આજ વરસાદ નથી એમ ના કહેવાય, રમેશ,
એમ કહીએ કે હશે, આપણે ભીના ન થયા.
રમેશ પારેખ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for ઈન્ટરનેટ પર ગુજરાતી

ઈન્ટરનેટ પર ગુજરાતી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

'ઉદ્દેશ' : એક વધુ સત્વશીલ સામયિક વેબ પર
'ડોટ કોમ'ના રંગે રંગાયા કવિશ્રી રાજેન્દ્ર શુકલ
'લયસ્તરો'ની સફરને આજે પાંચ વર્ષ પૂરાં થયાં...
'વીસમી સદી' અને હાજીમહમ્મદ અલ્લારખા શિવજી
"શબ્દો છે શ્વાસ મારા"ની બારમી વર્ષગાંઠ પર...
અગિયારમી વર્ષગાંઠ... ૩૫૦૦ પૉસ્ટ...
આજે 'લયસ્તરો'ને બાર વર્ષ પુરા!
ઇ-પુસ્તક : ગુજરાતી બ્લૉગજગતનાં કાવ્યપુષ્પો
ઈન્ટરનેટ પર ગુજરાતી
ઉત્તમ ગુજરાતી સાહિત્ય : એક યાદી
એક કદમ...શબ્દની કેડી તરફ...
ઓન-લાઇન ગુજરાતીની ઝળહળતી મશાલ...
ઓનલાઈન ગુજરાતી શબ્દકોશ : ગુજરાતી લેક્સિકોન
કલાગુરુ શ્રી રવિશંકર રાવળની કૃતિઓનો ખજાનો
કવિ ડૉટ કોમ
કવિતા અને કમ્પ્યુટરનો કલાકાર
કોમ્પ્યુટર પર ગુજરાતીમાં લખવું સહેલું છે !
ગઝલ ગુર્જરીનો નવો અંક
ગઝલ શીખવી છે? - સરળ ભાષામાં પ્રાથમિક ગઝલશાસ્ત્ર
ગુજરાતથી દૂર ભૂરી કવિતા જીવતો કવિ -ચંદ્રકાંત શાહ
ગુજરાતી ભાષાના 200 શ્રેષ્ટ પુસ્તકો : તમને કયું ગમે છે ?
ગુજરાતી યુનિકોડ માટે સોનાનો સૂરજ !
ગુજરાતી યુનિકોડને વધાઈ નંબર બે : દિવ્ય ભાસ્કર પણ હવે યુનિકોડિત !
ગુજરાતી-અંગ્રેજી શબ્દકોશ
ભગવદ્ગોમંડલ ઓન-લાઈન : ગુજરાતી ભાષાની સૌથી મોટી ઐતિહાસિક ઘટના
રીડ-ગુજરાતી.કોમ
લેક્સીકોન શબ્દકોશ અને સ્પેલચેકર હવે તમારા ડેસ્કટોપ પર !
શીતલ સંગીત : નેટ પર ચોવીસે કલાક ગુજરાતી સંગીતનો વરસાદ
સ્વાગત સુરેશભાઈ !
હવે ગુજરાતીમાં યાહૂ !ગઝલ શીખવી છે? – સરળ ભાષામાં પ્રાથમિક ગઝલશાસ્ત્ર

ગઝલ શીખવી છે? નામે સરળ ભાષામાં ગઝલરચનાનું પાયાનુ જ્ઞાન આપતી નાનકડી પુસ્તિકા આશિત હૈદરાબાદીએ તૈયાર કરી છે. આ પુસ્તિકા ભાઈ અમિત ત્રિવેદીની વેબસાઈટ ગુજરાતી ગઝલ પરથી ડાઉનલોડ કરી શકો છો. રસિકો માટે આવી માહિતી હાથવગી કરી આપતી આવી પહેલી પુસ્તિકા વેબ પર જોવામાં આવી છે. ગઝલ રચનાની આજ પ્રકારની માહિતી શ્રી રઈશ મનીયાર એમની લેખમાળા ગઝલનું છંદશાસ્ત્રમાં ગઝલ ગુર્જરીમાં રસપ્રદ શૈલીમાં હપ્તાવાર આપી રહ્યા છે.

