ગઝલમાં તું જ તું, તારા વિચાર, તારી વાત,
અમે મફતમાં છતાં પણ પ્રસિદ્ધિ ખાટી છે.
વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for કેતન ભટ્ટ

કેતન ભટ્ટ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




કજિયો – કેતન ભટ્ટ

એક ડોસાને દરજી સાથે
રોજ કજિયો થાય,
પરભુ સીવે જે કપડું
તે જીવણ ને ટૂંકું થાય!

જીવણ ને તો જોઈએ
લાંબી ઈચ્છા કેરી બાંય,
પરભુ કેટલું મથે તો ય
જીવણ ન રાજી થાય,
ટૂંકા પનાના માપમાં
પરભુ તો ય મથતો જાય,
એક ડોસાને દરજી સાથે
રોજ કજિયો થાય!

આશાનું એક સરસ ખિસ્સું
પરભુ માપે મૂકે,
જીવણ ને લાલચ મુકવા ઈ
ખૂબ ટૂંકું લાગે,
નવી ભાતનાં ખિસ્સાં પરભુ
રોજ બતાવતો જાય,
એક ડોસાને દરજી સાથે
રોજ કજિયો થાય!

કોલર ઊંચા રાખવાનો
જીવણને ધખારો,
પરભુ સમજાવે એને કે
‘અહમ માપમાં રાખો’,
પણ એમ જીવણ કાંઈ પરભુનું
બધુંય માની જાય ?
એક ડોસાને દરજી સાથે
રોજ કજિયો થાય !

કંટાળી ને પરભુએ
અંતે બીલ મોટું આપ્યું ,
જોતા જ જીવણની
બે ય ફાટી ગઈ આંખ્યું,
હવે રોજ જીવણ
પરભુનાં માપમાં રહેતો જાય,
એક ડોસાને દરજી સાથે
હવે ન કજિયો થાય !

– કેતન ભટ્ટ

 

મસ્ત વાત !!!!!

Comments (2)