હું ક્યાં કહું છું આપની ‘હા’ હોવી જોઈએ,
પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઈએ.
મરીઝ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for હર્ષા દવે

હર્ષા દવે શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




(બારણાં) – હર્ષા દવે

ધારણા, ઓવારણાં, સંભારણાં
સાચવે છે કેટલું આ બારણાં.

બંધ બાજી છે સમયના હાથમાં,
આપણે તો બાંધવાની ધારણા.

હાથ કંકુ ઘોળવામાં વ્યસ્ત હો,
આંખથીયે લઈ શકો ઓવારણાં.

કોઈ સાંજે કામ એ પણ આવશે,
સાચવીને રાખજો સંભારણાં.

વાટ જેની હોય એ આવી ચડે,
તો કહો, ખોલી શકીશું બારણાં?

– હર્ષા દવે.

લયસ્તરો પર કવયિત્રીના ગઝલસંગ્રહ ‘હરિ! સાંજ ઢળશે’નું સહૃદય સ્વાગત…

ગઝલના મત્લાનો આસ્વાદ મૂર્ધન્ય કવિ શ્રી વિનોદ જોશીના શબ્દોમાં

“અહીં લક્ષણાની ચડિયાતી ભાતો અનેક રચનાઓમાં મળશે. તેનો અર્થ એ થાય છે કે કવયિત્રી પરિચિત પદાવલિને સૂક્ષ્મ અર્થ કે ભાવસૌન્દર્યના પ્રદેશમાં લઈ જઈ નૂતન અનુભૂતિ જન્માવી શકે છે. અહીં (મત્લામાં) પ્રથમ પંક્તિના ત્રણે શબ્દ અનુક્રમે પ્રતીક્ષા, મિલન અને વિદાયની ઘટનાનો માત્ર અર્થસંકેત આપે છે. પછીની પંક્તિમાં તેની સાથે બારણાંનો સંદર્ભ જોડાય ત્યારે આ ઘટના જે સ્થળે બને છે તેનો અર્થ સાંપડે છે. પણ તેની સાથે જ્યારે ‘સાચવે’ જેવું પદ મુકાય છે ત્યારે વાત બારણાંની મટી જાય છે અને બારણાંની સાક્ષીએ કોઈનામાં સેવાયેલી ઘટનારૂપે મનુષ્યવાચી અર્થમાં ઊઘડે છે. લક્ષણાશક્તિનો આ વિસ્તાર આપણને કાવ્યાત્મક અનુભવ સુધી લઈ જાય છે.”

*

ગઝલમાં કાફિયા બાબતે કવયિત્રીએ કરેલ પ્રયોગ પણ નોંધવા જેવો છે. મત્લામાં કવયિત્રીએ ધારણા, ઓવારણાં, સંભારણાં, અને બારણાં –આ ચાર શબ્દ જે ક્રમમાં વાપર્યા છે, એ જ ક્રમમાં એ જ ચાર શબ્દોને પછીના ચાર શેરમાં કાફિયા તરીકે વાપરીને સફળ અને કાબિલે-તારીફ પ્રયોગ કર્યો છે.

Comments (9)

મનવા! – હર્ષા દવે

સમંદરમાં થયા કાં લીન, મનવા?
મીઠાં જળનાં તમે છો મીન, મનવા!

જે ભીતર છે તમે એ બ્હાર શોધ્યું,
રહો છો એટલે ગમગીન, મનવા!

ભલે ને, સોડ ટૂંકી તાણવી, પણ,
પછેડી ઓઢવી રંગીન, મનવા!

ઈશારો જોઈ એનો ડોલવાનું,
બજાવે છે મદારી બીન, મનવા!

બધાની ચાદરોનાં રંગ નોખાં,
બધું રંગરેજને આધીન, મનવા!

હવે બસ, જાત બાજુ દોટ મૂકો!
ગણી લો એક, દો ને તીન, મનવા!

