સ્થૂળ રૂપે સાંપડે સમશાનમાં,
જે ચિતા હરદમ બળે મારી ભીતર.
દત્તાત્રય ભટ્ટ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for જય કાંટવાલા

જય કાંટવાલા શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

બેસ્ટ છે - જય કાંટવાલાબેસ્ટ છે – જય કાંટવાલા

બહુ વિચારે એને માટે વેસ્ટ છે
માણવા માંડો તો જીવન બેસ્ટ છે

આગનો દરિયો નથી તરવો હવે,
એના એક ટીપાનો અમને ટેસ્ટ છે.

પથ્થરોના જંગલોમાં દોડતા
પથ્થરો પાસે હવે કયા રેસ્ટ છે ?

આપણે યજમાન થઈ રહેવું સદા
સુખ અને દુઃખ જિંદગીમાં ગેસ્ટ છે

દોસ્ત! ટહુકાયુ કશું ઘોંઘાટમાં,
શહેરમાં નક્કી કવિતા ફેસ્ટ છે.

– જય કાંટવાલા

દાયકાઓ સુધી જનમાનસ પર કબ્જો જમાવી બેઠેલા કાવ્યપ્રકારો ગઝલનું આગમન થયા પછી હતા-ન હતા થઈ ગયા એનું કારણ ફક્ત બે જ પંક્તિની ગાગરમાં ગાગર સમાવી દેવાની એની કમાલ જ ગણી શકાય.પ્રસ્તુત ગઝલનો મત્લા આ વાતની પુષ્ટિ કરે છે. જિંદગી જીવવાની ફિલસૂફી જ એ છે કે જે ખુશી આવી એને ઝાઝું પિષ્ટપેષણ કર્યા વિના માણી લેવી. બીજો શેર જો કે થોડું ડિફેન્સીવ રમે છે. સિમેન્ટ કોંક્રિટના જંગલોમાં રહી-રહીને ખુદ પથ્થર જેવા થઈ ગયેલા માણસોના ખિસ્સામાં આરામ નામની અસ્ક્યામત જ બચી નથી. સુખ અને દુઃખ -બંનેને યજમાનભાવે આવકારતો શેર રુમીની “અતિથિગૃહ” રચનાની યાદ અપાવે છે. ઘોંઘાટની વચ્ચે પણ ટહુકી શકે એ જ કવિતા. અંગ્રેજી કાફિયા પણ બિલકુલ ગુજરાતી લિબાસ પહેરીને દૂધમાં સાકરની જેમ ગઝલમાં પ્રવેશી ગયા છે.

Comments (9)