આપણે ઘડિયાળના કાંટાની જેમ
માત્ર ફરવાની ફરજ લઈ નીકળ્યાં
એક પગ અટકે ને ચાલે છે બીજો
લાલ-લીલા બેઉ ધ્વજ લઈ નીકળ્યાં
ભરત વિંઝુડા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for જુગલ દરજી ‘માસ્તર’

જુગલ દરજી ‘માસ્તર’ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




દરજી – જુગલ દરજી

જીવતર મોંઘો તાકો દરજી
સમજી સમજી કાપો દરજી

કર્મોની મીટરપટ્ટીથી,
જાત તમારી માપો દરજી

સંઘરવાને ગમતાં સ્મરણો,
ગજવું મોટું રાખો દરજી.

છુપાવવાને જખ્મો જગથી,
અસ્તર સદરે નાખો દરજી.

સપનાને સાંધી દે એવો,
પ્રોવી દોને ધાગો દરજી

સીવ સીવ તો ખૂબ કર્યું, અબ,
શિવનો મંતર જાપો દરજી.

– જુગલ દરજી

લયસ્તરો પર કવિના ગઝલસંગ્રહ ‘પહેરણ એ પણ શબદ નામનું’નું સહૃદય સ્વાગત છે…

સંગ્રહમાંની કેટલીક રચનાઓ તો લયસ્તરો પર છે જ. દરજીના વ્યવસાયને પ્રતીક બનાવી જીવતરની સુકણિકાઓ સમજાવતી સરળ-સહજ-ગહન ગઝલ આજે માણીએ.

Comments (9)

(છે ને રહેશે) – જુગલ દરજી

જગત સામે જૂની ટસલ છે ને રહેશે
બગાવતપણું આ અટલ છે ને રહેશે

મળી જાય તું, તો ઠરીઠામ થઈએ,
નહીંતર તો લાંબી મજલ છે ને રહેશે.

જરૂરી છે પહોંચી જવું કોઈ રીતે,
નદી-નાવની ગડમથલ છે ને રહેશે.

ભલે ડોળ આકંઠ તૃપ્તિનો કરતો,
તરસ કંઠમાં દરઅસલ છે ને રહેશે.

પ્રકારો બધાયે છે લાખેણા કિન્તુ,
સવા વેંત ઊંચી ગઝલ છે ને રહેશે.

– જુગલ દરજી

ટૂંકી બહર, ચુસ્ત કાફિયા, ‘છે ને રહેશે’ જેવી સજાગ કવિકર્મની કસોટી કરે એવી અનૂઠી રદીફ, લગાગાના ચાર આવર્તનોની આંદોલિત કરતી મૌસિકી અને એક સંઘેડાઉતાર ગઝલ. ભઈ વાહ!

કવિનો મિજાજ મત્લામાં સુપેરે પ્રદર્શિત થાય છે. પોતાનું બગાવતપણું કવિ જતું કરનાર નથી, ને એ કારણોસર દુનિયા સામેની એમની જૂની ટસલ પણ હજી છે જ અને કાયમ રહેશે પણ. બીજો શેર પ્રિયપાત્ર કે ઈશ્વર –બંને માટે પ્રયોજી શકાય એવી અર્થચ્છાયા ધરાવે છે. ‘તું’ જ્યાં સુધી મળી ન જાય, જીવનની મજલ લાંબી જ હતી, છે અને રહેશે, ઠરીઠામ થઈ શકાવાનું જ નથી. રસ્તા અને સાધન વચ્ચે ભલેને લાખ ગડમથલ કેમ ન હોય, મંઝિલ કોઈ પણ રીતે હાંસિલ કરવાની ઇચ્છા વધારે મહત્ત્વની છે. ચોથો શેર સંસારનું સનાતન સત્ય રજૂ કરે છે. માણસ બહારથી ગમે એટલો સંતૃપ્તિનો ડોળ કેમ ન કરતો હોય, એની મૂળભૂત પ્રકૃતિ સાથે તો અસંતોષ જ વણાયેલો છે. છેલ્લો શેર ગઝલકારનો શેર છે. સીદીભાઈને સિદકા વહાલાના ન્યાયે ગઝલકારને તમામ કાવ્યપ્રકારોમાં ગઝલ જ સવા વેંત ઊંચી લાગશે… જો કે આજના યુગમાં આ વાત કંઈક અંશે સાચી પણ સાબિત થઈ રહી છે…

Comments (13)

(ભૂલ કરી છે ભારી) – જુગલ દરજી

ભૂલ કરી છે ભારી,
અંગત જે કંઈ હતી વેદના વાણીમાં આકારી.

