કરે એમ પૃથ્વી ઉપર કામનાઓ,
બધા માનવીઓ અમર હોય જાણે.
આદિલ મન્સૂરી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for અમૃત ઘાયલ

અમૃત ઘાયલ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

(અણનમ બનાવીએ) - ઘાયલ
(સવાયો છું) – અમૃત ‘ઘાયલ’
અનોખો તાલ રાખે છે - અમૃત ઘાયલ
આપણી યાદગાર ગઝલો : ૦૫ : શાનદાર જીવ્યો છું - ઘાયલ
આવું છું - ઘાયલ
આશા-નિરાશા - 'ધાયલ'
કચ્છનું પાણી - અમૃત 'ઘાયલ'
કરી લીધી - અમૃત ઘાયલ
કહેવાય નહી - અમૃત ઘાયલ
ખેલ ખેલમાં - અમૃત 'ઘાયલ'
ખોટ છે બસ આટલી - ઘાયલ
ગઝલ - અમૃત ઘાયલ
ગઝલ - અમૃત ઘાયલ
ગઝલ - ઘાયલ
ગુજરાતી ગઝલમાં 'મૃત્યુ' :કડી ૦૫
ગુપત, પ્રગટ - અમૃત ઘાયલ
જીવન - અમૃત 'ઘાયલ'
ટેવાઈ જાયે છે - અમૃત ઘાયલ
તે ગઝલ - ઘાયલ
દરિયો -અમૃત 'ઘાયલ'
દૂર બહુ એ દિવસ નથી - અમૃત ઘાયલ
નથી શકતો - ઘાયલ
નીકળ્યા ! - અમૃત 'ઘાયલ'
ને એક છે ઉતારો - અમૃત 'ઘાયલ'
બાકી છે - અમૃત ‘ઘાયલ’
મુક્તક - ઘાયલ
યાદગાર મુક્તકો : ૧૦ : અમૃત ઘાયલ
યુક્તિ - ઘાયલ
રણમાં બાવળ - અમૃત 'ઘાયલ'
લે ! - અમૃત 'ઘાયલ'
વલોપાત વગર – અમૃત ઘાયલ
વહેંચાઇ જવામાં લિજ્જત છે - અમૃત 'ઘાયલ'
વાત -ઘાયલ
વિરહના ત્રણ શેર
શબ્દને - ઘાયલ
શબ્દોત્સવ - ૭: મુક્તક - અમૃત ઘાયલ
શાનદાર જીવ્યો છું - 'ધાયલ'
શાયર છું - 'ઘાયલ'
શાયર છું - ઘાયલ
સુખ - અમૃત 'ઘાયલ'વહેંચાઇ જવામાં લિજ્જત છે – અમૃત ‘ઘાયલ’

ગભરૂ આંખોમાં કાજળ થઈ લહેરાઈ જવામાં લિજ્જત છે;
ચર્ચાનો વિષય એ હોય ભલે ચર્ચાઈ જવામાં લિજ્જત છે.

વેચાઈ જવા કરતાંય વધુ વહેંચાઇ જવામાં લિજ્જત છે;
હર ફૂલ મહીં ખુશબો પેઠે ખોવાઈ જવામાં લિજ્જત છે.

પરવાના પોઢી જાયે છે ચિર મૌનની ચાદર ઓઢીને,
હે દોસ્ત, શમાની ચોખટ પર ઓલાઈ જવામાં લિજ્જત છે.

દુ:ખ પ્રીતનું જ્યાંત્યાં ગાવું શું? ડગલે પગલે પસ્તાવું શું?
એ જોકે વસમી ઠોકર છે પણ ખાઈ જવામાં લિજ્જત છે.

જે અંધ ગણે છે પ્રેમને તે આ વાત નહીં સમજી જ શકે,
એક સાવ અજાણી આંખથી પણ અથડાઈ જવામાં લિજ્જત છે.

બે વાત કરીને પારેવાં થઈ જાયે છે આડાંઅવળાં,
કૈં આમ પરસ્પર ગૂંથાઈ, વીખરાઈ જવામાં લિજ્જત છે.

સારાનરસાનું ભાન નથી પણ એટલું જાણું છું ‘ઘાયલ’,
જે આવે ગળામાં ઊલટથી એ ગાઈ જવામાં લિજ્જત છે.

– અમૃત ‘ઘાયલ’

આખી જીંદગી લિજ્જતપૂર્વક જીવનારા ઘાયલસાહેબને શેનામાં લિજ્જત આવે છે ?

Comments (10)

ખોટ છે બસ આટલી – ઘાયલ

શાયર પ્રતિજ્ઞાબદ્ધ છું, લાખોમાં એક છું,
ઈમાનદાર પણ છું હું, નેકી છું – નેક છું
‘ઘાયલ’ કશી છે ખોટ, તો બસ ખોટ એટલી
તારીખ વીતી ગયાના પછીનો હું ચેક છું.

