શેખાદમ આબુવાલા શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
June 30, 2010 at 5:46 pm by ધવલ · Filed under ગઝલ, શેખાદમ આબુવાલા
અમે કહેતા નથી ચાલે છે રાવણરાજ, ગાંધીજી!
તમે ચાહ્યું તેવું તો નથી કંઈ આજે, ગાંધીજી!
તમારી રામધૂનોમાં હવે ખખડે છે ખુરશીઓ
તમારો રેંટિયો કાંતે છે કોનું રાજ, ગાંધીજી!
અમે અંગ્રેજથી કંઈ કમ નથી સાબિત કરી દીધું
રહ્યું’તું જે હજી બાકી કર્યું તારાજ, ગાંધીજી!
હું ભીંતો પર તમારા હસતા ફોટા જોઉં છું ત્યારે
વિચારું છું થયા છે ક્યાં હજી નારાજ ગાંધીજી!
કદી આદમ સમાધિ પર જઈને આ તો કહેવું છે :
તમે એક જ હતા ને છો વતનની લાજ, ગાંધીજી!
- શેખાદમ આબુવાલા
ના, તમે ભૂલી નથી ગયા. આજે ગાંધી-જયંતિ નથી
આ ગઝલ શેખાદમના ઈમરજન્સીના વખતમાં કરેલા રાજકીય કટાક્ષકાવ્યોના સંગ્રહ ‘ખુરશી’માંથી છે. આજે પણ એ એટલી જ પ્રસ્તુત છે.
Permalink
June 2, 2010 at 9:32 pm by ધવલ · Filed under મુક્તક, શેખાદમ આબુવાલા
વતનની યાદ આવે છે તો લાગે છે મને એવું
કે ઢળતી સાંઝનું એકાંત મારો હાથ ઝાલે છે
વતન છોડ્યું, ફરી છોડ્યું, ફરી છોડ્યું તમે આદમ
હવે પરદેશમાં શાને ગુલાબી ભીડ સાલે છે
- શેખાદમ આબુવાલા
‘ગુલાબી ભીડ’ જેવો પ્રયોગ શેખાદમ જ કરી શકે. લોકોને એકાંત સાલતુ હોય છે, કવિને ભીડ સાલે છે અને એય ગુલાબી ! દેશમાં રહીને ‘ગુલાબી ભીડ’નો અર્થ સમજવો અઘરો છે. એ તો વતનથી દૂર રહીને જ સમજી શકાય એમ છે.
Permalink
February 21, 2010 at 12:59 pm by તીર્થેશ · Filed under ગીત, શેખાદમ આબુવાલા
બંસી ધીમે ધીમે વાગ
મારે અંતર ભરવા રાગ
બંસી….
રાગ સુણી મુજ અંતર નાચે
સૂરતણી રમઝટમાં રાચે
કેવાં મુજ ધનભાગ
બંસી….
સ્મૃતિ વેરણછેરણ જાગી
રડી ઊઠ્યું મુજ હૈયું અભાગી
ઉજ્જડ મુજ ઉરબાગ
બંસી….
પૂનમની એ રસભર રજની
બંસી હું ને સ્નેહલ સજની
ક્યાં એ જીવનરાગ
બંસી ધીમે ધીમે વાગ
મારે અંતર લાગી આગ
- શેખાદમ આબુવાલા
પ્રથમ પંક્તિમાં ‘રાગ’ છે અને અંતિમમાં ‘આગ’ છે અને વચ્ચે આ મધુરું કાવ્ય છે… વાત harmony ની છે, વાત ઋજુ યાદોની છે…
Permalink
November 22, 2009 at 4:00 pm by ઊર્મિ · Filed under ગઝલ, શેખાદમ આબુવાલા
હવે બસ બહુ થયું, બુદ્ધિ! હું પાગલ થાઉં તો સારું!
છલકવાનો સમય આવ્યો, છલોછલ થાઉં તો સારું!
જીવનનો ગર્જતો સાગર ઘણો ગંભીર લાગે છે!
હવે હું ચાંદનીની જેમ ચંચલ થાઉં તો સારું!
જુઓ કિરણો વિખેરાયાં ને ગુંજનગીત રેલાયાં!
