આપણું હોવું છુપાવો શી રીતે ?
છે અરીસો એ તો સામો બોલશે.
હરદ્વાર ગોસ્વામી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for હરીન્દ્ર દવે

હરીન્દ્ર દવે શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

અનહદનો સૂર - હરીન્દ્ર દવે
અનહદનો સૂર -હરીન્દ્ર દવે
આપણી યાદગાર ગઝલો : ૧૦ : ખ્યાલ પણ નથી - હરીન્દ્ર દવે
એ મુસાફર હશે એકલો - હરીન્દ્ર દવે
એકલવાયો - હરીન્દ્ર દવે
ખાલી જગા - અમૃત પ્રીતમ (અનુ. - હરીન્દ્ર દવે)
ગઝલ - હરીન્દ્ર દવે
ગુલાલ કરી ગઈ - હરીન્દ્ર દવે
ચાલ્યા કરીએ -હરીન્દ્ર દવે
જાણીબૂજીને -હરીન્દ્ર દવે
તમે કાલે નૈં તો - હરીન્દ્ર દવે
તમે યાદ આવ્યા -હરીન્દ્ર દવે
તારી સુવાસ - હરીન્દ્ર દવે
તો જગત શું કહેશે ? - હરીન્દ્ર દવે
થાક છે - હરીન્દ્ર દવે
નથી મળવું - હરીન્દ્ર દવે
નીકળી જઈશ - હરીન્દ્ર દવે
પછી - હરીન્દ્ર દવે
પાનખર -હરીન્દ્ર દવે
મને ખ્યાલ પણ નથી -હરીન્દ્ર દવે
માર્ગ પછીની મંઝીલ - હરીન્દ્ર દવે
મૃત્યુ ન કહો - હરીન્દ્ર દવે
મૌન - જોસેફ હાંઝલિક
યાદ- હરીન્દ્ર દવે
યાદગાર ગીતો :૧૭: - ને તમે યાદ આવ્યાં - હરીન્દ્ર દવે
લઘુકાવ્યો - મિકાતા યામી (અનુ. : હરીન્દ્ર દવે)
વરસાદની મોસમ છે - હરીન્દ્ર દવે
વિરહના ત્રણ શેર



ગઝલ – હરીન્દ્ર દવે

સાદ સામે પારથી સંભળાય છે એનો મને,
કાચો ઘટ લઈને ઝુકાવું છું નદીના પૂરમાં.

વેદનાનો આમ સણકો ઊપડે ના અંગમાં,
કંઈ કમી લાગે મિલનમાં મારા,મારા ઝૂરમાં.

આંખ દરવાજે જ મંડાઈ રહી એ કારણે,
મેં હૃદય પ્રોયું હતું એના હૃદયના નૂરમાં.

એક તારા કેફને સમ પર નથી રાખી શક્યો,
જિંદગીના તાર નહિતર મેળવ્યા’તા સૂરમાં.

જાણે જોયો હોય નહિ તે રીતે તું ચાલી ગઈ,
હું ઉઘાડું હોઠ: ના,એ તો નથી દસ્તૂરમાં.

આ નફાની ક્યાં કસોટી છે કે હું ચિંતા કરું,
નામ દફતરમાં લખાયું મારું નામંજૂરમાં.

મેં ન બોલીને સ્વીકારી લીધી છે શૂળી હવે,
ફર્ક ક્યાં બોલીને ફાંસી પર ચડ્યા મન્સૂરમાં.

- હરીન્દ્ર દવે

બધા જ શેર એકમેકથી ચડે તેવા છે. મન્સૂર-અલ-હિલ્લાજ સૂફી મસ્તરામ હતો જેણે મશહૂર એલાન કરેલું - ‘અનલહક’ – અર્થાત ‘હું જ સત્ય છું‘. ઇસ્લામમાં તે વાક્ય -‘હું જ ઈશ્વર છું’- ને સમાનાર્થી ગણાય. આ ગુસ્તાખી બદલ તેને ક્રુરતાપૂર્વક ત્રાસ અપાયો છતાં તેણે પોતાનું વિધાન પાછું ન ખેંચ્યું. અંતે તેનો વધ કરાયો. આ અનુસંધાનમાં છેલ્લો શેર છે.

Comments (10)

તો જગત શું કહેશે ? – હરીન્દ્ર દવે

આ ક્ષણે શ્વાસ સમેટું તો જગત શું કહેશે ?
એક સુખદ ઊંઘમાં લેટું તો જગત શું કહેશે ?