– ઘાયલ

Comments (13)

સુખ – અમૃત ‘ઘાયલ’

કોઈની   છોડી  હવે  ના  છૂટશે
આ  કસુંબો  પી  કસેલી  ભેઠ  છે
સુખ ગણી જેને પ્રસંશે છે જગત
એ  અમે  છાંડી  દીધેલી એંઠ છે

– અમૃત ‘ધાયલ’

( ભેઠ=કમર પર બાંધવાનું કપડું, એંઠ=એઠું)

Comments (5)

આપણી યાદગાર ગઝલો : ૦૫ : શાનદાર જીવ્યો છું – ઘાયલ

શબ્દની આરપાર જીવ્યો છું,
હું બહુ ધારદાર જીવ્યો છું.

સામે પૂરે ધરાર જીવ્યો છું,
વિષ મહી નિર્વિકાર જીવ્યો છું.

ખુબ અંદર બહાર જીવ્યો છું,
ઘૂંટે ઘૂંટે ચિકાર જીવ્યો છું.

મધ્યમાં જીવવું જ ના ફાવ્યું,
હું સદા બારોબાર જીવ્યો છું.

મંદ ક્યારેય થઇ ન મારી ગતિ,
આમ બસ મારમાર જીવ્યો છું.

આભ ની જેમ વિસ્તર્યો છું,
અબ્ધિ પેઠે અપાર જીવ્યો છું.

બાગ તો બાગ સુર્યની પેઠે,
આગમાં પૂરબહાર જીવ્યો છું.

હું ય વરસ્યો છું ખૂબ જીવનમાં,
હું ય બહુ ધોધમાર જીવ્યો છું.

આમ ‘ઘાયલ’ છું અદનો શાયર પણ,
સર્વથા શાનદાર જીવ્યો છું.

– અમૃત ‘ઘાયલ’
(1916 – 2002)

ઘાયલ એટલે ખુમારી. ઘાયલ એટલે વાવાઝોડું. ઘાયલ એટલે ધારદાર. ઘાયલની ગઝલમાંથી એકની પસંદગી કરવી બહુ અઘરી છે. આ ગઝલ એમના મિજાજનો બખૂબી પરિચય આપે છે અને ‘ઘાયલની ગઝલ’નો ‘ટ્રેડમાર્ક’ જુસ્સો પણ ધરાવે છે. પોતાના ઉપનામનો એમણે હંમેશા જ બહુ સરસ ઉપયોગ કર્યો છે. એમણે ગઝલક્ષેત્રે અવનવા પ્રયોગો પણ બેશૂમાર કરેલા. એક ઘાયલ જ બુલંદ અવાજે કહી શકે, સર્વથા શાનદાર જીવ્યો છું !

Comments (5)

શાયર છું – ‘ઘાયલ’

જેવો તેવોય એક શાયર છું,
દોસ્ત, હું જ્યાં છું, ત્યાં બરાબર છું.

શબ્દ છું-ક્ષર નથી, હું અક્ષર છું,
યાને હું નિત્ય છું, નિરંતર છું.

હું સ્વયં ફૂલ છું, હું અત્તર છું,
જે કશું છું, હું દોસ્ત, અંદર છું.

સત્ય છું, શિવ છું, હું સુંદર છું,
પરથી પર યાને હું પરાત્પર છું.

હું હતો, છું, હજીય હોવાનો;
હું સનાતન છું, હું સદંતર છું.

બે ધડક પૂછ કોઈ પ્રશ્ન મને;
કોઈ પણ પ્રશ્નનો હું ઉત્તર છું.

હું છું સંદેશ ગેબનો સંદેશ;
પત્ર વાહક નથી, પયંબર છું.

ઉન્મત્ત આનંદનો છું હું સાગર;
દત્ત અવધૂત છું, દિગમ્બર છું.

ધૂર્જટીથી નથી કમ ‘ઘાયલ’,
રિન્દાના-સ્વાંગમાં હું શંકર છું.

– ‘ઘાયલ’

ખૂમારીનું બીજુ નામ એટલે ‘ઘાયલ’ … એ જ શાયર થી શંકર બધુ ય હોવાનો દાવો કરી શકે !

Comments (6)

આવું છું – ઘાયલ

સાંજના પાછો ઘેર આવું છું
દ્વાર મારું જ ખટખટાવું છું
બીજું તો શું બહારથી લાવું ?
ઊંચકી હું મને જ લાવું છું.

– અમૃત ‘ઘાયલ’

Comments (11)

તે ગઝલ – ઘાયલ

ચોતરફ મૌન મૌનની વચ્ચે,
એક તલસાટ કાયમી તે ગઝલ.

તેજ રૂપે કદી તિમિર રૂપે,
મેધલી મીટથી ઝમી તે ગઝલ.

નિત સમય જેમ ઊગતી જ રહી,
અસ્તમાં પણ ન આથમી તે ગઝલ.

દૃષ્ટિ મળતાં જ પાંપણો મધ્યે,
ઊગે સંબંધ રેશમી તે ગઝલ.

જિન્દગાની કે જાંફિશાનીની,
હોય જે વાટ જોખમી તે  ગઝલ.

એમની એ જ છે કસોટી ખરી,
દિલને લાગે જે લાજમી એ ગઝલ.

