્ર શુક્લ
હજો હાથ કરતાલ - રાજેન્દ્ર શુક્લ
હું - રાજેન્દ્ર શુક્લ
હોઈયેં જ્યાં - રાજેન્દ્ર શુક્લખંડેરના એકાંત – રાજેન્દ્ર શુક્લ

ખંડેરના એકાંતને પણ એક જણ મળતું રહ્યું,
તે એક સાથે બીજી પળને કોક સાંકળતું રહ્યું.

ઊંચાઈઓને આંબવાનું ચંદ્ર તો બ્હાનું હશે,
ના વ્યર્થ કૈં સાગર તણું ઊંડાણ ખળભળતું રહ્યું !

આ જિંદગીની ચાર ક્ષણનું ગીત તો પૂરું થયું;
મુજ શૂન્યતા ગાતી રહી તુજ મૌન સાંભળતું રહ્યું.

ઊગ્યા કર્યું સ્વપ્નોનું લીલું ઘાસ કબરો પર અને
આકાશની આંખો થકી મુજ દર્દ ઓગળતું રહ્યું.

આ વન્ય કેડીઓ સમય ગાતો રહ્યો, ગાતો રહ્યો,
ને તે ક્ષિતિજની રેખ પર કોનું વદન ઢળતું રહ્યું !

‘ના કોઈની યે વાટ….’ કહી જેણે ક્ષિતિજ તાક્યા કર્યું,
છેવટ સુધી એ આંખમાં આકાશ ટળવળતું રહ્યું.

હું તો સમયની જ્યમ બધુંયે ભૂલવા મથતો ગયો,
યુગ-અંતનું ખાલીપણું મુજ રક્તમાં ભળતું રહ્યું.

રાજેન્દ્ર અનંતરાય શુક્લ (૧૨-૧૦-૧૯૪૨) નો જન્મ બાંટવા, જૂનાગઢ. હાલ અમદાવાદ. શબ્દના તળમાં ઠેઠ ઊંડે ડૂબકી લગાવ્યા બાદ હાથમાં આવેલા અલભ્ય મોતીની ચમક એમના કાવ્યોમાં આવ્યા વિના રહેતી નથી. મૌનને બોલતું સાંભળવું હોય તો એમની કવિતાનો ભગવો ધારણ કરવો પડે. આ ગઝલના બધા જ શેર એક વિશિષ્ટ અભિવ્યંજના લઈને સામાન્ય પ્રતીકોમાંથી અસામાન્ય કલ્પનલીલા સર્જે છે, જેના અર્થ-વર્તુળો ધીમે-ધીમે આપણી અંદર કંઈક હચમચાવતા હોય એવું ભાસે છે…

કાવ્યસંગ્રહ: ‘કોમલ રિષભ’, ‘સ્વવાચકની શોધમાં’, ‘અંતર ગાંધાર’, ‘ગઝલ સંહિતા’- ૧ થી ૫ (સભર સુરાહિ, મેઘધનુના ઢાળ પર, આ અમે નીકળ્યા, ઝળહળ પડાવ, ઘિર આઈ ગિરનારી છાયા).

Comments (2)

હજો હાથ કરતાલ – રાજેન્દ્ર શુક્લ

હજો હાથ કરતાલ ને ચિત્ત ચાનક;
તળેટી સમીપે હજો ક્યાંક થાનક.

લઈ નાંવ થારો સમયરો હળાહળ,
ધર્યો હોઠ ત્યાં તો અમિયેલ પાનક.

સુખડ જેમ શબ્દો ઊતરતા રહે છે,
તિલક કોઈ આવીને કરશે અચાનક.

અમે જાળવ્યું છે ઝીણેરા જતનથી,
મળ્યું તેવું સોંપીશું કોરું કથાનક.

છે ચન જેનું એનાં જ પંખી ચૂગે આ,
રખી હથ્થ હેઠા નિહાળે છે નાનક.

નયનથી નીતરતી મહાભાવ મધુરા,
બહો ધૌત ધારા બહો ગૌડ ગાનક.

