એમ કોઈ બહાર રહીને આપણી ભીતર રહે,
જેમ ઊડતા પંખીનો પડછાયો ધરતી પર રહે.
આમ અંદર બ્હાર એકાકાર થઈ જાશે પછી,
શો ફરક કે કોઈ મારી બ્હાર કે ભીતર રહે.
મુકુલ ચોક્સી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for અબ્દુલકરીમ શેખ

અબ્દુલકરીમ શેખ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

દુષ્કાળ - અબ્દુલકરીમ શેખદુષ્કાળ – અબ્દુલકરીમ શેખ

શબ્દો છે બેશુમાર, ગઝલ એક પણ નથી,
વરસ્યો’તો ધોધમાર, ફસલ એક કણ નથી !

પેલું કબૂતરુંય હવે તો ન આવતું,
સાચે જ આ ચબૂતરે રોવાય ચણ નથી !

રણ તો હવે ગલી ગલી મહીં ઘૂસી ગયું,
ગોરજ ઊડે છતાંય અહીં કોઈ ધણ નથી !

લાશોને ચાલતી લહું શહેરો મહીં કદી,
કબરોમાં શમે એ જ ફક્ત કંઈ મરણ નથી !

આવીને કોઈ બેસતું વેરાનમાં એકલ,
હું જોઉં તેની સાથમાં વેરાન પણ નથી !

એવીય હશે વાત જે સમજાય ના કદી,
એવી અગમ્ય વાત છતાં એક પણ નથી.

ટીપુંય આભથી હવે પડશે નહીં ‘કરીમ’,
શબ્દોના સૂર્યમાં હવે એકે કિરણ નથી !

– અબ્દુલકરીમ શેખ

‘દુષ્કાળ’ શીર્ષક વાંચતાવેંત આપણી નજર સામે વરસાદના લાં….બા અભાવે વેરાન વગડો થઈ ગયેલી જમીનો અને ભૂખે-તરસે ટળવળી ટળવળીને ઢગલો થઈ પથરાતી પશુ-પંખી-મનુષ્યોની લાશો આવી ઊભે. પણ આ કવિતા છે. કવિને અહીં અલગ પ્રકારના દુષ્કાળ જ અભિપ્રેત છે. કાવ્યસર્જનથી શરૂ કરીને, જીવતી લાશોથી ભરેલા આજના શહેર સુધી કવિ દુષ્કાળના જે નાનાવિધ ચિત્રો દોરી આપે છે એ ગુજરાતી ગઝલની એક અભૂતપૂર્વ સુખદ ઘટના છે.

Comments (7)