જેની મનમાં જ ભરી રાખી’તી તડપન એને
આ નગરચોકમાં ભેટું તો જગત શું કહેશે ?

મારા અવશેષ તરીકે તો ફક્ત શબ્દો છે,
એને સ્મરણોથી લપેટું તો જગત શું કહેશે ?

એક મહોબ્બત છે જગતમાં, જે ટકી રહેવાની,
બાકીનું સર્વ ઉસેટું તો જગત શું કહેશે ?

જિંદગીમાંય જ્યાં અંતર હતું એ લોકોને,
મોતથી પણ પડે છેટું તો જગત શું કહેશે ?

- હરીન્દ્ર દવે

માનવીના મનનું કુંડાળું અને દુનિયાનું વર્તુળ કદી એકરસ થઈ શક્તા નથી. સામાજીક પ્રાણી હોવાની કિંમત માણસે ક્ષણે-ક્ષણે ચૂકવવી પડતી હોય છે. મનને કંઈ ઓર જ કરવું હોય પણ દુનિયા શું કહેશે એ પ્રશ્ન સતત મન-હૃદય પર રાશ બનીને જકડાયેલો રહે છે. પ્રણય અને મૃત્યુ હરીન્દ્ર દવેની કવિતાના પર્યાય સમા છે. મૃત્યુથી શરૂ થતી આ ગઝલ પણ પ્રણયની ત્રણ ગલીઓમાં ફરીને અંતે મૃત્યુ પર જ સ્થિર થાય છે.

Comments (4)

યાદગાર ગીતો :૧૭: – ને તમે યાદ આવ્યાં – હરીન્દ્ર દવે

પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં,
              જાણે મૌસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ,
.               એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં.

ક્યાંક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યાં,
.               જાણે શ્રાવણના આભમાં ઉઘાડ થયો રામ,
.               એક તારો ટમક્યો ને તમે યાદ આવ્યાં.

જરા ગાગર ઝલકી ને તમે યાદ આવ્યાં,
.               જાણે કાંઠા તોડે છે કોઈ મહેરામણ હો રામ,
.               સહેજ ચાંદની છલકી ને તમે યાદ આવ્યાં.

કોઈ ઠાલું મલક્યું ને તમે યાદ આવ્યાં,
.              જાણે કાનુડાના મુખમાં વ્રેમાંડ દીઠું રામ,
.              કોઈ આંખે વળગ્યું ને તમે યાદ આવ્યાં.

કોઈ આંગણે અટક્યું ને તમે યાદ આવ્યાં,
             જાણે પગરવની દુનિયામાં શોર થયો રામ,
.              એક પગલું ઊપડ્યું ને તમે યાદ આવ્યાં.

- હરીન્દ્ર દવે 

(જન્મ: ૧૯-૯-૧૯૩૦, મૃત્યુ: ૨૯-૩-૧૯૯૫)

સંગીત: પુરુષોત્તમ ઉપાધ્યાય
સ્વર: હંસા દવે

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

સંગીત સંયોજન: સોલી કાપડિયા
સ્વર: સોનાલી વાજપાઈ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

સંગીત: મેહુલ સુરતી (રીમીક્ષ)
સ્વર: દ્રવિતા ચોક્સી

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

હરીન્દ્ર જયંતીલાલ દવે. કવિ ઉપરાંત નવલકથાકાર, નિબંધકાર, વિવેચક, પદ્યકાર, સંપાદક અને અનુવાદક. જન્મ કચ્છના ખંભરા ગામમાં. ૧૯૫૧માં મુંબઈ યુનિવર્સિટીમાંથી ગુજરાતી વિષય સાથે બી.એ. ૧૯૬૧માં એમ.એ. ૧૯૫૧થી ૧૯૬૨ દરમિયાન ‘જનશક્તિ’ દૈનિકના તંત્રી. ૧૯૬૨થી ૧૯૬૮ સુધી ‘સમર્પણ’ સામયિકના સંપાદક. ‘સમકાલીન’ વર્તમાનપત્રમાં તંત્રી. ૧૯૬૮થી ૧૯૭૩ સુધી યુસિસની મુંબઈ ઑફિસમાં ગુજરાતી વિભાગના તંત્રી. ૧૯૭૮માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો એવૉર્ડ. ૧૯૮૨નો રણજિતરામ સુવર્ણચંદ્રક. તેઓ મુખ્યત્વે ગીતકાર અને ગઝલકાર છે. સાંપ્રત જીવનની એકલતા કે વ્યથાને વાચા આપતી દીર્ઘરચનાઓ પણ રચી છે. એમની નવલકથાઓમાં સ્ત્રીપુરુષ સંબંધોની સમસ્યાઓ આકારિત થઈ છે. ચિંતનાત્મક લેખો – નિબંધો, કવિતા આસ્વાદ, પરિચયાત્મક પુસ્તિકાઓ તેમની પાસેથી મળે છે. વર્ષો સુધી કટારલેખન કર્યું છે. (ગુજરાતી સાહિત્ય પરિષદનાં સૌજન્યથી)