શબોરોજ એની મહેકનો મુસલસલ,
અજબ હાલ હો ને અનલહક હો આનક.

-રાજેન્દ્ર શુક્લ

ગિરનારની તળેટીમાં આજે શરદપૂર્ણિમાના રોજ તારીખ ૦૭-૧૦-૨૦૦૬ નો દિવસ સાક્ષાત્ સરસ્વતીના અવતરણ સમો યાદગાર બની રહેશે. જૂનાગઢના ‘આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્ય નિધિ ટ્રસ્ટ’ તરફથી દરવર્ષે અપાતો ગુજરાતી કવિતા માટેનો સૌથી મોટો અને પ્રતિષ્ઠિત “નરસિંહ મહેતા પુરસ્કાર” રૂપાયતન સંસ્થાના પ્રાંગણમાં આ વર્ષે મોરારિબાપુના વરદ્ હસ્તે કવિશિરોમણી શ્રી રાજેન્દ્ર શુક્લાને અપાશે ત્યારે એમનું આ બહુમાન છે કે ગુજરાતી કવિતાનું- એ નક્કી કરવું આકરું થઈ રહેશે…

રાજેન્દ્ર શુક્લ એ ગુજરાતી કવિતાના લલાટ પરનું જાજવલ્યમાન તિલક છે. એમની કવિતા વાંચીએ તો લાગે કે એ શબ્દો કને નથી જતા, શબ્દો એમની કને સહસા સરી આવે છે, જાણે કે આ એમનું એકમાત્ર સાચું સરનામું ન હોય! ભગવો માત્ર એમના દેહ પર જ નહીં, એમના શબ્દોમાં પણ સરી આવ્યો છે. રાજેન્દ્રભાઈની કવિતા એટલે જાણે આત્માનો પરમાત્મા સાથેનો ચિરંતન વાર્તાલાપ. લાંબા સફેદ દાઢી-મૂછ, સાક્ષાત્ શિવનું સ્મરણ કરાવે એવા લાંબા છૂટા જટા સમ વાળ, કેસરી ઝભ્ભો, ગળામાં રુદ્રાક્ષની માળા, ખભે થેલો અને આંખે ચશ્માં- ‘બાપુ’ને જોઈએ ત્યારેકોઈ અલગારી ઓલિયાને મળ્યાનો ભાસ થયા વિના ન રહે. આધુનિક ગઝલની કરોડરજ્જુને સ્થિરતા બક્ષનાર શિલ્પીઓના નામ લેવા હોય ત્યારે બાપુનું નામ મોખરે સ્વયંભૂ જ આવી જાય.

(ચાનક= કાળજી, (૨) ઉત્તેજન, ઉત્સાહ, જાગૃતિ; થાનક =સ્થાનક; નાંવ = નામ; સમયરો = સમર્યો; અમિયેલ = અમૃત સીંચેલું; પાનક =પીણું, પેય; ચન = ચણ; હથ્થ = હાથ; નાનક = ગુરૂ નાનક; ધૌત=ધોયેલું, (૨) સ્વચ્છ; ગૌડ = એ નામનો એક શાસ્ત્રીય રાગ; ગાનક = ગાવામાં હોશિયારી, સંગીતમાં પ્રવીણતા; શબોરોજ = રાત-દિન; મુસલસલ= લગાતાર, નિરંતર, ક્રમબદ્ધ; અનલહક = ‘હું બ્રહ્મ-પરમાત્મા છું’ એ અર્થ આપતો શબ્દ; આનક = નગારું )

Comments (10)

ગઝલ – રાજેન્દ્ર શુક્લ

હું નતો સફર મહીં, સફરમાં તો નાવ હતી,
હું તો હું મહીં હતો, કોની આવજાવ હતી?
 
જે ક્ષણો અડી ગઈ તે અપૂ્ર્વ લ્હાવ હતી,
ને સકલ સરી જતાં ના કશેય રાવ હતી.
 