Comments (8)

ગુજરાતી-અંગ્રેજી શબ્દકોશ

ડીપાર્ટમેન્ટ ઓફ સાઉથ એશિયા સ્ટડીઝ, યુનિવર્સીટી ઓફ પેન્સીલવેનિયાના શ્રી બાબુ સુથાર રચિત ગુજરાતી-અંગ્રેજી શબ્દકોશ PDF ફોરમેટમાં ડાઉનલોડ માટે ઉપલબ્ધ છે. આ શબ્દકોશની પ્રસ્તાવનામાં શ્રી સુથાર લખે છે:

It is perhaps the first dictionary of the language created for the beginning student who is learning Gujarati language as a second language. It is also the first dictionary in Gujarati which gives phonetic transcription of the head words in International Phonetic Alphabet. Besides, it is also the first one that gives graphemic transcription of each head word.

આ જ સાઈટ ઉપર ગુજરાતી શીખવા માટે પાયાની માહિતી પણ છે. ભારત બહાર રહેતા કોઈને ગુજરાતી ભાષા શીખવા માટે આ સરળ રસ્તો છે.

Comments (5)

ઈન્ટરનેટ પર ગુજરાતી

ઈન્ટરનેટ પર ગુજરાતી ભાષાના વિકાસ અંગે હિમાંશુંભાઈ કીકાણીએ એક માહિતીપ્રદ પોસ્ટ એમના બ્લોગ અનુસંધાન પર મૂકયો છે. ગુજરાતી ભાષાની કુલ વેબસાઈટ માંડ 70-80 જેટલી છે. ગુજરાતીનો ઈન્ટરનેટ પર પ્રસાર હજુ પહેલી પગલી સમાન છે. ગુજરાતીને ઈન્ટરનેટ પર સ્થાપિત કરવા માટે આપણે હજુ ઘણુ કામ કરવાનું બાકી છે.

ગુજરાતીને ઈન્ટરનેટમાં આગળ લાવવા માટે આટલા પગલાં ખાસ જરૂરી છે:

  • ગુજરાતી ભાષાને બધી સાઈટ Unicodeમાં જ હોવી જોઈએ. જેથી એ સાઈટ સહેલાઈથી જોઈ શકાય અને એમાંની માહિતી સર્ચ-એંજીનથી (દા.ત. ગૂગલ) સરળતાથી શોધી શકાય. ગુજરાતી છાપાઓએ આ બાબતમાંપહેલ કરવી પડે. આજે એક પણ છાપું Unicode વાપરતું નથી.
  • સસ્તા ભાવે કે મફત ગુજરાતી ફોંટ, વર્ડ પ્રોસેસર, ઓપ્ટીકલ કેરેક્ટર રેકોગ્નીશન સોફટવેર વિગેરે ઉપલબ્ધ કરાવવા જોઈએ.
  • ગુજરાતીમાં અઢળક સાહિત્ય છે કે જે કોપીરાઈટથી બહાર છે. દા.ત. નરસિંહ મહેતા, મીરાંબાઈની રચનાઓ. આ બધુ સાહિત્ય નેટ પર મૂકાવું જોઈએ. આ કામ સાહિત્ય પરિષદે કે પછી સુરેશ દલાલ જેવા કોઈ વ્યક્તિએ ઉપાડવું પડે.

Comments (9)

ગઝલ ગુર્જરીનો નવો અંક

શ્રી આદિલ મંસૂરી સંપાદિત ગઝલ-ગુર્જરીનો નવો અંક વેબસાઈટ પર પ્રગટ થઈ ગયો છે. PDF ફોરમેટમાં આ અંક આપ ગઝલ-ગુર્જરી વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકો છો. આ અંક શ્રી રાજેન્દ્ર શુક્લને અર્પણ કરેલો છે. રાજેન્દ્ર શુક્લ ઉપરાંત આ અંકમાં હરીન્દ્ર દવે, અદમ ટંકારવી, ચિનુ મોદી, અશરફ ડબાવાલા, પંચમ શુક્લ વગેરે ગઝલકરોની સુંદર રચનાઓ છે. સાથે રઈશભાઈની ગઝલનુ છંદશાસ્ત્ર લેખમાળાનો પાંચમો ભાગ પણ છે. આપે ન વાંચ્યા હોય તો પહેલાના પાંચ અંકો પણ ઉપલબ્ધ છે.