હરીન્દ્રભાઈનાં કોઈ ગાયક-ગાયિકા એવા નહિ હોય કે જેમણે હરીન્દ્રભાઈનાં ગીતો ગાયા ન હોય. લતા મંગેશકરથી માંડીને શાળાઓ સુધીનાંએ એમનાં ગીતોને હોંશે હોંશે ગાયા છે. એમનાં ગીતોમાંથી એક ગીત પસંદ કરવું કપરું થઈ પડે… કારણ કે તરત જ મનમાં ગીતોની લાઈન લાગી જાય; જેમ કે- માધવ ક્યાંય નથી મધુવનમાં, એક રજકણ, અનહદનો સૂર,  ગુલાલ કરી ગઈ,  જાણીબૂજીને, મેળાનો મને થાક લાગે, તેં પૂછ્યો’તો પ્રેમનો મર્મ, અમોને નજરું લાગી, રાધાની લટની લહેરાતી કાળાશે- જેવા બીજાં કેટલાય લોકપ્રિય ગીતો… આજે તો આ ગીત પસંદ કર્યું, પણ કાલે જો ફરી પસંદ કરવા બેસું, તો નક્કી ગીત બદલાઈ જાય.  લીલાછમ્મ વિરહનું આ legendary ગીત આજે પણ એટલું જ લીલુંછમ્મ અને તાજા કોળેલા તરણા જેવું ચેતનવંતુ લાગે છે.  ગીતમાં પ્રિયનો વિરહ છે, પરંતુ એ વિરહની વેદના નથી. સ્મૃતિનો માત્ર આનંદ જ આનંદ છે.  સ્મૃતિની ભરતી છે, પણ ઝંઝાવાત નથી.  હૈયાને ઠંડક પહોંચાડનારી પ્રિયજનની સ્મૃતિનો મધુર કલશોર છે.  એટલે જ કદાચ કવિશ્રી સુરેશ દલાલે આ ગીતને ‘સ્મૃતિનું નાનકડું ઉપનિષદ’ કહીને બિરદાવ્યું છે.  કવિએ ભાવકો માટે આ ગીતની ભાવસૃષ્ટિ સાવ મોકળી રાખી હોય એવું લાગે છે, જાણે કે કોઈ પણ ભાવક એમનાં ભાવપ્રદેશમાં આસાનીથી પહોંચી શકે છે…

Comments (10)

એ મુસાફર હશે એકલો – હરીન્દ્ર દવે

લ્યો, રવાના થયો
દૂરની સફર પર શ્વાસનો કાફલો.

સ્નેહીઓનાં નયન સ્હેજ ઝાકળભીનાં
સમયના સૂર્યના તાપથી સૂકશે;
સ્હેજ થંભી, સમાચાર પૂછી લઈ
રાહદારી રવાના થશે;
અગ્નિના વાહને દેહ સોંપી દઈ
સૌ સગાં પણ જશે,
માર્ગ મુશ્કેલ આરંભ પામે ત્યહીં
એ મુસાફર હશે એકલો.

લ્યો, રવાના થયો
દૂરની સફર પર શ્વાસનો કાફલો.

- હરીન્દ્ર દવે

મૃત્યુ અનિવાર્ય છે છતાં અકળ છે એટલે એ મનુષ્યજાતને આદિમકાળથી સતત આશ્ચર્યચકિત કરતું રહ્યું છે. એની અનુભૂતિ ગોપનીય છે એટલે જ એના રહસ્યના દરિયામાં મરજીવા થઈ કવિ સતત ડૂબકી મારતા આવ્યા છે અને ફલતઃ આપણને ક્યારેક પ્રાપ્ત થાય છે આવી ઉત્તમ સંવેદનશીલ કૃતિ.