કલ્પનાની કુંજમાં લૂમઝૂમ કલ્પલતા,
જે સ્થળે તૃષા હતી તે સ્થળે જ વાવ હતી.
 
દૂર દેખવુંય તે નેત્રનોજ ખેલ હતો,
શ્વાસને અઢેલતી તું સમીપ સાવ હતી.
 
સ્તોત્ર પણ ભલે રચો અંજલી અપાય ભલે,
એ પ્રભાવની પ્રભા તો સહજ સ્વભાવ હતી.

– રાજેન્દ્ર શુક્લ

રાજેન્દ્ર શુક્લ ગઝલને હંમેશા એક વધુ ઊંચા મુકામ પર લઈ જાય છે. હું નતો સફર મહીં, સફરમાં તો નાવ હતી, હું તો હું મહીં હતો, કોની આવજાવ હતી? એ વાંચીને ગાલિબના ન થા કુછ તો … યાદ આવે છે. ( આભાર, પંચમ )

Comments (3)

ઊર્ધ્વમૂલ – રાજેન્દ્ર શુક્લ

ક્ષણ સરકતું, લરહરતું વૃક્ષ છું.
શ્વાસનો સંચાર કરતું વૃક્ષ છું.

હો ધરા કે હો ગગન મ્હોરી ઊઠું,
હું ફૂલોની જેમ ફરતું વૃક્ષ છું.

મર્મરે છે પંખીઓ, પરણો, પવન
કલરવે કલ્લોલ કરતું વૃક્ષ છું.

તું, ખખડધજ કાળ, ખોડાઈ રહે
હું તો હળવે હરતુંફરતું વૃક્ષ છું.

ડાળ નીચે, મૂળ ઊંચે શબ્દનું
હું પરમ મકરંદ ઝરતું વૃક્ષ છું.

– રાજેન્દ્ર શુક્લ

(મકરંદ=પુષ્પરસ)

Comments (2)

પગલાં કુંકુમઝરતાં – રાજેન્દ્ર શુક્લ

દૂર દૂર પરહરતાં, સાજન !
વરસો આમ જ સરતાં, સાજન !

કારતકના કોડીલા દિવસો –
ઊગી આથમી ખરતા, સાજન !

માગશરના માઝમ મ્હોલોમાં
નેવાં ઝરમર ઝરતાં, સાજન.

પોષ શિશિરની રજાઈ ઓઢી
અમે એક થરથરતા, સાજન !

માઘ વધાવ્યા પંચમ સ્વર તો
કાન વિષે કરગરતા, સાજન !

છાકભર્યા ફાગણના દહાડા –
હોશ અમારા હરતા, સાજન !

ચૈત્ર ચાંદની, લ્હાય બળે છે,
તમે જ ચંદન ધરતા, સાજન !

એ વૈશાખી ગોરજવેળા,
ફરી ફરીને સ્મરતા, સાજન !

જેઠ મહિને વટપૂજન વ્રત,
લોક જાગરણ કરતા, સાજન !

આષાઢી અંધારે મનમાં
વીજ સમાં તરવરતાં, સાજન !

શ્રાવણનાં સરવરની પાળે,
હવે એકલા ફરતા, સાજન !

ભાદરવો ભરપૂર વહે છે,
કાગ નિસાસા ભરતા, સાજન !

આસોનાં આંગણ સંભારે
પગલાં કુંકુમઝરતાં, સાજન !

– રાજેન્દ્ર શુક્લ

માસે માસ પ્રિયજનને સંભારતા વિતેલા વર્ષની કથારૂપે વણેલી આ ગઝલ તરત જ દિલમાં ઘર કરી જાય એવી છે. કવિએ પસંદ કરેલા શબ્દો એટલાં મીઠાં છે કે વિરહને વેદના ભૂલીને કવિની ભાષાસિદ્ધિને બિરદાવવાનું મન થઈ આવે છે ! દરેક માસનું આગવું ચિત્ર અહીં આબાદ ઉપસી આવે છે. સૌથી છેલ્લી કડીમાં, આસો માસમાં એટલે કે દિવાળી વખતે રંગોળી પૂરવાના મહીનામાં, આંગણ ખુદ સાજનના કુંકુમઝરતાં પગલાને યાદ કરે છે એવી વાત કરીને કવિ અભિવ્યક્તિને એક વધારે ઊંચા મૂકામ પર લઈ ગયા છે.
( પરહરતાં=છોડી જતા, મ્હોલો=મહેલો, છાક=કેફ, ગોરજવેળા=સાંજ )

