નથી હલચલ કોઈ પણ, ખાસ જેને કહી શકાય, એવી…
હવે મન થઈ ગયું છે ગ્રીષ્મની બપ્પોરની માફક
શોભિત દેસાઈ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for વિપુલ માંગરોલિયા ‘વેદાંત’

વિપુલ માંગરોલિયા ‘વેદાંત’ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




(ભાન થવાનું) – વિપુલ માંગરોલિયા ‘વેદાંત’

આજ નહીં તો કાલ થવાનું,
વહેલું મોડું ભાન થવાનું.

અડચણ તો થોડી આવે પણ,
થાય શરૂ જો કામ, થવાનું.

એક અગર થાશું તું ને હું,
સામે આખું ગામ થવાનું.

ત્યાગ અને કષ્ટો જાણીને,
પડતું મૂક્યું રામ થવાનું.

આંખોની મસ્તીથી દિલમાં
થોડું તો રમખાણ થવાનું.

આજ ગમ્યું જે મનને થોડું,
કાલે એ અરમાન થવાનું.

– વિપુલ માંગરોલિયા ‘વેદાંત’

*

એક મુક્તક સાથે આજની વાત માંડવી છે:

સ્નેહ છે અગ્નિના જેવો સાવધાન સદા રહો
અતિ દૂર ન દે ઉષ્મા, દહે અતિ સમીપ તે. (?મનસુખલાલ ઝવેરી)

કવિની ક્ષમાયાચના સાથે આમ કહી શકાય:

સરળતા છે અગ્નિના જેવી, સાવધાન સદા રહો,
અતિ દૂર ન દે ઉષ્મા, દહે અતિ સમીપ તે.

કવિતામાં સરળતા અગ્નિ સમી છે. માફકસર ન હોય તો અસર ન કરે અને વધુ પડતી હોય તો દાહક બની રહે. કવિતા જ ખતમ થઈ જાય. હવે અહીં પ્રસ્તુત ગઝલ જોઈએ. માફકસરના સરળ શબ્દો અને સહજ શૈલીમાં કવિએ સ-રસ કેવી મજાની ગઝલ કહી બતાવી છે! રચના સહજસાધ્ય હોવાથી એના વિશે વિશેષ કહેવાની આવશ્યકતા અનુભવાતી નથી.

Comments (12)

માતૃમહિમા : ૦૮ : શેર-સંકલન

સત્તરમી વર્ષગાંઠ અને ૫૦૦૦ પૉસ્ટસ – આ બેવડી સિદ્ધિની ઉજવણી નિમિત્તે આદરેલ ‘માતૃમહિમા’ કાવ્યશ્રેણીમાં આજે છેલ્લો મણકો… ભાગ્યે જ કોઈ કવિ આપણે ત્યાં એવા હશે જેણે માનો મહિમા નહીં કર્યો હોય. ઘણા બધા કવિમિત્રોએ મા વિષયક શેર-ગીત-અછાંદસ મોકલી આપ્યાં હતાં, પણ અહીં માત્ર શેર-સંકલનનો જ ઈરાદો હોવાથી ગીત-અછાંદસને પડતાં મૂકવા પડ્યાં છે. જગ્યાના અભાવે ઘણા ગઝલકાર મિત્રોના શેર પણ અહીં સમાવી શકાયા નથી. એ તમામ મિત્રોનો દિલગીરીપૂર્વક આભાર… કેટલાક ઉમદા શેર માણીએ:

સોયમાં દોરાને બદલે બા હતી;
ગોદડીમાં હૂંફ પણ સીવાઈ ગઈ.
– ગૌરાંગ ઠાકર

શીતળતા પામવાને માનવી તું દોટ કાં મૂકે
જે માની ગોદમાં છે એ હિમાલયમાં નથી હોતી
– સુરેન ઠાકર ‘મેહુલ’