જીવતા અને મરેલા માણસ વચ્ચે દેખીતો ફેર છે શ્વાસની હાજરી અને ગેરહાજરીનો. (આત્માનું આવાગમન તો કોણે જોયું જ છે?) એટલે જ કવિ લ્યો કહીને (અલ્પવિરામ સાથે) પોરો ખાઈને કહે છે કે હવે શ્વાસનો કાફલો દૂ…રની સફર પર જવા રવાના થયો છે. સ્નેહીઓના આંસુ તો સમય સાથે સૂકાઈ જ જવાનાં છે એટલે કવિ એના માટે ઝાકળ-સૂર્યનું સુંદર કલ્પન પ્રયોજે છે. આપણા ગયા બાદ પણ સૃષ્ટિનું ચક્ર અનવરુદ્ધ અને અનવરત ચાલુ જ રહેવાનું છે…

Comments (8)

લઘુકાવ્યો – મિકાતા યામી (અનુ. : હરીન્દ્ર દવે)

મારી પ્રિયતમા માટે
પામ વૃક્ષની ટોચ પરથી
ફૂલો ચૂંટું છું ત્યારે
નીચેની ડાળીઓ
મને ઝાકળથી ભીંજવી દે છે.

*

ગ્રીષ્મના ખેતરમાં
અફવાઓ ઝાંખરાંની જેમ  ઊગે છે:
મારી પ્રિયતમા અને હું સૂઈએ છીએ
બાહુપાશમાં બંધાઈને.

*

બાંધે
ને છૂટા થઈ જ જતા:
ન બાંધે તો કેટલા લાંબા રહેતા !
કેટલાય દિવસોથી
હવે હું તારી સામે નથી -
તારો અંબોડો અકબંધ રહે છે ?

- મિકાતા યામી
(અનુવાદ – હરીન્દ્ર દવે)

જાપાની કવિતાઓ એટલે લાઘવ અને અનુભૂતિની સચ્ચાઈ. એક ક્ષણના આશ્ચર્યને જાણે સદાને માટે શબ્દોમાં કેદ કરી લીધું હોય એવી સ્ફટિકસમ રચનાઓ તરત જ દિલને અડકી લે છે.

Comments (10)

માર્ગ પછીની મંઝીલ – હરીન્દ્ર દવે

જ્યાં રોજ સાંજ ઢળતાં ચરણો વળતાં મેળે
આ માર્ગ પછીની મંઝિલ એ મારું ઘર છે
ને કદી જીવનની સાંજ ઢળ્યે જ્યાં જંપીશ હું
એ માર્ગ પછીની મંઝિલ પણ મારું ઘર છે

-હરિન્દ્ર દવે

Comments (7)

આપણી યાદગાર ગઝલો : ૧૦ : ખ્યાલ પણ નથી – હરીન્દ્ર દવે

આંસુને પી ગયો છું, મને ખ્યાલ પણ નથી,
એક રણ તરી ગયો છું, મને ખ્યાલ પણ નથી.

તમને ભૂલી જવાના પ્રયત્નોમાં આજકાલ,
તમને ભૂલી ગયો છું, મને ખ્યાલ પણ નથી.

મારું સ્વમાન રક્ષવા જાતાં કદી કદી,
હું કરગરી ગયો છું, મને ખ્યાલ પણ નથી.

કંટકની માવજતમાં અચાનક ઘણી વખત,
ફૂલો સુધી ગયો છું, મને ખ્યાલ પણ નથી.

વાતાવરણમાં ભાર છે મિત્રોનાં મૌનનો,
હું શું કહી ગયો છું, મને ખ્યાલ પણ નથી.

- હરીન્દ્ર દવે
(1930 – 1995)