Comments (1)

ગઝલ – રાજેન્દ્ર શુકલ

સામાય ધસી જઇયે, આધાંય ખસી જઇયે,
એકાદ મળે ક્ષણ તો ક્ષણમાંય વસી જઇયે.

આમેય વિતાવવાની છે રાત સરોવરમાં,
તો ચાલ કમલદલમાં આ રાત ફસી જઇયે.

એકેક કસોટીમાં છે પાર ઉતરવાનું,
હર શ્વાસ કસોટી છે, એનેય કસી જઇયે.

આ ફીણ તરંગોનાં છે શીખ સમંદરની,
રેતાળ કિનારા પર હેતાળ હસી જઇયે.

ઉત્કંઠ હવામાં છે સંગાથ સુગંઘોનો,
હોવુંય હવે ઉત્સવ, આકંઠ શ્વસી જઇયે.

– રાજેન્દ્ર શુકલ

આભાર : પંચમ શુક્લ

Comments (5)

શેર -રાજેન્દ્ર શુક્લ

આપણા સામટા શબ્દ ઓછા પડે,
એમના મૌનને એટલા રંગ છે.

લો કરું કોશિશ ને ફાવે તો કહું,
શબ્દ જો એને સમાવે તો કહું !

-રાજેન્દ્ર શુક્લ

Comments

કીડી સમી ક્ષણો…. રાજેન્દ્ર શુકલ

કવિશ્રી રાજેન્દ્ર શુક્લની સઘળી ગઝલોનો સંગ્રહ ‘ગઝલ-સંહિતા'(5 ભાગમાં) તાજેતરમાં પ્રગટ થયો છે. 25 વર્ષના ગાળા પછી એમની કૃતિઓ ગુજરાતી ગઝલના ચાહકોને માણવા મળશે. આ વિરલ અવસરે એમની જ એક ગઝલ પ્રસ્તુત છે.

કીડી સમી ક્ષણો….રાજેન્દ્ર શુકલ

કીડી  સમી  ક્ષણોની  આ  આવજાવ  શું  છે?
મારું  સ્વરૂપ  શું  છે,  મારો  સ્વભાવ  શું  છે?

ઋતુઓનો  રંગ  શું  છે,  ફૂલોની  ગંધ શું છે?
લગની, લગાવ, લહરો, આ હાવભાવ શું છે?

લયને ખબર નથી કૈં, આકાર પણ અવાચક,
શું  છે રમત  પવનની, ડાળીનો  દાવ શું છે?

પર્વતને ઊંચકું  પણ  પાંપણ  ન  ઊંચકાતી,
આ ઘેન  જેવું  શું  છે,  આ  કારી ઘાવ શું છે?

પાણીની  વચ્ચે  પ્રજળે,  કજળે  કળીકળીમાં,
એનો  ઈલાજ  શું  છે,  આનો  બચાવ શું છે?

ચિંતા નથી કશી પણ નમણાં નજૂમી કહી દે,
હમણાં  હથેળી  માંહે  આ  ધૂપછાંવ  શું  છે?

‘ગઝલ-સંહિતા’ મેળવવા માટે સંપર્ક : સહ્યદય પ્રકાશન, 714, આનંદમંગલ-3, ડોકટર હાઉસ સામેની ગલી, આંબાવાડી, અમદાવાદ-380 006 (ફોન: 79-2686 1764, 98984-21234 ) મૂલ્ય રૂ.300. (આભાર : પંચમ શુક્લ)

Comments (1)

Page 5 of 5« First...345