માલમીને ય એ તો પાર કરે,
માલમીની ય માલમી તે ગઝલ.

લીટી એકાદ નીરખી ‘ઘાયલ’
હલબલી જાય આદમી તે ગઝલ.

– ઘાયલ

ઘાયલની ગઝલની વ્યાખ્યા કરતી ગઝલ. કલ્પનો એ યુગના છે એટલે થોડા અલગ લાગી આવે છે. સમય સાથે ગુજરાતી ગઝલ કેટલી બદલાઈ છે એનો ખ્યાલ આ ગઝલ વાંચતા આવે છે. પહેલો અને છેલ્લો શેરનો અવારનવાર જોવામાં આવે છે પણ આખી ગઝલ ઘણા વખતે જોવામાં આવી.

(માલમી=નાવિક, navigator)

Comments (9)

યુક્તિ – ઘાયલ

કામમાં એક પેરવી લઉં છું,
યુક્તિથી તૃપ્તિ સેરવી લઉં છું.
થાય છે જ્યારે ઈચ્છા પીણાની,
હોઠ પર જીભ ફેરવી લઉં છું.

– ઘાયલ

Comments (3)

ગઝલ – ઘાયલ

કુંતલ
બાદલ

કીકી
કોયલ

આંસુ
હલચલ

જીવન
જંગલ

સંશય
સોમલ

શાયર
પાગલ

સારસ
‘ઘાયલ’

– ‘ઘાયલ’

જયારે ગુજરાતી ગઝલ પરંપરાગત માળખામાં જકડાયેલી હતી ત્યારે ‘ઘાયલે’ આવા પ્રયોગો કરેલા. કદાચ આજદિન સુધી લખાયેલી સૌથી ટૂંકી બહેરની ગઝલ છે. (જાણકારો શું કહો છો ?)

બીજા દૃષ્ટિકોણથી જોઈએ તો આ ગઝલ ફ્રોઈડના વર્ડ એસોશીએશન ના પ્રયોગોની યાદ અપાવે છે. વર્ડ એસોશીએશન ટેસ્ટ માં દર્દીને એક શબ્દ કહેવામાં આવે છે (દા.ત. પાણી) અને એના પરથી તરત જ મનમાં જે શબ્દ આવે, જરાય વિચાર કર્યા વિના, એ દર્દીએ કહેવાનો હોય છે. (દા.ત. પાણી સાંભળીને કોઈ કહેશે તરસ, તો કોઈ કહેશે દરિયો, તો વળી કોઈ કહેશે પ્યાલો) અને એના પરથી દર્દીના મનમાં ઊંડે દબાઈ ગયેલી યાદોને બહાર કાઢી શકાય છે. અહીં ગઝલના દરેક શેરમાં બે શબ્દ મૂકીને શાયર આવી જ રમત રમતા હોય એવું નથી લાગતું ?!

(કુંતલ=વાળની લટ, સોમલ=ઝેર)

Comments (17)

શબ્દને – ઘાયલ

શબ્દને તોડ્યો છે મેં ફોડ્યો છે;
તોડીફોડી યથેચ્છ જોડ્યો છે.

મારી રીતે મેં બાંધ્યો છે એને,
મારી રીતે મેં એને છોડ્યો છે.

સીધેસીધો નથી જો ખોડાયો,
ઉંધે માથે મેં એને ખોડ્યો છે.

શ્વાસે શ્વાસે મેં રૂંધ્યો છે એને,
રૂંવે રૂંવે મેં એને તોડ્યો છે.

શબ્દને મેં કદી ચૂમ્યો છે કદી,
જોરથી લાફો ગાલે ચોડ્યો છે.

મેં નથી માત્ર એના ગુણ ગાયા,
ધૂમ જાહેરમાં વખોડ્યો છે.

પીઠ પર એના સોળ છે ‘ઘાયલ’
શબ્દને મેં સખત સબોડ્યો છે.

– ઘાયલ

ગુજરાતીમાં આવી ગઝલ લખવાની તેવડ રાખનાર એક જ કવિ થયો છે અને એ છે ઘાયલ. બીજા કવિઓ શબ્દને પંપાળવાની વાત કરતા હોય છે જ્યારે ઘાયલ ? એ તો શબ્દને ગુલામની જેમ રાખવાની અને યથેચ્છ વાપરવાની વાત કરે છે ! ઘાયલસાહેબની રચનાઓમાં એમની ખુમારી ચારે બાજુ દેખાય છે. એમનું આ મુક્તક જુઓ તો ખ્યાલ આવશે કે ઘાયલની ખુમારી શું ચીજ છે ! લે ! અને શાનદાર જીવ્યો છું પણ સાથે જોવાનું ચૂકશો નહીં.

આડવાતમાં, ગઝલને તદ્દન જુદા અર્થમાં જુઓ તો ઘાયલસાહેબ ઉંઝાજોડણીની છાલ કાઢતા હોય એવું નથી લાગતું ?! આ અર્થ મનમાં રાખીને ગઝલ ફરી વાંચી જુઓ 🙂 🙂 🙂

Comments (7)

Page 3 of 4« First...234