સમજાતું નથી તારી આ કુદરત શું છે ?
એની તને પરવા અને દહેશત શું છે ?
પાપી છીએ, સંતાડીએ મોઢું તો અમે;
અલ્લાહ ! તને પરદાની જરૂરત શું છે ?
મરીઝ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for સુરેશ દલાલ

સુરેશ દલાલ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

- (અનામી) (સંસ્કૃત) અનુ. સુરેશ દલાલ
- સુરેશ દલાલ
--હશે ? - સુરેશ દલાલ
() - સુરેશ દલાલ
(આકર્ષણ) - શેશ્લો મિલોશ
(આમ તો) સુરેશ દલાલ
(ગીત) - લેનર્ડ કોહેન
(થઈ જઈએ રળિયાત) - આંડાલ (તામિલ) (અનુ. સુરેશ દલાલ)
અખંડિત ક્ષણ નથી - સુરેશ દલાલ
અછાંદસ - સુરેશ દલાલ
અછાંદસ- અહમદ અલી સઈદ - અનુ. સુરેશ દલાલ
અંતિમ યાત્રા - યિમિનેઝ (અનુ. સુરેશ દલાલ)
અનુભૂતિ -સુરેશ દલાલ
આપણી વચ્ચે - સુરેશ દલાલ
આંસુ - સુરેશ દલાલ
એ જ રાત - યાનિસ રિતસોસ
એક સુંવાળી નદી - સુરેશ દલાલ
એકલો દરિયો - સુરેશ દલાલ
કબૂલાત - કુસુમાગ્રજ (અનુ.: સુરેશ દલાલ)
કાગળ -સુરેશ દલાલ
કાઝાનઝાકીસ - અમૃતા પ્રીતમ
ગદ્ય સૉનેટ - સુરેશ દલાલ
ગીત મારાને શું હવે શણગાર ? - રવીન્દ્રનાથ ટાગોર (અનુ. સુરેશ દલાલ)
ગીત- સુરેશ દલાલ
ગોવાલણ - ઇન્દિરા સંત (અનુ. સુરેશ દલાલ)
જીવન અને સેક્સ - દેવીપ્રસાદ વર્મા (અનુ. સુરેશ દલાલ)
જેનો જવાબ મળે એવી પ્રાર્થના - અના કામિએન્સ્કા (અનુ. સુરેશ દલાલ)
જ્યારે આપણે પ્રેમ કરીએ છીએ - મંગેશ પાડગાંવકર, અનુ. સુરેશ દલાલ
ડોસાએ ડોસીને જીદ કરી કહ્યું... - સુરેશ દલાલ
તમે કહો તો હા - સુરેશ દલાલ
તમે વાતો કરો તો થોડું સારું લાગે - સુરેશ દલાલ
તારા વિના - સુરેશ દલાલ
તારી ગુલાબી હથેળી - સર્વેશ્વરદયાલ સક્સેના [ હિન્દી ] - અનુ- સુરેશ દલાલ
તારે નામે લખું છું - કુમાર પાશી
તું - સુરેશ દલાલ
તું - સુરેશ ભટ્ટ
તો પણ - કુસુમાગ્રજ
દરિયાઈ શંખ - ડીક સટફેન
પક્ષી ગાતું નથી -પુ.શિ.રેગે
