ગળે મળતો રહું છે પ્રેમથી જે પણ મને અહીંયા મળે,
હું એ આલિંગનોમાં દરઅસલ આલિંગનોને શોધું છું.
વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for હેમેન શાહ

હેમેન શાહ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

કોરી - હેમેન શાહ
-તો દોસ્ત, હવે સંભળાવ ગઝલ - હેમેન શાહ
'મરીઝ' સાહેબને સલામ * - હેમેન શાહ
Intermediate Constant ની ગઝલ - હેમેન શાહ
અને – હેમેન શાહ
ઈસવીસન પૂર્વેથી - હેમેન શાહ
કરવું હતું - હેમેન શાહ
કૅન્વાસ - હેમેન શાહ
ગઝલ - હેમેન શાહ
ગઝલ - હેમેન શાહ
ગઝલ - હેમેન શાહ
ગઝલ - હેમેન શાહ
ગઝલ - હેમેન શાહ
ગઝલ - હેમેન શાહ
ગઝલ - હેમેન શાહ
ગઝલ - હેમેન શાહ
ગઝલ -હેમેન શાહ
ચોમાસું - હેમેન શાહ
છોડીએ - હેમેન શાહ
ટીપાંની વાત એ જ સમંદરની વાત છે - હેમેન શાહ
ત્રણ ત્રિપદીઓ - હેમેન શાહ
દીવાને-ખાસ – હેમેન શાહ
નથી - હેમેન શાહ
નશો - હેમેન શાહ
પડઘો - હેમેન શાહ
પુષ્પ વિષે... - હેમેન શાહ
પ્રિસ્ક્રિપ્શન - હેમેન શાહ
બહુ એકલવાયું લાગે છે - હેમેન શાહ
મુક્તક - હેમેન શાહ
રાહ જોઉં છું - હેમેન શાહ
રોનક થઈ ગઈ - હેમેન શાહ
લાખ ટુકડા કાચના – હેમેન શાહ
વેદનાના સંબંધો, સંબંધોની વેદના -હેમેન શાહ
સરહદ થઈ - હેમેન શાહ
સવાર - હેમેન શાહઅને – હેમેન શાહ

ધોમધખતા ઉનાળામાં ઊભેલાં વૃક્ષો
એકાએક
બંદગી માટે ઊઠેલા હાથ બની જાય છે.
આકાશ કોઈની ઉદાસ આંખ તો નથી ને ?
તડકો ભીંસે છે.. ચોમેરથી.

ત્યાં ટપ… ટપ…
આદિવાસી સ્ત્રીની પીઠ જેવો પથ્થર
હમણાં જ ભીનો થયો.
નદીનો વિષાદ ધોવાતો જાય છે
ધીમે ધીમે.

એક તાજું ફુટેલું તરણું
માથું ઊંચકે છે,
અને
નમી પડે છે આખું ચોમાસું.

– હેમેન શાહ

વર્ણનમાં કવિની બારીકી જુઓ. કવિ છેલ્લી ચાર લીટી ચોમાસું-વર્ષા-નવજીવન બધાને એક સાથે સાંકળી લે છે.

Comments (8)

દીવાને-ખાસ – હેમેન શાહ

જરા ખુશ્બૂ, જરા ઝાકળ, જરા અજવાસ લાવ્યો છું,
હું ગુજરાતી ગઝલ માટે દીવાને-ખાસ લાવ્યો છું.

તમન્ના આભની પણ હું તો કેવળ શ્વાસ લાવ્યો છું,
કદી ખૂટે નહીં એવો વિરોધાભાસ લાવ્યો છું.

ફકીરીમાં અમીરીનો અજબ અહેસાસ લાવ્યો છું,
ગઝલ મમળાવવાનો રાજવી ઉલ્લાસ લાવ્યો છું.

બધા શ્રાવણની ઝરમર રાતનો શૃંગાર માગે છે,
ને હું પ્રાગડના ગેરુ રંગનો સંન્યાસ લાવ્યો છું.

પ્રબળ પુરુષાર્થ કોઈ હાથચાલાકી નથી હોતો,
હું ધસમસતી નદીના વ્હેણનો વિશ્વાસ લાવ્યો છું.