હૃદય ઈચ્છી રહ્યું છે આજ : શતદલ થાઉં તો સારું!
મને આ તારી અધબીડેલી આંખોમાં સમાવી લે!
મને તો છે ઘણી ઈચ્છા કે કાજલ થાઉં તો સારું!
ભલે હું શ્યામ લાગું પણ મિલન આવું મળે કોને?
તમન્ના છે કે તારા ગાલનો તલ થાઉં તો સારું!
યુગો અગણિત ભલે વીતે મને એની નથી પરવા!
હું પ્રેમી કાજ એક જ પ્રેમની પલ થાઉં તો સારું!
મને એવા રૂપાળા ઘાવ દુનિયાએ કર્યા અર્પણ-
કે ખુદ દુનિયાને થઈ આવ્યું કે ઘાયલ થાઉં તો સારું!
જીવનમાં આમ તો ક્યાંથી મળે લયબદ્ધ ચંચળતા!
હું તારા ખૂબસૂરત પગની પાયલ થાઉં તો સારું!
તને તો આવડે છે ઠંડી-ઠંડી આગ થઈ જાતાં!
- મને છે મૂંઝવણ કે, આંખનું જલ થાઉં તો સારું?!!
-’શેખાદમ’ આબુવાલા
પ્રણયરંગી ગઝલ… ખાસ કરીને ગાલનો તલ થવાવાળો અને લયબદ્ધ ચંચળતાવાળો શે’ર ખૂબ જ મજાનાં થયા છે! વળી, બુદ્ધિનું કહ્યું ન કરનારને તો આમેય દુનિયા પાગલ જ માને છે, ખરું ને મિત્રો ?!
Permalink
September 28, 2009 at 9:34 pm by ધવલ · Filed under ગઝલ, શેખાદમ આબુવાલા
તિમિરના હાથે સૂરજના ઈશારા વેચવા માંડો
ગગન ખાલી કરી દો ચાંદતારા વેચવા માંડો
કિનારાની જરૂરત ક્યાં રહી છે ડૂબનારાને
કે એ ડૂબી જશે હમણાં કિનારા વેચવા માંડો
કે ઓ સોદાગરો લાચારીના સોનેરી તક આવી
ઘણી મજબૂર છે દુનિયા સહરા વેચવા માંડો
કે આ દૂરત્વના બદલામાં છે નૈકટ્યનો સોદો
કે આંસુના બદલામાં સિતારા વેચવા માંડો
જો વેચી નાખો તો સારું કે એ છે વિઘ્ન રસ્તાના
તકાદો મંઝિલોનો છે ઉતારા વેચવા માંડો
હવે બાગોને ભડકા જોઈએ ફૂલો નહીં આદમ
બુઝાઈ જાય તે પહેલા તિખારા વેચવા માંડો
હકીકતનો તો એવો તાપ છે લાચાર દુનિયામાં
કે આદમ સ્વપ્નના શીતલ ફુવારા વેચવા માંડો
- શેખાદમ આબુવાલા
તકવાદીઓની છે આ દુનિયા. અહીં તક જોઈને દિશા બદલનારા જ ફાવે છે. સમય આવે દરેક વસ્તુ પર ‘ફોર સેલ’નું લેબલ લગાડવાની તૈયારી રાખનાર તકસાધુઓ પર કવિનો કટાક્ષ છે. પ્રેમના કવિ શેખાદમે, સમય આવે રાજકિય કટાક્ષ કાવ્યો પણ ખૂબ લખેલા. કટોકટીના અરસામાં લખાયેલો એમનો સંગ્રહ ‘ખુરશી’ કદાચ આપણી ભાષાનો એકમાત્ર રાજકિય કટાક્ષ કાવ્યસંગ્રહ છે.