પ્રેમ - જયા પ્રભા (અનુ. સુરેશ દલાલ)
બન્ને કરતાં એકમેકને વારાફરતી રાજી - સુરેશ દલાલ
મને ડાળખીને - સુરેશ દલાલ
મીરાં -સુરેશ દલાલ
મોર સાથે રમતી કન્યા - વિદ્યાપતિ (અનુવાદ: સુરેશ દલાલ)
મોસમ - ડેવિડ ઈગ્નાતો
યાદગાર ગીતો :૧૮: રાધાનું નામ તમે - સુરેશ દલાલ
રસ્તા - વસંત ડહાકે [ મરાઠી ] - અનુ.સુરેશ દલાલ
રાધા - પુ. શિ. રેગે (અનુ. સુરેશ દલાલ)
રુબાઈઓ - રૂમી (અનુ. સુરેશ દલાલ)
લઘુકાવ્ય -ગુરુનાથ સામંત (અનુ. સુરેશ દલાલ)
વન-મેન યુનિવર્સિટીનો અંત - "સુ.દ. પર્વ"નો આરંભ
વિચ્છેદ -સુરેશ દલાલ
વિશ્વ-કવિતા:૦૮: દુ:ખ (હિન્દી) - સર્વેશ્વરદયાલ સક્સેના
વિશ્વ-કવિતા:૧૩: જીવન અને સેક્સ (હિન્દી)- દેવીપ્રસાદ વર્મા (અનુ. - સુરેશ દલાલ)
શરાબ - જેક્સ પ્રિવર્ટ
શાંત આનંદ - યેહૂદા અમિચાઈ
સપનાં વસંતના - સુરેશ દલાલ
સલામ, સબકો સલામ ! - મંગેશ પાડગાંવકર
સુ.દ. પર્વ :૦૧: ગીત - રવીન્દ્રનાથ ઠાકુર - અનુ-સુરેશ દલાલ
સુ.દ. પર્વ :૦૨: થાય, આવું પણ થાય - સુરેશ દલાલ
સુ.દ. પર્વ :૦૩: ગીત - વિદ્યાપતિ [મૈથિલી ભાષા] - અનુ-સુરેશ દલાલ
સુ.દ. પર્વ :૦૪: ગીત-સુરેશ દલાલ
સુ.દ. પર્વ :૦૫: મધુમાલતી - સુરેશ દલાલ
સુ.દ. પર્વ :૦૬: (હું છું કોણ ?) - સુરેશ દલાલ
સુ.દ. પર્વ :૦૭: Pre-scription - સુરેશ દલાલ
સુ.દ. પર્વ :૦૮: ડોસાએ ડોસીને જીદ કરી કહ્યું - સુરેશ દલાલ
સુ.દ. પર્વ :૦૯: કમાલ કરે છે, કમાલ કરે છે - સુરેશ દલાલ
સુ.દ. પર્વ :૧૦: પ્રેમ અમારે કરવો - સુરેશ દલાલ
સુ.દ. પર્વ :૧૧: તમે-અમે - સુરેશ દલાલ
સુ.દ. પર્વ :૧૨: લીલા તારી - સુરેશ દલાલ
સુ.દ. પર્વ :૧૩: યાત્રા - સુરેશ દલાલ
સુ.દ. પર્વ :૧૪: આંખ તો મારી આથમી રહી - સુરેશ દલાલ
સુ.દ. પર્વ:૧૫: પ્રાર્થના
સ્વપ્નમાં - (રશિયન) આન્ના આખ્માતોવા (અનુ. સુરેશ દલાલ)
હથોડી - કાર્લ સેન્ડબર્ગ (અનુ. સુરેશ દલાલ)સુ.દ. પર્વ :૧૩: યાત્રા – સુરેશ દલાલ