તમે કલદાર, કાયા, કીર્તિ કે કૌવત લઈ આવો,
સ્મશાનોની અચલ ભૂમિનું અટ્ટહાસ્ય લાવ્યો છું.

– હેમેન શાહ

અલગ ગઝલ લખવાનો પોતાની હઠ કવિ ગઝલ લખીને જ સમજાવે છે. જેના ખોળે માથું મૂક્યું તે ગઝલમાં તો વળી કઈ રીતે બાંધછોડ કરી શકાય ?

(પ્રાગડ=પ્રભાત)

Comments (7)

રોનક થઈ ગઈ – હેમેન શાહ

સોબત વાદળ માફક થઈ ગઈ,
માંડ મળ્યાં ત્યાં ચકમક થઈ ગઈ.

કોણ ટહુક્યું ભર બપ્પોરે ?
રસ્તે રસ્તે ઠંડક થઈ ગઈ.

બારી ખોલી – મેઘધનુષ ત્યાં !
શું અણધારી આવક થઈ ગઈ.

જે ક્ષણને મેં ધુત્કારી’તી,
એ તો ભાગ્યવિધાયક થઈ ગઈ.

બત્તી ઉઘડી, હસ્યા ફુવારા,
અને નગરમાં રોનક થઈ ગઈ.

જૂનાં સ્મરણો પાછાં આવ્યાં,
મન વચ્ચોવચ બેઠક થઈ ગઈ.

– હેમેન શાહ

એક મજાની 10/10 ગઝલ !

 

Comments (9)

ચોમાસું – હેમેન શાહ

આ રમત તો કદી જીતાય નહિ,
કોઈ કુદરત સાથે સ્પર્ધા થાય નહિ,
એક ટીપા સામે આંસુ આપવું,
આવું ચોમાસું મને પોસાય નહિ.

– હેમેન શાહ

Comments (13)

મુક્તક – હેમેન શાહ

કવિને ચાકના ટુકડા ને કોરી સ્લેટ મળે,
જીવન સમુદ્ર હો તો આટલો જ બેટ મળે.
નહીં વેચાયું એ કારણથી કાવ્યનું પુસ્તક,
બધા જ રાહ જોઈ બેઠા’તા કે ભેટ મળે !

– હેમેન શાહ

Comments (6)

ગઝલ – હેમેન શાહ

એ વળી ક્યારે ધીમી ધારે પડે ?
વીજળીનું શું ? પડે ત્યારે પડે.

સૂર્ય જેવું જ્યાં કશું હોતું નથી,
સર્વ પડછાયા શા આધારે પડે ?

કેટલી ચીજો સમય લઈ જાય છે,
પણ ખબર કોને અને ક્યારે પડે ?

આજે ટહુકા, કાલે ખુશ્બુ બંધ છે,
બહાર ફતવા વાર-તહેવારે પડે.

સામે કાંઠે હોય છે વાંછિત બધું,
પણ નદી તરવી બહુ ભારે પડે.

– હેમેન શાહ


Comments (12)

ગઝલ – હેમેન શાહ

પંખી પાસે આવ્યું, બોલ્યું કાનમાં,
આ ઋતુ આવી તમારા માનમાં.

પૃથ્વીએ પડકાર વાદળને કર્યો,
પાણી હો તો આવી જા મેદાનમાં.

ખીલવાનો કંઈ નશો એવો હતો,
પાંદડાં ખરતાં ન આવ્યાં ધ્યાનમાં.

સત્ય ક્યાં છે એક સ્થળ પર કે સતત ?
ઓસ વેરાયું બધે ઉદ્યાનમાં.

કિમતી પળ આપીને સોદો કર્યો,
હું કમાયો પણ રહ્યો નુકસાનમાં.

સાબિતી કે તારણોમાં શું મળે ?
જો હશે તો એ હશે અનુમાનમાં.

મોંઘીને રંગીન કંઈ ચીજો હતી,
માત્ર મેં કક્કો લીધો સામાનમાં.

