હું ઉદાસીના કૂવે ડૂબ્યો છું મિત્ર,
નાખ તારી હાજરીનું દોરડું.
ભાવિન ગોપાણી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for ચિનુ મોદી

ચિનુ મોદી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

......હું ભૂંસાઉં છું - ચિનુ મોદી
(ચાલ, થોડો યત્ન કર) - ચિનુ મોદી 'ઇર્શાદ'
(તારી રમત, મારી રમત) − ચિનુ મોદી
(નવો હાકેમ છે) - ચિનુ મોદી
(સૂર્યનું પુષ્પે ઝિલાતું બિંબ છું) -ચિનુ મોદી 'ઇર્શાદ'
અંગત અંગત : ૧૧ : વાચકોની કલમે - ૦૭
આકાશ - ચિનુ મોદી
આપણી યાદગાર ગઝલો : ૧૪ : પર્વતને નામે પથ્થર- ચિનુ મોદી
ઈર્શાદગઢ : ૦૧ : ગઝલ : હું નથી હોતો – ચિનુ મોદી
ઈર્શાદગઢ : ૦૨ : ઉર્દૂ: जाना है - चिनु मोदी
ઈર્શાદગઢ : ૦૩ : અછાંદસ : મારું મૃત્યુ - ચિનુ મોદી
ઈર્શાદગઢ : ૦૪ : ગીત: જેલ - ચિનુ મોદી
ઈર્શાદગઢ : ૦૫ : સૉનેટ : વૃદ્ધ - ચિનુ મોદી
ઈર્શાદગઢ : ૦૬ : ખંડકાવ્ય: બાહુક - ચિનુ મોદી
ઈર્શાદગઢ : ૦૭ : આખ્યાનકાવ્ય: કાલાખ્યાન - ચિનુ મોદી
ઈર્શાદગઢ : ચિનુ મોદી અને 'ખારાં ઝરણ" વિષે...
એક પછી એક – ચિનુ મોદી
એકાંતનો સિક્કો - ચિનુ મોદી
એની તરસ-ચિનુ મોદી
કારણ - ચિનુ મોદી 'ઇર્શાદ'
કેમ છો ? - ચિનુ મોદી
ક્યાંથી ગમે ? – ચિનુ મોદી ‘ઈર્શાદ’
ક્યાંથી ગમે ? - ચિનુ મોદી
ગઝલ - ચિનુ મોદી
ગઝલ - ચિનુ મોદી
ગઝલ - ચિનુ મોદી 'ઈર્શાદ'
ગઝલ -ચિનુ મોદી ‘ઇર્શાદ’
ગુજરાતી ગઝલમાં 'મૃત્યુ' :કડી ૦૩
ચિનુ મોદી
તરત - ચિનુ મોદી
તો ? - ચિનુ મોદી
દુહા - ચિનુ મોદી
ના કરે - ચિનુ મોદી
પગલાં - ચિનુ મોદી
ભેંકાર - ચિનુ મોદી
મન - ચિનુ મોદી
મન વગર - ચિનુ મોદી 'ઈર્શાદ'
મારે નહીં ? - ચિનુ મોદી
મુક્તક - ચિનુ મોદી
મુંઝાય છે – ચિનુ મોદી
મોકો મળ્યો - ચિનુ મોદી
મોકો મળ્યો - ચિનુ મોદી 'ઈર્શાદ'
યાદગાર મુક્તકો : ૦૩ : ચિનુ મોદી 'ઈર્શાદ', સૈફ પાલનપુરી
રિક્ત મન – ચિનુ મોદી
લાગણીવશ હાથમાંથી... - ચિનુ મોદી 'ઈર્શાદ'
લાગે છે મને - ચિનુ મોદી
વિ-નાયક - ચિનુ મોદી
વૃદ્ધત્વ - ચિનુ મોદી
શબ્દો - ચિનુ મોદી
શી ખબર - ચિનુ મોદી
સ્વપ્ન ક્યાં મોટા ગજાનું જોઈએ ? - ચિનુ મોદીમોકો મળ્યો – ચિનુ મોદી

સરસ વાત કરવાનો મોકો મળ્યો,
તને પુષ્પ ધરવાનો મોકો મળ્યો.

