જઈને વતનમાં એટલું જોયું અમે 'મરીઝ',
મોટા બની ગયા છે બધા બાળપણના દોસ્ત.
મરીઝ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for પાર્થ મહાબાહુ

પાર્થ મહાબાહુ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

ઝરણું બોલ્યું - ભરત જોશી ‘પાર્થ મહાબાહુ’ઝરણું બોલ્યું – ભરત જોશી ‘પાર્થ મહાબાહુ’

અમે કહ્યું કે અંધકારમાં ક્યાંય સૂજે નહીં મારગ
ઝરણું બોલ્યું માંડ ચાલવા, આગળ સઘળું ઝગમગ.

અમે કહ્યું કે આડા આવે ભેખડ-પાણા-પર્વત,
ઝરણું હસતાં બોલ્યું એને વહાલ કરી આગળ વધ.

અમે કહ્યું કે સૂનું લાગે એકલપંડે વહેવું
ઝરણાએ ગાયું કે કોઈ ગીત સદા ગણગણવું.

અમે કહ્યું કે અટકી જઈશું એવી બીક સતાવે
ઝરણાએ મલકીને કીધું કરશું મઝા તળાવે.

અમે કહ્યું કે ઝરણાં તારી વાતોમાં છે દમ
ઝરણું કંઈ ન બોલ્યું તે તો વહ્યા કર્યું હરદમ.

– ભરત જોશી ‘પાર્થ મહાબાહુ’

અહાહા! કેવું અદભુત પોઝિટિવ ગીત!! ઝરણાં જેવો જ ખળખળ લય. ગીત વિશે બીજી કંઈપણ ટિપ્પણી કરવું એ તો હાથ કંગનને આરસી બતાવવા જેવું છે. પણ ઝરણાની બોલી પર ધ્યાન આપવા જેવું છે. પહેલા બંધમાં ઝરણું બોલે છે, બીજામાં હસતાં-હસતાં બોલે છે, ત્રીજા બંધમાં એ ગાવા માંડે છે, ચોથામાં ફક્ત મલકીને જ રહી જાય છે અને આખરી બંધમાં કંઈ જ ન બોલીને વહેતું રહે છે… ઝરણાની બોલીની આ ગતિ મૂળ કવિતાની સમાંતર ચાલતી બીજી કવિતા જ છે જાણે!

Comments (4)