મને સઘળી પીડા પડી ગઈ છે કોઠે,
ભરો પ્યાલી, લાવો, હું માંડું છું હોઠે.

આ સ્મિતની પછીતે મેં દાટ્યું છે શું શું ?
બતાવું પણ એ તમને ગોઠે ન ગોઠે.
વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for વૈરાગ પરમાર

વૈરાગ પરમાર શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




ગઝલ – વૈરાગ પરમાર

રસ્તાએ વિસ્તાર વધારી દીધો છે,
તારાં ઘરનો મારગ નહિતર સીધો છે.

પાને પાને કેમ પુરાવા નોંધાવ્યા ?
સાક્ષી રૂપે ઈશ્વરને તો લીધો છે.

વનવગડાને ખાલી કરવા તાબડતોબ,
કરવતના કસબીએ ઑર્ડર કીધો છે.

કોણે કીધું કેવળ ઝરણાં લીધાં છે ?
દરિયાએ પર્વતને ખોળે લીધો છે.

વૈદોએ તો નાડ તપાસી તરત કહ્યું,
આ માણસને સંજોગોએ પીધો છે.

– વૈરાગ પરમાર

એક-એક શેર સીધા સોંસરા ઊતરી જાય એવા ધારદાર… ઈશ્વર વિશેની આપણી શ્રદ્ધાની ઠેકડી ઊડાડતો શેર અખાના છપ્પાની યાદ અપાવે એવો બળવત્તર થયો છે. પહેલવહેલીવાર આ કવિની કોઈ રચના સાથે પનારો પડ્યો ને મને લવ-એટ-ફર્સ્ટ-સાઇટ થઈ ગયો (ગઝલ માટે!!).

Comments (5)