 

Capture

મને હકીકતને વળગવામાં રસ નથી, એને ઓળંગવામાં રસ છે.
ટેબલ પર પડેલા પાણીના ગ્લાસને જોઉં છું ત્યારે
એના જળને કાચની દીવાલ બહાર પણ જોઈ શકું છું
સરોવરના જળરૂપે કે વાદળના ગર્ભમાં પણ.

ચાર દીવાલની બહાર જગત છે –
પણ જગતની બજારમાં ઊભા રહેવાનો કોઈ નશો નથી.
બધી દીવાલોને વીંધીને નીકળી જવું છે ક્યાંક
નીરવ શાંતિના લયબદ્ધ કોઈ તટ ઉપર.

હું ઘડિયાળને જોઉં છું ત્યારે કેવળ આંકડા કે કાંટાઓને જોતો નથી.
વર્તુળાકાર ગતિને ભેદીને નીકળી જવાની મારી ઝંખના છે.
જન્મ પહેલાં અને મૃત્યુ પછીના કાળના નિરામય સ્વરૂપનો
સાક્ષાત્કાર થાય છે ક્ષણાર્ધ.

શરીરથી આત્મા લગી હકીકતથી સત્ય સુધીની
યાત્રા તે કાવ્ય નહિ હોય ?

– સુરેશ દલાલ

કવિના પોતાના શબ્દોમાં:

"હકીકત અને સત્ય વચ્ચે એક સૂક્ષ્મ રેખા છે. કેટલીક હકીકતો તમને વળગેલી હોય છે. દા.ત. જન્મ, બચપણ, સંસ્કાર, સમગ્ર વાતાવરણ, સ્મૃતિ વગેરે. હકીકત એ પ્રથમ પગથિયું છે. એ પગથિયા પર ફસડાઈ પડવામાં મને રસ નથી. લોકો જ્યારે જ્યારે હકીકતને ઓળંગી શકે છે ત્યારે ત્યારે એટલા પૂરતા ખુશનસીબ છે. પાણી એ કદાચ હકીકતથી ગૂંગળાતો મારો જીવ છે. જળનું વાદળના ગર્ભમાં રહેવું એ એની સ્વાભાવિક્તા છે. જળનું સરોવરનું રૂપ એ એનું સૌંદર્ય છે. જળનું પાણીના ગ્લાસમાં રહેવું એ નકરી વાસ્તવિક હકીકત છે. હકીકતનો આપણે કાંકરો કાઢી શકતા નથી, કારણ કે તરસ લાગી હોય ત્યારે પેલો પાણીનો ગ્લાસ જ મદદે આવે છે. મારું જીવન એ બાહ્ય દૃષ્ટિએ હકીકત છે; પણ મારું કાવ્ય એ સત્ય છે. શરીર એ હકીકત છે. હું મારા શરીરથી અન્યના શરીર સુધી અને એ દ્વારા અન્યના આત્મા લગી પહોંચી શકું તો એ ક્ષણ કદાચ કાવ્ય હોય તો હોય.

"ગદ્યમાં લખાયેલું આ સૉનેટ છે. એની ચૌદ પંક્તિની હકીકતને સાચવી છે પણ છંદની હકીકતને તથા અન્ય કેટલાંક લક્ષણોને ઓળંગવાનો પ્રયત્ન કર્યો છે. કાવ્યમાં આ ઓળંગવાનો પ્રયત્ન કરી શક્યો, એ જો જીવનમાં કરી શક્યો હોત તો આ મૂંઝવણ, વ્યથા કે વ્યથાનું કાવ્ય ન રહેત."

Comments (3)

સુ.દ. પર્વ :૧૨: લીલા તારી – સુરેશ દલાલ

Suresh Dalal kavi

(મંદક્રાન્તા)

ત્હારું પ્હેલું રુદન સ્મિતની છોળ થૈને છવાયું !

ચ્હેરોમ્હોરો ધવલ તન ને ઓષ્ઠની પાંદડીઓ,
બિડાયેલાં નયન નમણાં : પોપચાંની સુવાસ;
ત્હારા પ્હેલા પરિચય થકી અંતરે લાગણી શી !
જાણે મારું બચપણ અહીં પારણામાં પધાર્યું !

ઓચિંતાનું વદન ભરીને હાસ્ય તારું સુહાય,
ને તું વ્હેતા પવન મહીં શા પાય ત્હારા ઉછાળે;
આક્રન્દોથી પલકભરમાં ખંડ ક્યારેક ગાજે
આશંકાનાં મનગગનમાં વાદળાંઓ છવાય !

ટીકી ટીકી કાશી નીરખતી શ્યામળી કીકીઓ બે;
કાલીઘેલી કદિક સરતી વાણી તારી અગમ્ય.

(લીલા તારી અભિનવ નિહાળી થતાં નેણ ધન્ય)

ધીમે ધીમે ડગ લથડતા ધારતા સ્થૈર્ય તેમાં
જોઉં છું હું નજર ભરીને મ્હાલતું ભાવિ મારું !

