હું ભણું છું એમનો ચહેરો, અને એ-
ક્લાસમાં ભૂગોળનું પુસ્તક ભણે છે.
શીતલ જોશી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for સંજુ વાળા

સંજુ વાળા શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

(અવળી ચાલ, અજાયબ કેડા) - સંજુ વાળા
(જો) – સંજુ વાળા
આપણી આ વાર્તા – સંજુ વાળા
ઊગેલી પાંખને - સંજુ વાળા
ઓળધોળ ડહોળાતાં કારણ - સંજુ વાળા
કવિ (ગઝલ ત્રિપદી) - સંજુ વાળા
કોણ ભયો સંબંધ - સંજુ વાળા
ક્યાંથી લાવીએ ? - સંજુ વાળા
જળઘાત -સંજુ વાળા
જાણ્યું એવું જડ્યું નહિ કંઈ - સંજુ વાળા
ડહાપણ દાખો - સંજુ વાળા
તમને એમાં વાંધો છે કંઈ ? - સંજુ વાળા
ધારણા તૂટી પડી - સંજુ વાળા
નરાતાળ વા'-ના - સંજુ વાળા
ના તરછોડો - સંજુ વાળા
પતંગિયાંઓ સળવળે - સંજુ વાળા
પ્રપંચનો પહાડ - સંજુ વાળા
ભવ્ય ગઝલ ગુજરાતી - સંજુ વાળા
ભીતરથી ભાવમય - સંજુ વાળા
મુક્તક - સંજુ વાળા
મૂકી - સંજુ વાળા
રંગીન માછલી છે - સંજુ વાળા
વરતારો - સંજુ વાળા
વાતમાં ને - સંજુ વાળા
સખી રી, કેમ ઉકેલું લિપિ જળની - સંજુ વાળા
સખ્ય - સંજુ વાળા
સમજી જા - સંજુ વાળા
સાધુ છે સાહેબ... - સંજુ વાળા
સુખસંગત – સંજુ વાળાઊગેલી પાંખને – સંજુ વાળા

સાવ સામે આવી ઊભાં હો અને…
શક્ય છે હું ઓળખું ના આપને !

સાંભરણ, સંબંધના ઊંડાણને
તાગતાં અડકી જવાતું આભને !

કેટલા પાછળ લિસોટા પાડવા ?
એની ક્યાં કંઈ પણ ખબર છે સાપને !

ખૂલ્લું છે આકાશ, પણ મન બંધ છે –
કેમ ફફડાવું ઊગેલી પાંખને ?

પ્હોંચવું, પામી જવું, તરછોડવું
એ જ ઘટનાક્રમ મળ્યો તમને- મને !

જે કહું એ જ પાછું સાંભળું
સાંભળ્યું જે, એ જ કહેવાનું બને !

છાંયે બેસે એની છાયા ઓગળે
તડકે ચાલે એ ગુમાવે ઝાડને !

– સંજુ વાળા

સંજુ વાળા એ આજની ગુજરાતી કવિતાનો અલાયદો અવાજ છે. એમની રચનાઓ રુઢગતિથી નથી ચાલતી. એ ન ખેડાયેલી કેડી પર પોતીકા ચીલા ચાતરે છે એના કારણે ક્યારેક એ દુઃસાધ્ય પણ અનુભવાય છે. પણ એમની આ ગઝલ જુઓ. એક-એક શેર ખૂબ હળવેથી ખોલી જુઓ અને જુઓ કે તમારી આંખ
સાનંદાશ્ચર્યથી પહોળી થઈ જાય છે કે નહીં ! કેટલાક શેર તરત પ્રત્યાયિત થાય છે તો કેટલાક ambiguous જણાય છે.

Comments (19)

ક્યાંથી લાવીએ ? – સંજુ વાળા

તાપસને તપનું હોય એવું ભાન ક્યાંથી લાવીએ ?
અથવા તો સહૃદયીના જેવી તાન ક્યાંથી લાવીએ ?

ભીતરથી આરંભાઈ ‘ને પહોંચાડે પાછાં ભીતરે,
અનહદ અલૌકિક આગવું પ્રસ્થાન ક્યાંથી લાવીએ ?