– હર્ષા દવે

સાદ્યંત સુંદર રચના

 

Comments (4)

(હોડી છે) – હર્ષા દવે

મૃગતૃષ્ણા ધરાર દોડી છે!
ઝાંઝવાંની દશા કફોડી છે!

ફૂલ પાસે રૂઆબ ઝાકળનો,
સૂર્યના હાથમાં હથોડી છે!

સામસામે કિનારે હું ને તું,
આંખ દરિયો ને સ્વપ્ન હોડી છે!

ઓગળે દેહ ના અમસ્તો કંઈ,
શ્વાસ નક્કી અગનપિછોડી છે!

મોતને આપવા જીવન પાસે,
જાતની એક ફુટલી કોડી છે!

– હર્ષા દવે

સાદ્યંત સુંદર રચના….

Comments (5)

(સાંજ ઢળશે!) – હર્ષા દવે

હરિ! સાંજ ઢળશે!
ફરી સાંજ ઢળશે!

કદી આંખ વચ્ચે,
ઠરી સાંજ ઢળશે!

ગમે તેમ પણ આ,
નરી સાંજ ઢળશે!

પીંછા જેમ હળવું,
ખરી સાંજ ઢળશે!

ભૂલાયેલ વાતો,
સ્મરી સાંજ ઢળશે!

ક્ષણોની નદીને,
તરી સાંજ ઢળશે!

પછી એક સાંજે,
ખરી સાંજ ઢળશે!

– હર્ષા દવે

માય ગૉડ! શું ગઝલ છે! આફરીન… આફરીન… શત પ્રતિશત આફરીન…

એકદમ ટૂંકી બહેર… લગાગાના બે જ આવર્તન… દસ જ માત્રાનો એક મિસરો. હરિ-ફરી જેવા બે અક્ષરના કાફિયા અને અને એમાંય ‘રી’ તો લઘુત્તમ સામાન્ય અવયવ. દસ માત્રાની પંક્તિમાં નવ માત્રાની રદીફ એટલે કવિ પાસે કવિકર્મ કરવા માટે ફક્ત એક જ માત્રા બચે છે. મત્લામાં તો વધુ તકલીફ છે. મત્લામાં તો બંને પંક્તિઓમાં એક જ લઘુ અક્ષરની મદદથી પંક્તિનો અર્થ પણ જન્માવવાનો અને બે પંક્તિ જોડીને આખો શેર પણ નીપજાવવાનો. મત્લા સિવાય પણ આખી ગઝલમાં બીજા મિસરામાં કેવળ એક જ અક્ષર જેટલો અવકાશ કવિ પાસે છે. એક શબ્દ નહીં, પણ માત્ર એક અક્ષરની જ હેરફેર કરીને શેર જન્માવવાનો. કેવું કપરું કામ! સોયના કાણાંમાંથી આખેઆખું ઊંટ પસાર કરાવી દેવાની પરીક્ષા અને એમાં કવયિત્રી સોમાંથી સો ગુણ મેળવી ઉત્તીર્ણ થયાં છે. લગભગ બધા જ શેર આસ્વાદ્ય અને અર્થસભર થયા છે…

Comments (8)

પાછું ફરી ના શકાયું! – હર્ષા દવે

વહી ના શક્યા, આછરી ના શકાયું!
અપેક્ષા મુજબ કૈં કરી ના શકાયું!

ઘણા ગેરલાભો થયા ટોચ ઉપર,
તળેટીમાં તોયે સરી ના શકાયું!

બની ફૂલ શૉ-કેસમાં ગોઠવાયાં,
ખીલી ના શક્યાં ને ખરી ના શકાયું!

ઉકેલ્યા પછી ભેદ નીર-ક્ષીર કેરાં,
જીવણ! એકે મોતી ચરી ના શકાયું!

ડૂમાનાં વહાણો રહ્યાં લાંગરેલાં,
અને આંખમાં જળ ભરી ના શકાયું!

ધપ્યા એ રીતે કંઈ તમારા ભણી કે,
પછી સાવ પાછું ફરી ના શકાયું!