Comments

કવિતા અને કમ્પ્યુટરનો કલાકાર

થોડા દીવસ પર જ વિશાલ મોણપરાની ઓળખાણ એની વેબસાઈટ દ્વારા થઈ. વિશાલની વેબ સાઈટ જોતા જ ગમી જાય એવી છે. એના પર સ્વરચિત કવિતાઓને સરસ રીતે ગોઠવેલી છે. કવિકર્મમાં એ ખૂબ આગળ વધે એવી શુભકામના. વિશાલની મને ગમી ગયેલી કેટલીક પંક્તિઓ આ સાથે માણો.

તને જોઈને વળે ફૂલોને પસીનો
તેને ઝાકળનું નામ આપું તો કેવું?

હવે તારાથી દૂર થવાની ભિતી નથી હ્રદયમાં
આ જો હથેળીમાં સમયનું પતંગિયું પકડ્યું.

અરે કપડા ખંખેરવા રહેવા દે મારા
ગઝલો વાળવાનો મારી પાસે સમય નથી
ગઝલોના ટુકડા વાગે જશે તને
બાકી ના પાડવાનો મારો કોઈ આશય નથી

આંખ મીચુ તો કોઈ એક સ્વજન
આંખો ઉઘાડું તો વ્યક્તિ અજાણી

કવિ હોવાની સાથે સાથે જ વિશાલ કોમ્પ્યુટર એન્જીનીયર પણ છે. એણે ગુજરાતી લખવા માટે ગુજરાતી ટાઈપ પેડ બનાવ્યું છે. આ માટે કોઈ નવા સોફ્ટવેરની જરૂર નથી. વેબ બ્રાઉઝરમાંથી જ આપ સીધુ ગુજરાતી લખી શકો છો. આનો બીજો ફાયદો એ છે કે ઓપરેટીંગ સીસ્ટમ કોઈ પણ હોય આ ટાઈપ પેડનો ઉપયોગ કરી શકાય છે. જેમની પાસે વિન્ડોઝ એક્સપી નથી એ બધા માટે ગુજરાતી લખવાનો આ સૌથી સરળ રસ્તો છે. અહી ગુજરાતીમાં લખી આપ એને ‘કટ એન્ડ પેસ્ટ’ કરી બીજા કોઈ પણ પ્રોગ્રામમાં વાપરી શકો છો.

Comments (4)

કોમ્પ્યુટર પર ગુજરાતીમાં લખવું સહેલું છે !

આ બ્લોગ વાંચીને ઘણા મિત્રો મને ઈ-મેલ કરી પૂછે છે કે કોમ્પ્યુટર પર ગુજરાતીમાં કઈ રીતે લખવું. ખરેખર ગુજરાતી લખવા માટે કોમ્પ્યુટરને સેટઅપ કરવું ખૂબ સહેલું છે. આપની પાસે વિંડોઝ XP હોય તો કોઈ વધારે સોફ્ટવેરની જરુર પણ નથી.

ગુજરાતીમાં લખવા માટે કોમ્પ્યુટરને સેટઅપ કરવાની રીત સમજાવતી સરળ માર્ગદર્શિકા મેં મારી વેબસાઈટ પર મૂકી છે. 10 મિનિટના સેટઅપ પછી આપ પણ ગુજરાતીમાં સરળતાથી લખી શકશો ! આ રીતે કોમ્પ્યુટર સેટઅપ કર્યા પછી આપ કોઈપણ પ્રોગ્રામમાં – ઈ-મેલ પ્રોગ્રામ, વેબ બ્રાઉઝર કે વર્ડ પ્રોસેસર બધામાં – ગુજરાતી લખી શકશો.

આ વિષે કોઈ સવાલ હોય તો મને ઈ-મેલ કરશો.

