હજારો જિંદગી પૂરી થઈ, પૂરી થતી રહેશે,
છતાં પણ માનવીને માનવી સમજાય તો સમજાય.
વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for બાબુલાલ ચાવડા ‘આતુર’

બાબુલાલ ચાવડા ‘આતુર’ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




(આંધણ છીએ જાણે!) – બાબુલાલ ચાવડા ‘ આતુર ‘

ઉકળતું આયખું લઈ અવતરેલા જણ છીએ જાણે!
ચડાવેલું ચૂલા પર કોઈએ આંધણ છીએ જાણે!

નથી આવી શકાયું બ્હાર કોઈ શબ્દની માફક,
અમે વર્ષો જૂની છાતીની રુંધામણ છીએ જાણે!

કદી અમને પૂછીને માર્ગ જે આગળ વધેલા છે,
હવે એના જ રસ્તાની કોઈ અડચણ છીએ જાણે!

અમારી જીર્ણતા પહેલાં હતી, છે એ જ આજે પણ,
જનમથી રંકનું ફાટ્યુંતૂટ્યું પહેરણ છીએ જાણે!

કરે છે સામનો હોવું અમારું રોજ પ્રશ્નોનો,
ન હોવું જોઈએ જાણે અને તો પણ છીએ જાણે!

– બાબુલાલ ચાવડા ‘ આતુર ‘

આજે ટિપ્પણી કવિ મિલિન્દ ગઢવીના શબ્દોમાં:

“વાહ વાહ અને વાહ!

‘મરીઝ’ જ્યારે કહે કે ‘ગઝલો ફકત લખાય છે દિલની જબાનમાં’ તો આ દિલની જબાન એટલે શું? એનો જવાબ આ ગઝલ છે. આ હિબકે ચડેલી કવિતા નથી, પરંતુ હોવાની લ્હાયને લય બનાવીને જીવતા અક્ષરની કથા છે. અહીં એવું નથી કે સાવ નવાં જ કલ્પનો કે પ્રતીકોનો પ્રયોગ થયો હોય, કે નોખા લય કે ઓછા જાણીતા કાફિયા કે જુદી ભાત પાડતી રદીફ વપરાઈ હોય! અને તેમ છતાં વાત બહુ બળકટતાથી, તલસાટનો અનુભવ થાય એ રીતે કહેવાઈ છે. અને એટલે જ ફરીથી અહીં સમજાય છે કે કવિતા એના વાઘામાં નથી હોતી, એને એમાં શોધવાની ભૂલો ન કરીએ. કવિતા costume નહીં, content છે. વળી આવી સરળ વાતને આસ્વાદની પણ શી જરૂર! આ તો સીધી જ communicate થાય. પછી connect થાય છે કે કેમ એ જુદો વિષય છે. મારી અંદર રહેલા chaos સાથે તો connect થઈ, તમારી સાથે પણ થાય તો કવિને એક clap જરૂર આપજો અને તમને જે લાગે તે comment કરજો.”

(આસ્વાદ: મિલિન્દ ગઢવી)

Comments (10)

વાત કરવી છે – બાબુલાલ ચાવડા ‘આતુર’

સરોવર કાંઠે બેસીને તરસની વાત કરવી છે,
વરસ જેવા વીતેલા હર દિવસની વાત કરવી છે.

મને છુટ્ટો મૂકી દો તપ્ત રેગિસ્તાનમાં હમણાં,
પછી તમને મળી રેતીના રસની વાત કરવી છે.

કદી સામે મને દુનિયામાં મોકલનાર જો આવે,
જગતમાં ખોઈ છે મેં એ જણસની વાત કરવી છે.

મને મારા હૃદય સાથે મળે જો વાત કરવા તો,
પડી છે બંધ વરસોથી એ નસની વાત કરવી છે.

પ્રતીક્ષામાં છું ‘આતુર’ એટલે હુ અંતવેળાની,
ઘડીભર તેજની સાથે તમસની વાત કરવી છે.

– બાબુલાલ ચાવડા ‘આતુર’

રણમાં રઝળતાં-રઝળતાં તરસની વાત કરવી સહેલી છે. મુસીબતમાં તો ભગવાનને બધા જ યાદ કરવાના. અમીર માણસ માટે ગરીબોની વ્યથા સમજવું દોહ્યલું છે. તૃપ્તિ હાથવગી હોય ત્યારે અતૃપ્તિની વાત કરવી, એ બાબતે સમજ કેળવવી વધુ અઘરી છે. મજાના મત્લા સાથે કવિએ ગઝલનો ઉઘાડ કર્યો છે. સરઓવરના કાંઠે બેસીને કવિ તરસની અને તરસપ્લાવિત એ તમામ દિવસો, જે એક-એક દિવસ વરસ સમાન વીત્યા હતા એની પણ વાત કરવા ઇચ્છે છે. મતલબ લાંબો ચાલેલ વિયોગ હવે પૂરો થયો છે અને પ્રિયજન સાથે મુલાકાત થઈ છે. આ મુલાકાતના કાંઠે બેસીને કવિ વિરહના દિવસો પોતે કેવી કપરી રીતે વિતાવ્યા છે એની વાત પ્રિયજનને કરવા ચહે છે. આખી ગઝલ સ-રસ છે પણ મત્લાની જેમ જ મક્તા પણ અદભુત થયો છે.