– હર્ષા દવે

આમ તો બધા જ શેર સંતર્પક થયા છે પણ નીર-ક્ષીર અને ડૂમાનાં વહાણોવાળા શેર તો અફલાતૂન થયા છે. નીર અને ક્ષીરનો ભેદ એકવાર જાણી લેવાય તો પછી ચરવાની ઇચ્છા જ ક્યાંથી રહે, ભલે ને સામે મોતી કેમ ન હોય? દુનિયામાં સારું શું છે ને નરસું શું છે એ સમજ પડી જાય એ ઘડી જીવ માટે જીવન આકરું થઈ પડવાની ઘડી છે. સચ્ચાઈની મુઠ્ઠી જ્યાં સુધી બંધ રહેલી છે, ત્યાં સુધી જ જીવવામાં મજા છે…

Comments (2)

ઉથલાવ ને – હર્ષા દવે

હાંસિયામાં મૂકવા છે ઘાવને;
ચાલ, તું પાનું બીજું ઉથલાવ ને!

આજ ટહુકા રંગમાં તરબોળ છે,
આજ તો ફૂલો તમે પણ ગાવને !

સ્તબ્ધ થઈને સાવ તળિયે જીવવું,
આકરું લાગી રહ્યું છે વાવને !

ઓગળે હોવાપણાનું આવરણ
કોઈ દિ’ વરસાદમાં જઈ ન્હાવ ને!

આંખથી ઓઝલ થયે શું ફાયદો ?
યાદમાંથી શક્ય હો, સંતાવ ને!

સાવ રેઢુ જ્યાં મૂક્યું’તું બાળપણ,
એ જ રસ્તે આજ પાછા જાવ ને!

-હર્ષા દવે
(૧૬.૭.૨૦૧૬)

“જે ખુશી આવી જીવનમાં, આખરી સમજી લીધી” – મરીઝ જિંદગી જીવવાની ફિલસૂફી આ પ્રકારે આપે છે તો હર્ષા દવે ઘા-દુઃખ-દર્દને હાંસિયામાં ધકેલી આગળ વધવા પાનું પલટાવી દેવાની ફિલસૂફી લઈને આવે છે.

Comments (4)

શક્યતાનું દ્વાર છે – હર્ષા દવે

એ જ આશા રાખવામાં સાર છે,
બંધ છે એ શક્યતાનું દ્વાર છે.

આપણી બારી ઉઘાડી રાખીએ,
તો બધે અજવાસ પારાવાર છે.

લાગલું મીરાંપણું જ્યાં ઓગળે,
વાંસળીનો એ પછી વિસ્તાર છે.

આટલું ભળભાંખળું તો થઈ ગયું,
ક્યાં હવે દિ’ ઉગવામાં વાર છે ?

રંગ કેવો વૃક્ષ ઉપર ખીલશે !
એક ટહુકા પર બધો આધાર છે.

એ જતાં ને આવતાં વહેરે મને,
શ્વાસને પણ બેઉ બાજુ ધાર છે.

– હર્ષા દવે

કવયિત્રીઓ આપણી પાસે આમે ગણી-ગાંઠી. અને એમાં પણ મજબૂત કવયિત્રી ? આવામાં આવી સશક્ત ગઝલ લઈને એક નવું નામ આપણી વચ્ચે આવે ત્યારે ગઝલ રળિયાત થતી જણાય. છમાંથી પાંચ શેર તો નકરી પોઝિટિવિટિના.

બધા જ શેર અદભુત છે પણ મારે તો મીરાંની વાંસળી જ સાંભળવી છે. મીરાં જે ઘડીએ મીરાં મટી જાય, ભક્તિમાં લીન થઈ જાય, પોતાનું દુન્યવી અસ્તિત્વ ઓગાળી એ ઘડીએ એ સાક્ષાત્ કૃષ્ણ બની જાય છે. અને શેરની ખરી મજા ‘લાગલું’ શબ્દમાં છે. સાવ રોજબરોજની વાતચીતમાં વપરાતો શબ્દ કવિના પારસ-સ્પર્શે કેવો સોનાનો થઈ ગયો છે !

Comments (15)