અધીરો છે તને ઈશ્વર બધુંયે આપવા માટે,
તું ચમચી લઈને ઊભો છે દરિયા માગવા માટે ?
અનિલ ચાવડા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for રાજુલ ભાનુશાલી

રાજુલ ભાનુશાલી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

ગઝલ - રાજુલ ભાનુશાલીગઝલ – રાજુલ ભાનુશાલી

કેટલી ખખડી ગઈ છે ભારથી,
છત ઊભી છે ભીંતના આધારથી!

પ્રણ અધૂરા લઈને આખર ક્યાં જવું ?
જળ કદી બંધાય ના આકારથી.

વેદનાને જો વલૂરી સાંજના,
રાત આખી તરફડી ચિત્કારથી !

સાવ હળવું લાગવા માંડ્યું છે દુઃખ,
કાખમાં તેડી લીધું છે જ્યારથી.

હાથમાં ગાંડીવ ઝાલ્યું એ પછી,
છોછ કૈ પોસાય ના ટંકારથી !

જાતમાંથી જાતને બાતલ કરો,
‘ઓમ’ને ભેદાય ના એંકારથી.

આમ કુંઠાઈને ‘રાજુલ’ શું વળે?
ઘાટ ચડવા દે નવા વિસ્તારથી !

– રાજુલ ભાનુશાલી

ફેસબુકના રસ્તે ચાલીને વળી એક આશાસ્પદ કવયિત્રી સાથે મુલાકાત થઈ. દુઃખ સાથે કામ પાડવાની ટેકનિકવાળો શેર હાંસિલે-ગઝલ છે. એ સિવાયના બધા શેર પણ ખાસ્સા સંતર્પક થયા છે.

Comments (12)