Comments (5)

હજારો શૂન્ય – બાબુલાલ ચાવડા ‘આતુર’

હજારો શૂન્ય જ્યાં ટોળે વળે છે,
હૃદયમાં એક એવું સ્થળ મળે છે.

ક્ષિતિજની રેખ પર પ્રત્યેક સાંજે,
તૃષાનું તત્ત્વ ઝીણું ઝળહળે છે.

ક્ષણોનો કાફલો તરસ્યો થયો છે,
નદી સંજોગની ક્યાં ખળખળે છે?

સમુદ્રો સાત ઊમટે આંખમાં પણ,
ભીતર તો એક વડવાનલ બળે છે.

વિરહ છે શાપ કોઈ શંખિણીનો,
સતીનું વેણ થઈ શાને ફળે છે?

ઉગાડ્યાં કલ્પવૃક્ષો આંગણે પણ,
વિધિના લેખ ક્યાં ટાળ્યા ટળે છે?

જીવન છે સર્વથા સંતૃપ્ત કિન્તુ,
સ્મરણના છાતીએ ખીલા કળે છે.

– બાબુલાલ ચાવડા ‘આતુર’

*

‘રદીફ, કાફિયા ને છંદ સહુને હાંસિલ છે,
કલમ-કલમમાં પરંતુ કમાલ નોખા છે.’

– આ વાતની પ્રતીતિ કરાવતી કમાલ ગઝલ. કોઈ શબ્દ એવો નથી, જેનો અર્થ જોવા શબ્દકોશ ઉઘાડવો પડે, રદીફ-કાફિયા પણ સર્વસામાન્ય છે, પણ ખરી કરામત કાવ્યબાનીમાં છે. દરેક શેર આજની બીબાંઢાળ ગઝલોના ફાલથી અલગ તરી આવે છે. ‘સતી શ્રાપ દે નહિ ને શંખણીનો લાગે નહિ’ એ કહેવતનો વિનિયોગ કરીને પણ કવિએ કેવો સ-રસ શેર જન્માવ્યો છે! સરવાળે નખશિખ સંતર્પક રચના.

Comments (8)

દિવસો જ્યારે વસમા આવે – બાબુલાલ ચાવડા ‘આતુર’

દિવસો જ્યારે વસમા આવે,
હસવા જઈએ, ડૂસકાં આવે.

તૃષ્ણા સૌની નોખી-નોખી,
આંખે પાણી સરખાં આવે.

સુખ આવે તો એકલદોકલ,
દુ:ખનાં ધાડેધાડાં આવે.

દિવસે જેને ભૂલવા મથીએ,
રાતે એનાં સપનાં આવે.

અર્જુન ડગલું એક ભરે ત્યાં,
દસે દિશાથી કાબા આવે.

એરંડાના ઉજ્જડ ગામે,
શોભા માટે કૂંડા આવે.

જાણ્યું નહોતું આ માળામાં,
લખચોર્યાસી મણકા આવે.

લોકો કહેતા, ‘લખતા રહેજો,
અક્ષર એથી સારા આવે.’

– બાબુલાલ ચાવડા ‘આતુર’

સરળ ભાષામાં સહજ-સાધ્ય રચના…

Comments (6)

(રેનબસેરા) – બાબુલાલ ચાવડા ‘આતુર’

માંગ્યા ત્યારે માંગ્યા કેવળ રેનબસેરા
પૂછ્યા વીણ નાંખીને બેઠા તંબુ-ડેરા

અનહદની ઊંચી મેડીના અજબ ઝરૂખે,
ગાન સુણી ગુલતાન થયા કંઈ ઘેરા-ઘેરા

ક્યાં ભૂલ્યા કથરોટ કહોને મનચંગાજી!
ગંગાજીને કરવા ક્યાં લગ આંટા-ફેરા?