મને ક્યાં ખબર: હું છું વ્હેતો પવન,
બધાં ઘર ફરવાનો મોકો મળ્યો.

થયું: હાશ સારું કે છે તો ખરો,
ખુદા છે તો ડરવાનો મોકો મળ્યો.

બચતમાં હતાં અશ્રુઓ એટલે
નયન બન્ને ભરવાનો મોકો મળ્યો.

મુસીબત પડી એ તો સારું થયું,
સ્વજનને તો સરવાનો મોકો મળ્યો.

ગઝલને થયું: છે આ ‘ઈર્શાદ’ તો
ઠરીઠામ ઠરવાનો મોકો મળ્યો.

-ચિનુ મોદી

Comments (5)

કારણ – ચિનુ મોદી ‘ઇર્શાદ’

આ ગઝલ લખવાનું કારણ એ જ છે,
પાંદડે ભેગું કરેલું તેજ છે.

આ ગઝલ લખવાનું કારણ એ જ છે,
આંખને ખૂણે હજીયે ભેજ છે.

આ ગઝલ લખવાનું કારણ એ જ છે,
શબ્દ પોતે ક્યાં સુંવાળી સેજ છે ?

આ ગઝલ લખવાનું કારણ એ જ છે,
એક ખુરશી છે ને સામે મેજ છે.

વાયુંમાં વિશ્વાસનું કારણ હતું –
વણહલેસે વ્હાણ તો ચાલે જ છે.

ખ્યાલ કર પુષ્પો ભરેલી ડાળનો,
એ તને શણગાર તો આપે જ છે.

બેય આંખો સાવ કોરી રાખજે,
રોજ ઝાકળ રાતના આવે જ છે.

હું ય દેખાતો હતો આ દર્પણે,
ઓરડો આ વાત ક્યાં માને જ છે ?

જ્યાં સુધી ‘ઇર્શાદ’ નામે જણ જીવે,
લાગણી પૃથ્વી ઉપર તો છે જ છે.

– ચિનુ મોદી ‘ઇર્શાદ’

સિદ્ધહસ્ત સર્જક કદી આજીવન જમાનાએ નક્કી કરેલા રસ્તે આંખ મીંચીને ચાલતો નથી. ચિનુ મોદીની આ ગઝલમાં પહેલા ચાર શેરમાં એકનો એક ઉલા મિસરો વપરાયો છે. ગઝલ વાંચીએ ત્યારે પળભર એમ લાગે કે આખી ગઝલ આજ ઢબથી લખાઈ હશે જેમાં ઉલા મિસરો રદીફની જેમ એક જ હોય અને સાની મિસરો કાફિયાની જેમ બદલાતો રહે છે. આ પ્રકારની ગઝલ પણ લોકો લખી ગયા છે.. પણ ચિનુ મોદી આપણી ધારણાને પાંચમા શેરમાં જ જમીનદોસ્ત કરીને ટ્રેડિશન ફૉર્મેટમાં પ્રવેશ કરે છે… પ્રયોગ અને પરંપરાનું મજાનું ફ્યુઝન અનુભવી શકાય છે…

Comments (8)

ભેંકાર – ચિનુ મોદી

પાળિયાની જેમ મારી એકલતા આરડે ને પાધરની જેમ તમે ચૂપ,
વીતેલી વેળમાં હું જાઉં છું સ્હેજ ત્યાં તો આંખો બે આંસુ સ્વરૂપ;
શમણાં તો પંખીની જાત મારા વ્હાલમા
કે ઠાલાં પાણીનો કોઈ કૂપ ? – પાળિયાની૦