હવે નહીં રહે લાગણીઓને માન,મહત્તા,મોભો.
હવે દિલાસા રૂપે જળમાંથી ભરવાનો ખોબો!
અભિવ્યક્ત થાવાની કિંમત કેવળ બસ લાચારી!
૦ભૂલ કરી છે ભારી

‘થયું’, ‘થશે’,થાવાની અવઢવ ગઈ હાથથી છટકી,
જાણે કૂણી ડાળ ઝાડથી ઓચિંતી ગઈ બટકી!
શુષ્ક થવાની આખ્ખી ઘટના ઘટી ગઈ અણધારી
૦ભૂલ કરી છે ભારી

– જુગલ દરજી

અંગત અનુભૂતિ ક્યારેક અભિવ્યક્તિનું સ્વરૂપ ધારણ કરે છે ત્યારે ઘણીવાર વાત આપણા હાથમાંથી નીકળી ગયેલી અનુભવાય છે. લાગણી એનું ખરું મૂલ્ય ખોઈ બેસે છે અને પછી દિલાસો વ્યક્ત કરવા સિવાય કશું બચતું નથી. કવિમિત્ર જુગલ દરજીએ આ વાતને કેવી સ-રસ રીતે ગીતમાં આકારી છે!

Comments (9)

પ્રશ્નો – જુગલ દરજી

ન તો ચહેરા વિશે કે ના કોઈ શૃંગારના પ્રશ્નો,
અરીસો પૂછશે તમને અરીસા બહારના પ્રશ્નો.

તમે સંબંધના છેડે મૂક્યા તકરારના પ્રશ્નો,
અને મેં સાચવી રાખ્યા છે પહેલીવારના પ્રશ્નો.

વધુ શ્રદ્ધા જ કાળી રાતનું કારણ બની ગઈ છે,
અમે દીવા ઉપર છોડ્યા હતા અંધારના પ્રશ્નો

કર્યું છે સૃષ્ટિનું સર્જન નિરાકારી કોઈ તત્વે
પ્રથમ તો એને પણ ઉઠ્યા હશે આકારના પ્રશ્નો.

કરે છે અર્થ એનો શું, એ સામા પક્ષ પર નિર્ભર,
આ તારી આંખ પણ જાણે કોઈ અખબારના પ્રશ્નો.

હતા માટી અને માટી જ થઈને રહી જશે અંતે,
ચડ્યા છે ચાકડા ઉપર જે આ કુંભારના પ્રશ્નો.

પછી જે આવશે એ, સત્ય કેવળ સત્ય હોવાનું,
પ્રથમ પીવાડ અમને દોસ્ત પહેલી ધારના પ્રશ્નો.

– જુગલ દરજી

સાદ્યંત સુંદર રચના. કવિને જન્મેલા પ્રશ્નો આપણને વિચારતા કરી મૂકે છે…

Comments (13)

(નવી સવાર) – જુગલ દરજી

લોહીલુહાણ છે અને હાલત છે તારતાર,
નીકળ્યો’તો એક વિચાર જે ટોળાની આરપાર.

થોડીક હૂંફ આપીને જ્યાં કાઢી મ્યાન બહાર,
તલવારમાંથી નીકળી ચીસો ય ધારદાર.

રંગો ય એના એજ ને પીંછી ય એ જ લઈ,
બસ દોરવાની હોય છે કાયમ નવી સવાર.

