બેસવું ક્યાં લગ પ્રતીક્ષાની આ સૂની પાળ પર?
એક ફળ ક્યારેક તો આવે આ ભૂખી ડાળ પર!
- વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for સુંદરજી બેટાઇ

સુંદરજી બેટાઇ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




નીંદરા ડોળાણી – સુંદરજી બેટાઈ

પાછલી રાતુંની મારી નીંદરા ડોળાણી, ને
આગલી રાતુંના ઉજાગરા ઓ જી રે!

ધરતીધાવણુધારા,
ધરતીધાવણધારા ઊંડી રે શોષાણી, ને
આગઅંગાર ઊડે આભમાં ઓ જી રે!

લ્હેકી લચુંબી મારી,
લ્હેકી લચુંબી મારી વાડિયું વેડાણું, ને
આંગણે ઝીંકાઈ રહ્યાં ઝાંખરાં ઓ જી રે!

કેસરે મહેકન્ત ક્યારી,
કેસરે મહેકન્ત ક્યારી ઉરની ઉજાડી, ને
આંખે અંધારાં ઘોર આંજિયાં ઓ જી રે! –પાછલી

– સુંદરજી બેટાઈ

ઢળતી સાંજે કોઈપણ કારણ વિના મન ઘણીવાર વિષાદગ્રસ્ત થઈ જાય છે. કારણ? માનવમન અરીસાની જેમ પ્રકૃતિના પરિવર્તનોને સતત ઝીલતું રહે છે. પ્રસ્તુત રચનામાં પણ સૃષ્ટિનું વૈષમ્ય કવિમન તંતોતંત ઝીલે છે. આગલી રાતોના ઉજાગરા ઓછા હોય એમ પાછલી રાતે પણ કોઈક કારણોસર નીંદર ડહોળાઈ ગઈ હોવાનો એકરાર મુખડામાં કર્યા બાદ કારણ ચર્ચવાના બદલે કવિ પોતાનો કેમેરા કુદરત તરફ ફેરવે છે. ઉનાળો લંબાતા અને વરસાદ ન પડતાં ધરતીનાં ધાવણ ઊંડે શોષાઈ ગયાં છે ને આભમાં મેઘલ વાદળાંના સ્થાને આગઅંગાર ઊડી રહ્યાં છે. ક્યારેક જે લહેકતી-લચુંબતી હતી એ વાડીઓ આજે વેડાઈ ગઈ છે અને આંગણે ઝાંખરાં ઊગી આવ્યાં છે. છેલ્લા બંધમાં કવિકેમેરા પ્રકૃતિનો લોન્ગ શૉટ લઈ લીધા બાદ સ્વયંનો ક્લૉઝ અપ લે છે. દુકાળની પીડા કેવળ ધરતી નથી ભોગવી રહી, કવિઉર પણ ભોગવી રહ્યું છે. ધરતીથી જે રીતે વરસાદ રિસાયો છે, એ રીતે કથકથી પ્રિયજન રિસાયું લાગે છે. કેમકે એના અભાવમાં જ હૈયાની કેસર ક્યારી ઊજડી ગઈ છે અને આંખે ઘોર અંધારાં અને ઉજાગરા અંજાયા છે… આ ક્ષણે સમષ્ટિ અને વયષ્ટિ વચ્ચે સાયુજ્ય રચાય છે. જે સર્વમાં છે એ સ્વમાં અનુભવાય છે.

રચનારીતિની વાત કરીએ તો ત્રણેય બંધમાં કવિએ બંધના પૂર્વાર્ધને બેવડાવ્યો છે. પણ કેવળ બેવડાવ્યો છે એમ કહીએ તો કવિકર્મની અવહેલના કરી ગણાય. કારણ ‘ધરતીધાવણુધાર,’ ‘લ્હેકી લચુંબી મારી’ તેમજ ‘કેસરે મહેકન્ત ક્યારી’ – આ ત્રણેય વાક્યખંડ પોઝિટિવ વાઇબ્સ જન્માવે છે, પણ એને દોહરાવતાં સરવાળે તો શોષાવું-વેડાવું ને ઉજડવું જ હાથ લાગે છે. પરિણામે ભાવસંવેદનનો વિરોધાભાસ વધુ બળકટ અને તીવ્ર બને છે. આવી નાની નાની વિધા ચૂકી જવાય તો કવિને યથોચોત ન્યાય કરવાનું રહી જાય, ખરું ને?

