ઘણુંક ઘણું ભાંગવું, ઘણ ઉઠાવ, મારી ભુજા !
ઘણુંક ઘણું તોડવું, તું ફટકાર ઘા, ઓ ભુજા !
સુંદરમ્

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for ગિરીશ પોપટ ‘ગુમાન’

ગિરીશ પોપટ ‘ગુમાન’ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

(ગુમાનમાં) - ગિરીશ પોપટ 'ગુમાન'(ગુમાનમાં) – ગિરીશ પોપટ ‘ગુમાન’

કોઈએ કીધું ખુશીને કાનમાં,
દર્દ લાવ્યું છે ઘણાંને જાનમાં.

જોઈ લઈએ જીત કોની થાય છે?
શબ્દ લાવો, મૌન છે મેદાનમાં.

ઘર ભરાતું જાય છે સામાનથી,
કૈંક ઓછું થાય છે ઈન્સાનમાં.

વ્યંગમાં ક્યારેક કહેવાયા હતા,
એ જ શબ્દો થ્યા રજૂ સન્માનમાં.

ચા ઉછીની લઈ પીવા કરતાં મને
પીવા ગમશે ઝાંઝવા વેરાનમાં.

જ્યારથી તેં સાથ આપ્યો, જિંદગી!
જીવ રહેવા માંડ્યો છે ‘ગુમાન’માં.

– ગિરીશ પોપટ ‘ગુમાન’

ગઝલ કાવ્યપ્રકારનું આકર્ષણ જ કંઈ એટલું પ્રબળ છે જે નિતનવા કવિઓ એને મહેબૂબા બનાવતા જોવા મળે છે. ગિરીશ પોપટ સુરતમાં ચાર વર્ષથી વધુ સમયથી ચાલી આવતી કાવ્યગોષ્ઠી-ગૂફ્તેગુના કારણે પરિચિત થયા. ઓછું લખે પણ જે લખે એની નોંધ લેવાની ફરજ પડે એવું. ટૂંકી બહેરની આ ગઝલના બધા જ શેર પાણીદાર થયા છે. પોતાના તખલ્લુસનો અર્થસભર વિનિયોગ કરી શકનાર જૂજ પ્રવર્તમાન ગઝલકારોમાં એનું નામ નોંધવું પડે.

Comments (7)