અને અંતે ખુમારી આંસુની અકબંધ રહી ગઈ દોસ્ત,
થયેલું એક ક્ષણ એવું કે તું એ લૂછવા આવે.
– જિગર ફરાદીવાલા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for મહેશ શાહ

મહેશ શાહ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




મીરાંબાઈ – મહેશ શાહ

સુપણે આવે રે
એને હૈયે વરતે સાંવરાની આણ
એને સુપણે આવે ને કરે દર્શનની લ્હાણ
એને સુપણે આવે રે એનો સાંવરો

ગઢના આ કાંગરાનો ભો નથી બાઈને
મથરાવટી મેલી કરી એણે તો ચ્હાઈને
એને બાકી સંસાર ઝાડી-ઝાંખરા ને પ્હાણ
એને સુપણે આવે રે એનો સાંવરો

તડકો ને ટાઢ એને સુખદુ:ખની ક્યાં પડી ?
સાંવરાના સંગની શું જણસ કાંઈ સાંપડી !
એને ભગવા તે રંગની પિછાણ
એને સુપણે આવે રે એનો સાંવરો.

નીંદ ને ઉજાગરાને બેઉ બાજુ ઘેરતું
શૂળ એક મીઠું એના હૈયાને હેરતું
એના દર્દને જાણે તો કોઈ જાણે સુજાણ
એને સુપણે આવે રે એનો સાંવરો.

– મહેશ શાહ

સાવ સહજ ભાષામાં કેવું સુંદર ભક્તિગીત ! મીરાંબાઈને એનો શામળો સપનામાં આવે છે. બસ, બીજું શું જોઈએ પછી? કોનો ભય ? આ દર્દ એના સિવાય બીજું કોણ સમજી શકે? મેરો દરદ ન જાને કોઈ….

Comments (3)