-સુરેશ દલાલ

રખે કોઈ સુ.દ.ને ગીત અને અછાંદસના કવિ ગણી લે. એમણે છંદોબદ્ધ સોનેટ અને મુક્તસોનેટમાં પણ ઘણું ખેડાણ કર્યું છે. મરાઠી કવિ વિંદા કરંદીકરના ઘણા બધા મુક્તસોનેતનો એમણે અનુવાદ પણ આપણને આપ્યો છે. એમના કહેવા પ્રમાણે એમને શિખરિણી છંદ વધુ ફાવે છે પણ પ્રસ્તુત સોનેટ મંદાક્રાન્તા છંદમાં છે. કવિની છંદ પરની પકડ જોતાં જ એમના અછાંદસ કાવ્યોમાં સંભળાતો આંતરલય ક્યાંથી પ્રગટ્યો છે એનું રહસ્ય હાથ આવે છે.

Comments (2)

સુ.દ. પર્વ :૧૧: તમે-અમે – સુરેશ દલાલ

Suresh Dalal06

રાત દિવસનો રસ્તો વ્હાલમ નહીં તો ખૂટે કેમ ?
તમે પ્રેમની વાતો કરજો : અમે કરીશું પ્રેમ.

તમે રેતી કે હથેલી ઉપર લખો તમારું નામ,
અમે એટલાં ઘેલા, ઘાયલ : નહીં નામ કે ઠામ.

તમને તો કોઈ કારણ અમને નહીં બહાનાં નહીં વ્હેમ
તમે પ્રેમની વાતો કરજો : અમે કરીશું પ્રેમ.,

તમને વાદળ, ધુમ્મસ વહાલાં અમને ઊજળી રાત,
અમે તમારાં ચરણ ચૂમશું થઈને પારિજાત.

અહો આંખથી ગંગાયમુના વહે એમ ને એમ,
તમે પ્રેમની વાતો કરજો : અમે કરીશું પ્રેમ.

-સુરેશ દલાલ

સરળતાનું સૌંદર્ય એ સુ.દ.ની કવિતાઓનું મુખ્ય ઘરેણું છે. અઘરી કવિતાઓથી ભાવકને ગુંચવી મારી પોતાની પંડિતાઈ સાબિત કરવાને બદલે સુ.દ. હંમેશા સરળ બાનીથી આમ આદમીના દિલ સુધી જવાનો પ્રયત્ન કરતા. એટલે જ એમના ગીતોમાં સહજ માધુર્ય અનુભવાય છે. Genuine poetry can communicate before it is understood. (T. S. Eliot). આ વાતની સાબિતી સુ.દ.ના ગીતોમાં સતત મળતી રહે છે.

Comments (6)

સુ.દ. પર્વ :૧૦: પ્રેમ અમારે કરવો – સુરેશ દલાલ

IMG_8412

સ્વર : ઉદિત નારાયણ
સ્વરકાર : શ્યામલ – સૌમિલ મુન્શી

[audio:http://urmisaagar.com/saagar/audio/prem amaare karavo-Suresh Dalal.mp3]

પ્રેમ અમારે કરવો અને આ રીત તમારી,
બાજી રમીએ અમે અને હા, જીત તમારી.

તમે સ્મિતને રહો સાચવી અને અમે અહીં આંસું,
તમે વસંતના કોકિલ, અમે ચાતક ને ચોમાસું;
અમે બારણાં ખુલ્લાં અને આ ભીંત તમારી.

સાવ અચાનક તમને ક્યારેક ખોટું માઠું લાગે,
પત્થર જેવા અમને તો નહીં ક્યાંય કશુંયે વાગે;
તીર મારો ને તોય અમારે કહેવાનું કે ફૂલ જેવી છે પ્રીત તમારી.