સ્વર-સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

1962માં લખાયેલી આ ગઝલનો “ગયો છું, મને ખ્યાલ પણ નથી” જેવો લાંબો રદીફ ગઝલનાં ભિન્ન ભિન્ન શેરનાં અલગ અલગ ભાવજગતને જબરદસ્ત રીતે જકડી રાખે છે. અને સાથે જ અનેક અર્થો, શક્યતાઓ અને સંભાવનાઓનું આકાશ પણ ઉઘાડી આપે છે.  પ્રેમમાં ભૂલી-કરગરી-કહી “ગયો છું” જેવું કહીને કરેલા સહજ સ્વીકારની સાથે જ કવિની આ બધું કર્યાનો તો “મને ખ્યાલ પણ નથી” જેવી બાળ-સહજ અભિવ્યક્તિ બિલકુલ એક ગીતની ધ્રુવપંક્તિ જેવી લાગે છે… અને એનાથી જ કવિ ગઝલનાં મિજાજનું સુંદર રીતે જતન કરીને ગઝલને ગરિમા બક્ષે છે.  પ્રેમમાં મજબૂરીથી પોતાના પ્રિયજનને ભૂલી જવાના પ્રયત્નો કરવા જતા ઘણીવાર ખરેખર ‘એમને ભૂલી ગયા છે’ ની હકિકતનો ખ્યાલ પણ રહેતો નથી, કારણ કે ખાસ તો ‘પ્રિયજનને ભૂલી જવાની વાત’ જ બિલકુલ ભૂલાતી નથી. ભૂલવાની વાત તો ઘૂંટાયા કરે છે અને આમ પ્રેમનું ચક્ર ફર્યા જ કરે છે. ઘણીવાર પ્રેમમાં સ્વમાન અને સમર્પણ વચ્ચેની પાતળી ભેદરેખા પરખાતી નથી, અને સર્મપણની જગ્યાએ પ્રિયજનની આગળ પ્રેમી ક્યારે પોતાના સ્વમાનને ઠોકરને મારી દે છે એનો ખ્યાલ પણ એને નથી રહેતો.  કરગરવું એ પ્રેમની દર્દનાક અવસ્થા છે.  પ્રેમમાં કરગરવું પડે એવી પરીસ્થિતિ જ પ્રેમની ગરિમાને ઝાંખી પાડે છે અને એનો ખ્યાલ કવિને છે જ, પરંતુ કરગરવાની ક્રિયા ક્યારે થઈ જાય છે, બસ એનો ખ્યાલ નથી રહેતો.  જીવનમાં ઘણા સંબંધો ફૂલો જેવા હોય છે, જે અનુકૂળ વાતાવરણમાં આપોઆપ મ્હોરે છે. પરંતુ ઘણા સંબંધો કંટકો જેવા હોય છે જેને દુનિયાદારી નિભાવવા માટે પણ ક્યારેક નિભાવવા પડે છે અને એની માવજત પણ કરવી જ પડે છે.  આવી દુનિયાદારી નિભાવવામાં આપણે જ્યારે ગળાડૂબ હોઈએ ત્યારે ઘણીવાર આપણને ખ્યાલ પણ નથી રહેતો કે ફૂલ જેવાં કોઈ સુગંધિત સંબંધની સાવ નજીક પહોંચી જઈને અજાણ્યે એને સ્પર્શી પણ લઈને પછી એમાં બંધાયા વગર અજાણ્યે જ આપણે પાછા વળી જઈએ છીએ. અને એ ફૂલ જેવા સંબંધમાં ન બંધાઈ શકવાની ખબર હોવી કે ન હોવી, બંને પરીસ્થિતીમાં પ્રાધાન્ય તો લાચારીનું જ છે… જે ‘મને ખ્યાલ પણ નથી ‘ દ્વારા છતી થાય છે.  છેલ્લા શેરમાં કવિએવાતાવરણમાં મિત્રોનાં મૌનનાં ભાર તરફ આંગળી ચીંધીને પોતાના મિત્રોની થોડી ફરિયાદ પણ કરી લીધી. પરંતુ મિત્રો આખરે તો અંગત અને પ્રિય છે, એટલે ફરી અહીં કવિએ “હું શું કહી ગયો છું, મને ખ્યાલ પણ નથી“ કહીને મિત્રોની વાતને મોઘમ જ રાખી અને આમ એમણે મિત્રતા પણ નિભાવી લીધી.  વર્ષો પહેલા લખાયેલી આ ગઝલમાં કવિએ એવી ચમત્કૃતિ સર્જી છે કે આજે વર્ષો પછી પણ આ ગઝલ એટલી જ તરોતાજા લાગે છે.

Comments (5)

તારી સુવાસ – હરીન્દ્ર દવે

તારી  સુવાસ અંગ થકી  ઓસરી નથી,
આશ્લેષથી  તું જાણે કદીયે સરી નથી.

ફૂલોએ  કેમ  જાણી હશે આપણી કથા?
મેં તો ચમનમાં વાત કોઇને કરી નથી.

આ રસ્તે આવવાની ઉતાવળ કરો નહીં,
આંખો  મેં  આખે રસ્તે હજી પાથરી નથી.

શમણું છે એ કહો છો, તો માની લઇશ હું,
મેં  તો  હજી  બે પાંપણો ભેગી  કરી નથી.

એને કશું ન ક્હેશો ભલા, એનો વાંક ક્યાં?
એ  લોકોએ  કદીય  મહોબ્બત  કરી નથી.

