લૂંટી ગઈ જે ચાર ઘડીના પ્રવાસમાં,
યુગ યુગની ઓળખાણ હતી, કોણ માનશે ?
શૂન્ય પાલનપુરી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for બિનિતા પુરોહિત

બિનિતા પુરોહિત શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

અઘરી પડી - બિનિતા પુરોહિતઅઘરી પડી – બિનિતા પુરોહિત

એક રઝળતી ક્ષણ મને વળગી પડી,
છે ટચૂકડી તોય બહુ અઘરી પડી.

બંધ આંખોમાં મેં કર્યું ડોકિયું,
ઊંઘ જે કાચી હતી, વણસી પડી.

લાગણીના સૂના જંગલમાં જતા,
પાતળી પગદંડી પર ભૂલી પડી.

હું નથી સીતા ને એ રાવણ નથી,
તોય લક્ષ્મણરેખા ઓળંગવી પડી.

પૂછ સાગરને કે આ તોફાનમાં,
તારી લહેરોને હવા ઓછી પડી?

લીલ તો પથ્થર ઉપર બાજી પડે,
રેત પરથી શી રીતે લપસી પડી.

અડધે સ્વપ્ને આંખ કાં ઊઘડી ગઈ,
બોલ, ‘બિન્ની’ ઊંઘ ક્યાં કાચી પડી ?

– બિનિતા પુરોહિત

સ્થિર-સમતલ જિંદગી આપણને એવી કોઠે પડી ગઈ છે કે એકાદ ક્ષણનો રઝળપાટ પણ આપણને અઘરો પડી જાય છે. બધા જ શેર સરસ થયા છે પણ ઊંઘ ઊડી જવા વિશેના બંને શેર તો એકદમ મજાના થયા છે !

Comments (12)