– સુરેશ દલાલ

આજે ફરી માણીએ ‘હસ્તાક્ષર’ આલ્બમનું જ સુ.દ.નું બીજું એક હળવું પ્રણયગીત…

એક અંગત વાત… (પ્રજ્ઞાઆંટીએ આ મજાનું યાદ કરાવ્યું!)  2007માં સુ.દ.ની 75મી વર્ષગાંઠ નિમિત્તે યોજાયેલા ‘ઉત્સવ સ્વજનોનો’ કાર્યક્રમમાં સુ.દ. સહિત ઘણા કવિઓને પ્રથમવાર મળવાનું સદભાગ્ય પ્રાપ્ત થયેલું… અને એ કાર્યક્રમનાં બે દિવસો મારે માટે ખૂબ જ યાદગાર રહ્યા હતા.  ‘ઉત્સવ સ્વજનોનો‘ કાર્યક્રમ વિશે લખેલો લેખ અહીં વાંચી શકો છો.

Comments (4)

સુ.દ. પર્વ :૦૯: કમાલ કરે છે, કમાલ કરે છે – સુરેશ દલાલ

Suresh Dalal03

સ્વર : નીરજ પાઠક
સંગીત : શ્યામલ – સૌમિલ મુન્શી

[audio:http://urmisaagar.com/saagar/audio/kamaal kare chhe-SureshDalal.mp3]

કમાલ કરે છે, કમાલ કરે છે,
એક ડોસી ડોસાને હજી વ્હાલ કરે છે.

ડોસો જાગે ત્યારે ચશ્માં આપે અને બ્રશ ઉપર પેસ્ટને લગાડે,
લોકોનું કહેવું છે કે ડોસી તો આમ કરી ડોસાને શાને બગાડે ?
મસાલા ચા અને ગરમ ગરમ નાસ્તો, ડોસી ડોસાનો કેવો ખ્યાલ કરે છે !

નિયમ પ્રમાણે દવા આપે છે રોજ અને રાખે છે ઝીણું ઝીણું ધ્યાન,
બન્નેનો સંબંધ તો એવો રહ્યો છે જાણે તલવાર અને મ્યાન.
દરમ્યાનમાં બન્ને જણ મૂંગાં મૂંગાં એકમેકને તો એવાં ન્યાલ કરે છે.

કાનમાં આપે એ એવાં ઈન્જેકશન કે સિગરેટ શરાબ હવે છોડો,
ડોસો તો પોતાના તાનમાં જીવે કયારેક વહેલો આવે કે ક્યારેક મોડો.
બન્નેની વચ્ચે વહે આછું સંગીત પણ બહારથી ધાંધલધમાલ કરે છે.

ડોસો વાંચે અને ડોસીને મોતિયો બન્ને જણ વચ્ચે આવો છે પ્રેમ,
લડે છે, ઝગડે છે, હસે છે, રડે છે, જીવન તો જળની જેમ વહેતું જાય એમ.
દોસ્ત જેવી દીકરીની હાજરીમાં બન્ને જણ ઘરની દિવાલને ગુલાલ કરે છે.

– સુરેશ દલાલ

આજે સુ.દ. જેવા હળવા મિજાજનાં કવિની શ્રદ્ધાંજલિ પણ એક હળવા મિજાજમાં… ગઈકાલે ધવલે મૂકેલી ડોસા-ડોસીનું ગીત વાંચીને મને ખૂબ ગમતું ડોસા-ડોસીનું આ ગીત યાદ આવ્યું.  પ્રસન્ન દાંપત્યજીવનને મજાની હળવાશથી બખૂબી રીતે આલેખતું ‘હસ્તાક્ષર’ આલ્બમનું આ ગીત મને ઘણું ગમે છે.  મને લાગે છે કે આ ગીત જો એકવાર સાંભળી લે તો ડોસા-ડોસીની કક્ષા તરફ જતા વડીલોને કદાચ ડોસા-ડોસી બની જવાનો બિલકુલ વાંધો નઈં આવે… 🙂

Comments (6)

સુ.દ. પર્વ :૦૮: ડોસાએ ડોસીને જીદ કરી કહ્યું – સુરેશ દલાલ

Sureshbhai-AD-300x199

ડોસાએ ડોસીને જીદ કરી કહ્યું:
હવે હાથમાં તું મેંદી મૂકાવ,
કો’કના લગનમાં જઈએ તો લાગે
કે આપણો પણ કેવો લગાવ.