- હરીન્દ્ર દવે

હરીન્દ્ર દવે કોમળતાના કવિ છે. એ જ્યારે પ્રેમ-ગઝલ લખે તો કેટલી ઋજુ બને એ જ જોવાનું રહે ! ‘એમનો વાંક ક્યાં / એ લોકોએ કદી મહોબ્બત કરી નથી’ એ ઈસુ ખ્રિસ્તના કે ગાંધીના મોઢે શોભે એવો ઉદ્દાત-મન શેર થયો છે. પણ મારો પ્રિય શેર એનાથી આગલો છે. પોતે હકીકત જાણતા હોવા છતા માત્ર પ્રિયજનના કહેવાથી એને સ્વપ્ન માની લેવાની તૈયારી એ નકરો પ્રેમ છે. કોઈની આંખમાં જોવાથી હકીકત અને શમણાં વચ્ચેની સરહદ ઓગળી જાય તેનાથી વધારે સાચી પ્રેમની વ્યાખ્યા કઈ હોઈ શકે ?

Comments (8)

મૌન – જોસેફ હાંઝલિક

કુહાડી કે શબ્દથી
કરાયેલા ઘા જેવું મૌન.

ગળા પરની
છરી જેવું મૌન.

ખડક પરથી તળિયા સુધીની
ચીસ જેવું મૌન.

બંદૂકમાંથી નીકળતું
કે પડઘમમાંથી પડઘાતું મૌન.

મૃત્યુ પછી ઉચ્ચારાયેલા
પ્રથમ અક્ષર જેવું મૌન.

હવે મૌન
અને ત્યાં સુધી મૌન.

- જોસેફ હાંઝલિક ( અનુ. હરીન્દ્ર દવે )

મૌન કંઈ કેટલીય અલગ અલગ રીતે આપણા પર ખાબકે છે. કોઈ વાર ખૂણામાં ઘેરે છે. તો કોઈ વાર જાહેરમાં વ્હેરે છે. કોઈ વાર તો ગળા પર છરીની જેમ ગોઠવાઈ જાય છે. કવિ આવા કારમા મૌનથી વાત શરૂ કરે છે. પણ આગળ એ કવિતાને અલગ તરફ લઈ જાય છે. મૃત્યુ પછીના પ્રથમ અક્ષર જેવું એટલે કેવું ? મૃત્યુ પછીનો અક્ષર એટલે એવો સ્વર જે કોઈએ કદી સાંભળ્યો નથી ? કે પછી મૃત્યુ પછીનો ઉચ્ચાર એટલે નવજીવનની નિશાની ? જીવનભર દર્દ બનીને ઝળુબંતુ મૌન, મૃત્યુ પછી એક તૃપ્તિ બની જશે ?! … ને એ પછી રહેશે શું ? …. બસ, મૌન ! કવિતા એક ખાલીપાથી શરૂ થાય છે અને જાણે સંતોષનો ઓડકાર ખાઈને અટકે છે. અને મનને શાંતિનો, મૌનના ઔદાર્યનો, સંદેશ આપતી જાય છે.

કવિ ચેકોસ્લોવેકિયાથી છે. એમના વિષે વધુ માહિતી અહીં છે.

Comments (3)

પછી – હરીન્દ્ર દવે

પહેલાં તમારી આંખે
          સિતારા હસી પડ્યા
વાતાવરણમાં શોકભરી
          રાત થઈ પછી.

નાજુક ક્ષણોમાં કોલ
          મેં મૃત્યુને દઈ દીધો
મારી જીવનની સાથે
          મુલાકાત થઈ પછી.

- હરીન્દ્ર દવે

આ કવિતા પહેલા વાંચેલી ત્યારે કોઈ ખાસ અસર વિના પસાર થઈ ગયેલી. પણ આજે ફરી વાંચવામાં આવી તો ખ્યાલ આવ્યો કે કવિતાનો મર્મ પહેલા ચૂકી જવાયેલો. ખીલતી ખૂલતી ક્ષણ પછી ઘેરા શોકનો સમય આવે છે એ વાત સીધી રીતે કવિએ મૂકી છે. પણ કવિની ખરી કરામત તો એ પછી આવે છે. એ કહે છે કે એક વાર મૃત્યુ સાથે ઓળખાણ કરી લીધી – એને સાથે હાથ મિલાવી લીધા – પછી જ જીવનનો ખરો પરિચય થઈ શક્યો !

Comments (8)

« Previous entries Next Page » Next Page »