મોહબ્બતના દુ:ખની એ અંતિમ હદ છે,
મને મારી પ્રેમાળ મા યાદ આવી.
– મરીઝ

સ્વર્ગ જેવા શહેરથી પાછો વળ્યો હું ગામમાં,
મા વગર ત્યાં કોણ દેશી ગોળ દે ઘીમાં, મિયાં?
– મનોહર ત્રિવેદી

ચોરખિસ્સામાં બધાંયે આંસુઓ સંતાડી રાખે છે,
મા સતત પાંપણની પાછળ એક એવું પર્સ રાખે છે.
– અનિલ ચાવડા

રાજી કે ગુસ્સે હવે થાતી નથી
મા અહીં જ છે પણ એ દેખાતી નથી
– ચંદ્રેશ મકવાણા ‘નારાજ’

શ્વાસ મારા એમ કૈં અમથા વધ્યા છે ક્યાં ?
રોજ ખરચાતી રહી છે થોડી થોડી મા.
– અશોક ચાવડા ‘બેદિલ’

તીર્થો બધાય પૂજ્યા, તીરથ ઘણાંય કીધાં,
એકેય જાતરામાં માનો વિકલ્પ ક્યાં છે?
– નીતિન વડગામા

જગતનાં સર્વ સુખોથી ભલે જીવન સભર લાગે
ખજાનો સાવ ખાલી મા મને તારા વગર લાગે.
– કિશોર બારોટ

સાવ ખાલીખમ હતું; પણ તું હતી તો,
એમ લાગે ખોરડું પગભર હતું, મા !
– રતિલાલ સોલંકી

રહી ના શક્યો સાથે એની શરમ મોકલે છે,
હવે દીકરો શહેરમાંથી રકમ મોકલે છે.
– ડૉ.મનોજ જોશી ‘મન’

છે ખાતરી કે વ્હાલ મા જેવુ જ આપશે;
મળશે જો મોત તો મને રડવા દે નહીં જરાય.
– સર્જક

ત્વચા કપાય તો લોહી અપાર નીકળે છે, ને બુંદ-બુંદથી માનું ઉધાર નીકળે છે;
ભલેને સાત જનમની મૂડી લગાવી દઉં, છતાંય માવડી તો લેણદાર નીકળે છે
– શોભિત દેસાઈ

આમ કંઈ ટૂંકૂ પડે તો કોઈને ગમતું નથી
મા છતાં રાજી હતી કે પારણું ટૂંકું પડ્યું
– ભાવિન ગોપાણી

હજી પણ પાતળાં કપડાંથી સૂરજને એ હંફાવે,
હજી મારી મા, પાલવ એટલો દમદાર રાખે છે.
– વિપુલ માંગરોલિયા-વેદાંત

મા વિશે હું કંઈ લખું,
એટલું છે ક્યાં ગજું!
– ચેતન ફ્રેમવાલા

સ્વર્ગમાં હાલરડા એને સંભળાવે કોણ?
તેથી ઇશ્વર પણ કનૈયો થઈને આવે છે
– સુરેશ વિરાણી

ઠેસ વાગે સાઠ વર્ષે જો અચાનક,
તો ય જોજો ‘ઓય મા’ બોલી જવાશે.
– ભરત ભટ્ટ ‘પવન’

એક વિધવા મા તો બીજું શું કરે?
ધીમે ધીમે બાપ બનતી જાય છે.
– મધુસૂદન પટેલ

‘મ’ને જ્યારે કાનો લાગે,
દરિયો સુદ્ધાં નાનો લાગે.
– જગદીપ

Comments (12)

(ટકોરા પડે છે) – વિપુલ માંગરોલિયા ‘વેદાંત’

ઘણી વાર દ્વારે ટકોરા પડે છે,
હવાના નથી ને એ જોવા પડે છે.

વધુ પડતા જ્ઞાની થવાથી તો માણસ
સ્વયંમાં જ ક્યારેક ખોટા પડે છે.