કરવા મથો છો પણ તમે લ્યા નહિ કરી શકો,
છારીની જેમ બાજેલા દ્રશ્યોમાં ફેરફાર.

એકાદ હોય તો ચલો સ્વાગત કરું હું ,પણ,
આવે છે ઉર્મિઓ ય લબાચા લઈ હજાર.

કેવી સરળ ગઝલમાં અભિવ્યક્ત થાય વાત,
જે બોલવા કરું છું પ્રયત્નો હજારવાર.

પાગલ હશે કાં હોઈ શકે તારા સમ જુગલ
ઝંખે છે જે સમયથી સમયસરની સારવાર

– જુગલ દરજી

એક-એક શેર પાણીદાર. પ્રસ્તુત ગઝલના મત્લામાં ટોળાંની માનસિકતા જે રીતે રજૂ થઈ છે, એવી ભાગ્યે જ ક્યાંક રજૂ થઈ શકી હશે. માણસ એકલો હોય ત્યારે જે રીતે વિચાર કરે અને ટોળાંમાં હોય ત્યારે જે રીતે વિચાર કરી શકે છે એ બેમાં આસમાન-જમીનનો ફરક હોય છે. ટોળું ભાગ્યે જ તાર્કિકતાપૂર્ણ વિચારી શકે છે. ટોળાંની ગાડરિયાવૃત્તિએ દુનિયામાં મોટી-મોટી હોનારતો સર્જી છે. એક સ્વસ્થ વિચાર પણ ટોળાંમાં થઈને પસાર થાય છે તો એની હાલત લોહીલુહાણ અને વસ્ત્રો તારતાર થઈ જાય છે… બે જ લીટીમાં આટલી મોટી વાત સમાવી ગઝલનો શેર સમાવી લેવાની ક્ષમતા ધરાવે છે એટલે જ ગઝલ આજે સૌથી વધુ લોકપ્રિય કાવ્યપ્રકાર બની રહ્યો છે.

Comments (10)

(થાય ના) – જુગલ દરજી

હું જે ધારું કોઈ દિવસ થાય ના?
દર્દ ચારેકોરથી વહેરાય ના?

દમ હજી દરિયામાં ક્યાં છે એટલો!
તું ડૂબાડી દે તો કંઈ કહેવાય ના.

નગ્ન ઊભું છે યુગોથી એ અહીં,
સત્ય કોઈ વસ્ત્રથી ઢંકાય ના.

કેટલા સાચા છે એ પડશે ખબર,
આયનાની સામે રાખો આયના.

બૂટની દોરીની જેમ જ જિંદગી,
એક ગાંઠે કોઈથી બંધાય ના.

– જુગલ દરજી

ઘેરી અર્થચ્છાયાઓથી ભરેલી ગઝલ. મત્લાની પ્રથમ કડી વાંચતાં એમ લાગે કે કવિ દુનિયાથી સૌથી વધુ મહત્ત્વાકાંક્ષી વ્યક્તિ હશે, જેને પોતે જે ધારે એ બધું જ થાય એવી અપેક્ષા છે પણ ભાવકની અપેક્ષાને ખોટી ન પાડે તો વળી કવિ શાનો? બીજી પંક્તિ વાંચતા જ હૈયામાં ઘસરકો પડતો અનુભવાય છે. દર્દ જીવનમાં એ હદે આવી પડ્યું છે કે એનાથી છૂટકારો જ શક્ય નથી. કવિ માત્ર એટલું જ ઝંખે છે કે ચારે તરફથી બસ થોડું થોડું એને વહેરી નાંખી શકાય તો કમ સે કમ એની ધાર તો ભોંકાતી બંધ થાય…

Comments

(ખેરાત વાગે છે) – જુગલ દરજી

‘અહાહા’, ‘વાહ’, ‘દોબારા’, અને ‘ક્યા-બાત’ વાગે છે,
ગઝલને દાદ રૂપે ફેંકો એ ખેરાત વાગે છે.

ગતિથી અળગા થઈને સહેજ શું થંભી ગયા વચમાં,
હવે ઠોકરની જગ્યાએ આ યાતાયાત વાગે છે.