આંગણામાં પગલાંઓ અંકાયાં લાખ છતાં ઘરમાં તો ભમતો ભેંકાર,
પીપળાનાં પાંદડાઓ ખરતાં થયાં ને છતાં ડાળીને લાગ્યા કરે ભાર,
પડઘાના પ્હાડ મને ઘેરીને બોલતા
કે તરણાંની ઓથ લઈ છૂપ ? – પાળિયાની૦

ચલ્લી થઈને એક તરણું હું લાવતી ને ગોઠવું છું નાનકડું નીડ,
ભ્રમણાની ભીંત ચણી ક્યાં લગરે બેસવું, માણસ હોવાની મને ચીડ;
આપણે અજાણી એક લાગણી ને લાગણીનાં
ચોર્યાશી લાખ થયાં સ્તૂપ – પાળિયાની૦

– ચીનુ મોદી

સામાન્યતઃ ગઝલના બેતાજ બાદશાહ તરીકે ઓળખાતા ચિનુ મોદીનું આ ગીત ગઝલસમ્રાટ તરીકેની ઓળખ ભૂલાવે એવું બળકટ છે.

વિયોગની ક્ષણો કોને કોરી નથી ખાતી? પણ કવિનો શબ્દ એને કંઈ ઓર જ વળ ચડાવી આપે છે. પાળિયા શબ્દથી ગીત ઉપાડ લે છે એ એક શબ્દમાં જ સંબંધનું મૃત્યુ અને સ્મરણનું સ્મારક અને પથ્થર જેવી નક્કર એકલતા – કેટલું બધું વણાઈ ગયું છે! વળી આ એકલતા આક્રંદે છે પણ પ્રિયજન ખાલીખમ પાદર સમા મૌન છે. વીતેલી ક્ષણોમાં કવિ એક ‘ફ્લેશ-બેક’ નજર કરે છે ને આંખો છલકાઈ આવે છે… વધતા જતા ખાલીપાના ભેંકાર કલ્પનો ગીત જેમ જેમ આગળ વધે છે તેમ તેમ પોતાના માણસપણા પર ચીડ આવી જાય એવો ભાવ જન્માવે છે…

(આરડવું= મોટા અવાજે આક્રંદ કરવું)

 

Comments (1)

સ્વપ્ન ક્યાં મોટા ગજાનું જોઈએ ? – ચિનુ મોદી

સ્વપ્ન ક્યાં મોટા ગજાનું જોઈએ ?
જીવવા માટે બહાનું જોઈએ.

એક જણ સાચું રડે તો બહુ થયું,
મૌન ક્યાં આખી સભાનું જોઈએ ?

એક પરપોટો ઘણો સુંદર હતો,
પણ હવાને ચાલવાનું જોઈએ.

સીમમાંથી ઘર તરફ પાછા જતાં,
આ ક્ષણે પંખી મજાનું જોઈએ.

વાટ વચ્ચે લૂંટશે અધવચ તને,
જીવ, તારે ચોરખાનું જોઈએ.

આંસુ જ્યાં થીજી ગયેલાં હોય છે,
સાંભરણ એવી જગાનું જોઈએ.

તું કહે ત્યાં આવશે ‘ઈર્શાદ’ પણ,
એક ઢેફું આ ધરાનું જોઈએ.

– ચિનુ મોદી

ચિનુ મોદીની એક ચિરસ્મરણીય ગઝલ…

 

Comments (10)

એની તરસ-ચિનુ મોદી

એની તરસનો ક્યાં તને અંદાજ છે ?
એ ઝાંઝવા પાણી ગણી પી જાય છે !

મારો નથી એ એકલાનો એટલે,
મારા હૃદયમાં ક્યાં ખુદાનું સ્થાન છે ?

જ્યાં જ્યાં ગયો ત્યાં ત્યાં ઉદાસી હોય છે;
લો, આપણા ઘરનો ઘણો વિસ્તાર છે.