– હેમેન શાહ

સામનમાં એકમાત્ર સાચો કક્કો જ હોય તો જીવન આપમેળે શું મોંઘેરું ને રંગીન નથી બની રહેતું?

Comments (16)

ગઝલ – હેમેન શાહ

Monsoon masti

*

રાત આખી સળંગ વાગે છે
કાનમાં જલતરંગ વાગે છે

સુસવાટા અને કડાકાઓ
બંસી સાથે મૃદંગ વાગે છે

આ તો છાંટા છે, હો તમે પંડિત
કે હો હાજી મલંગ, વાગે છે

હોય પાણીમાં તીક્ષ્ણતા આવી ?
કંઈક જૂના પ્રસંગ વાગે છે

ક્યાં છે ઉંમર હવે પલળવાની
વક્ર વર્ષાનો વ્યંગ વાગે છે

-હેમેન શાહ

સાચું કહેજો આ પહેલાં કયા વર્ષા-કાવ્યે તમને આટલું અને આવા ભીંજવ્યા હતા? હેમેન શાહની આ ગઝલ સંવેદનાઓના છત્રી-રેઇનકોટ ફાડીને તરબોળ કરી દે એવી છે…. નરસિંહ મહેતાથી માંડીને તરોતાજા કવિઓના વર્ષાકાવ્યો તેમજ લોકસાહિત્ય અને લોકબોલીના પણ કેટલાક છાંટાઓની મનભર મસ્તીનો વરસાદ લઈને આવેલ ‘મૉન્સૂન મસ્તી’ હિતેન આનંદપરા નામના તાજા વાદળને ઉગેલી સોનેરી કોર છે… આપણી ભાષામાં કવિઓ દ્વારા ભાગ્યે જ કોઈ સંપાદન એવા થયાં હશે જેમાં એની પોતાની કવિતા ન હોય… છબીઓ અને સંદીપ ભાટિયાની કરામત મઢ્યું ‘ઇમેજ’નું આ નવલું નજરાણું સતત સરાબોળ ભીંજવે એવું થયું છે….

Comments (24)

સવાર – હેમેન શાહ

ફેલાવતું ગગન ખુદ શાખો સવાર માટે,
છાતીમાં સૂર્ય ધબકે આખો સવાર માટે.

માદક સુગંધ વેચે છે ફેરિયો પવનનો,
થોડીઘણી ખરીદી રાખો સવાર માટે.

ઊડીને વીંટળાયું આંખોમાં દૃશ્ય નાજુક,
ફફડાવી સાચવેલી પાંખો સવાર માટે.

ફાટીન જાય પોચી ધુમ્મસની શાલ તેથી,
ઉજાસ હો હમેશાં ઝાંખો સવાર માટે.

દીધા વિના ટકોરા નહીં તો જશે એ પાછી,
સઘળાં કમાડ ખોલી નાખો સવાર માટે.

– હેમેન શાહ

સાંજને બધાએ ખૂબ ગાઈ છે, સવારને કોઈ કોઈએ જ સંભારી છે.  ગઝલકારો બધામોડા ઉઠનારા હશે કે શું ? 🙂

Comments (15)

ટીપાંની વાત એ જ સમંદરની વાત છે – હેમેન શાહ

મુફલિસની વાત છે કે સિકંદરની વાત છે,
અંતે બહારનાં જ ક્લેવરની વાત છે.

દાવા-દલીલ-માફી-ખુલાસાનું કામ શું ?
પ્રેમી છીએ અમે ને પરસ્પરની વાત છે.

મેં પણ કરી અતીત ઉપર ભૂલથી નજર,
પથ્થર બની ગયેલ મુસાફરની વાત છે.

ઊભા રહેવા જેને મળી સોયની અણી
માલિક એ વિશ્વનો છે, મુકદ્દરની વાત છે.

જીવન સમજવું હોય તો ક્ષણનો ખયાલ કર,
ટીપાંની વાત એ જ સમંદરની વાત છે.

– હેમેન શાહ

ક્ષણનું ધ્યાન રાખી લેવાની આપણી જવાબદારી છે, સદીઓ તો એમનું પોતાનું ધ્યાન રાખી જ લેવાની છે.

Comments (15)

Page 2 of 4123...Last »