કશુંક આવીને મારામાં ધૂણે છે કંઈક સદીઓથી,
કે ભીતર ડાકલા ઝીણા દિવસ ને રાત વાગે છે.

નગારા, ઘંટ, મંજીરા, પૂજારી, શંખ ને ઈશ્વર,
સજીવન થઈ ઊઠે ઘડિયાળમાં જ્યાં સાત વાગે છે.

ઉપરથી આભ વરસે છે, ઉપરથી આપ વરસો છો
આ છાંટાથી વધારે તો તમારી વાત વાગે છે.

જરા જો શ્વાસમાં આવી ભળે તરણેતરી મેળો,
આ પાવા જોડમાં આખું પછી ગુજરાત વાગે છે.

ઘણી ખમ્મા આ મારા જખ્મકેરા શિલ્પકારોને,
તમારી ભાત વાગે છે, પ્રસંગોપાત વાગે છે.

– જુગલ દરજી

ગઝલનું સામાન્ય જનમાનસ સુધી પહોંચવું કદાચ મુશાયરાઓ વિના સંભવ જ નહોતું પણ એ જ મુશાયરાઓએ ગઝલને જે ક્ષતિ પહોંચાડી છે અને કવિતાના સ્તરના કથળવામાં જે દુસ્સહાય કરી છે એ આજે અસહ્ય બન્યું છે. અર્થ વિનાની દાદ ગઝલનું પોષણ નહીં, કવિતાનું શોષણ કરે છે. આવા મજાના મત્લાથી શરૂ થતી આખી ગઝલ જો કે એવી મજાની થઈ છે કે કવિના મત્લાને બાજુએ મૂકીને પણ અહાહા, વાહ, દોબારા, ક્યા બાત કહેવાનું મન થઈ જાય…

Comments (8)

ગઝલ – જુગલ દરજી ‘માસ્તર’

પ્રિન્ટર દિલે રાખી શકાતાં હોત તો!
ગમતાં સ્મરણ છાપી શકાતાં હોત તો!

કૈં કેટલાયે સ્વાદ પારખવા મળે,
સંબંધ પણ ચાખી શકાતા હોત તો.

જોઈ ગરીબીને તપેલી બોલી કે:
“આ પત્થરો બાફી શકાતા હોત તો!”

કારણ તપાસી, પોસ્ટમોર્ટમ પણ કરું,
આ આંસુ જો કાપી શકાતાં હોત તો.

પેટ્રોલની માફક આ બળતા શ્વાસને,
રિઝર્વમાં રાખી શકાતા હોત તો!

-જુગલ દરજી ‘માસ્તર’

નવી વાત-નવા કલ્પન લઈને આવવાના અભરખામાં ક્યારેક કવિતાનું નિર્મમ ખૂન થઈ જતું હોય છે પણ સદનસીબે જુગલ દરજીની આ રચના એમાંથી સાંગોપાંગ અપવાદરૂપે તરી આવી છે. દિલમાં પ્રિન્ટર્સ હોય તો મનગમતા સ્મરણોની પ્રિન્ટ આપી-આપીને દિલ બહેલાવ્યે રાખવાની કેવી મજા આવે! સંબંધમાં જે વૈવિધ્ય છે એ બીજે ક્યાંય સંભવ નથીની હકીકત બે જ પંક્તિમાં કેવી સહજ રીતે કહી દેવાઈ છે! આંસુનું પૉસ્ટમૉર્ટમ કરવાની વાત પણ એવી જ અનૂઠી છે પણ વિશેષ ધ્યાન આખરી શેર પર આપજો, સાહેબ! જે પેઢીએ લ્યુના કે સ્કુટર વાપર્યા જ નથી એ પેઢીને પેટ્રોલના રિઝર્વ હોવાવાળા કલ્પનમાં ગડ જ પડવાની નથી, બાકીના લોકો શેરનું સૌંદર્ય અને બારીકી જોઈને વાહ-વાહ પોકાર્યા વિના નહીં રહી શકે.

Comments (12)