પોતે જ આવીએ, ને પોતે આવકારીએ વળી-
હરરોજ ઘરના ઉંબરે મહેમાન ક્યાંથી લાવીએ ?

સંવેદનાઓ સઘળી થઈ ગઈ છે ઠરીને ઠીકરું,
ત્સુનામી જેવું લોહીમાં તોફાન ક્યાંથી લાવીએ ?

ના, કોઈ પણ રંગો મને એની પ્રતીતિ દઈ શક્યા,
એ મુખડું રમણીય ભીનેવાન ક્યાંથી લાવીએ ?

ખીલા તો શું એકેય સાચું વેણ સહેવાતું નથી,
સમતા જ આભૂષણ બને એ કાન ક્યાંથી લાવીએ ?

પરભાતિયાં તો આપણે પણ આજ લગ ગાયાં કર્યાં,
કિન્તુ એ નમણાં નામનું સંધાન ક્યાંથી લાવીએ ?

-સંજુ વાળા

Comments (11)

વાતમાં ને – સંજુ વાળા

વાતમાં ને વાતના વળાંક પર
અણધાર્યા ઊખળતા આવે કાંઈ….
એક એક સણસણતી ઘટનાના થર
વાતમાં ને વાતના વળાંક પર….

ફૂગ્ગો ફૂટે તો એમ લાગતું કે આરપાર
ફૂટ્યો પ્રચંડ કોઈ તર્ક,
ઝીલ્યો ઝિલાય નહીં સ્હેજ પણ ખોબામાં
પથ્થરને પીડાનો ફર્ક ;
છાતીમાં સંઘરેલા સૂરજને સળગાવીને
કરવાનું હોય શું સરભર ?
વાતમાં ને વાતના વળાંક પર…

મનને વાગેલ ઠેશ ધરબી દઈ ભીતરમાં
ઉપરથી રહેવાનું રાજી,
પાળી-પંપાળીને જીવ જેવી ક્ષણ બધી
રાખવાની છેક સુધી તાજી,
ઓગળી ના જાય એમ આછા અણસારાને
ઉછેરું અંદરને અંદર !
વાતમાં ને વાતના વળાંક પર….

-સંજુ વાળા

અત્યંત નાજુકાઈથી તીવ્ર વેદનાની વાત થઇ છે આ કાવ્યમાં. ખૂબ જ બારીકીથી આ કાવ્યને ગૂંથવામાં આવ્યું છે. કોમળ શબ્દો દ્વારા ચોકસાઈપૂર્વકના શરસંધાન કરાયા છે…

Comments (11)

જળઘાત -સંજુ વાળા

પાણીને પરસેવો અથવા જળને આવ્યાં
ઝળઝળિયાંની ખબર પડે શી રીતે ?
તાણ ઘૂમરી તરફડિયાં તલસાટ તૂટામણ
ચગડોળાતું શું શું એના ચિત્તે ?

પડે કાંકરી ધ્રુસાંગ, પડઘે ગિરિ કંદરા ગાજે
લયવલયમાં જળઝાંઝરિયાં ઝીણું ઝીણું લાજે
સમથળ માથાબૂડ ભર્યા ભરપૂર ઓરડે
જળ રઘવાયું પટકે શિર પછીતે
તાણ ઘૂમરી તરફડિયાં તલસાટ તૂટામણ
ચગડોળાતું શું શું એના ચિત્તે?

જળમાથે ઝૂકેલી ડાળી લળે; જળ છળે ફરી…
એક થવાને ઝૂઝે શાપિત યક્ષ અને જળપરી
જળઘાત લઈ જન્મેલું જળ, પળી પાવળે
વહેંચાઈ, વેચાય નજીવાં વિત્તે
તાણ ઘૂમરી તરફડિયાં તલસાટ તૂટામણ
ચગડોળાતું શું શું એના ચિત્તે?