આખ્ખોયે અવતાર હવે તો અટકળ-અટકળ
ઝૂલે અધ્ધરતાલ સકલ આ સાંજ-સવેરા

ચાલો ત્યારે અચરજના ઉત્તુંગ શિખરથી
અંદરખાને કરીએ નિજના ચોકી-પહેરા

– બાબુલાલ ચાવડા ‘આતુર’

ફોર અ ચેઇન્જ, આ વખતે ગઝલ સાથે મિલિન્દ ગઢવીની અર્થગહન ટિપ્પણી:

“કવિતાને positive કે negativeના ત્રાજવે ન તોલવાની હોય. કવિને romantic કે રાષ્ટ્રવાદીના ચોકઠાંમાં ન ગોઠવી દેવાનો હોય. કવિ તો ઝબકેલું ઝીલે અને ઝીલેલું કરી દે તમારે હવાલે. એમનું એમ. પછી તમે એમાં મ્હાલી શકો તો એ તમારી ભાવકતા. ચૂકી જાઓ તો એ તમારી અનુકૂળતા. જેમને ફકરાઓની ટેવ પડી હોય એ બેફિકરાઓ સાથે સમસંવેદન ન સાધી શકે એ પણ હકીકત. રેસિપીના આધારે તૈયાર થયેલી રચનાઓ બીજું જે હોય તે – કવિતા તો નથી જ હોતી.

“ગુજરાતી ભાવક માટે આ સમયમાં સૌથી મોટી કસોટી સાચી કવિતા શોધવાની અને તેને પામવાની છે. ફેક ન્યુઝની જેમ ફેક કવિતાઓની ભરમાર વચ્ચે ક્યાંક કોઈ કવિતા પોતાનું મૌન લઈને ખૂણે જઈ બેઠી હોય છે. એની પાસે જઈને જરાક બેસીએ. એની સાથે અચરજના ઉત્તુંગ શિખર સુધી જઈએ અને નિજના ચોકી પહેરા કરતાં કરતાં એને કહીએ કે – પ્રિય કવિતા, અમે હજી તને ભૂલી નથી ગયા!”

(આસ્વાદ: મિલિન્દ ગઢવી)

Comments (6)

સાંયાજીને કહેજો કોઈ… – બાબુલાલ ચાવડા ‘આતુર’

સાંયાજીને કહેજો કોઈ,
ફૂટી આંખો રોઈ-રોઈ.

ભવસાગરના ખારા જળ ને,
बीच भंवरमें नाव डुबोई ।

પહેલાં પાયો પ્રેમપિયાલો,
शब्दकटारी बाद पिरोई ।

ઝળહળ જ્યોતું જાગી ગઈ તો,
खुदकी खलकत खुदमें खोई ।

किसकी बिरहा, किसकी तडपन,
किसकी गठरी, किसने ढोई ।

– બાબુલાલ ચાવડા ‘આતુર’

ભાષા એટલે વહેતી નદી… અને એક નદી બીજીમાં ભળે ત્યારે બેમાંથી એકેય નથી કોઈ ફરિયાદ કરતી કે નથી પોતપોતાનું પોત અલગ જાળવવા કોશિશ કરતી. જુઓ, કવિએ કેવી સ-રસ રીતે અહીં બે ભાષાઓનો સમાન હાથ ઝાલીને મજાની ગઝલ રજૂ કરી છે!

Comments (4)

છેતરે – બાબુલાલ ચાવડા ‘આતુર’

કંઈ જ ના કહેવાય ક્યારે છેતરે,
શક્યતા સૌથી વધારે છેતરે.

ભાગ્યને જો નાવ સોંપી હોય તો,
છેક લાવીને કિનારે છેતરે.

આમ તો કહેવાય સગ્ગી આંખ પણ,
આંખ આ ઊભી બજારે છેતરે.

આ હૃદય પણ ક્યાં ભરોસાપાત્ર છે !
કોઈના એક જ ઇશારે છેતરે.

એક ઇચ્છા એવી પાળી છે અમે,
એને જ્યારે ફાવે ત્યારે છેતરે.

રાવ એની પણ કરો કોને તમે !
શ્વાસ જેવા શ્વાસ જ્યારે છેતરે.

– બાબુલાલ ચાવડા ‘આતુર’

વાત-ચીતમાં વપરાતી હોય એવી ચીલાચાલુ લાંબી-ટૂંકી રદીફ રાખીને ગઝલ લખવી બહુ કપરું નથી પણ અરુઢ રદીફ રાખીને એક-એક શેરમાંથી ધાર્યો અર્થ રદીફ સાથે હાથમાં હાથ મિલાવી ઉપજાવીને આખી ગઝલ સંઘેડાઉતાર આપવી કાચા-પોચા કવિનું કામ નથી. પ્રસ્તુત ગઝલમાં ‘છેતરે’ જેવી સમજણ પડે એ પહેલાં જ છેતરી જઈ શકે એવી રદીફ વાપરીને પણ કવિએ આવી કમાલ કરી છે.

Comments (14)