તારા નગરમાં ચાર પગલાં પાડતાં
આ શ્વાસમાં તો પીળો પીળો થાક છે !

ઇર્શાદ, તારી નાવને હંકાર ના,
ચોથી દિશાનું ક્યાં તને કૈં ભાન છે ?

-ચિનુ મોદી

ત્રીજો અને ચોથો શેર બહુ ન ગમ્યા. બાકીના શેર અર્થગંભીર છે.

Comments (8)

મારે નહીં ? – ચિનુ મોદી

હોય મારો એક હિસ્સો ને મને મારે નહીં ?
એ કુહાડી છે, અલ્યા ! એ વૃક્ષને કાપે નહીં ?

ખૂબ તરસ્યું વૃક્ષ, જૂનું ને જરઠ, પાછું બરડ;
છો નમેલું હોય પણ ઊખડી જવા માંગે નહીં.

એ બધા અડબંગ માણસની જવા દે વાત તું –
ઇચ્છતા જે છાંયડો, પણ, વૃક્ષને વાવે નહીં.

આ ભવે એ વૃક્ષનો અવતાર પામેલો હતો –
મૂર્ખ છે કે પાંદડાના પ્રેમને જાણે નહીં !

જીવવાનો અર્થ સમજાયો હતો ઈર્શાદને
વૃક્ષ પંખી થાય ત્યારે જીવ એ બાળે નહીં.

– ચિનુ મોદી

આ પાંચેપાંચ શેરમાં કવિ શું ફક્ત વૃક્ષની જ વાત કરી રહ્યા છે ? કે પછી…

સંબંધોમાં થતા ઘા, અવસ્થા આવવા છતાં મમત પકડીને બેસી રહેતું વૃદ્ધત્વ, ફળની કામના પણ કર્મની તૈયારી નહીં, જાત સાથેની વિસંવાદિતતા અને અંતે જિંદગીને સમજી શક્નાર એકાદ સુખી જીવ – આ ગઝલના હજી તો ઘણા અર્થ નીકળી શકે એમ છે… આપનું શું કહેવું છે?

Comments (8)

મુંઝાય છે – ચિનુ મોદી

જીવ મારો આ શરીરે ક્યારનો મુંઝાય છે
બ્હાર કાઢો બિંબને,એ કાચમાં ક્હોવાય છે.

હું નથી આકાશ કે મબલખ મને તારા મળે
એક બે મારા મળે તો રાત વીતી જાય છે.

આંસુઓનાં મોતી, આજે પણ ગમે છે એમને
એ સ્મરણમાં આવે ત્યારે આંખ ભીની થાય છે.

ફેંકતાં ફેંકી દીધા છે કૈંક પથ્થર પંખી પર
એટલે આ હાથ પથ્થરવત્ થતા દેખાય છે.

એ કબર ખોદી ભલે સુવે અમારી ગોદમાં
આવવા દો શૂન્યતાને, એ બ્હૌ હિજરાય છે.

– ચિનુ મોદી

પંજામાંથી એક આંગળી વાઢી કાઢો તો એ કેવો નિરર્થક લાગે. પાંચ શેરની આ ગઝલ પણ પંજાની પાંચ આંગળી જેવી જ છે. કોઈ એક શેરને નબળો કહી કાઢી નાંખવો હોય તો તકલીફ પડે.

Comments (13)

વિ-નાયક – ચિનુ મોદી

OLYMPUS DIGITAL CAMERA
(કવિ શ્રી ચિનુ મોદી….          ….૨૫-૧૨-૨૦૧૦ (ફોટો: વિવેક ટેલર)

*

ફરે વસ્ત્રો પ્હેરી ચકચકિત, તારા-ઉડુગણો
છટાથી નક્ષત્રો પ્રગટ કરતાં તેજસ-કણો;
વિના ચક્રે ચાલે, અરવ પગલે વાદળ-રથ
પધારે બેસીને શશિયર ભલાભૂપ સરખો.
નભે નાનાં નાનાં નગર વસતાં થાય ક્રમમાં
સવારે પામે છે પતન સઘળાં, શા નિયમમાં ?   2