Comments (5)

ગુજરાતથી દૂર ભૂરી કવિતા જીવતો કવિ -ચંદ્રકાંત શાહ

ચંદ્રકાંત શાહ જાણવા જેવો માણસ છે. આજે ચંદ્રકાંત શાહ અને એમની કવિતા પર સરસ મઝાનો લેખ વાંચવા મળી ગયો. એટલે એમના વિષે જ વાત કરીએ.

Poetry International Webના ભારત વિભાગમાં ચંદ્રકાંત શાહ અને એમની કવિતા વિષે નાનો પણ સુંદર લેખ મૂક્યો છે. આ લેખ અને સાથેનો આ ઈંટરવ્યૂ વાંચવાથી ચં.શા.ના વ્યક્તિત્વની સારી એવી પિછાણ થાય છે.

એક બાજૂ કવિ અને બીજી બાજુ એ તખ્તાના માણસ. ‘અને થોડા સપનાં’ અને ‘બ્લૂ જીન્સ’ બે એમના કાવ્ય સંગ્રહો. એ પોતે બોસ્ટનમાં રહે છે. ‘રિઅરવ્યૂ મિરર’ એમનું સૌથી જાણીતું (અને મારું માનીતું) કાવ્ય. ‘બ્લૂ જીન્સ’ વિષે એ પોતે કહે છે, it is the first pop album of Gujarati poetry ! ‘બ્લૂ જીન્સ’ ના રુપકની મદદથી જીવનના અનેકવિધ પાસાને આ કાવ્યસંગ્રહમાં અડી લીધા છે. ‘બ્લૂ જીન્સ’ આખેઆખો કાવ્યસંગ્રહ તમે વેબ પર માણી શકો છો.

આગળ ઉપર જેની વાત કરી એ ઈંટરવ્યૂ ખાસ વાંચવા જેવો છે. પોતાની કવિતા વિષે એ કહે છે:

My poetry emerges from long drives, speeding tickets, golf lessons, river rafting, gambling on football in Las Vegas and standing endlessly on the sidewalks of Manhattan. I write while driving. The faster I drive, the better I write. Most of the Blue Jeans collection was written at the steering wheel of my Honda Accord.

આવી ખુમારી કેટલા ગુજરાતી કવિઓમાં જોવા મળશે ? એમની જ કેટલીક પંક્તિઓ અહીં માણો.

આ કાગળમાં રીપ્લાય પોષ્ટ કવરને બદલે તું પાછી આવે એવું કાંઈ બીડું?
તું પણ મોકલ,હું ત્યાં આવું એવો જાસો,
એવી ચિઠ્ઠી, એવું કોઈ પરબીડું

મને મળી છે એવી ભાષા, ચાલ હું બેસું અંજળ લખવા
હવે તો તું આવે તો હું બંધ કરું તને કાગળ લખવા

Comments (5)

રીડ-ગુજરાતી.કોમ

વડોદરાથી મૃગેશભાઈ શાહે રીડ-ગુજરાતી.કોમ નામે ગુજરાતી વેબ મેગેઝીન શરું કર્યુ છે. આ વેબઝીનમાં ગુજરાતીમાં લેખો, વાર્તાઓ, કવિતાઓ વિગેરે સામગ્રીએ પીરસે છે. જાણીતા લેખકોની કૃતિઓ એક સાથે એક જ જગાએ અહીં સરળતાથી વાંચવા મળી જાય છે. એમની ઓળખાણ એમના પોતાના શબ્દોમાં એ આ રીતે આપે છે –

મારું નામ મૃગેશ શાહ, 27 વર્ષ, અમે વડોદરાના રહેવાસી. વ્યવસાયે હું એક લેખક છું. મુંબઈ સમાચાર અને અખંડઆનંદ મેગેઝીનમાં કેટલાક લેખો લખ્યા છે તેમજ ખાસ કરીને ચાટૅડ એકાઉન્ટસી (સી.એ) માં આવતા કૉમ્પ્યુટર વિષય પર પુસ્તકો લખું છું, પણ આમ છતાં મારે કંઈક ક્રીએટીવ કરવું હોય તો સારો એવો સમય મળી રહે છે.

