ઉઘાડાં દ્વાર છોડીને ગમે ત્યારે હું ચાલ્યો જઈશ;
જગતથી મુખ મરોડીને ગમે ત્યારે હું ચાલ્યો જઈશ.
-ભગવતીકુમાર શર્મા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for રાધિકા પટેલ

રાધિકા પટેલ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




ઊંઘ ચરી ગઈ બકરી – રાધિકા પટેલ

ઊંઘ ચરી ગઈ બકરી:
હાચ્ચું કે’ જો હુવા ટાણે ચા પીધી’તી નકરી…?
ઊંઘ ચરી ગઈ બકરી…

માન્યું કે લેવી જ પડે છે રોજ યાદની ગોળી;
લીધી તો લઈ લીધી પાછી લીધી ચામાં બોળી?
ચા-બાઈને-જોઈને વકરી-ઊંઘ પછી તો વકરી…
ઊંઘ ચરી ગઈ બકરી…

ચાના દાણા વેર્યા છે તે ઊંઘ આવે નહિ ચણવા;
ભાઈ બગાસાં સાથે એ તો ગઈ નીકળી છે ફરવા,
દૂધ ધરો તો કદાચ પાછી આવે શાણી શકરી…
ઊંઘ ચરી ગઈ બકરી…

– રાધિકા પટેલ

કેટલીક રચના નજરે પડતાવેંત મન મોહી લેતી હોય છે. આ ગીતનું પણ કંઈક એવું જ જ છે. કોઈની યાદ મનોમસ્તિષ્કનો ભરડો લઈ બેસે અને ઊંઘ વેરણ થઈ જાય એ પરિસ્થિતિમાંથી આપણે સહુ અવારનવાર પસાર થયાં જ છીએ. પણ ઊંઘ જાણે ઘાસ ન હોય, જેને કોઈ બકરી ચરી ગઈ હોય એ કલ્પન જ કેટલું મજબૂત અને મૌલિક છે! રોજ રાત્રે ચામાં બોળીને યાદની ગોળી ગળીએ પછી ઊંઘ બિચારી વકરે નહીં તો બીજું શું થાય? ઊંઘ શાણી શકરી છે. ચાના દાણા ચણવા આવે એવું કોઈ મૂર્ખ પક્ષી નથી એટલે બગાસાંભાઈ સાથે એ ફરવા નીકળી ગઈ છે… હવે જાગો રાતભર, બીજું શું!

ભાવ, ભાષાકર્મ અને લયની બાબતમાં જો કે હજી વધુ સજાગતા અભિપ્રેત છે.

Comments (5)

ભીંત ઉપર – રાધિકા પટેલ

મને ભીંત જરા પણ પસંદ નથી;
કારણ કે મને આકાશ ગમે છે..!!
હું કઈ કીડી નથી કે ચાલ્યા કરું – હારબંધ.
હું ગરોળી પણ નથી કે રાહ જોયા કરું.
હું ફેંકી દઉં મારા કપાળનો સૂરજ આ ભીંત પર તો-
ક્ષણમાં રાખ
બધુંય.
મારે ભીંત પર ટકોરા પાડવાની જરૂર નથી;
હું મારા અવાજથી ખેરવી શકું છું-
ફક્ત પોપડી જ નહિ-રંગ, રેતી, ઈંટ અને સિમેન્ટ સુધ્ધાં..!!
હું મારા નખથી ખોતરી શકું છું – એમાં બારી અને દરવાજો.
પાણી બતાવું એને તો તરવા લાગે-એ.
કે પછી કેશ વડે ઝાટકી નાખું-આખું ચોમાસું એના પર…!!
હું એક દરિયો ચીતરી શકું છું એના પર – નજર ફેરવીને.
મારી આંગળીના ટેરવેથી હું ઉગાડી શકું છું, બગીચો-ભીંત પર.
મને ફૂંક મારી એમાંથી પંખી ઉડાડતા આવડે છે..!!
જો હું એના પર હથેળી ફેરવું…
પ્રેમથી….
તો, છૂટી જાય એનું-
ભીંતપણું..!
સારું છે કે મેં હજુ સુધી એને ચૂમી નથી-
નહીંતર….!!
હું બીજું ઘણુંય કરી શકું છું.
મારામાં હજુય મોજુદ છે-
મારુ પીપળાપણું…!!

– રાધિકા પટેલ

કલ્પનોની તાજગી અને નાવીન્યસભર રજૂઆત એ નવા સર્જકો તરફથી મળતું મોટામાં મોટું સુખ છે. ફેસબુક જેવા સોશ્યલ મિડિયા પરથી સારા સર્જકો સતત મળતા રહે છે. રાધિકા પટેલનું નામ કદાચ આવી યાદીમાં ઊમેરી શકાય.

ભીંત સ્થિરતાનું, વિભાજનનું, જડતાનું પ્રતીક છે એટલે જ કાવ્યનાયિકાને ભીંત જરા પણ પસંદ નથી. ‘જરા પણ’ વચ્ચે ઊમેરીને નાપસંદગીને જે રીતે દૃઢતાપૂર્વક કવયિત્રી પ્રગટ કરે છે એની પણ મજા છે. આકાશ એને પસંદ છે કેમકે આકાશ ગતિશીલતા, ખુલ્લાપણા અને સજીવતાનું પ્રતીક છે. આકાશમાં અવકાશ છે. આરપાર જઈ-જોઈ શકાય છે. ભીંત પર કતારબંધ કે રાહબંધ જીવન વ્યતિત કરતાં કીડી-ગરોળી હોવાનો પણ નાયિકાને સાફ ઈન્કાર છે. હનુમાનને પોતાની તાકાત યાદ કરાવવા માટે જાંબુવાનની જરૂર હતી પણ નાયિકા જાત વિશે સ્પષ્ટ છે. ગુસ્સાથી, અવાજથી, નખથી, વાળ ઝાટકતાં ઊડતાં પાણીથી નાયિકા ભીંતને હતી-ન હતી કરી દેવા સક્ષમ છે. ભીંત પર બગીચો ઊગાડી, પંખી વસાવી એ નિર્જીવમાં પણ પ્રાણ પૂરી શકે છે. અને સુપેરે માહિતગાર છે પોતાના પ્રેમની તાકાતથી પણ કે પ્રેમભર્યા એક સ્પર્શ માત્રથી ભીંતનું ભીંતત્ત્વ જ ખતમ થઈ જશે અને કશું જ કારગત ન નીવડે તો પીપળાની જેમ પોતાને ભીંત ફાડીને ઊગી નીકળતાય આવડે છે…

સરવાળે કોઈપણ પરિસ્થિતિમાં હાર ન માનવાનો, ગુસ્સાથી લઈને પ્રેમ સુધી અને અવાજથી લઈને સ્પર્શ સુધી, ચુંબનથી માંડીને મૂળિયાં નાંખીને ચીરી નાખવા સુધી – યેનકેન પ્રકારે ભીંત જેવા જડ સંબંધોમાં પણ પ્રાણ પૂરી શકવાનો સ્ત્રીગત જુસ્સો અને આત્મવિશ્વાસ આ કવિતાનો સાચો પ્રાણ છે… ભીંત તો માત્ર પ્રતીક છે.

Comments (11)