આ ગીતને આપણે કદાચ ઉત્તમ ના કહીએ, પણ મજાનું છે એમ તો અવશ્ય કહી શકીએ.

Comments (3)

ન હું ઝાઝું માગું – સુંદરજી બેટાઈ

(ખંડશિખરિણી)

ન હું ઝાઝું માગું,
નથી મારું ત્રાગું;
પણ હૃદયમાં જે વ્રણ પડયા,
સહુ સકળ એની બળતરા,
વિના ચીસે,
વિના રીસે;
.                    બસ સહનનું એવું બલ દે.

ન હું ઝાઝું માગું,
નથી મારું ત્રાગું;
મુજ રિપુ રિપુત્વે મચી રહે
છતાં મારે હૈયે કદીય પ્રતિશત્રુત્વ ફણગો
ફૂટીને ફેલાયે વિષતરુ – ન એવું કદિ બને;
.                    બસ સહનનું એવું બલ દે.

ન હું ઝાઝું માગું,
નથી મારું ત્રાગું;
મુજ જ જીવન છો ને, વિફલ આ
બને, તોયે કો’નાં ઉર-ઉપવનો ધ્વસ્ત કરવા,
અજાણે કે જાણે,
કદીય કો ટાણે; મુજ થકી કશુંયે નવ બને;
.                    બસ સહનનું એવું બલ દે.

ન હું ઝાઝું માગું,
કરું વા ના ત્રાગું,
પણ કદાપિ એવું પણ બને:
હું જેવાની રાખે જન્મભૂમિનાં ખાતર બને,
દઉં તો દગ્ધી હું મુજ જીવન સંપૂર્ણ હૃદયે;
.                    હૃદય ગરવે મત્ત ન બને,
.                    મન નવ ચઢે તર્કચકવે;
.                    બસ મરણનું એવું બલ દે.

– સુંદરજી બેટાઈ

હૃદયમાં પડેલા સકળ ઘા અને પીડા ચીસ પાડ્યા વિના કે રીસ રાખ્યા વિના સહન કરી શકાય, શત્રુ ભલે એનો ધર્મ નિભાવે પણ પોતાના હૃદયમાં સામી દુશ્મનીનો ફણગો ફૂટી-ફાલીને વિષવૃક્ષ બની ન જાય એટલી સહનશક્તિ કવિ ઇચ્છે છે. પોતાનું જીવન ભલે નિષ્ફળ જાય પણ જાણ્યે-અજાણ્યે અવર કોઈની જીવન-વાટિકા પોતાનાથી નાશ ન પામે એ જ કવિ ઇચ્છે છે. અને અંતે જો જન્મભૂમિમાં ખાતર બનતું હોય તો કવિ પોતાની જાત પણ બાળી આપવા તૈયાર છે… આજે તો જો કે આપણી માંગણીઓ જ બદલાઈ ગઈ છે…

(ત્રાગું= હઠ; વ્રણ=ઘા; રિપુત્વ= શત્રુત્વ; વિષતરુ=ઝેરરૂપી વૃક્ષ; દગ્ધી=જલાવી, બાળી)

Comments (5)

બંદર છો દૂર છે – સુંદરજી બેટાઇ

અલ્લાબેલી, અલ્લાબેલી,
જાવું જરૂર છે,
બંદર છો દૂર છે.
બેલી તારો, બેલી તારો
બેલી તારો તું જ છે.
બંદર છો દૂર છે!

ફંગોળે તોફાની તીખાતા વાયરા,
મૂંઝાયે અંતરના હોયે જે કાયરા;
તારા હૈયામાં જો સાચી સબૂર છે,
છોને એ દૂર છે!

આકાશી નૌકાને વીજ દેતી કાટકા,
તારી નૌકાનેય દેતી એ ઝાટકા;
મધદરિયો મસ્તીમાં છોને ચકચૂર છે;
બંદર છો દૂર છે.

આંખોના દીવા બુઝાયે આ રાતડી,
ધડકે ને ધડકે જે છોટેરી છાતડી;
તારી છાતીમાં, જૂદેરું કો શૂર છે.
છોને એ દૂર છે!

અલ્લાબેલી, અલ્લાબેલી,
જાવું જરૂર છે,
બંદર છો દૂર છે.
બેલી તારો, બેલી તારો
બેલી તારો તું જ છે.
બંદર છો દૂર છે!

– સુંદરજી બેટાઇ

Comments