રીડ-ગુજરાતીનું નામ ભલે અંગ્રેજીમાં રાખ્યું હોય, પણ વેબઝીનનો આત્મા પૂરેપૂરો ગુજરાતી છે. લેખો અને કવિતાઓની પસંદગી પણ સુંદર છે. ગુજરાતી સાહિત્યમાં રસ ધરાવતા બધાને ગમે એવી આ સાઈટ બનાવી છે. આશા રાખીએ કે મૃગેશભાઈનું આ સાહસ સફળ બને.

ગુજરાતીનો વેબ પર પ્રસાર કરાવાનો આનાથી વધારે સારો રસ્તો કોઈ નથી. સરસ વેબસાઈટ બનાવવા માટે મૃગેશભાઈને અભિનંદન. એક વાર જરુરથી આ વેબઝીનની મુલાકાત લેજો.

Comments (2)

ગુજરાતી ભાષાના 200 શ્રેષ્ટ પુસ્તકો : તમને કયું ગમે છે ?


આરપાર મેગેઝીને એક ખાસ અંકમા ગુજરાતી ભાષાના 200 શ્રેષ્ટ પુસ્તકોની યાદી પ્રગટ કરી છે. દરેક પુસ્તકના નામ સાથે એનો ટૂંકો પરિચય પણ આપેલો છે. આ યાદીમાં દરેક જાતના પુસ્તકોનો સમાવેશ કરેલો છે.

અંગ્રેજી ભાષામાં આવી યાદીઓનો શિરસ્તો છે, ટોપ 10 કે ટોપ 100 પુસ્તકોની યાદી બધે જોવા મળે છે. પણ ગુજરાતીમાં આવી યાદી પહેલી જ વાર જોઈ.

આ યાદીમાંથી તમે કેટલા પુસ્તકો વાંચેલા છે ? આ યાદીમાંથી તમારું મનપસંદ પુસ્તક કયું ? આ યાદીમાં ન હોય, પણ ઉમેરવા જેવું કયું પુસ્તક છે ? ચર્ચા માટે મોકળું મેદાન છે. આપના અભિપ્રાય કોમેન્ટમાં જાણાવશો.

Comments (7)

ઓનલાઈન ગુજરાતી શબ્દકોશ : ગુજરાતી લેક્સિકોન

ઘણા વખતથી વેબ ઉપર એક ગુજરાતી શબ્દકોશ હોય તો કેવુ સરસ એવી ઈચ્છા હતી. આજે શ્રી રતિલાલ ચંદરયાની વેબસાઈટથી આ સપનુ સાકાર થાય છે. ગુજરાતી લેક્સીકોન વેબસાઈટનું નામ ભલે અંગ્રેજી હોય પણ એ ઈંટરનેટ પર ગુજરાતી ભાષાની વૃધ્ધિમાં એક સિમાચિહ્ન બની રહેશે.

અહીં ગુજરાતીથી ગુજરાતી, ગુજરાતીથી અંગ્રેજી અને અંગ્રેજીથી ગુજરાતી એમ ત્રણ પ્રકારના શબ્દકોશ ઉપરાંત વિરોધી શબ્દો, સમાનર્થી શબ્દો અને રુઢિપ્રયોગો પણ ઉપલબ્ધ છે. હું પોતે રતિલાલ ચંદરયા કે ચંદરયા ફાઉંડેશન વિષે વધારે જાણતો નથી. એમના આ કામ માટે ગુજરાતી ભાષા અને ગુજરાતીઓ તરફથી એમનો ખાસ આભાર.

સોનામા સુગંધ જેવી વધારાના આનંદની વાત એ છે કે આ વેબસાઈટ યુનિકોડનો ઉપયોગ કરીને બનાવેલી છે. ગુજરાતીનો ઈંટરનેટ પર પ્રસાર કરવો હોય તો યુનિકોડ અપનાવવું એ પાયાની જરૂરિયાત છે. ( આ બ્લોગ પણ આપ યુનિકોડમાં જ વાંચી રહ્યા છો.) યુનિકોડ વિષે વધારે ફરી કયારેક.

ફરીથી, આ સુંદર કામ કરવા માટે રતિલાલ ચંદરયા અને ચંદરયા ફાઉંડેશનને અભિનંદન.

Comments (10)

Page 3 of 3123