હવે પહેલાં પેઠે ખળભળ વહે ઊંઘ પણ ક્યાં ?
નમેલી કેડેથી ડગ પણ ભરે માંડ-હમણાં;
છતાં શૈયા છોડો ઝટપટ સવારે મન વિના
અને પાટે પાટે હરફર કરો નિત્ય ક્રમમાં
નસોમાં કંટાળો ભ્રમણ કરતો રક્ત સરખો
ચલાવો શા સારુ અવરિત છતાં શ્વાસચરખો ?   10

હવામાં હિંડોળો તરલ મન બાંધે ઝુલવવા
નથી આજે એવું અચૂક બનશે કાલ, સહસા
પ્રતીક્ષા કીધી તે – ગરુડ પર બેસી ગગનથી
ગમે ત્યારે આવી વિપદ કરશે દૂર સઘળી
અરે, ભોળા રાજા લઘુકવયના, બાળક સમા
ઝુલાવ્યું ઝૂલો છો મધુર લયના સ્વપ્નસરમાં ?   12

સમુદ્રોની છાતી ઉપર તરનારા – જળ થશો ?
તમે ટોળાં વચ્ચે હરફર કરી અ-ક્ષત હશો ?
કુદાવી કિલ્લાઓ, દૃઢ સતત પહેરા, અટપટા
રચેલા કોઠાઓ પલકભરમાં છિન્ન કરીને
રહેંસી નાખે છે જનવિજનમાં ક્યાંય પણ – એ
નથી એના જેવું અજરઅમરા, કોઈ જગમાં.    17

તમે જ્યારે જાગ્યા, અફસર દીઠા છેક ઘરમાં
તમારી સામે એ ધરપકડ વૉરંટ ધરતા,
તમે ઊંચાનીચા, પડપૂછ કરો રોષિત બની
‘ગુનો મારો શું છે ?’ જડભરત કહે,’ જાણ જ નથી’.
રજાના દા’ડાએ, હુકમ સર માથે ચડવતા
કચેરી લેખાતા હવડ ઘરમાં અંદર જતા.     32

તમે જેવું જીવ્યા હુકમસર છે એમ મરવું
હવે ના પૂછો કે હુકમ તમને કોણ કરતું ?
નથી જોયા તોયે અનુભવ થયા કાયમ, સખા
તરે, ઊડે, દોડે, ગતિમય રહે વાયુ સરખા
વિદેહી, વૈરાગી, ફલવિફલના કારક થઈ
ગુલામી આપી છે ચલ-અચલને તે કાલપુરુષ.    49

ઉગાડ્યો ઊગેલો સૂરજ ઢળતો સાંજ પડતાં
તમારે માટે ક્યાં યમનિયમના એવા અહીં થયા ?
તમે જન્મ્યા સાથે મરણ પણ નક્કી થઈ ગયું
ગમે ત્યારે આવી અતિથિવત્ એ લુપ્ત કરતું.
તમે સંભાળીને નટવત્ કરો સંયત ગતિ
તમારી દોરીને મૂષકવત્ કાપે ક્ષણપતિ.     50

-ચિનુ મોદી

 