આપણને જોઈ પછી કોઈને પણ થાય
કે પરણી જઈએ તો કેવું સારું,
મંગળફેરા ફરતા જીવોને લાગે કે
જીવન હોય તો આવું સહિયારું;

ઘેરદાર ઘાઘરો ને ઘરચોળું પ્હેરીને
ઠાઠ અને ઠસ્સો જમાવ.

તારી મેંદીમાં મારું ઉપસશે નામ
અને નામમાં દેખાશે તારો ચહેરો,
હાથમાં હાથ હવે ઝાલીને મ્હાલીએ
ને ફરી લઈએ જીવતરનો ફેરો;

સોનલ કમળ અને રૂપેરી ભમરો છે
ને બિલોરી આપણું તળાવ!

– સુરેશ દલાલ

સુરેશ દલાલના ઘણા ગીત છે જે ગમી જાય એવા છે. એમાં આ ડોસા-ડોસી ગીતો તો વળી પરાણે મીઠા લાગે એટલા સરસ છે. સમયની કસોટી પર ખરા ઉતરેલા પ્રેમનું એમાં અદભૂત ચિત્રણ છે.

Comments (4)

સુ.દ. પર્વ :૦૭: Pre-scription – સુરેશ દલાલ

Suresh-Dalal (1)

 

[audio:http://dhavalshah.com/audio/prescription.mp3]

 

તમને તારાઓની બારાખડી ઉકેલતાં આવડે છે?
– તો લખો.

તમને ફૂલોની પાંખડીમાં પ્રવેશતાં આવડે છે?
– તો લખો.

તમને ક્ષણની આંખડીમાં કશુંક આંજતાં આવડે છે?
– તો લખો.

તમને રણના વિષાદને મૃગજળથી માંજતાં આવડે છે?
– તો લખો.

તમને આંખમાં આવેલા વાદળને નહીં વરસાવતાં આવડે છે?
– તો લખો.

તમને મેઘધનુષને સુક્કી ધરતી પર વાવતાં આવડે છે?
– તો લખો.

તમને લોકોની વચ્ચે તમારી સાથે રહેતાં આવડે છે?
– તો લખો.

તમને તમારાથી છૂટાં પડતાં આવડે છે?
– તો લખો.

તમને કંઈ પણ આવડતું નથી
એ અવસ્થા પર ઊભા રહેતાં આવડે છે?
– તો લખો.

– સુરેશ દલાલ

સુરેશ દલાલની બહુ લોકપ્રિય કવિતા કવિના પોતાના અવાજમાં સાંભળો.

Comments (6)

સુ.દ. પર્વ :૦૬: (હું છું કોણ ?) – સુરેશ દલાલ

sureshdalal-300x270

હું વિચારોના વમળમાં ફસાયેલો હેમ્લેટ નથી. ‘ટુ બી ઓર નોટ ટુ બી’ના
સરકસી હિંચકા પર હું અહીંથી તહીં સામસામે અથડાતો અટવાતો નથી
કે નથી હું ઑથેલો – કે સીધો જ આચારમાં પકડાઈ જાઉં કે જકડાઈ
જાઉં અને પછી પસ્તાયા કરું. હું શંકા-કુશંકાથી ઘેરાયેલો અર્જુન નથી
– કે લડું કે ન લડુંની દ્વિધામાં રહેંસાતો, ભીંસાતો હોઉં. મારા સ્વારથ
પર કૃષ્ણ તો હોય જ ક્યાંથી ? હું રોમિયો નથી કે ભોમિયો નથી.

તો પછી, હું છું કોણ ?

