સરે છે અર્થ શું સગવડથી, કોણ સમજે છે?
ઉજાગરા નથી જોયા, પલંગ જોઈ ગયા.
સ્વયંની રંગછટાને વિશે છે મૌન હવે,
ગગનની રંગલીલાને પતંગ જોઈ ગયા.
પંકજ વખારિયા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for દીનેશ શાહ

દીનેશ શાહ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




શા માટે – ડો. દીનેશ શાહ

જીવનભર જેને ન જાણી શક્યાં,
એનાં અશ્રુ રૂદન હવે શા માટે?

વસ્ત્રો સાદા જેણે પહેર્યાં સદા,
એને કિમતી કફન શા માટે?

જેને ચરણ કદી ના ફુલ ધર્યાં,
ફુલ હાર ગળામાં શા માટે ?

જેને જોવા કદી ના દિલ તડપ્યું,
એના રંગીન ફોટા શા માટે?

એક પ્રેમ સરિતા સુકાઇ ગઇ,
હવે કિનારે જાવું શા માટે?

જેના ચરણોમાં કદી ના નમ્યો,
એની છબીને વંદન શા માટે?

ધૂપસળી સમ જેનું જીવન હતું ,
હવે ધૂપ જલાવો શા માટે?

આંખોના તેજ બુઝાઇ ગયા,
હવે ઘીના દીવા શા માટે?

જેનું જીવન ગીતાનો સાર હતો,
હવે ગીતા વાંચન શા માટે?

જીવનભર સૌના હિત ચાહ્યાં,
એના મોક્ષની વાતો શા માટે?

મળે કદી જો જીવનમાં,
તો ઇશ્વરને મારે પુછવું છે.

સારા માનવની વૈકુંઠમાં
તને જરુર પડે શા માટે?

ડો. દીનેશ શાહ

ડો. દીનેશ શાહ છેક  1962 થી ફ્લોરીડા, અમેરીકામાં સ્થાયી થયેલા છે.  બહુ જ નિપુણ બાયો ફિઝીસીસ્ટ હોવા ઉપરાંત તેઓ હૃદયથી કવિ છે અને ભારતમાં સમાજ સેવાના ઘણા કામોમાં આર્થિક અને સક્રિય ફાળો આપતા એક ‘માણસ’ કહેવાય તેવા માણસ છે.   
મૂળ સાથેનો સમ્પર્ક કપાઇ ગયો હોય, કોઇ પણ સ્વજનોની અંતિમ ક્રિયામાં હાજર ન રહી શક્યા હોય, તેમના વિયોગ માટે દિલ હીજરાતું હોય અને છતાંય બધા લૌકિક આચાર માત્ર કરવા પડતા હોય તેવા ગુજરાતી ડાયાસ્પોરાના માનવીઓની હૃદયવેદના, બાહ્યાચારની કૃત્રિમતા અને મનોવ્યથાને આ કાવ્ય વાચા આપે છે. 
આ કાવ્ય શ્રી. પુરૂષોત્તમ ઉપાધ્યાયની સ્વર રચનામાં સાંભળીને કેટકેટલા લોકોએ વતન ઝુરાપાના આંસુ સાર્યા છે. 

Comments (8)