વિ-નાયક એ ચિનુ મોદીનું શિખરિણી છંદમાં પચાસ ષટકસ્વરૂપે લખાયેલું ત્રણસો પંક્તિનું દીર્ઘ કાવ્ય છે. સમય અને સંસ્કૃતિના કોઈ પણ ખંડને ઉઠાવી જોતાં માલુમ પડશે કે નાયક કરતાં ખલનાયક, વિ-નાયક હંમેશા પ્રભાવશાળી રહ્યો છે. ક્રમશઃ અહીં પ્રકૃતિચક્રની એકવિધતા અને નીપજતો કંટાળો અને મૃત્યુની સંવેદના ઉજાગર થઈ છે. મનુષ્યના મૃત્યુથી બચવા માટેના ઉધામા અને ‘કાળપુરુષ’ અને ‘ક્ષણપતિ’ બની આવતા સમય સામેની નિઃસહાય શરણાગતિ આ દીર્ઘકાવ્યનો પ્રાણ છે. અહીંના પચાસ ષટકમાં સિસિફસ, અશ્વમેધ, મહાભારત, શાકુન્તલ, પન્નાલાલનું માનવીની ભવાઈ, વિક્રમ-વેતાળ, કાફકાની નવલકથા’ધ ટ્રાયલ’, સોક્રેટિસ, ઉમાશંકરની પંક્તિ- અને એવું તો ઘણું ઘણું ભર્યું પડ્યું છે. સરવાળે આ દીર્ઘકાવ્ય શાશ્વત નશ્વરતાનું કાવ્ય છે…

અહીં કેટલાક ષટક રજૂ કર્યા છે…

Comments (4)

તરત – ચિનુ મોદી

હે નમાયા શ્વાસ, પૂછી લે તરત
જીવવાની શી શી રાખી છે શરત ?

જીવ મારા ! આમ રઘવાયો ન થા
દેહ છોડી ક્યાં ક્યાં તું ફરતો ફરત ?

હુંય સમજું છું, મરણ વિચ્છેદ છે
દૃશ્યની હું બાદબાકી ના કરત.

પાંચ જણને પૂછ કે ક્યાં હોય છે
સ્વર્ગ ના જડશે તો નક્કી હું પરત.

સાંજના અંધારથી શું બ્હી ગયો ?
રાતનું આકાશ તારાથી ભરત.

– ચિનુ મોદી

લયસ્તરો પર સાતમી વર્ષગાંઠ નિમિત્તે મૃત્યુનો વિષય છેડાયોં ત્યારથી ચારે તરફ મૃત્યુની રચનાઓ જ નજરે ચડતી રહે છે.

તેલુગુ કવિ ડૉ. એન. ગોપી કહે છે: “To the poets death is poetic. If it were to be touched, would know it is hell”

Comments (7)

એક પછી એક – ચિનુ મોદી

એક પછી એક પછી એક પછી એક
કાપ્યા કરી, ખાધા કરી બર્થડેની કેક
                                 એક પછી એક.

મીણમાંથી બત્તી બની, ફીણમાંથી શ્વાસ,
ઊંડા ઊંડા શ્વાસ ભરી ફૂંક મારી ખાસ;
તાળીઓના ગડગડાટ વગાડતું ડેક
                                 એક પછી એક.

શેમ્પેઈનનો કોર્ક ખૂલ્યો ચારેબાજુ ફીણ,
અંધકારે ઓગળતું માણસ નામે મીણ;
પળનું આ તુચ્છ પ્યાદું, આપે મને ચેક 
                                 એક પછી એક.

મ્હોરાંઓની ચાલ ગઈ, રહી ગયાં ખાનાં
અમળાઈ – ચિમળાઈ ફૂલ રડે છાનાં;
‘હવે ફરી નહી રમું’, એવી લેતાં ટેક 
                                  કાપ્યાં કરું
                                  ખાધાં કરું
                                  બર્થડેની કેક
                                  એક પછી એક.

– ચિનુ મોદી

એક પછી એક જતા વર્ષોની સાખે વર્ષગાંઠની કેક ખાતા ખાતા આ ગીત વાંચવા જેવું છે. સમયના ‘ચેક’ સામે કોઈનું ચાલતું નથી. માણસ એવું મઝાનું પ્રાણી છે કે સમય સામેની રમતમાં જ્યારે એક વધારે પ્યાદું (એટલે કે એક વધારે વર્ષ) ખતમ થઈ જાય, ત્યારે એ ‘કેક’ કાપીને એની બેધડક ઊજવણી કરે છે !

Comments (8)

Page 3 of 6« First...234...Last »