આ સફરમાં રહી જશે પાછળ બધું
જે બધું આગળ મને દેખાય છે
ભરત વિંઝુડા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for કિશોર જીકાદરા

કિશોર જીકાદરા શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

એક પંખી બેઠું થાય રાખમાંથી - કિશોર જીકાદરા
સાદ કરું તો ... - કિશોર જીકાદરાએક પંખી બેઠું થાય રાખમાંથી – કિશોર જીકાદરા

ક્યાં અને ક્યારે સરી ગઈ હાથમાંથી?
કેમ શોધું આજને ગઈકાલમાંથી?

પ્રશ્ન મોટો છે, નથી રાખી નિશાની,
ખોલવું પાનું કયું ઈતિહાસમાંથી?

ટાંકણે એ કેટલો નીંભર બન્યો છે,
જોઈ લીધું મેં સમયની ચાલમાંથી!

રોગ લાગે છે મને ગંભીર મારો,
રોજ પીંછાં કાં ખરે છે પાંખમાંથી?

આંખ સામે એક પંખી ભસ્મ થાતું,
એક પંખી થાય બેઠું રાખમાંથી!

– કિશોર જીકાદરા

સ્વયંસિદ્ધ ગઝલ… આપણે ભૂત અને ભવિષ્યની ચિંતામાંને ચિંતામાં સોના જેવી આજને જેમ જીવવી જોઈએ એમ જીવી શકતાં નથી… સરકી ગયેલી પળ પછી ગમે એટલી શોધો, હાથ લાગતી જ નથી. સમયની ચાલવાળો શેર પણ બળવત્તર થયો છે. જરૂર પડે ત્યારે જ સમય મૂઢ બની જાય છે, આપણા પ્રશ્નોના જવાબ આપતો નથી. જીજીવિષા અને લાખો નિરાશામાં છુપાયેલી અમર આશાને શબ્દસ્થ કરતો છેલ્લો શેર પણ એવો જ ધ્યાનાર્હ થયો છે.

Comments (6)

સાદ કરું તો … – કિશોર જીકાદરા

સાદ કરું તો કામ બધાં છોડીને આવે,
પડઘો મારા સરનામે દોડીને આવે !

પ્હેલી નજરે પોપટ એ પરદેશી લાગે,
બચકારો તો સરહદ એ તોડીને આવે !

તોરતરીકા અસ્સલ એના તારા જેવા,
ખુદને મળવા દર્પણ એ ફોડીને આવે !

પૂરેપૂરો માવડિયો લાગે છે અમને,
હડસેલું તો પડછાયો ચોંટીને આવે !

ચોમાસાની લાજશરમ નડતી લાગે છે,
નૈ તો સૂરજ વાદળ કાં ઓઢીને આવે ?

છેદ કરું હું દરિયામાં તો દરિયો ડૂબે,
સપનું આવું નાનકડી હોડીને આવે !

– કિશોર જીકાદરા

આખી ગઝલ સરસ પણ ચોમાસાની લાજશરમવાળો શેર હાંસિલ-એ-ગઝલ. ચોંટીને અને ઓઢીને – આ બે કાફિયામાં દોષ ન થયો હોત તો રચના સંઘેડાઉતાર થાત.

Comments (4)