Permalink
April 1, 2009 at 8:35 pm by ધવલ · Filed under મુક્તક, શેખાદમ આબુવાલા
ગાંધી સમાધિ પર તમારી ફૂલ તો મૂકે વતન
માથું નમાવીને તમારી સામે તો ઝૂકે વતન
અફસોસની છે વાત આ દેખાવ છે વાસ્તવ નથી
દેખાય જો રસ્તે અહિંસા મોં ઉપર થૂંકે વતન
- શેખાદમ આબુવાલા
Permalink
February 10, 2009 at 8:48 pm by ધવલ · Filed under મુક્તક, શેખાદમ આબુવાલા
કોઈ હસી ગયો અને કોઈ રડી ગયો
કોઈ પડી ગયો અને કોઈ ચડી ગયો
થૈ આંખ બન્ધ ઓઢ્યું કફન એટલે થયું
નાટક હતું મઝાનું ને પડદો પડી ગયો
-શેખાદમ આબુવાલા
Permalink
September 15, 2008 at 11:41 pm by ધવલ · Filed under ગઝલ, શેખાદમ આબુવાલા
સત છે અસત છે
સરતું જગત છે
કેવી લડત છે
હું છું જગત છે
દિલની લડત પર
સૌ એકમત છે
ગમ ને ખુશીનું
દિલ પાણીપત છે
તારાં નયનમાં
શી આવડત છે
શાયરનું સ્વપ્નું
શાયરની લત છે
દિલ પાળી શકશે
દિલની શરત છે
મંઝિલ બરાબર
રસ્તો ગલત છે
સર્જન વિસર્જન
જાણે રમત છે
- શેખાદમ આબુવાલા
ટૂંકી બહેરની ગઝલમાં શેખાદમ કેવી ખૂબીથી ઊંડી વાત કરે છે તે જુઓ. એક એક શેર મઝાના ચોટદાર થયા છે. અને લાઘવની એની પોતાની મઝા છે એ અલગ !
Permalink
August 30, 2008 at 2:10 am by વિવેક · Filed under ગઝલ, શેખાદમ આબુવાલા
દર્દ આપ મુજને એવું કે ત્યાગી શકાય ના,
ઊંઘી શકાય ના અને જાગી શકાય ના.
એ બેવફાનો પ્રેમ મળે એ રીતે મને,
ઈચ્છા તો હોય ખૂબ ને માંગી શકાય ના.
આપે તો આપ સ્વર્ગ મને એ પ્રકારનું,
હું પાપ પણ કરું અને ભાગી શકાય ના.
એવું મિલન ન ભાગ્યમાં ‘આદમ’ કદી મળે,
એને મળું અને ગળે લાગી શકાય ના.
-શેખાદમ આબુવાલા
ચાર શેરની આદમની આગવી શૈલીની મનહર ગઝલ… કવિ સ્વર્ગ માંગે છે પણ પાપ કરવાની છૂટ હોય એવું. અને પાપ કર્યા પછી ભાગી ન શકાય એ માંગવાની ફિતરત પણ એ ધરાવે છે. કરેલાનું ફળ વેઠવાની તૈયારી સાથે કરવા ન મળે તો જીવવું વ્યર્થ લાગે એવા કેટલાક ‘પાપ’ સ્વર્ગમાં પણ છોડવા તૈયાર ન હોય એવો કોઈ માણસ તમને રસ્તે મળે તો એના ઑટોગ્રાફ માંગી લેજો- એ શેખાદમ જ હોવાનો!
Permalink
June 29, 2008 at 12:27 am by વિવેક · Filed under મુક્તક, શેખાદમ આબુવાલા
હસું છું એટલે માની ન લેશો કે સુખી છું હું,
રડી શક્તો નથી એનું મને દુઃખ છે, દુઃખી છું હું;
દબાવીને હું બેઠો છું જીવનના કારમા ઘાવો,
ગમે ત્યારે ફાટી જાઉં એ જવાળામુખી છું હું.
- શેખાદમ આબુવાલા
એક આખો રવિવાર કોઈ ચાર જ પંક્તિ પર મારે કાઢવાનો હોય તો હું આ મુક્તક પસંદ કરું. શેખાદમ આબુવાલાની કલમમાં શાહી નહોતી, તેજાબ હતો અને એ તેજાબ વળી જમાનાની નિષ્ઠુરતાનો પરિપાક હતો. આ ચાર લીટી નથી, આ ચાર ચાબખા છે અને એ આપણી જ પીઠ પર ચમચમતા સોળની જેમ ઊઠે છે. વળી ચાબખા મારનારના હાથ તપાસીએ તો ખબર પડે કે એ હાથ પણ આપણા જ છે…
Permalink