– સંજુ વાળા

જળની કવિતા તમે હાથમાં લો અને તમારી આંખ-કાન-મન સામે જળનો ખળખળાટ ખળખળાટ ખળખળાટ કરી દે એ કવિ સાચો… આ ગીત વાંચીએ… જળનો ઘુઘવાટ નજરે પણ ચડે છે, કાને પણ સંભળાય છે અને ભીંજાતા હોવાની સાહજિક અનુભૂતિ પણ થાય છે…

તાણ ઘૂમરી તરફડિયાં તલસાટ તૂટામણ ચગડોળાતું – એક શ્વાસે વાંચી જુઓ તો…
ડાળી લળે જળ છળે જળપરી જળઘાત જળ પળી પાવળે – જળનો ‘ળ’ સંભળાયો?

ઇન્દ્રિયોને અડી શકે એ કવિતા…

Comments (12)

રંગીન માછલી છે – સંજુ વાળા

ઝાંખા ઉજાસ વચ્ચે તેં જે કથા કહી છે,
સાંભળજે કાન દઈને એની જ આ કડી છે.

પળને બનાવે પથ્થર, પથ્થરને પારદર્શક,
તાકી રહી છે કોને, આ કોની આંગળી છે.

કાજળ બનીને આવો કે જળ બની પધારો,
પાંપણથી નમણી બીજી ક્યાં કોઈ પાલખી છે ?

નખ હોય તો કપાવું દ:ખ હોય તો નિવારું,
ભીતરને ભેદતી આ મારી જ પાંસળી છે.

ઈચ્છાના કાચઘરમાં એ એક થાય અંતે :
માણસનું નામ બીજું રંગીન માછલી છે.

– સંજુ વાળા

જોડાયેલા ભૂતકાળની વાતથી ગઝલ શરૂ થાય છે.  ક્ષણને પથ્થર જેવી ભારે બનાવી દે અને પથ્થરને પારદર્શક કરી દે એવી કઈ આંગળીની વાત કવિ કરે છે ? – મારા મતે તો પોતાના અંતરઆત્માના અવાજની વાત છે.  ત્રીજો શેર તો પરાણે ગમી જાય એવો નખશિખ નમણો શેર છે. ચોથો  શેર વાંચતી વખતે યાદ કરજો કે ઈવનું સર્જન આદમની પાંસળીમાંથી થયેલું.  કાચ સામાન્ય રીતે એક રંગી પ્રકાશમાંથી બધા રંગો અલગ પડે છે. એનાથી ઉલટું,  અહીં (ઈચ્છાના) કાચઘરમાં રંગીન માછલી એક થવાની વાત આવે છે.

Comments (18)

ભવ્ય ગઝલ ગુજરાતી – સંજુ વાળા

રૂપ – અરૂપા હે શતરૂપા ભવ્ય ગઝલ ગુજરાતી
તું જ છલકતા અમિયલ કૂપા ભવ્ય ગઝલ ગુજરાતી

તું કેદારો, તું મંજીરા, તું જ ચદરિયા ઝીની
રે ભજનોની નિત્ય અનૂપા ભવ્ય ગઝલ ગુજરાતી

બાળાશંકર, સાગર-શયદા, મરિઝ-ઘાયલ, આદિલ
મનોજ, મોદી, શ્યામ, સરૂપા ભવ્ય ગઝલ ગુજરાતી

તું ચંદા, તું સનમ, છાંદાસી તું ગીરનારી ગૂહા
સૂફીઓમાં તું સ્પંદન છૂપાં ભવ્ય ગઝલ ગુજરાતી

અર્થા, વ્યર્થા, સદ્ય સમર્થા, તું રમ્યા, તું રંભા
તું મારી ભાષામાં ભૂપા ભવ્ય ગઝલ ગુજરાતી

– સંજુ વાળા

ગઝલની આરાધના પણ ગઝલ દ્વારા જ 🙂

(અમિયલ કૂપા=અમૃતના પ્યાલા, અનૂપા=શ્રેષ્ઠ,અપૂર્વ, ભૂપા=રાજકુંવરી)

Comments (17)