ખબર છે તું એનાથી રોકાઈ જાશે,
ને આંસુઓ ત્યારે જ મોડાં પડે છે.

હવેના સંબંધો વિશે તો છે એવું,
જરૂરતના ટાણે જ મોળા પડે છે.

તમે લાગણીની જરા છાંટ નાખો,
તમારાં તો આંસુય કોરાં પડે છે.

કરે વાત ‘વેદાંત’ ચુંબનની જ્યારે,
આ ભમરા બધા કેમ ભોંઠા પડે છે?

– વિપુલ માંગરોલિયા ‘વેદાંત’

સરળ… સહજ… અને સાદ્યંત આસ્વાદ્ય.. પરંપરા અને આધુનિક ગઝલ -એમ બંને રંગોનું મજાનું સાયુજ્ય અહીં જોવા મળે છે…

Comments (3)

ગઝલ – વિપુલ માંગરોલિયા ‘વેદાંત’

ઈર્ષાથી સળગે છે આખો,
કોઈ તો માણસને ઠારો.

શેકાયો ખુદની ગરમીથી,
સૂરજને વાદળ ઓઢાડો.

કરવી છે સાચ્ચે સેવા તો,
ઘરડાઘરને તાળાં મારો.

આપણને બાકોરું લાગે,
પંખીનો થાશે ત્યાં માળો.

ભીંતોનો તો દોષ જ ક્યાં છે,
આરોપી છે મનનો ગાળો.

ખરતા તારે સૌ કોઈ ધારે,
ધારું હું ને ખરશે તારો.

દિલ તો એની સાથે ચાલ્યું,
નજરુંને તો પાછી વાળો.

– વિપુલ માંગરોલિયા ‘વેદાંત’

સુરતના કવિ મિત્ર વિપુલ માંગરોલિયાનું એમના તરોતાજા પ્રથમ સંગ્રહ ‘ક્ષિતિજ પર ઝાકળ’ સાથે લયસ્તરો પર બાઅદબ બામુલાહિજા સ્વાગત છે… રચનાઓમાંથી પસાર થતાં સમજાય છે કે કવિ પરંપરા અને આધુનિકતા -બંનેમાં એક-એક પગ મૂકીને ગઝલની ભૂમિ પર વિહાર કરે છે. મહત્ત્વની વાત એ છે કે આ કામ કવિ સફળતાપૂર્વક કરી શક્યા છે. પહેલાં બંને શેર એકસમાન અર્થ ધરાવતા હોવા છતાં મત્લા પરંપરાની તો બીજો શેર આધુનિકતાની જમીન પર ઊભો છે. ઘરડાંઘરવાળો શેર તો માત્ર કવિસંમેલન માટેનો ગણી શકાય એટલો સપાટ થયો છે. પણ ખરી મજા પંખીના માળામાં છે. જીવનમાં જે વસ્તુ કોઈ એકને નકામી કે ફાલતુ લાગે એ જ વસ્તુ કોઈ બીજા માટે જીવનદાયિની કે બહુમૂલ્યવાન પણ હોઈ શકે એ વાસ્તવિકતા સમજાવવા માટે કવિ બાકોરું અને માળાના પ્રતિકોને જે રીતે વાપરે છે એ સાચે જ કાબિલે-દાદ છે. ભીંતોવાળો શેર પણ એવો જ અદભુત થયો છે. બે જણ વચ્ચે ઊભી થતી ભૌતિક દીવાલોથી કદી છૂતાં થતાં નથી હોતાં. માણસો વચ્ચે અલગાવ બે જણના મનમાં જ્યારે ગાળો-અલગાવ-અંતર પડી જાય છે ત્યારે જ ઊભો થાય છે. ઈંટ-સિમેંટની દીવાલ કરતાં મનભેદ વધુ મજબૂત અંતરાય છે. એ પછીના બંને શેર વળી પરંપરાના શેર છે અને બંને ખૂબ મજાના થયા છે.

Comments (8)