હું છું આજનો માણસ. સવારથી રાત સુધી ઘણું બધું કરતો અને કશુંય
ન કરતો. એના નામને અને ઈતિહાસને સ્નાનસૂતકનો સંબંધ નથી. એનું
નામ તો રેશનકાર્ડમાં જ રોશન થાય. બહુ બહુ તો પાસપોર્ટમાં લખાય.
એને આંતરયુદ્ધ કે બાહ્ય્યુદ્ધનો પરિચય છે અને નથી. એ તો માત્ર મરણ
સુધી જીવવું પડે એટલા માટે જીવે છે. એક વાર એનું નામ કંકોતરીમાં
છપાયું તે છપાયું અને મરણનોંધમાં છપાશે ત્યારે એ હશે પણ નહીં.
જીવન મારું અંધ છે, મરણ મારો સ્કંધ છે, લૌકિક વહેવાર બંધ છે.

– સુરેશ દલાલ

સુરેશ દલાલની કલમ જલદીથી કડવી ન થતી. એ આશાના કવિ હતા, હતાશા જવલ્લે જ દેખાવા દેતા. અહીં કવિનો એ રંગ દેખાય છે. બધાને જીંદગી જીતવાની જડીબુટ્ટી શીખવતો ‘ઝલક’નો લેખક અહીં કડવી હકીકતને સલામ કરી લે છે. એ લખી નાખે છે : જીવન મારું અંધ છે, મરણ મારો સ્કંધ છે, લૌકિક વહેવાર બંધ છે.

Comments (3)

સુ.દ. પર્વ :૦૫: મધુમાલતી – સુરેશ દલાલ

suresh-dalal001

ઘાસમાં આળોટતાં
પવનને પકડવા
સૂર્યનાં કિરણોએ દોડાદોડ કરી મૂકી.

*

રાખમાંથી અગ્નિ તરફ
મહાપ્રસ્થાન કરે
તે કવિ.

*

મારી પ્રત્યેક પળ
એ તુલસીપત્ર
એ જ વિષ્ણુસહસ્ત્રનામ
અને એ જ સત્યનારાયણ.

*

જ્ઞાની સૂરજને એમ હતું
કે ઝાકળના વેદ વાંચું
ઝાકળને તો એમ થયું
કે અભેદ થઈને રાચું

*

એક નદીકિનારે
મંદિરોનું ટોળું
એમાં ક્યાંથી ઈશ્વર ખોળું

– સુરેશ દલાલ

‘મધુમાલતી’ નામનો સુરેશ દલાલનો ટચુકડો કાવ્યસંગ્રહ છે. બે-ત્રણ લીટીના દરેક મુક્ત કાવ્યમાં સુરેશ દલાલનું અલગારી ચિતન છલકે છે. એમાંથી થોડીક કવિતાઓ અહીં મૂકી છે. ત્રણ-ચાર ડગલામાં અર્થવિશ્વને માપી લેવાની કવિની હથોટી અહીં ચમકતી દેખાય છે.

Comments (9)

સુ.દ. પર્વ :૦૪: ગીત-સુરેશ દલાલ

DSC_4588

સુખને આપ્યો અંધાપો ને દુ:ખમાં સીવ્યા હોઠ
કિનારાને કાંઈ કશું નહીં: દરિયે ભરતી-ઓટ.

શિખર હોય કે હોય તળેટી:
કાંઈ કશો નહીં ફેર.
અંધારામાં પ્રકાશ જોયો
પ્રકાશમાં અંધેર.
બોલ્યા વિના પણ થઈ શકે છે મનની ગુપત-ગોઠ
સુખને આપ્યો અંધાપો ને દુ:ખમાં સીવ્યા હોઠ.

રણ હોય કે વૃંદાવન
પણ આવનજાવન ચાલે.
હવા સદાયે મીરાં જેવી
નાચે ઘૂંઘરું-તાલે.
વનમાં મન આ રાસ રમે ને રણમાં વહેતી પોઠ
સુખને આપ્યો અંધાપો ને દુ:ખમાં સીવ્યા હોઠ.

-સુરેશ દલાલ

Comments (4)

Page 2 of 8123...Last »