કોણ ભયો સંબંધ – સંજુ વાળા

ખુલ્લી આંખે અંધ
વાતાયનમાં વ્યાપ્ત રહે પણ
ના પકડાતી ગંધ…

કાયાના કયા ખૂણે વહેતી તિલસ્માતની ધારા
રોમ રોમ દીપમાળ જલે પણ ખૂટે ના અંધારાં
કિહાઁ સાઁસ-ઉસાઁસ સમાગમ ?
કોણ ભયો સંબંધ…
ખુલ્લી આંખે અંધ…

છાતી પ્રગટ નિજ-મંદિર જેના સૌ દરવાજે તાળાં
ચાર ઘડી ચોઘડિયાં વાજે ઘડી-ઘડી ઘડિયાળા
નિસદિન નામ-નિશાન જરાજર
રચે ઋણાનુબંધ
ખુલ્લી આંખે અંધ…

– સંજુ વાળા

ઘણા લાંબા સમયથી આ કાવ્ય મેં ટાઇપ કરીને મૂકી રાખ્યું હતું. દર વખતે ટિપ્પણી લખવા જાઉં અને શબ્દો ન સૂઝે. આમને આમ કેટલાય અઠવાડિયા વીતી ગયા. આજે પણ ટિપ્પણી લખવા વિચારું છું ત્યારે શબ્દો નથી જડતા… ખુલ્લી આંખે અંધ ? ના પકડાતી ગંધ ?

Comments (12)

મુક્તક – સંજુ વાળા

અચળ ઊંડાણ છે આ હાથમાં
અગોચર ખાણ છે આ હાથમાં
સલામત એ જ મૂઠ્ઠી બંધ હો
ગજબ ખેંચાણ છે આ હાથમાં

– સંજુ વાળા

Comments (5)

સુખસંગત – સંજુ વાળા

વિતરાગી વહેતા જળકાંઠે બેઠા સુખસંગતમાં ;
નહીં પરાયું કોઈ અહીં કે નહીં કોઈ અંગતમાં.

હોવું હકીકત નમણી ;
ભેદ
ભાળે ડાબીજમણી ;
શું
એને કુબજા ? શું રમણી ?
ભાવભર્યું આલિંગન લઈને રમી રહ્યાં રંગતમાં.
બેઠા સુખસંગતમાં

જાગ્યાને મન ભેદ જાગનો ;
ચડે સૂતાને કેફ રાગનો ;
બંને છેડે ખેલ આગનો ;
ભરી સબડકો ખટરસ ચાખ્યો પહેલ કરી પંગતમાં.
બેઠા સુખસંગતમાં


વહેતાં જળ યાને કે સતત ચાલતા રહેતા સંસારના કાંઠે સુખની સંગતમાં કોણ બેસી શકે ? વીતરાગી (ગીતમાં છંદ જાળવણી માટે જોડણીની કદાચ છૂટ લીધી હોઈ શકે) જ સ્તો! અને વીતરાગી માટે વળી કોણ પરાયું અને કોણ પોતીકું ?
પોતાનું હોવું એનાથી વિશેષ નમણી હકીકત વળી શી હોઈ શકે ? હોવાપણું એ જ એવો ઉત્સવ છે કે નથી ડાબા-જમણાનો ભેદ રહેતો કે નથી રૂપ-કુરૂપનો. સારાં-નરસાં બધાંને ભાવથી આલિંગીને વીતરાગી જિંદગીની રંગત માણે છે. સંસારના બે અતિ છે એક છેડે જાગતો માણસ છે જે જાગૃતિનો અર્થ જાણે છે અને બીજા છેડે છે એવા માણસો જેમની નિંદ્રા હજી ઊડી નથી અને જેઓ હજીયે આસક્તિની કેદમાં સબડે છે. બંને અંતિમ સત્ય આખરે તો જીવનની આગનો જ ખેલ છે. અને એ જ વ્યક્તિ સંસારના બધા રસ માણી શકે છે જે આ દુનિયાની પંગતમાં પહેલ કરીને સબડકા ભરવાનું સાહસ ખેડે છે. (સંજુ વાળા (જન્મ: 11-07-1960) રાજકોટમાં રહે છે. ‘કંઈક/કશુંક અથવા તો…’ એમનો કાવ્યસંગ્રહ).

Comments (5)

Page 3 of 3123